સંસારત્યાગ કે દિક્ષા

વિમળા હીરપરા

આપણા હિંદુ ધર્મ ને એ સિવાય જૈન ને બુધ્ધધર્મમાં પણ સંસાર ત્યાગ એટલે કે વૈરાગ્ય પર બહુ ભાર મુકાયો છે. ‘ સંસાર અસાર છે, દુઃખથી ભરેલો છે. મોહમાયાનો ત્યાગ કરો, જપ, તપ ને દેહદમન કરો, કામવાસનાનો ત્યાગ કરો આવી જ ફિલસુફીના ગાણા. જાણે સંસારમાં આનંદ માણવો કે સુખી થવુ એ કોઇ ગુનો હોય. સામે સંસારત્યાગ કરનારા મહાન પુજ્ય ગણાય, સામેથી બધી સગવડ મળે. એ વળી સંસારીના રોટલા તોડતા પાછા ઉપદેશ આપે કે તૃષ્ણાનો ત્યાગ કરો ને ભવનું ભાથૂ બાંધો, મોક્ષની તૈયારી કરો.

લાગે છે કે આપણે ભળતે રસ્તે ચડી ગયા છીએ, ત્યાગ ખરેખર સંસારનો નહિ પણ લોભ, કામ, ક્રોધ, મોહ, વેરઝેર, મદ એવી આસુરી વૃતિનો કરવાનો છે. આવા દુર્ગુણો પર વિજય મેળવનારો સંસારી સાધુ છે એને સંસાર છોડવાની કે ભગવા યુનીફોર્મની જરુર નથી. બાકી જેના મનમાં આ આસુરી વૃતિઓ અકબંધ હોય એ સંન્યાસ લે, જંગલમાં જાય કે મંદિરમાં કાંઇ ફરક પડતો નથી. આવા દંભી લોકો ધર છોડી ને મહેલ જેવા મંદિરોમાં રહે છે, માબાપ કે ભાઇબહેન જેવા સાંસારિક સબંધો છોડી ચેલાચેલીની લંગરો ઉભી કરે છે. સાદુ નામ છોડી મહામંડલેશવર, મંહંત, સ્વામીજી કે પરમપુજ્ય ગુરુ ના જેવી લાંબી ડીગ્રી ધારણ કરે છે. સાદા ભોજનને બદલે પ્રસાદ(!) આરોગે છે. આજે લગભગ બધા જ ધર્મોમાં  શારીરિક શિથિલતા ને સ્ખલનના શરમજનક ઘટનાઓ બહાર આવે છે. કારણ એટલુ કે જન્મજાત વૈરાગ્ય  હોય એ વાત અલગ છે પણ માત્ર દેખાદેખીથી કે કોઇ ધર્મધુંરંધરોના પ્રવચન કે એવા ગ્રંથોના વાંચનથી ક્ષણિક આવેગમાં કયારેક કાચી ઉમરના બાળકો, તો કયારેક વયસ્ક પણ, સન્યાસ કે દિક્ષા લે ત્યારે આવા અનર્થ થવાની શક્યતા વધી જાય છે. કયારેક સંસારની મુસીબતોનો સામનો કરવાની અશકિત કે અનિચ્છા માણસ સંસાર ત્યાગ કરે એ પલાયનવૃતિ કહેવાય. જેનાથી કોઇનું ભલુ થતુ નથી.         

આમ જુઓ તો સમાજ એક સાંકળ છે. પરસ્પરની મહેનત ને સહકારથી એ ટકી રહે છે. સમાજની ઉન્નતિ માટે સમાજના દરેક સભ્યે યથાશકિત ફાળો આપવો પડે. સવારથી ગણો તો આપણી જીવનજરુરિયાતની વસ્તુની યાદી, આપણા ભાણામાં પીરસાતા શાકભાજી,ફળો, અનાજ, દુધ,આપણા નળમાં પાણી,વિજળી આ બધામાં સમાજની કોઇને કોઇ વ્યકિતનો અદ્રષ્ટ ફાળો હોય છે. હવે કામ કરવાની વયે કોઇ વ્યકિત સમાજનો અનુત્પાદક વ્યકિત બની જાય એટલે આ સાંકળ તુટે છે.

બીજી વાત કે આપણા ધર્મમાં જણાવ્યા પ્રમાણે માણસ ચાર ઋણ લઇને અવતરે છે. જન્મ આપનાર માબાપ જે એને પાળી પોષીને મોટો કરે  ને સમાજમાન્ય રીતભાત શીખવે. એટલે એ માબાપનો ઋણી બને. પછી ગુરુના આશ્રમ કેવિદ્યાલયમાં જાય, શિક્ષા મેળવે,આજીવિકા રળતા શીખે એટલે ગુરુનો ઋણી બને. વિવાહ કરે, પોતાનો સંસાર વસાવે, માબાપની સંભાળ લે. એટલે કે પરિવારનો ઋણી બને. એમાંથી મુક્ત થાય પછી સમાજનું ઋણ ચુકવવાનો વારો. કારણ કે નવજાત બાળકને માણસ બનતા આખા સમાજની જરુર પડે છે. એટલે માનદ સેવા વડે એ પોતાના  જ્ઞાન ને અનુભવનો લાભ સમાજને આપે છે. આ પ્રવૃતિમાં  અર્થોપાજનની ગણતરી હોતી નથી.  કયારેક સમાજના ભોગે તૈયાર થયેલ સ્નાતક સંમાજનું ઋણ ચુકવ્યા વિના સંસાર ત્યાગ કરે ત્યારે સમાજમાં એક વધારે અનુત્પાદક સભ્ય પેદા થાય છે. આપણા દેશમાં મોંઘવારી,અછત, અરાજકતા જેવા પરિબળોમાં આવા નિરુદ્યમી બાવાઓનો ફાળો ઓછો નથી. ઉપરથી એને પોષવાના.

હવે કોઇ વ્યકિત આ ચારે ઋણ ચુક્વ્યા વિના સંસારત્યાગ કરે ગમે તે કારણસર, પણ એનો મોક્ષ થતો હશે કે કેમ એ શંકા થાય. કેમ કે દેવાદાર મુક્ત ન હોય. એટલુ જ નહિ પણ એ વધારે દેવાદાર બને છે. કારણ એના ક્ષેમકુશળ ને ભરણપોષણની જવાબદારી સંસારી પર પડે છે. આવા ત્યાગીઓ સંસાર પર બોજા રુપ બને છે. સંસારીઓને તો કરવેરા ભરવાના, બે પેઢીની જવાબદારી ને ઉપરથી આવા બાવાઓના મોક્ષનો કરીયાવર!

મારી એક નમ્ર પ્રાર્થના આ સાચા કે ખોટા વૈરાગીને. જુઓ, તમને આ સંસાર અસાર, માયામાં બાંધનાર ને દુઃખદાયી લાગે છે ને. તો પછી આ સંસારથીં દુર તમારુ અભ્યારણ બનાવો. ભિક્ષા લેવા ય સંસારમાં નહિ આવવાનું. ઘાસ,પાન કે ઝાડના મુળીયા ખાવ, માંદા પડો તો અંહી આઇસીયુમાં નહિ ભરાઇ જવાનું. કાં તો એને તમારા કર્મોના ફળ માની ભોગવી લો, કાં તો તમારા તપના ચમત્કારો કે મંત્રોથી તમારા દર્દ મીટાવો.

ટુંકમાં દિક્ષા લો પણ ભિક્ષા નહિ…


વિમળા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “સંસારત્યાગ કે દિક્ષા

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.