બાળવાર્તાઓ : ૯: પનારી જંગલનો કૂકડો

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

પનારી જંગલનો રાજા ગુલાબસિંહ ઘરડો થઈને મૃત્યુ પામ્યો. એ ખૂબ પરાક્રમી અને ન્યાયી રાજા હતો. એના મૃત્યુથી જંગલનાં બધાં પ્રાણીઓ દુ:ખી અને નિરાધાર થઈ ગયાં. આવો કાબેલ રાજા હવે મળવો મુશ્કેલ હતો.

આ જ જંગલમાં ગોંડુ નામનો એક વાઘ રહેતો હતો. એ બહુ જબરો હતો. એણે જોયું કે અત્યારે રાજા બનવાની બહુ સારી તક છે. એથી એ તો આવ્યો બધાં પ્રાણીઓ પાસે અને મોટા અવાજે બોલ્યો:

“હું છું ગોંડુ વાઘ…

કરીશ સૌ પર રાજ!”

ગોંડુની ગર્જનાથી બધાં પ્રાણીઓ ડરી ગયાં. કોઈમાં તેનો વિરોધ કરવાની હિંમત ન હતી. બધાં જાણતાં હતાં કે ગોંડુ દુષ્ટ છે. એનો વિરોધ કરનાર જીવતું નહીં રહે. તેથી સૌએ મૂંગે મોઢે એની વાત સ્વીકારી લીધી.

રાજા બનતાંની સાથે ગોંડુમાં વધારે અભિમાન આવી ગયું. એણે બધાં પ્રાણીઓની સભા બોલાવી. દરેકને જુદાંજુદાં કામ સોંપ્યાં. કાળુ કૂતરાને ચોકીનું કામ, ભીલુ ભૂંડને સફાઈનું કામ, જુબી અને હોલી ઘોડાઓને સૈનિકોનું કામ. એમ બધાં પ્રાણીઓને જુદાજુદા કામની જવાબદારી સોંપી. કામની વહેંચણી કર્યા બાદ ગોંડુ એમ માનવા લાગ્યો કે રાજા તરીકે એનું કામ પૂરું થયું. હવે બધાં પ્રાણીઓ કામ કરશે અને પોતે આરામથી જીવશે.

ગોંડુએ રાજદરબારમાં નાચગાન શરૂ કરાવ્યાં. હારુ મોરને નૃત્ય માટે, રુબી કોયલને ગાવા માટે, તેમ જ જાલી રીંછ અને ગોલુ વાંદરાને સાજ-સંગીત માટે બોલાવ્યાં. આ બધાં કલાકારોને રાજા ગોંડુએ પોતાના દરબારમાં જ રાખ્યાં.

ગોંડુ રાત-દિવસ નાચગાનમાં ડૂબેલો રહેવા લાગ્યો. એ રાજા તરીકે બીજાં કામો પર ધ્યાન દેતો નહોતો. એની અસર જંગલનાં પશુ-પંખીઓ પર પણ પડવા લાગી. ધીમેધીમે બીજાં બધાંને પણ નાચગાનમાં રસ પડવા લાગ્યો. સૌ આખી રાત નાચવા-ગાવા માટે જાગવા લાગ્યાં. પાછલી રાતે સૂએ તેથી સવાર ક્યારે પડી જાય તેની પણ કોઈને ખબર પડતી નહીં. આ કારણે કોઈ પોતાનું કામ બરાબર કરતું ન હતું. એ વાત ગોંડુ સુધી પહોંચી. રાજાએ બધાંને ધમકાવ્યાં. બધાંએ રાજાને કહ્યું:

“નામદાર, આપના દરબારમાં નાચગાન જોતાં રાતનો ઉજાગરો થાય છે. તેથી સૂતા પછી ક્યારે સવાર પડી જાય છે એની ખબર જ પડતી નથી. આપ જ કોઈ ઉપાય શોધો.”

રાજા ગોંડુએ તરત ઉપાય શોધી કાઢ્યો. કહ્યું:

“આટલી નાની વાતમાં મુઝાવાનું હોય? કાલથી સની કૂકડો સવારે સૌથી વહેલો ઊઠી, સૂરજ ઊગે તે સાથે જ કૂ..ક..ડે..કૂક બોલશે. એથી બધાં પ્રાણીઓને સવાર પડવાની ખબર પડી જશે.”

આમ ગોંડુએ સવાર પાડવાનું કામ સની કૂકડાને સોંપ્યું. એ બિચારો દુખીદુખી થઈ ગયો. બીજાં બધાં એમને સોંપાયેલાં કામો બરાબર કરે નહીં તો ચાલે, પણ સનીએ તો એને સોંપાયેલું કામ ફરજિયાત અને સમયસર કરવું જ પડતું. એણે તો સવાર પાડવાની જ હતી!

એક દિવસ સનીની તબિયત બગડતાં એને આખી રાતનો ઉજાગરો થયો. પાછલી રાતે એની આંખ મળી અને એ ઊંઘી ગયો. સવાર પડી ગઈ, છતાં પણ એ ઊંઘતો જ રહ્યો. તેથી એ ‘કૂ..ક..ડે..કૂક’ બોલી શક્યો નહીં અને કોઈ જાગ્યું નહીં. બધાં સૂતાં રહ્યાં.

રાજા ગોંડુને આ વાતની ખબર પડી. એ સની પર ખૂબ ગુસ્સે ભરાયો. સનીએ પોતે કેમ વહેલો જાગી શક્યો નહીં તે વાત કહી, પરંતુ ગોંડુએ એની વાત સાભળી નહીં. એને દસ ફટકા મારવાની સજા કરી. સનીને બહુ ખરાબ લાગ્યું. રાજ્યમાં એ એકલો જ પોતાની ફરજ બરાબર બજાવતો હતો, છતાં એને આવું પરિણામ ભોગવવું પડ્યું.

સનીએ આ જંગલ છોડી જવાનો વિચાર કર્યો, પણ જો એ સમજ્યા-વિચાર્યા વિના ભાગે તો રાજા ગોંડુ સૈનિકોને મોકલી એને પકડી પાડે અને મારી નાખે. તેથી એણે કોઈ યુક્તિ કરવાનો નિર્ણય લીધો.

દિવસો પસાર થવા લાગ્યા. ગોંડુના પનારી જંગલમાં અવ્યવસ્થા અને અન્યાય વધતાં ગયાં. કોઈ કામ કરતું ન હતું. બધાં ભૂખે મરવા લાગ્યાં. ભલાં અને સમજુ પશુ-પંખીઓ વફાદારીથી એમનું કામ કરતાં, છતાં લુચ્ચાં પ્રાણીઓ રાજા પાસે એમની ખોટી ફરિયાદો કરતાં. રાજા એમની ખોટી વાતો સાંભળતો અને સારી રીતે કામ કરતાં પ્રાણીઓને સજા કરતો. એથી એ બધાં ગોંડુના રાજ્યમાં ત્રાસી ગયાં. શેરુ સસલું, ખેમી ખિસકોલી, વીજુ હરણ અને કિલ્લી કાબર પણ સની કૂકડાની જેમ દુ:ખી દુ:ખી થઈ ગયાં હતાં. એ ભેગાં મળીને વિચારવા લાગ્યાં કે કોઈ રસ્તો કાઢવો જોઈએ.

એક દિવસ સની કૂકડાએ જાણી જોઈને કૂ..ક..ડે..કૂકની બાંગ પોકારી નહીં. રાજા ગોંડુએ એને ફરી સજા કરી. સની બીજી સવારે પણ કૂ..ક..ડે..કૂક બોલ્યો નહીં. રાજાએ એને વધારે ફટકા મરાવ્યા. ત્રીજે દિવસે પણ એમ જ થયું. ગોંડુને સની પર ખૂબ ગુસ્સો આવ્યો. એણે એને બોલાવીને કહ્યું:

“જો હવે તું ક્યારેય તારી ફરજ ચૂકીશ તો હું તને જંગલમાંથી કાઢી મૂકીશ.”

સનીને તો આટલું જ જોઈતું હતું. એ તો તે પછીના દિવસે પણ મૂંગો જ રહ્યો. ગોંડુએ એને જંગલમાંથી ચાલ્યા જવાની સજા ફરમાવી.

સની જંગલ છોડીને જવા લાગ્યો ત્યારે એનાં દોસ્તો શેરુ, ખેમી, વીજુ, કિલ્લી અને બીજાં કેટલાંક આંખમાં આંસુ સાથે એની પાસે આવ્યાં.

શેરુ સસલાએ કહ્યું:

“સની, તું તો ત્રાસમાંથી છૂટીને જાય છે, પણ અમારા બધાંનું હવે શું થશે?”

ખેમી ખિસકોલી પણ રડતી હતી. એ માંડમાંડ બોલી શકી:

“લુચ્ચાં પ્રાણીઓ રાજાને આપણા વિશે ખોટી ખોટી વાતો કરે ને રાજા આપણને સજા કરે. આ જંગલમાં જીવી જ કેમ શકાય?”

વીજુ હરણ તો દુ:ખનું માર્યું મૂંગુંમસ થઈ ગયું હતું. એ ઊભુંઊભું રડ્યા કરતું હતું.

ત્યાં કિલ્લી કાબર બોલી:

“ભાઈ સની, તું જ અમને મદદ કર… અહીંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવ.”

પોતાના મિત્રોની આવી દશા જોઈને સનીને ખૂબ દયા આવી. એણે બધાંને શાંત પાડ્યાં અને કહ્યું:

“સાભળો, અહીંથી થોડે દૂર એક બીજું જંગલ છે. ત્યાંનો રાજા શેરસિંહ છે. એ આપણા જૂના રાજા ગુલાબસિંહનો મિત્ર છે. એ આપણા રાજાને ઘણી વાર મળવા પણ આવતો. હું એને ઓળખું છું. એ પણ ગુલાબસિંહ જેવો જ પરાક્ર્મી અને ન્યાયી રાજા છે. હું એને બધી વાત કરીશ. એની પાસે મદદ માગીશ. હું માનું છું કે એ આપણને ચોક્કસ મદદ કરશે. પછી તમે પણ મારી જેમ ગોંડુના ત્રાસમાંથી છૂટી શકશો.”

સનીની વાત સાભળીને એનાં મિત્રોને થોડી શાંતિ થઈ.

સની રાજા શેરસિંહને મળ્યો. એણે એને પનારી જંગલનાં પ્રાણીઓની ખરાબ દશા વિશે બધી વાત કરી.

“એ બધાં પ્રાણીઓને ગોંડુના ત્રાસમાંથી છોડાવવા આપ જ કંઈ કરી શકો,” સનીએ શેરસિંહને કહ્યું.

સનીની વાત સાભળીને શેરસિંહ વિચારમાં પડી ગયો. એને પોતાનો મિત્ર ગુલાબસિંહ યાદ આવી ગયો. આહ, એ કેવો સરસ રાજા હતો! એનું પનારી જંગલ કેટલું બધું સારું હતું! એના રાજ્યમાં બધાં પ્રાણીઓ કેવાં સુખી હતાં! મારા મિત્રના રાજ્યનાં પ્રાણીઓ દુ:ખી હોય તો એમને મદદ કરવી એ મારી ફરજ છે.

શેરસિંહને વિચારમાં પડેલો જોઈને સની બોલ્યો:

“શું વિચારો છો, નામદાર?”

“હં? કંઈ નહીં… સાંભળ… તારા જંગલનાં બધાં મિત્રોને ગોંડુના ત્રાસમાંથી બચાવવાં હશે તો તારે મને પનારી જંગલ વિશે બધી જાણકારી આપવી પડશે.”

સનીએ તરત જ કહ્યું:

“નામદાર, હું એમ કરવા તૈયાર છું, એમ કરીને હું તો મારા પનારી જંગલનાં બધાં મિત્રોને એક દુષ્ટ અને મૂર્ખ રાજાના ત્રાસમાંથી છોડાવી શકીશ અને આપના જેવા સારા રાજા અમને મળશે.”

સનીએ આપેલી બધી માહિતીના આધારે શેરસિંહે પોતાના સૈનિકોને તૈયાર કર્યા અને પાછલી રાતે પનારી જંગલ તરફ નીકળી પડ્યા. સની પણ સાથે ગયો.

આ બાજુ રાજા ગોંડુના દરબારમાં મોડી રાત સુધી નાચગાન ચાલ્યાં હતાં, તેથી શેરસિંહનાં સૈન્યે હુમલો કર્યો તે સમયે બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં. શેરસિંહના સૈનિકોનો સામનો કરવાની કોઈની તૈયારી ન હતી કે કોઈમાં હિંમત પણ ન હતી.

શેરસિંહે ગોંડુને કેદ કર્યો અને ગર્જના કરતો બોલ્યો:

“આજથી આ જંગલ પર મારું રાજ છે… હોય કોઈમાં હિંમત તો મારી સામે આવે!”

કોઈ કશું જ બોલ્યું નહીં ત્યારે રાજસિંહાસન પર બેસતાં શેરસિંહે કહ્યું:

“કાલથી આ રાજ્યમાં એશઆરામ બંધ… બધાએ સમયસર પોતાનાં કામ કરવાં પડશે… અને બચ્ચા ગોંડુ, તેં બહુ આરામ કર્યો છે… કાલથી કામ કરવા માટે તૈયાર થઈ જજે.”

બીજા દિવસે શેરસિંહે બધાંને દરબારમાં બોલાવ્યાં. સૌનાં કામોની બરાબર વહેંચણી કરી. સનીને કહ્યું: “સની, સવાર પાડવાનું કામ તો તારે જ કરવાનું છે, જેથી બધાં સવારે વહેલાં ઊઠી જાય અને પોતપોતાનું કામ સમયસર શરૂ કરી શકે.”

શેરસિંહની વાત સાભળીને ખુશ થયેલો સની બોલ્યો:

“મને આપના રાજ્યમાં કોઈ પણ કામ કરવું ગમશે.”

બસ, ત્યારથી સની અને તેના વારસદારોની કૂ..ક..ડે..કૂક સાથે સવાર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *