એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ : સત્ પુરુષ

Facebooktwitterredditpinterestlinkedinmail

મોહનદાસ કરમચંદ ગાંધી

સત્ પુરુષ.*[૧]

[ધી રાઈટ ઓનરેબલ શ્રીનિવાસ શાસ્ત્રીએ નીચેનો લેખ સર્વે ગ્રાફિક નામના અમેરીકન પત્રમાં સને ૧૯૨૧ માં લખેલો.]

રાજપ્રકરણ અને મનુષ્યનું સામાન્ય જીવન એ બંને વાતો એટલી બધી નજીકની છે કે, તે નજીકપણું સહજમાં દૂર થઈ શકે તેવું નથી. ગાંધીને તો અવશ્ય એ બેને ભિન્ન કરવાની વાત નહિ રૂચે; કારણ કે રાજકારણની ચોતરફ જે દાંભિકતાનું વાતાવરણ પ્રસર્યું છે, તે નષ્ટ કરી મનુષ્યનો જીવનક્રમ સાદો, સરળ અને શુદ્ધ કરવો એ તેમનું કાર્ય છે. આજે તે રાજપ્રકરણમાં પડેલા જણાય છે, પણ તે કેવળ પ્રસંગાનુરૂપ અને યદ્દચ્છાથી થયું છે. આજે તે બ્રિટિશ સરકાર સામે યુદ્ધ આદરીને તેને સર્વ ક્રોધ પોતાના પર ઉતારી લે છે તે કેવળ યદ્દચ્છાથીજ. ગાંધીએ ફુંકેલી સ્વરાજ્યની ભેરીનો નાદ સારા જગતમાં ભમી રહ્યો છે અને ગાંધીની સ્વરાજ્ય વ્યાખ્યા કેવી છે તે જાણવાને જગત ઉત્સુક થયું છે. આ પણ કેવળ યદ્દચ્છાથીજ બન્યુ છે. ગાંધીએ પોતાનો કાર્યક્રમ એવા હેતુથી યોજાયો ન હતો. તેમનો મુખ્ય આશય સમગ્ર માનવજાતિનો જીવનક્રમ સુધારવો એ છે. મનુષ્યની નિત્યપરિચર્યાને તદ્દન સાદું અને સ્વાભાવિક વલણ આપવું, એ તેમની શ્રુતિનું મહાવાક્ય છે, તે ખુલ્લા દિલે કહે છે કે, પોતે પાશ્ચિમાત્ય સંસ્કૃતિના કટ્ટા દુશ્મન છે. હિંદુસ્થાનને સ્વરાજ્ય પ્રાપ્ત કરી આપવું એ તે તેમના મહાયુદ્ધમાંનું એક નાનું આક્રમણ છે; અને જગત આખાને નવીન વલણ અાપી સમાજરચનાનો નવીન પાયો નાખવો એ તેમના મહાયુદ્ધનો મુખ્ય ઉદ્દેશ છે. આ યુદ્ધને આવશ્યક એવા અનેક વ્યુહોમાંનો  હિંદુસ્થાનનું સ્વરાજ્ય એ એક વ્યૂહ છે. આ સ્વરાજ્યના

આક્રમણને તે જે તત્વો લાગુ કરે છે તેજ તત્વો ૫૨ તેમના મહાયુદ્ધની રચના થઈ છે. જે શાસ્ત્રોથી તે સ્વરાજ્યનું નાનું આક્રમણ વિજયી બનાવવા ઇચ્છે છે તેજ શસ્ત્રોનો તે પોતાના મહાયુદ્ધમાં સર્વત્ર ઉપયોગ કરવાના છે. જે સદ્ગુણ હિંદી જનતામાં ઉપસ્થિત કરી તેના હાથે સ્વરાજ્ય સ્વારી સફળ કરવા ધારે છે, તેજ સદ્ગુણનો સમસ્ત જગત પર ઉદય કરી તે મહાયુદ્ધ જીતવાના છે. જે નિયમ આ નાનકડા આક્રમણને લાગુ છે તેજ મહાયુદ્ધને પણ લાગુ છે. આમાં મુખ્ય નિયમ એ છે કે, હિંસક નીતિનો સંપૂર્ણ ત્યાગ. આ ત્યાગ કર્યા માત્રથી નહિ પણ મનથી સુદ્ધાં થવો જોઈએ. તેમનો આદેશ એ છે કે, કાયા, વાચા કે મનથી કદિ પણ શત્રુ પર તૂટી પડવું નહિ. અહીં “શત્રુ” શબ્દ પણ ગાંધીના કોષમાં ખપે તેવો નથી. તે આ શબ્દને સ્થાને બહુ બહુ તે “પ્રતિષક્ષી” શબ્દ યોજવા તૈયાર થશે. હા, તે એ વાત સ્વીકારે છે કે, પ્રતિપક્ષી તેમની યુદ્ધનીતિનું આ મહાસૂત્ર કબૂલ કરશે નહિ અને તે પ્રમાણે ચાલશે પણ નહિ. તે તો આ૫ણા ૫ર દંડપ્રયોગ જ કરશે, આપણને બેહાલ બનાવશે અને આપણા સર્વસ્વનો પણ નાશ કરશે; પણ એ માટે તે કહે છે કે, “એવો સર્વનાશ આપણા આનંદનો કારણભૂત બનશે. કિંબહુના એવો સર્વનાશ થાય એ હેતુથી જ આપણે આપણા કાર્યક્રમ ઘડવા જોઈએ. સર્વસ્વનો નાશ થવામાં આનંદ માનવા જેટલી તમારા ચિત્તની તત્પરતા ન હોય તો ભલે, પણ નિદાન નાશની સામે થવાની કે તેની વિરૂદ્ધ તકરાર કરવાની વાત તો કરતા જ નહિ. પ્રતિપક્ષી પર પ્રેમ કરો; પણ પ્રેમ કરવા જેટલી ચિત્તસમતા તમારી પાસે ન હોય તો નિદાન તેના આપરાધને તો ક્ષમા કરજો જ; તેની પ્રતિક્રિયા  કરતા નહિ. હિંસકનીતિ સર્વથા ત્યાજ્ય હોવાથી તેતો તો સાવ ઉચ્છેદ થવો જોઈએ. આત્મા અજીત છે. તેના નિદ્રિત સામર્થ્યને જાગૃત કરો અને તેનો ઉપયેાગ કરતાં શીખો. ગમે તેમ થાય તો પણ સત્યનો માર્ગ ન ત્યજો. “અંતે સત્યનેાજ જય છે” એ સિદ્ધાંત તરફ કદિ પણ દુર્લક્ષ ન કરો. એ સર્વ ગાંધીના મહાયુદ્ધના સામાન્ય નિયમ છે. અહિંસા એ તેમનું મહાવાક્ય છે. એ મહાવાક્ય એકવાર સુવિદિત થાય છે એટલે તેનાં અનેક પેટા સૂત્રો સ્વાભાવિક રીતે જ નિર્માણ થાય છે.

તે કહે છે કે, “આ સૂત્રોના આધારે સ્વરાજ્યનો પ્રયત્ન ચાલશે તો એાછામાં એાછી અડચણે આપણું ધ્યેય સિદ્ધ થશે. સાંપ્રતની પાશ્ચિમાત્ય સંસ્કૃતિ અને સાંપ્રતની નોકરશાહી રાજપદ્ધતિ, એ સેતાનનાં સંતાન હોવાથી તેનો નાશ કરવાને કોઈ પણ પ્રકારનો સહકાર તેની સાથે ન કરવો એજ યોગ્ય ઉપાય છે. જે માર્ગે હિંદી પ્રજા૫ર એ સેતાનનાં સંતાનોની શૃંખલા પડી છે તે માર્ગ થી પરાવૃત્ત થવું એ પહેલો ઉપાય છે. શાળાઓ, અદાલતો અને પારાસભાઓ એ ત્રણ માર્ગે એ શૃંખલાઓ ઘડાવવામાં આવે છે, માટે બાળકોને ઉઠાડી લઈ શાળાઓ ઉજ્જડ કરો, અદાલતોના મુખ તરફ ન જુઓ અને ધારાસભાએાની ચુંટણીએામાં મત ન આપો.” તેજ પ્રમાણે તે ઉપદેશે છે કે, “યંત્રકળા અને તેનાથી ચાલતાં કારખાનાં સુદ્ધાં શેતાનનાં સંતાન હોવાથી તથા હિંદીએાને શીરે ગુલામી ચોંટાડવાનું એ પણ એક સાધન હોવાથી તેનો ત્યાગ પણ આવશ્યક છે,” આજ હેતુથી તેમણે પરદેશી કાપડનો બહિષ્કાર ઠરાવ્યો છે. તે કહે છે કે, “પ્રત્યેક ઘરમાં રેંટીઓ ફરવો જોઈએ.” ગાંધીને રેંટીઆની ગતિમાં અલૌકિક સામર્થ્ય દેખાય છે. રેંટીઆના ગુંજનથી આત્મા પવિત્ર થાય છે અને તેનાથી ઉત્પન્ન થતું  કાપડ શરીરને વિશેષતઃ સ્ત્રીના શરીરને વિલક્ષણ શોભા આપે છે. રેંટીઓ અને હાથવણાટને કામ ચલાઉ મહત્વ નથી પણ હંમેશનું મહત્ત્વ છે, કેમકે પાશ્ચિમાત્ય સુધારા સાથે ચાલતું યુદ્ધ એક બે દિવસમાં પુરૂં નહિ થતાં દીર્ઘ કાળ ચાલવાનું છે.

પોતાના આ મતોનો પ્રચાર ક૨વા સારૂ ગાંધીએ અમદાવાદમાં “સત્યાગ્રહ આશ્રમ” નામની એક સંસ્થા સ્થાપી છે. અહીં આવનાર અનુયાયીઓ આજ શુભ ઉદ્યોગમાં બંધાયેલા હોય છે. તેમણે જીવન પર્યંત એ તત્ત્વોના પાલન તથા પ્રચાર માટે શપથ લીધેલા હોય છે. અસહકારનું આક્રમણ ચલાવવા માટે વચ્ચે વચ્ચે સામાન્ય સૈનિકની જે મોટી સંખ્યાની જરૂર પડે છે, તેની ભરતી એક એક વિશિષ્ટ અંગ પુરતીજ કરેલી હોય છે. સામાન્ય સૈનિકોને એ તત્ત્વો જીવનભર પાળવાના શપથ લેવા પડતા નથી. નોકરશાહી શરણે આવીને પોતાનો માર્ગ છોડી દેવા તૈયાર થાય એટલે એ સૈનિકોને ઘેર જઈ પોતાનું જુની પદ્ધતિનું જીવન ગાળવાની પૂર્ણ છૂટ છે. અસહકાર પૂર્ણ જોરમાં આવશે એટલે કાયદાનો સવિનય ભંગ પણ શરૂ થવાનો છે. કેટલાક વિશિષ્ટ કાયદા તોડવા, અને કર આપવા નહિ, એવાં કાયદાભંગનાં બે અંગ છે એ તો સ્પષ્ટ છે કે, સવિનય કાયદાભંગનો આરંભ થશે એટલે સરકાર ખળભળી ઉઠશે અને સખત ઉપાયો યોજશે; તથાપિ ગાંધીની સખત આજ્ઞા છે કે, કોઈ પણ પ્રસંગે અને કોઈપણ કારણે હિંસાનું અવલંબન આપણે કરવાનુ નથી.

માનવી જીવનક્રમ સંબંધી ગાંધીના મતોનું જ્ઞાન થવા સારૂ અમદાવાદ આશ્રમવાસીએાએ પાળવાના જે નિયમ છે, તે સારી રીતે ધ્યાનમાં લેવા જોઈએ. સત્યાગ્રહ આશ્રમ એ નામ પણ તત્ત્વબોધક છે. અત્યંત આગ્રહથી સત્યાચરણ કરવાનો જેમને  નિર્ધાર છે તેમના નિવાસની જગ્યા, તેનું નામ “સત્યાગ્રહ આશ્રમ ” યા આશ્રમ અદ્યાપિ બાલ્યાવસ્થામાં છે. એમાં ખરૂં ચૈતન્ય કેટલું છે તેની કસોટીનો પ્રસંગ હજુ આવેલો નથી. આશ્રમની સ્થાપનાના દિવસથી તેના ઉત્પાદકનું લક્ષ અન્ય અનેક મહત્વની બાબતોમાં ગુંથાયાથી આશ્રમની પૂર્ણાવસ્થા માટે ઉદ્યોગ કરવાની સવડજ તેમને મળી નથી. આ પુર્ણાવસ્થા પ્રાપ્ત થવાને આશ્રમવાસીઓની સંખ્યામાં પુષ્કળ વૃદ્ધિ થવી જોઈએ અને તેની સખત પદ્ધતિ સામાન્ય જનતાને ગળે પણ ઉતરવી જોઈએ. એ તો સ્પષ્ટ છે કે, આજે જે થોડા શિષ્યો છે તેમના વર્તનમાં દૃષ્ટિએ પડતાં તત્ત્વો સામાન્ય જનતાને પૂર્ણપણે રૂચશે તો જ તે ચિરસ્થાયી થશે. જે મૂળ તત્ત્વો પર એ સંસ્થા રચાઈ છે તે તત્ત્વોનું અંતર્ગત રહસ્ય પૂર્ણ રીતે સમજ્યા સિવાય તેના ભાવી ઉદય અને જનસમૂહ પરની અસરનો અજમાસ થઈ શકે તેમ નથી.

કોઈ પણ વ્યક્તિને પૂર્ણ ક્રિયાસ્વાતંત્ર્ય ન હોય, તો તે સત્યાચરણ પણ ન આચરી શકે એ સ્પષ્ટ છે, માટે અહીં કોઈ પણ નિશ્ચિત બંધન નથી. અધિકા૨, જુલમ, શાસન સંસ્થા વગેરે નિગ્રહદર્શક શબ્દોનો વાસ પણ એ સંસ્થામાં હોઈ શકે નહિ. કેવળ લૌકિક સ્વરૂપનાં બાહ્ય બંધનો તોડીને શુદ્ધ તત્વોને અનુસરવા નીકળનારને કોઈનો પણ નિગ્રહ શી રીતે ખપે ? અાશ્રમવાસીએાને જે કંઈ બંધન તરીકે છે, તેનું સ્વરૂપ વ્યકત કરવા માટે ગાંધી બે ત્રણ શબ્દોની યેાજના કરે છે. તેને કદિ તે પ્રેમનું બંધન કહે છે, કદિ સત્યનું બંધન કહે છે અને કદિ અહિંસાનું બંધન પણ કહે છે. આ ત્રણે વસ્તુ નામથી ભિન્ન જણાતી હશે, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ તો એકજ છે એવો ગાંધીનો મત છે. આ ત્રણ વસ્તુના પાયાપર થયેલી સમાજ- રચનામાં રાજશાસન અથવા સરકાર સંસ્થાને ગાંધીની દષ્ટિએ  અવકાશ જ રહેતો નથી; કારણ કે એવી સમાજરચનામાં સરકારી સંસ્થા ન્યાયની દૃષ્ટિએ જ અયોગ્ય ઠરે. અાથી કુટુંબ અથવા શાળા પણ કેવળ પ્રેમના ધોરણે જ ચાલવાં જોઈએ એમ તેમનું કહેવું છે. પવિત્ર આચરણ અને પ્રેમમય અંત:કરણ એ બે વસ્તુથી જેટલાં નૈતિક બંધન ઉપસ્થિત થતાં હોય તેટલાંજ તેમની દૃષ્ટિએ પુરતાં છે. તે કહે છે કે, કુટુંબ અને શાળાની રચના પ્રેમ અને પવિત્રતાના સૂત્ર પર થવી જોઈએ.

પોતાની સંસ્થામાં, કુટુંબમાં અથવા દેશમાં એ તત્વોનું કોઈ સ્થળે ઉલ્લંધન થાય છે, તો તેનો પણ સર્વ દોષ ગાંધી પોતાને માથે ખેંચી લે છે અને તેના નિરાક૨ણ માટે તે પોતાને શિક્ષા પણ કરી લે છે. કેટલાક દિવસ સુધી તે પૂર્ણ ઉપવાસ કરે છે અને તેટલી મુદતમાં અપરાધી પશ્ચાતાપ પામી ઠેકાણે આવે છે એવો અનુભવ પણ થયો છે. એક વખત એક મીલમાં હડતાળ પડી ત્યારે ગાંધીએ એ જ ઉપાયની યોજના કરી. તરતજ મીલમાલેક શુદ્ધિ પર આવ્યો અને મહાત્માના ઉપોષણનું પાપ પોતાના માથે ન પડે તે માટે તેણે મજૂરોની માગણી કબૂલ કરી. યુવરાજનું મુંબઈમાં આગમન થયું ત્યારે ત્યાંના કેટલાક માણસોએ તોફાન કરવાથી તે પ્રસંગે પણ ગાંધીએ એજ ઉપાયની યોજના કરીને તેનું શમન કર્યું, એવી હકીકત પ્રસિદ્ધ થઈ છે.

ગાંધી પૂર્ણ ત્યાગી છે. ત્યાગ એ તેમનો મહામંત્ર છે અને અન્ય પણ તેજ મંત્ર સ્વીકારે એવી તેમની ઇચ્છા છે. તેમની દૃષ્ટિએ જીવનની ચાલુ ક્ષણે જેટલી વસ્તુઓની જરૂર હોય, તેથી અધિક સંગ્રહ કરવો એ તેમને મન ચોરી કરવા જેવું છે. ગાંધી અને તેમનાં પત્ની એ ઉભયે પોતાના સર્વસ્વનું દાન કરી દીધું છે. તેમણે ઘણાં વર્ષ વકીલાતનો ધંધો કર્યો હતો અને તેમાં તેમને પ્રાપ્તિ પણ સારી હતી, પરંતુ હવે તેમની પાસે  તેમના શરી૨૫૨નાં વસ્ત્રો શિવાય કંઈએ તેમનું કહેવા જેવું નથી. કદાચિત બદલવા પુરતું એકાદ અધિક વસ્ત્ર અને તે રાખવા પુરતી પેટી કે થેલી એટલી જ તેમની સંપત્તિ છે. અમદાવાદના તેમના આશ્રમમાં આવશ્યક કરતાં વિશેષ એવી એક પણ વસ્તુ તમને નહિ મળી આવે.

પ્રત્યેકે પોતાના જ શ્રમથી પોતાની આવશ્યકતા પુરી કરી લેવી જોઈએ, એવું તેમનું મમત્વ છે. પેાતાને જરૂરનું ધાન્ય પોતે મેળવવું અને પેાતાનાં વસ્ત્ર પણ પોતેજ કાંતીને વણવાં; એવી સ્થિતિ ગાંધીને ઇષ્ટ લાગે છે. વિદ્વાન પંડિતને પણ તે અન્યના શ્રમનું ખાવાને સંમતિ આપતા નથી. તે કહે છે કે, મગજનો વિશેષ ઉપયોગ કરનારાએ પણ પોતાની જરૂરીયાત જેટલો શારીરિક શ્રમ કરવો જોઈએ. રેંટીઆની તો ખરેખર જ તેમને ધૂન લાગી રહેલી છે. તેનો અવાજ તેમને સંગીત કરતાં પણ વિશેષ મધુર લાગે છે. સર્વ સ્ત્રી પુરૂષોને તે રેંટીઓ લઈ બેસવાનો આગ્રહ કરે છે. વિદ્યાર્થીએાએ પુસ્તકો ફેંકી દઈ રેંટીઓ ૫કડવો, ધારાશાસ્ત્રીએાએ પુરાવા અને નોટીસો નાખી- દઈ રેંટીઆની આરાધના કરવી અને દાકતરે પણ છાતી તપાસવાની નળીને બદલે રેંટીઆનો દાંડો પકડવો, એમ કહેવા જેટલે તેમની મજલ પહોંચી છે.

અાજ સુધીમાં રેંટીઆથી તૈયાર થયેલો માલ જાડો પાતળો અને ખડબચડો જ છે; પણ ગાંધી પ્રશ્ન કરે છે કે, સ્વત:ના હસ્તે તૈયાર થયેલાં ખડબચડાં વસ્ત્રો કરતાં અધિક ભૂષણસ્પદ વસ્તુ કઈ છે ? તેમની એક શિષ્યાએ સ્વહસ્તે સાડી તૈયાર કરી અને પછી તે પહેરીને પોતાના ગુરૂ પાસે ઉભી રહી. ત્યારે ગાંધીએ તને નીરખી લઈ કહ્યું, આ તો સ્વર્ગની દેવી છે. અને ખરેખર તે ગાંધીની દૃષ્ટિએ સુંદર લાગી હશે, એ વિષે મને શંકા નથી.  ગાંધી પોતાની સૂત્રાવલિમાં ઇંદ્રિયનિગ્રહને પ્રથમ સ્થાન આપે છે. આ તપશ્વર્યા અતિ ઉગ્ર છે અને તેની ઉપાસના તદ્દન ધીમેધીમે થશે એ સ્પષ્ટ છે તથાપિ તે કહે છે કે, અવિરતપણે અને તીવ્ર નિગ્રહથી એ માર્ગપર અહર્નિશ આરૂઢ રહેવું જોઈએ. આવી સ્થિતિમાં મોજશોખના પદાર્થોનો પ્રતિબંધ હોય એમ કહેવાની જરૂર જ રહેતી નથી. અરે, સામાન્ય પ્રકારનાં સુખ સગવડ પણ ધીમેધીમે ત્યજવાં જોઈએ. આ બાબતમાં જીવ્હા ઈંદ્રિય સર્વમાં અતિ ઉચ્છૃંખલ છે, માટે તેનો પ્રથમ નિગ્રહ કરવો જોઈએ અને એ ધર્મ માર્ગમાં જાડી પાતળી ભાખરી પ્રથમ પગથીયા રૂપ છે. એમાં આગળ વધવા માગનારે જાડાં પાતળા અન્નમાં સંતોષ માનવો જોઈએ. એ સંતોષ સ્વાભાવિક બનવો તે મુમુક્ષુ પ્રથમ પગથીયા પર આરૂઢ થયાનું ચિન્હ છે. વિવાહિત શ્રીપુરૂષને આશ્રમમાં રહેવું હોય તો તેમણે ભાઈ બહેન તરીકે વર્તવાના શપથ લેવા પડે છે. જો ગાંધીના હાથમાં તેવીજ કઈ સત્તા હાત તે તેમણે એ નિયમ આખા જગતને લાગુ પડ્યો હોત. આવી સ્થિતિમાં માનવજાતિ નષ્ટ થાય એ સ્પષ્ટ છે, પણ તેમને એ અનર્થનો ભય સ્પર્શ સુદ્ધાં નથી કરતો. તે કહે છે કે, “આત્મા અમર છે. પૃથ્વી ઉજ્જડ પડશે તો આપણે સર્વ અન્ય અધિક ઉચ્ચ પરિસ્થિતિવાળા ગ્રહપ૨ જઈને રહીશું.” કર્માનુસાર માનવાત્માને ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે, એ સિદ્ધાંત માનનારને ગાંધીના મતમાં નવાઈ જેવું લાગશે નહિ.

યંત્રકલા અર્વાચીન પાશ્ચિમાત્ય સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ હોવાથી તેનો ત્યાગ પણ અવશ્ય કરવો જોઈએ. યંત્રો સુદ્ધાં સેતાનના રાજ્યનાં રહેવાસી છે. મીલો અને કારખાનાં મજૂરની માણસાઈ નષ્ટ કરનાર હોવાથી ગાંધીના રાજ્યમાં  તેમને પણ સ્થાન નથી, કહેવાની જરૂર નથી કે, એવાં કારખાનાંથી ઉત્પન્ન થનારૂં ધન શુદ્ધ પાપમૂલક અર્થાત્ ત્યાજ્ય છે. ટપાલ, તાર અને આગગાડીનો પણ ગાંધી બહિષ્કાર કરે છે તથા છાપખાનાં જેવી વસ્તું પણ તેની પાછળ પાછળ જાય છે. એમાંની એકાદી વસ્તુનો ગાંધીને ઉપયોગ કરવાની ફરજ પડે છે ત્યારે તેમના હૃદયમાં ગડમથલ થઈ રહે છે. પોતાનું કાર્ય તેની મદદ સિવાય ચાલશે જ નહિ એ વાત તે જાણે છે એટલે તેનો ઉપયેાગ કરેજ તેમનો છૂટકો રહ્યો. જે પ્રમાણે પૃથ્વી પરની હવા દૂષિત હોય તોપણ જીવનધારણ માટે તે આવશ્યક છે; તે પ્રમાણેજ સાંપ્રતમાં એ વસ્તુ વિષે છે, કાંટાથી કાંટો કાઢવાની દૃષ્ટિએજ ગાંધી અર્વાચીન વસ્તુઓનો ઉપયોગ કરે છે. વ્યવહારના સાધનો પુષ્કળ વધી જવાથી રોગ અને અનીતિનો પ્રચાર ઝપાટાબંધ થાય છે. પ્રભુએ મનુષ્યને પગ આપ્યા છે તે પરથી જ એથી વિશેષ ગતિનાં સાધનોને તેણે ઉપયોગ કરવો ન જોઇએ, એ તેની ઇચ્છા સ્પષ્ટ નથી થતી કે ? અાગગાડી અને તેવીજ અન્ય અર્વાચીન વસ્તુ સુખસગવડ વધારે છે, એવી સામાન્ય સમજ છે; ૫રંતુ એથીજ ઇંદ્રિયજન્ય સુખલાલસા વૃદ્ધિ પામી મનુષ્ય અધોગતિએ જાય છે એ પણ ખરૂં છે. અર્વાચીન વૈદક પણ ગાંધીના ગદાપ્રહારથી મુક્ત નથી તે સ્પષ્ટ કહે છે કે, એ વૈદક એટલે સેતાની ચેટક, તેની ક્રિયાથી જીવ્યા કરતાં મૂઆ ભલા. આપણા હસ્તે કંઈ ખરાબ વર્તન થશે તો એકાદ ભયંકર રોગમાં સપડાઈશું અથવા આખી જીંદગી દુ:ખમાં કહાડવી પડશે, એ ભય દાકતરી દવાઓથી તદ્દન નષ્ટ નહિ થયો હોય, તો પણ પુષ્કળ એાછો થયો છે. તે કહે છે કે, જો માણસ વર્તમાન જીવનક્રમની કૃત્રિમ દિશા ત્યજી દેશે તો રોગનાં નામનિશાન આપોઆપ નષ્ટ થઈ જશે.  આ અને આવાજ પ્રકારના બીજા મતો સામાન્ય માણસને કઠોર લાગે છે પણ ગાંધીની શ્રુતિનાં એ સઘળાં મહાવાક્ય છે. આ વાતો કેવળ બુદ્ધિ ગમ્ય કરવાની કે મુખે બોલવાના અર્થની નથી. તેનો પ્રત્યક્ષ આચાર થવા માટે ગાંધીનો આગ્રહ છે. એ મતોનો આદ્ય પ્રવર્તક અક્ષરશઃ એ પ્રમાણે વર્તે છે અને આચારમાં કંઈ ખામી રહેતી હશે તો તેના કા૨ણમાં તેમની પોતાની દુર્બળતા કે કુટુંબીઓ પ્રત્યેની વધારે પડતી મમતા તો નથી જ હોતી. માંદગીમાં તે કોઈ પણ દાક્તરની મદદ નથી લેતા. તેમનું અન્ન તદ્દન જાડું પાતળું હોય છે. તે હાથે વણેલી ખાદી વાપરે છે અને એક વસ્ત્રસહ ઉઘાડા પગે સાર્વભૌમના પ્રતિનિધિ આગળ ઉભા રહે છે. ભય નામના પદાર્થની તેમને ખબર જ નથી. તે લોકોને જેવો ઉપદેશ કરે છે તેવીજ રીતે વર્તવામાં કદિ પણ પાછા પડતા નથી. ધાર્મિક ઉન્નતિનો માર્ગ શારીરિક કષ્ટ અને દુ:ખભોગથીજ સાધ્ય કરી શકાય તેવા છે, એ વિચારની જાણે કે તેમને ઘેલછા જ લાગેલી જણાય છે; તથાપિ એટલી કઠોરતામાં પણ દયા અને હૃદયની મૃદુતા તેમનામાં ભારોભાર એાતપ્રોત રહેલી જણાય છે. અમારી પાશ્ચાત્ય પદ્ધતિથી બોલીએ તો તેમને કૃપાસાગર સંજ્ઞા લાગુ પાડી શકાશે. તેમને એક રગતપીતીયાનું લોહીપુરૂ પોતાના શરીરનાં વસ્ત્રોથી લૂછતા પ્રસ્તુત લેખકે જાતેજાત જોયા છે. આજે હિંદુસ્થાનની સામાન્ય જનતાના હૃદય૫ટ૫૨ ગાંધીનું અધિરાજ્ય કેમ સ્થાપન થયું છે, તેનું રહસ્ય આ હકીકતમાંથી મળી આવશે, ગાંધીમાં સંન્યાસવૃત્તિનું મૂર્તિમંત ચિત્ર છે, અને એથીજ હિંદી જનતાએ મહાત્મા પદવીથી તેમનો અભિષેક કર્યો છે.  હવે ગાંધીના કેટલાક અન્ય મતો ત૨ફ વળીશ. આ મતો સ્વાભાવિક રીતેજ ગૌણ પદવીના છે. ગાંધીને વર્ણ વ્યવસ્થા માન્ય છે; તથાપિ તેમને ઉચ્ચ વર્ણ ના વિશિષ્ટ હક્ક અને વર્ણાભિમાન માન્ય નથી. તાત્પર્ય એ છે કે તે મૂળની ચાર વર્ણ સ્વીકારે છે અને એ વર્ણ નું સ્વરૂપ મૂળ પ્રમાણેજ શુદ્ધ ઇચ્છે છે. તેમનો મત એવો હોવાનું જણાય છે કે, ચાતુર્વ વર્ગ વ્યવસ્થા એ હિંદુ ધર્મનું સારસર્વસ્વ છે; તથાપિ તેમનો આ મત તેમના શિષ્યોમાંના ઘણા મોટા ભાગને માન્ય નહિ થવાનો સંભવ છે. તેમને પોતાનો ધર્મ જુની પદ્ધતિએ ચાલુ રહે એજ ઇષ્ટ લાગે છે. હિંદુ ધર્મ તદ્દન મૂળનું શુદ્ધ સ્વરૂપ પામે એ ગાંધીને પણ માન્ય છે, અને એ માટેજ તે તેમાં પ્રવેશેલા અસ્પૃશ્ય દોષ નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. કરોડો માણસને ઉચ્ચ વર્ણના હિન્દુઓ અસ્પૃશ્ય માને છે. તેઓ સમજે છે કે, સ્પર્શ કરવા જેટલી પણ તેમનામાં સામ્યતા નથી. આ કરોડો માણસો માનવ પ્રાણીને અયોગ્ય એવી સ્થિતિમાં રહે છે. એ સ્થિતિમાંથી તેમને બહાર લાવવા ગાંધી ઇચ્છે છે. તે કહે છે કે, એમને અસ્પૃશ્ય માનવાની સંમતિ હિંદુ ધર્મશાસ્ત્રે કદિ પણ આપી નથી. એમની ઉન્નતિ તેમની આંતરિક સુધારણાથી થાય તેવા ધોરણો, તેવા પ્રકારના ઉપાયોની ગાંધી યોજના કરે છે. તે ઉચ્ચ વર્ણના લોકોની માફક જ તેમની રહેણી બનાવવા કરે છે. આ અસ્પૃશ્ય લોકો સદાચારથી અને વ્યવસ્થાપૂર્વક વર્તશે એટલે ઉચ્ચ વર્ણના લોકોના મનમાં તેમના માટે રહેલો અનાદર ધીમે ધીમે ઘટતો જશે અને ઉભયપક્ષને જોડનારો માર્ગ ખુલો થતો જશે.

ગાંધીના સામાજિક મન અને રાજપ્રકરણ એ બેને કેટલાક પ્રસંગે તેમના કેટલાક અનુયાયીઓએ ભેળસેળ કરી  દીધાથી તેમના કાર્યને કેટલીક વખત ધક્કો પણ લાગ્યો છે. તે કહે છે કે, જે સમાજરચનામાં અસ્પૃશ્યત્વ જેવાં ભયંકર વ્યંગ છે તેવા સમાજને રાજકીય હક્ક પ્રાપ્ત થાય તોપણ તે કંઇજ કામના નથી. સમાજનાં એ વ્યંગ દૂર કર્યા સિવાય સ્વરાજ્ય હાથમાં નથી આવવાનું, પણ રાજકીય ચળવળના અતિરેકથી સમાજમાં થતા ખળભળાટ તેમના વિચારને પોષક નીવડતો નથી. રાજશાસન અને સ૨કારી નોકરવર્ગ પ્રત્યે દ્વેષ કરવાની વૃત્તિ યુવાન અનુયાયીએામાં સ્વાભાવિકપણે ઘર કરી બેસે તેવી છે. લોક સેવા માટે જેમને સ્વયંસેવક બનાવવામાં આવે છે, તેમને ગાઇ વાજાવીને કહેવામાં આવે છે કે, સરકારને અડચણમાં નાખી રાજકારભારનું ગાડું ઉધું વાળવું એજ આપણું કામ છે.

બાળકો માટે શિક્ષણપદ્ધતિ કેવી હોવી જોઈએ અને શિક્ષણનું અંતિમ ધ્યેય શું ? તે વિષે અદ્યાપિ મહાત્માજીએ ખુલ્લું સ્પષ્ટીકરણ કર્યું નથી. છેક નાનાં બાળકોને પણ ફરજિયાત શિક્ષણ આપવાની વાત તેમની પસંદગી પામે એમ લાગતી નથી; તેજ પ્રમાણે વિજ્ઞાન, યંત્રકળા, પ્રાચીનવસ્તુ સંશોધન, અર્થશાસ્ત્ર વગેરે અર્વાચીન શાસ્ત્રોને પણ તેમની સાદી સીધી વ્યવસ્થામાં સ્થાન મળે તેમ લાગતું નથી. આખા દેશની એકભાષા થાય તેને માટે પણ તેઓ ખૂબ પ્રયત્ન કરે છે. માને છે કે, હિંદુસ્થાનની એક ભાષાનું સ્થાન હિંદીજ લઈ શકે. આ ભાષાના પ્રચાર માટે તેમણે પોતાની હમ્મેશની કાળજીથી ધન ભેગું કરીને તેમાંથી તેમણે દેશમાં હિંદી ભાષાના શિક્ષકો મોકલવાની વ્યવસ્થા પણ કરી છે. હાલમાં અસહકારનો જુવાળ વિશેષ જોરમાં હોવાથી નાની વાતો તરફ કુદરતી રીતેજ લક્ષ એાછું થયું છે. શિક્ષણ પદ્ધતિ સંબંધી અદ્યાપિ મહાત્માજીના મત પુષ્કળ લોકોને કદાચિત માન્ય પણ નહિ થાય  તેથી એક ભાષા વિષેના તેમના મતને જોઈએ તેટલી પુષ્ટિ મળેલી જણાતી નથી.

આ લેખક ગાંધીના રાજકારણી શિષ્યવર્ગમાંનો નથી કે નથી તેમના ધર્મ મતનો અનુયાયી; તથાપિ ગાંધીનો કેટલાંક વર્ષથી પરિચય હોવાથી તેમના મતોનું તેણે આદરપૂર્વક નિરીક્ષણ કર્યું છે. મહાત્માજીના સાન્નિધ્યમાં સત્સંગનો કેવો લાભ હોય છે તેનો પણ તેને અનુભવ મળ્યો છે. વજ્રપ્રાય માનસિક શક્તિ પોતાનુ કાર્ય શી રીતે કરે છે, તે પ્રત્યક્ષ જોયાથી પ્રસ્તુત લેખકને મહાત્માજીનું સાન્નિધ્યમાં પુષ્કળ ઉપયોગી થયું છે. મનુષ્યનું કર્તવ્ય શું અને તેનો માર્ગ કેવી રીતે સાફ કરવો જોઈએ તેનું જ્ઞાન પ્રસ્તુત લેખકને મહાત્માજીના જીવંત રૂપે મળ્યું છે. મનુષ્યના સામાન્ય દૃશ્યપટની પાછળ જે ચૈતન્ય અને વિશાળ શક્તિ ઉભી છે, તેનું ઝાંખું ઝાંખું જ્ઞાન પ્રસ્તુત લેખકને પ્રસંગોપાત થયું છે; એવા પ્રસંગે “પવિત્ર ગંગેાદક તો આપણને સ્નાનથી શુદ્ધ કરે છે, પણ સત્પુરૂષનાં તો દર્શન માત્રથી પણ આપણે પવિત્ર બનીએ છીએ” એ અર્થના સંસ્કૃત શ્લોકનું સ્મરણ થયા સિવાય નથી રહેતું.

+++++++++

સમાપ્ત


 *[૧]જગતનો મહાન પુરુષ – સસ્તું સાહિત્ય


વિકિસ્રોત પર પ્રકાશિત થયેલ  ગાંધીજીનાં પુસ્તક ‘  એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ‘માંથી_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *