સંસ્કૃતિની શોધમાં : ૧૪ : શેરશાહ સૂરિ રોડ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

સૈદપુરનાં હિન્દુ મંદિરોની મુલાકાત લીધા પછી અમે પાકિસ્તાનના સાંસ્કૃતિક ઈતિહાસનાં બીજાં પાનાં ખંખોળવા તૈયાર થયાં હતાં. ખાસ કરીને મને ઉતાવળ હતી તક્ષિલા જોવાની, પણ કોઈક કારણસર પ્રથમ સપ્તાહનો પ્રવાસ તક્ષિલાને બદલે સિંધુ સંસ્કૃતિ તરફ ફંટાઇ ગયો હતો. જો’કે પાકિસ્તાનની મારી પ્રથમ ટૂરમાં અમે લાહોર સુધી જઈ આવેલા પણ તે સમયે ય હરપ્પા જોવાની ઈચ્છા રહી ગઇ હતી. જે આ સપ્તાહે પૂરી થવાની હતી. પણ હરપ્પા સુધી જવામાં આવવામાં ૨ દિવસ બહુ ઓછા પડે તેથી અમે એક વધારે દિવસ હોલ્ટ લઈ લેવાનું નક્કી કરી લીધું. આ તે પ્રથમ સપ્તાહના ગુરુવાર સુધી હું બહુ પડતા ઉત્સાહમાં રહી, કદાચ એક સમયે જેના ઇતિહાસના પાઠો મે ભણ્યા હતા તે ઇતિહાસનાં પાનાં તરફની દોટ મારા મન-હૃદયને શાંત કરવાની ન હતી તેથી એ રાતે થોડી નીંદર કરી, ન કરી અને બીજે દિવસે સૂરજ દાદા આવે તે પહેલાં હું તૈયાર થઈ ગઈ.

હરપ્પા તરફની અમારી આ ટૂરમાં અમારી સાથે મહેરીન અને મી.એન્ડ મિસીસ કારીબ જોડાયાં થયાં. જ્યારે એકરસવાળા વ્યક્તિઓ ભેગા થાય ત્યારે આનંદમાં ઉમેરો જ થાય છે. આ બધાં જ પાકિસ્તાની મિત્રો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ વિવિધ જગ્યાએ ટ્રાવેલ તો સખત કરે છે પણ અમે જે જગ્યાઓ પસંદ કરી છે તે તેમને માટે ય હરપ્પા એ તૂટેલા ફૂટેલા ઇતિહાસ સિવાય કશું જ નથી તેથી તેઓએ ક્યારેય પહેલાં આ સ્થળોની મુલાકાત લેવા વિચાર્યું ન હતું. તેમની વાતથી મને આશ્ચર્ય થયું કારણ કે સિંધુ સંસ્કૃતિ વગર તો ઇતિહાસ અધૂરો છે પણ તેમ છતાં યે તેઓએ એ ઇતિહાસ તરફ કદમ ક્યારેય માંડ્યાં ન હતાં, કદાચ ઘરઆંગણાની વાત આમ જ છૂટી જતી હશે. પણ અમારે માટે પાકિસ્તાન જવું એ મોટી વાત હતી અને સાથે સાથે આ સંસ્કૃતિની મુલાકાત લેવી એ એથીયે વિશેષ વાત હતી. આથી અમારે તો અમારું મનરૂપી માળવું ભરાઈ જાય તેટલો ઇતિહાસ આંખે અને મને ભરી પીવાનો હતો કોને ખબર ફરી આ જગ્યાઓ ક્યારે જોવા મળે? તેથી એમ કહી શકાય કે અમારી જેમ તેઓની પણ ઇતિહાસનાં એ સુવર્ણ પાનાં પરની પ્રથમ યાત્રા હતી.

સવારનો એ સમય કશુંક બોલી રહ્યો હતો, પણ વેનમાં બેસેલાં અમે બધાંયે એટલા આનંદમાં હતાં કે એ સવારના સમયને અમે લગભગ અવગણી દીધો. ટૂર દરમ્યાન થતી અમારી વાતચીતમાં હું ઘણીવાર ઈન્ડિયા આવી ને ઘણીવાર પાછી ગઈ. આમેય અમે ઇન્ડિયાની પાડોશમાં જ હતાં વળી જેમ મારે માટે પાકિસ્તાન નવું હતું તેમ તેમને માટે હિંદુસ્તાન નવું હતું તેથી હિંદુસ્તાન, હિન્દુસ્તાની અને હિન્દુસ્તાની કલ્ચર વિષે કશુંક જાણવું તે તેમનાં માટે મોટી વાત હતી. આ વિવિધ વાતચીતનાં દોરમાં અમારે ભૂલવાનું ન હતું કે અમારે પ્રથમ સ્ટોપ ગ્રાન્ટ ટ્રંક રોડ પર લેવાનો છે.

મૂળ ગ્રાન્ટ ટ્રંક રોડ

પાથ, રાહ, માર્ગ, રસ્તો, રોડની દુનિયા પણ અનેરી છે. એ ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી પણ તેમ છતાં યે બધાં લોકોને તે પોતપોતાની મંઝિલ પર પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. આપણા ઇતિહાસમાં લૌકિક અને અલૌકિક એમ બંને જીવનને અનુદર્શીને માર્ગ કે રસ્તાનો ઉલ્લેખ વારંવાર થાય છે. એક સમયે બુધ્ધનો માર્ગ હતો, જીવન માર્ગ છે તો સિલ્ક રોડે ય હતો ને છે. આ બધા જ રસ્તા પરથી કેટલાય યાત્રીઓ ગયાં અને કેટલાય જવાનાં. ઇતિહાસ બદલાતો રહેવાનો, માર્ગનાં રંગરૂપ બદલાતાં રહેવાનાં પણ માર્ગ-રસ્તાનું કાર્ય ક્યારેય બદલાવાનું નહીં તેનું કામ તો એક જ રહેવાનું રાહીઓને નિર્ધારિત જગ્યાએ પહોંચાડવાનું. આજે આવા જ એક રોડનું નામ છે જી.ટી રોડ…જેનો ઇતિહાસ બહુ રોચક છે.

પેશાવર પાસે રહેલ જી.ટી.રોડ ( વિભાજન પહેલાં )

૧૫૪૨ ના ઇતિહાસમાં લઈ જતો આ પહેલો પાકો રસ્તો છે જે એ સમયનાં ભારત (પાકિસ્તાન) ને જોડતો હતો. પણ આ મૂળ રોડ ક્યાં છે તેની માહિતી ખાસ ન હતી તેથી વારંવાર ગાડી ઊભી રાખી અમે આજુબાજુ રહેલાં લોકોને પૂછી રહ્યાં હતાં. પણ અમે જેમને જેમને પૂછ્યું તેમાં મોટા ભાગનાં લોકોને ખાસ ખબર ન હતી તેમ અમને લાગ્યું. આખરે અમે એક ટ્રાફિક પોલીસને પૂછતાં તેણે અમને ગાઈડ કર્યા. ગાઈડ કરતાં કરતાં તે ટ્રાફિક પોલીસે ફૂલ વેન જોઈ પૂછી લીધું કે શું બધાં જ પાકિસ્તાની નાગરિક છે? કદાચ અમારા ચહેરા ભારતીય હોવાની ચાડી ખાઈ રહ્યાં હતાં. અમને લાગ્યું કે કારીબજી કહેશે કે આ લોકો યુ.એસથી છે, પણ તેઓ કહે “ જી; સાબ સારે યહીં કે હૈ, ઔર હમારે રિશ્તેદાર હૈ કરાંચી સે આયે હૈ તો હમને સોચા કી આજ લહોર ચલતે હૈ, લેકિન પુરાની બાતે હો રહી થી તો યહ પુરાને રાસ્તે કી યાદ આ ગઈ.” આ સાંભળી તે ટ્રાફિક ઓફિસર કહે ચલો ઠીક હૈ, એન્જોય કિજીયે હમ ચલતે હૈ…..કહી તે ચાલ્યો ગયો. વેન ચાલું થયા પછી અમે કારીબજીને પૂછ્યું કે આપે જૂઠું કેમ કહ્યું? તેઓ કહે “અગર સચ બોલતાં તો જ્યાદા વક્ત ચલા જાતા.” અમારે માટે આ એક જ વાક્ય સમજવા માટે પૂરતું હતું…..

ઇ.સ ૧૯૧૦ માં ગ્રાન્ટ ટ્રંક રોડ પરથી ટટ્ટુઓ પર બેસી પસાર થઈ રહેલાં મુસાફરો

આખરે શોધખોળ કરતાં કરતાં અમે એ સ્થળે પહોંચી ગયાં ત્યારે ખ્યાલ આવ્યો કે આ માર્ગને સ્થાનિક લોકો “શેરબહાદુર રાસ્તા” તરીકે ઓળખાતાં હતાં.

અમે ત્યાં પહોંચ્યાં ત્યારે આસપાસનાં લોકોને બહુ આશ્ચર્ય થયું. કોઈક વાતચીત દરમ્યાન અમે તેમને આ આશ્ચર્ય માટે પૂછ્યું તો તેઓ બોલી ગયા કે; ‘યૂઁ તો યેહ રાસ્તા બડા હી જાના પહેચાના હૈ, પર સાલભર મેં યહાં આનેવાલે શાયદ ૨-૩ લોગ હી હોતે હૈ, પર આજ ઇતને સારે લોગ આ ગયે તો હમેં નયા લગા. લગતાં હૈ કી સહી માયને મેં આજ ઈસે કોઈ ઢૂંઢતા હુઆ કોઈ યહાં આયા હૈ.’ તે સ્થાનિકોનાં એક-બે ફોટા લીધાં બાદ અમે શેરશાહ સૂરિનાં સમયમાં બે કદમ ચાલવામાં મગ્ન થઈ ગયાં.

સ્થાનિક લોકો

શેરશાહ સૂરિ રોડનું નવું નામકરણ:-

આ માર્ગનો મૂળ ઇતિહાસ તો મૌર્યકાળથી શરુ થાય છે. આ સમયે આ માર્ગને ઉત્તરાપથ તરીકે ઓળખવામાં આવતો હતો. ગંગા કિનારે વસેલ ગામ -નગરોને પંજાબ સાથે જોડતો અને ખૈબર દરાઁ (ઘાટી) થી પાર કરીને અફઘાનિસ્તાનની સરેઝમી સુધી આ માર્ગ જતો હતો. ઇ.સ ત્રીજી શતાબ્દી પૂર્વે ભારત અને પશ્ચિમી એશિયાનાં ઘણાં ભાગોની વચ્ચે જમીન વ્યવહાર ને માટે તક્ષિલા -પાકિસ્તાનથી થઈ યૂનાનનાં ઉત્તર પશ્ચિમી નગરો સુધી જતો હતો અને મૌર્યકાળમાં બૌધ્ધધર્મનો પ્રસાર પણ આજ માર્ગેથી થયો હતો. મૈગસ્થનીઝ નામનો ગ્રીક મંત્રી મૌર્ય દરબારમાં ૧૫ વર્ષ રહેલો. તેણે પોતાની યાદોમાં લખ્યું છે કે તક્ષશિલાથી પાટલીપુત્ર જવા માટે જે માર્ગ મૌર્યોંએ બનાવ્યો હતો તે લગભગ ૩૦૦ કોસ લાંબો હતો, જેની દેખરેખ ચંદ્રગુપ્ત મૌર્યની ખાસ સેના કરતી હતી. મૌર્યયુગ બાદ પણ જે રીતે આ માર્ગનો ઉપયોગ લાંબા સમય સુધી થતો રહ્યો તે ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ એશિયાનો આ માર્ગ ઘણો જ જૂનો, લાંબો અને મુખ્ય છે. જેને સમય સમય અનુસાર “ઉત્તરાપથ, શાહ -એ આઝમ ( આજ માર્ગેથી ઈરાનનાં શાહ -સુલતાન આવતાં હતાં તેથી ), સડક -એ આઝમ, બાદશાહી સડક, ધ લોંગ વોક રોડ, ગ્રાન્ડ ટ્રંક રોડ, જી.ટી રોડ, નેશનલ હાઇવે ૧ અને ૨ રોડ, N 5” એમ વિવિધ નામો મળેલાં છે.


મરગલ્લા હિલ્સથી કાલા ચીત્તા રેન્જ ( પાકિસ્તાન પંજાબ ) જતો મૂળ જી.ટી રોડ

સોળમી સદીમાં દિલ્હી સુલતાન શેરશાહ સૂરીએ ભૂવૈજ્ઞાનિકો પાસેથી સર્વેક્ષણ કરાવી આ માર્ગ બનાવેલો. આ શેરશાહ સૂરી પહેલો એવો સુલતાન હતો જેણે સોનારગાંવ (બંગાળ) થી સિંધ પ્રાંત સુધીનાં ૨૦૦૦ થી ૨૬૦૦ કી.મીનાં માર્ગને પાક્કો કરવામાં પથ્થરનો ઉપયોગ કરેલો. આજ માર્ગ ઉપરથી શેરશાહ સૂરીનું સૈન્ય અવરજવર કરતું હતું, ઉપરાંત પત્રો-સંદેશા (પોસ્ટ -મેઈલ) લાવવા-લઈ જવાની વ્યવસ્થા પણ આજ માર્ગથી કરાઇ હોવાથી આ માર્ગને “સડક-એ-આઝમ”નું નામ મળેલું હતું. આ માર્ગ ઉપર શેરશાહે છાયાદાર વૃક્ષો લગાવેલાં હતાં, સાથે રાહગીરો અને વ્યાપારીઓ માટે સુરક્ષાની સગવડ સાથે પાણીની વ્યવસ્થા અને અમુક રાતો રહેવા માટે જગ્યાની વ્યવસ્થા કરેલી. આ સમય દરમ્યાન શેરશાહ સૂરીએ પોતાનાં ફરમાનો ફારસી અને નાગરી ભાષાનાં જારી કરેલાં હતાં. વિભાજન સુધી આ બંને ભાષાનાં બોર્ડ અહીં હતાં, વિભાજન પછી અહીં ઉર્દુ ભાષાનું પણ બોર્ડ મૂકવાંમાં આવેલું પણ હવે અહીં કેવળ અંગ્રેજી બોર્ડ છે.

(અંગ્રેજી બોર્ડ- જેના શબ્દો આજે ઝાંખા પડી ગયાં છે. )

આ માર્ગના નામની વાત કરવામાં આવે તો મોગલોએ આ માર્ગને બાદશાહી રાસ્તા તરીકે ઓળખેલ, ૧૬૦૨ ભારત આવેલાં ડચ લોકોએ આ માર્ગને “ધ લોંગ વોક રોડ” નું નામ આપેલું, ૧૮૩૩ થી ૧૮૬૦ની વચ્ચે અંગ્રેજોએ આ માર્ગને સરખો કરી તેનો વિસ્તાર કર્યો અને તેને “ગ્રાન્ટ ટ્રંક રોડ” નામ આપ્યું. અન્ય યુરોપીયન પ્રજાની સરખામણીમાં અંગ્રેજોનું રાજ્ય વધુ રહ્યું (૩૦૦ વર્ષ) તેથી આ ગ્રાન્ટ ટ્રંક રોડ નામ લોકજીવનમાં વધુ વણાઈ ગયું. મશહૂર લેખક જોસેફ રૂડયાર્ડ કિપલીંગે (જન્મ ૧૮૫૬ મુંબઈ- મૃત્યુ ૧૯૩૬ યુ.કે ) આ રોડનું વર્ણન કરતાં કહ્યું છે કે “આ રોડ જીવનની એક લાંબી નદી સમાન છે જેનો પ્રવાહ વિવિધ સંસ્કૃતિને જોડતો જોડતો બસ વહ્યા જ કરે છે બસ વહ્યા જ કરે છે”.

જ્યારે કેવળ સડકોની વાત કરવામાં આવે ભલે મોગલોએ, ડચ પ્રજાએ અને અંગ્રેજોએ સડકો બનાવવામાં ભારતને ઘણું યોગદાન આપેલું છે, પણ મૌર્યયુગના આ રોડને બંગાળ સુધી અને તક્ષિલાથી કાબુલ સુધી ખેંચીને લઈ જવામાં જે યોગદાન શેરશાહ સૂરીએ આપેલું છે તે અમૂલ્ય છે.

શેરશાહે બનાવેલ મૂળ માર્ગ

લિંગા પિલર

શેરશાહ સૂરી પર ભારતીય ધર્મની પણ અસર હોય તેમ મને લાગ્યું, કારણ કે આ માર્ગ ઉપર આવતાં જ પહેલી નજર જેનાં પર પડે છે તે છે આ શિવલિંગ જેવાં દેખાતાં આ સ્તંભ ઉપર. પણ મારી માન્યતા ત્યારે દ્રઢ બની જ્યારે અમે સ્થાનિક લોકોને આ સ્તંભ વિષે પૂછ્યું. તેઓ કહે કે; “યહ લિંગા પિલર રાસ્તે કી પહેચાન હૈ.” શેર બહાદુર કા માનના થા કી જબ તક યહ લિંગા પિલર યહ રાસ્તે પર હૈ તબ તક વોહ જિંદા રહેગા, ઔર ઐસે પિલર સીર્ફ યહાં જીતને દિખતે હૈ ઉતને હી નહીં હૈ પહેલે ઔર ભી થે; પર બાદ મેં સારી નિશાનીયાં મિટ ગઈ. શેરશાહની આ માન્યતાને આજે એ રીતે માની શકીએ કે તે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશનાં ઇતિહાસનાં પાનાં પર એ આજેય જીવંત છે.

સૂરિએ આ કદાચ કોઈ પ્રાણીનું ચિન્હ બનાવ્યું હશે પણ આજે ખંડિત છે.

આ માર્ગની થોડીઘણી જ યાદો ભલે બચી હોય પણ શેરશાહ સૂરિનું નામ અમર રહે તે માટે પાકિસ્તાન સરકારે અહીં એક મેમરી પિલર બનાવ્યો છે, જેમાં રોજ સાંજે સાત વાગે થોડીવાર માટે લાઇટ કરવામાં આવે છે.

મેમરી પિલર

શેરશાહ-સૂરિ-નવો-રોડ

એ નવા રોડ પર ૧૯૭૮-૭૯ ની આસપાસ નવો પિલર બનાવવામાં આવેલ, જે આજે ખંડિત હાલતમાં છે.

ગ્રાન્ટ ટ્રંક રોડનો રૂટ :-

ભારતની સાઈડ:- પ્રારંભ દક્ષિણ બંગાળનાં ચટગાંવથી થઈ, મધ્ય બંગાળનાં સોનાગાંવની સીમા બોર્ડરથી ભારતમાં પ્રવેશે છે. ત્યાર પછી કોલકત્તા, વર્ધમાન, દુર્ગાપુર, આસનસોલ, ધનબાદ, ઔરંગાબાદ, દેહરી, સાસારામ, મોહાનિયા, મુગલસરાય, વારાણસી, અલ્હાબાદ, ઇટાનગર, કાનપુર, આગ્રા, મથુરા, દિલ્હી, કરનાલ, અંબાલા, લુધિયાણા, જલંધર, અમૃતસર થઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે. કોલકત્તાથી દિલ્હીનાં વચ્ચે આ રોડ NH 2 નાં નામે ઓળખાય છે. જ્યારે દિલ્હીથી અટારી બોર્ડર વચ્ચે NH 1 તરીકે ઓળખાય છે.

દિલ્હીમાં રહેલો કોસ પિલર

પાકિસ્તાન સાઈડ:- પાકિસ્તાની વાઘા સીમાથી ગ્રાન્ટ ટ્રંક રોડ N-5 બને છે જે લાહોર, ગુજરાઁવાલા, ગુજરાત, ઝેલમ, રાવલપિંડી, અટોક થઈ પેશાવર જાય છે અને પેશાવરથી અફઘાનિસ્તાનમાં પ્રવેશે છે.

ઝેલમ નદી પરથી પસાર થતો જી.ટી રોડ
અમૃતસરનાં અટારીથી થઈ વાઘા – લાહોરથી નીકળતો જી.ટી.રોડ

અફઘાનિસ્તાન સાઈડ:- કાબુલ રોડ તરીકે ઓળખાતો આ માર્ગ અફઘાનિસ્તાનમાં તોરક્કમ, જલાલાબાદ, સુરોબી થઈ કાબુલ પહોંચે છે અને પછી ત્યાં આ માર્ગ પૂરો થઈ જાય છે.

જે તે સમયના આ રોડ પર થોડીવાર ચક્કર માર્યા પછી અમારે એ પળમાં ઠહેરવાનું ન હતું, કારણ કે શેરશાહ સૂરિના આ ઇતિહાસથીયે અનેક ગણો જૂનો ઇતિહાસ અમારી રાહ જોઈ રહ્યો હતો તેથી અમુક સમય અહીં પસાર કર્યા પછી અમે એ જૂના ઇતિહાસ તરફ નીકળી પડ્યાં.


© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

2 comments for “સંસ્કૃતિની શોધમાં : ૧૪ : શેરશાહ સૂરિ રોડ

  1. Mina
    August 1, 2019 at 7:32 am

    Mara be -3 hapta miss Thai gaya che, pan toye maja padi gai.

  2. Bharti
    August 2, 2019 at 9:36 pm

    Ahaa shun tour che, maja pade che. Dar episode ma hoon vagar Visa e Pakistan ma ghusi Jai chhu ne pachi safely bahar nikali jau chu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *