લ્યો, આ ચીંધી આંગળી : ગુજરાતના એક અનોખા બીનવ્યાપારી પુસ્તક પ્રકાશનગૃહ વિવેકગ્રામ પ્રકાશનની રજતજયંતિ યાત્રા

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

(વિચાર કે વૃત્તિ જન્મે ત્યારે તે દરેકનું સ્વગત જ હોય છે. પછી તે મોંએથી બોલાય ત્યારે તે પ્રગટ થયાં કહેવાય, પણ તે જ્યારે કાગળ ઉપર ઊતરે ત્યારે તે પ્રકાશિત થયો કહેવાય. અંગત પત્ર પણ એક પ્રકારનું ખાનગી પ્રકાશન જ છે. પણ પછી તેને વ્યાપક ફલક પર પહોંચાડવા માટે મુદ્રિત કરવામાં આવે ત્યારે તે જાહેર પ્રકાશનનો દરજ્જો પામે છે.

જાહેર પ્રકાશન એક ઉદ્યમ છે અને એ સદીઓ જુનો વ્યવસાય પણ છે. ગુજરાતમાં પુસ્તક પ્રકાશનનો આરંભ એક વ્યવસાય તરીકે ઓગણીસમી સદીમાં થયો. તેની વધુ વિગતો શ્રી બીરેન કોઠારી જેવા લેખક-સંશોધક દ્વારા એકત્ર કરવામાં આવી છે જે બહુ નજીકના ભવિષ્યમાં એક પુસ્તકરુપે બહાર આવી રહી છે.

પુસ્તક પ્રકાશન બીજા અનેક વ્યવસાયો જેવો પણ એક વિશિષ્ટ આવડત માગી લેતો પવિત્ર અને સંસ્કારી વ્યવસાય છે, જેનો સીધો સંબધ લોકરુચી અને લોકોના માનસઘડતર સાથે છે. વ્યવસાયી એટલે કે નફો રળનાર પ્રકાશકો પણ જો સ્તરના હોય તો તેઓ પણ લોકરુચીને કેવળ સંતોષવાનું જ નહિ, તેને ઘડવા-કેળવવાનું કામ પણ કરતા હોય છે. ગુજરાતમાં આવા પ્રકાશકો પણ સારી સંખ્યામાં છે તે આપણું સદભાગ્ય છે.

પરંતુ આ બધા સ્તરના પ્રકાશકો વચ્ચે એક અનોખું નામ છે કે કચ્છ માંડવીના ‘વિવેકગ્રામ પ્રકાશન’નું. 1995માં એના પ્રારંભથી માંડીને આ 2019 ના મધ્ય સુધીમાં એ સવાસો પુસ્તકોના આંકડાને પાર કરી ચૂકી છે. સંસ્થાએ આજ સુધીમાં કુલ મળીને 121થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને પુસ્તકો પણ સામાન્ય નથી, મોટા ભાગના દળદાર ગ્રંથો છે. આ પુસ્તકોમાં 25 પુસ્તકો ગુજરાતીના ગદ્યસાહિત્યના છે, જેમાં નિબંધ, વાર્તા, પ્રેરણાદાયી પ્રસંગો, નવલકથા અને પ્રવાસવર્ણન જેવાં પુસ્તકો છે, તો 5 પુસ્તકો બાલ સાહિત્યના છે. 9 પુસ્તકોમાં પદ્યકૃતિઓનો સમાવેશ થાય છે, તો 25 પુસ્તકો સંશોધન અને દસ્તાવેજીકરણના છે. 7 પુસ્તકો ગ્રામોત્થાનને લગતા છે, 14 પુસ્તકો મેનેજમેન્ટ અને પ્રેરણાત્મક સાહિત્યના છે, 15 પુસ્તકો શિક્ષણને સ્પર્શે છે, 3 પુસ્તકો આરોગ્ય અંગે માર્ગદર્શન અને માહિતી આપે છે, તો 19 પુસ્તકો કચ્છી ભાષા-સાહિત્યના પુસ્તકો છે.

આ 121થી વધુ પુસ્તકો ઉપરાંત શૈક્ષણિક શિબિરો અને અહેવાલોનું પણ પુસ્તકરૂપે પ્રકાશન ‘વિવેકગ્રામ’ પ્રકાશને કર્યું છે, જેની સંખ્યા 14 જેટલી છે. પુસ્તકોની વેચાણકિંમતમાં નફા માટે એક ટકાની પણ જોગવાઇ (માર્જીન) રાખ્યા વગર ભારે વળતર પણ ધરી દેતી એ સંપૂર્ણપણે બીનવ્યાવસાયિક ધોરણે કાર્યરત છે. આ અશક્ય લાગતું કામ એ એટલા માટે જારી રાખી શકી છે કારણ કે એને V R T I ( Vivekanand Research and Taring Institute) નું એને પીઠબળ છે, બલકે એ એકતાલીસ વર્ષ જૂની જાહેર સમાજસેવી એવી માતબર સંસ્થાની એ પ્રકાશન પાંખ છે.

(કાંતિસેન શ્રોફ)

V R T I ની સ્થાપના કચ્છ- અને મુંબઇના શ્રેષ્ઠી અને સમગ્ર કચ્છના આજે છન્નુ વર્ષના વડિલ એવા શ્રી કાંતિસેન શ્રોફ, તુલસીભાઇ ગજરા અને એમના સાથીઓ દ્વારા આજથી એકતાલીસ વર્ષ પૂર્વે 1978માં કરવામાં આવેલી. (એક આડવાત: સાહિત્યના રસિયા એવા કાંતિકાકાના પત્રો પણ મારા ઉપર ક્યારેક એક સુજ્ઞ વાચક તરીકે આવતા અને એમના સૂચનથી જ મેં પરિચય ટ્રસ્ટ,મુંબઇ માટેV R T I ની પરિચય પુસ્તિકા નં 1018, સાલ 2001માં લખી હતી ) વિવેકગ્રામ પ્રકાશન બિન-વ્યાવસાયિક ધોરણે છેલ્લા પચીસ વર્ષથી વિવિધ વિષયના પુસ્તકો, વિવિધ લેખકોના પુસ્તકો એક યજ્ઞકાર્યની જેમ પ્રકાશિત જ કર્યે જાય છે તેની પાછળ મૂળ ગોંડલ પાસેના એક ગામડાના પણ વર્ષોથી કચ્છને પોતાનું વતન બનાવીને વસેલા એવા ગોરધન પટેલ ‘કવિ’ નું તપ પણ છે.

(ગોરધન પટેલ ‘કવિ’)

કેવળ પુસ્તક પ્રકાશન જ નહિં, પણ એના અનુસંધાનની બીજી અનેક આનુષંગિક પ્રવૃત્તિઓના એક ભાગરૂપે એપ્રિલ-2019 થી માર્ચ-2020 દરમ્યાન તેમણે કેટલાક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં 15 જેટલા પુસ્તકોના પ્રકાશનની સાથે 25 જેટલા ગ્રંથાલયોને પુસ્તકસહાય, 5 સાહિત્ય સેમિનારો, 10 પુસ્તકમેળાઓ તેમજ અન્ય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ બધાના જીવંત સાતત્યને કારણે તેને કચ્છની ધરતી ઉપરની મીની સાહિત્ય અકાદમી જેવા નામે લોકો ઓળખતા થયા છે. એનો થોડો ચિતાર એના વિષે લખાયેલા કેટલાક લેખકોના લેખોના થોડા અંશોમાંથી મળશે

– -રજનીકુમાર પંડ્યા)

વિવેકગ્રામ પ્રકાશનના વડા ગોરધન પટેલ ‘કવિ“ ના શબ્દો :

વિવેકગ્રામ પ્રકાશન અને સાહિત્યપ્રકલ્પ બન્ને રજતજયંતિ વર્ષમાં પ્રવેશી ચુક્યાં છે. પ્રગતિ કરતાં પણ ટકી રહેવાના પ્રયત્નો જેમાં વિશેષ કરવા પડે છે તેવાં શિષ્ટ સાહિત્યના પ્રકાશનના ક્ષેત્રે અમારી આ ઉપલબ્ધી સ્વભાવિક રીતે જ આનંદદાયી બની છે. છેલ્લા 24 વર્ષોથી નિયમિતપણે પ્રગટ થતાં અમારા ‘વિવેકગ્રામ’ માસિકના પ્રકાશનની સાથોસાથ પુસ્તક પ્રકાશનની પણ એક આગવી શ્રેણી ઉભી કરી શકાઇ છે. જેના વેચાણ માટે બહુ ગુંજાઇશ ન હોય, પરંતુ ભવિષ્યના સંદર્ભગ્રંથો તરીકે ઉપયોગી બની રહે તે પ્રકારના ઉત્તમ દસ્તાવેજીકરણને સમાવી લેતાં પુસ્તકોના પ્રકાશનની એક પરંપરા ઉભી થઇ શકી છે તો સાથે બીજા અન્ય સાહિત્યપ્રકારોના પુસ્તકોની શૃંખલામાં 121 પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું છે. અમારા પ્રકાશનની સવિશેષ ધ્યાન ખેંચતી બાબત એ છે કે આ સામયિકની સાથે પુસ્તક પ્રકાશનોમાં પણ નવોદિત સર્જકોને સન્માનપૂર્વક સ્થાન આપવાથી સર્જકોના ઘડતરનું પણ કાર્ય થઇ રહ્યું છે..

વિવેકગ્રામસામયિક ઉપરાંત પુસ્તકોના પ્રકાશનથી પણ અધિક છેલ્લા 24 વર્ષમાં અઢળક પ્રમાણમાં સાહિત્ય પ્રવૃત્તિઓથી કચ્છના આકાશમાં જાણે કે એક આકાશગંગા સર્જાઇ ચુકી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના 24મા જ્ઞાનસત્રના યજમાનપદની જવાબદારી સ્વીકારવામાં આવી અને તે સિવાય પણ ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી સાથે અનેક કાર્યક્રમો પાર પાડી શકાયા. એ સાથે જ 40 થી 50 ટકાના વળતર સાથે અન્ય વિવિધ પ્રકાશકોનાં પુસ્તકો પણ પુસ્તકમેળાના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાયાં. V R T I જેવી જાહેર સેવા સંસ્થાની સાહિત્યપાંખ હોવાને નાતે અનેક સેવાકીય સાહિત્ય પ્રવૃત્તિઓમાં આ પ્રદાનની નોંધ લેવાઇ રહી છે.101 જેટલા ગ્રંથાલયોને પુસ્તકોની સહાય,સાહિત્યનાં વ્યાખ્યાનો,સાહિત્યસર્જન શિબિરો, વિવિધ વિષયોના સાહિત્ય સેમિનારો, યુવાનોને વાંચન માટે પ્રેરવાના અનેકવિધ કાર્યક્રમો, કચ્છી ભાષાની પરીક્ષા પ્રવૃત્તિઓની સાથે તેના સંવર્ધનના કાર્યક્રમો, વરિષ્ઠ સાહિત્યકારોની જન્મશતાબ્દિના વિશિષ્ટ કાર્યક્રમો વિગેરે પ્રવૃત્તિઓ આ અઢી દાયકામાં હાથ ધરી શકાઈ.

તો આ અનોખી સેવાસંસ્થા વી આર ટી આઇ અને તેની સાહિત્ય પાંખ ‘વિવેકગ્રામ’ વિષે ડૉ કાંતિ ગોરના નીચેના શબ્દો વધુ પ્રકાશ પાડે છે:

વી.આર.ટી.આઈ.એ માત્ર પુસ્તકોનું પ્રકાશન નથી કર્યું, પણ એ પુસ્તકો લોકો સુધી પહોંચે અને લેખકો સમાજમાં પ્રતિષ્ઠિત થાય તથા એમની કલમની તાકાતનો ખ્યાલ લોકોને આવે એટલા માટે પ્રકાશિત પુસ્તકોમાંથી શક્ય તેટલા પુસ્તકોનું લોકાર્પણ કરવાના ભવ્ય કાર્યક્રમો પણ સંસ્થાએ કર્યા છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલા 102 પુસ્તકોમાંથી 50 જેટલા પુસ્તકોનું લોકાર્પણ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. આ બધા લોકાર્પણના કાર્યક્રમોની વિશેષતા એ છે કે એ પુસ્તકનો પરિચય આપવા માટે વિવિધ વિદ્વાન સર્જકોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને એ પુસ્તકોને સમજી શકે, એની વાત કરી શકે, એવા સમાજમાં પ્રતિષ્ઠિત સાક્ષરોને પણ બોલાવવામાં આવ્યા છે. સંસ્થાએ એ કચ્છી ભાષાના પુસ્તકોને પણ આ રીતે પ્રકાશિત કરવાની અને પ્રકાશિત કર્યા પછી જાહેરજીવનમાં મૂકવાની પૂરી કોશિશ કરી છે. એને માટે અલગ-અલગ વિષયો પરના 13 જેટલા પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. એ કાર્યક્રમોની વિશેષતા એ પણ હોય છે કે લેખકોનું સન્માન થાય અને એના કાર્યોની નોંધ સાથેનું એક સરસ મજાનું પ્રમાણપત્ર કે અભિવાદનપત્ર સર્જકોને આપવામાં આવે. પુસ્તકોનું પ્રકાશન કરવું ઉપરાંત એ પુસ્તકને આ રીતે જાહેરમાં મૂકવું, જેથી એ પુસ્તક લોકોને વાંચવાનું મન થાય, આ બાબતો પુસ્તક પ્રકાશન કરનારી સંસ્થાઓમાં ભાગ્યે જ જોવા મળે એવી અદભુત અને પ્રેરક ઘટના છે.

સર્જકોના સન્માનની એક વિશિષ્ટ પ્રણાલિકા વી.આર.ટી.આઈ.એ ઊભી કરી છે. સંસ્થાના પ્રકાશન વિભાગ વિવેકગ્રામ દ્વારા 100 પુસ્તકોનું પ્રકાશન પૂર્ણ થયું ત્યારે ગ્રંથ પ્રકાશન શતક અવસર વિશિષ્ટ રીતે ઉજવવામાં આવેલો. આ પ્રસંગે 100 પુસ્તકોના 58 જેટલા સર્જકોનું અભિવાદન કરવામાં આવેલું. પુસ્તકનું પ્રકાશન કરી આપવાનું, વળી ઉપરથી જે-તે સર્જકનું સરસ રીતે સન્માન કરવાનું, એક તો જમાડવાના, ઉપરથી દક્ષિણા પણ આપવાની, એવો તાલ. આવી ઘટના પ્રકાશન સંસ્થાઓમાં વિરલ છે. એનું કારણ એ છે કે વિવેકગ્રામ પ્રકાશન કોઈ વ્યવસાયિક પ્રકાશન સંસ્થા નથી, પણ સાહિત્યને સમર્પિત થયેલી સંસ્થા છે. 13-8-16નો આ કાર્યક્રમ કચ્છના સાહિત્યજગત માટે અનેક અર્થોમાં અણમોલ બની રહ્યો. એવો જ એક વિશિષ્ટ કાર્યક્રમ વિવેકગ્રામ પ્રકાશનને 20 વર્ષ પૂરા થયા ત્યારે ઉજવવામાં આવેલો, જેમાં 34 જેટલા સાહિત્યસર્જકોનું એમનાં પુસ્તકોના પ્રકાશન નિમિત્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલું.એટલું જ નહીં, એ દિવસે વિવેકગ્રામ માસિકમાં નિયમિત રીતે કટાર લખનારા સર્જકોનું પણ અભિવાદન કરવામાં આવેલું. વી.આર.ટી.આઈ. એની સાથે જ જોડાયેલ, સાથ આપનાર કોઈ પણ વ્યક્તિને ભૂલતી નથી. પુસ્તકોના ટાઈટલ ડિઝાઈનર અનેપુસ્તક પ્રકાશન સાથે જ જોડાયેલ પ્રિન્ટિંગ પ્રેસના મહાનુભાવોનું પણ સંસ્થાએ સન્માન કર્યું. વી.આર.ટી.આઈ.ના સાહિત્ય પ્રકાશનવિભાગના સંયોજક ગોરધન પટેલ કવિજેમને સવાઈ કચ્છી તરીકે કચ્છના લોકો ઓળખે છે એમની પ્રવૃત્તિઓ અને સફળ આયોજનને માટે એમને કચ્છની બે સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલા.

(વિવેકગ્રામના એક કાર્યક્રમની ઝલક)

વી.આર.ટી.આઈ. માત્ર પુસ્તકોનું પ્રકાશન કરે છે એવું નથી, પણ લેખકોએ પોતે પ્રકાશિત કરેલ પુસ્તકોની ખરીદી કરીને સર્જકોને આર્થિક પીઠબળ પૂરું પાડવાનું કામ કરે છે. આજ સુધીમાં આવા 74 પુસ્તકોના લેખકોના પુસ્તકોની 50 થી 500 સુધીની નકલો ખરીદીને વી.આર.ટી.આઈ. એ સર્જકોના માથેથી આર્થિક ચિંતાનો મોટો ભાર ઓછો કર્યો છે, કારણ કે લેખકો માટે પુસ્તકો છપાવવાઅને વેચવા એ દુષ્કર કાર્ય છે. મોટા ભાગના સર્જકો એ કરી શકતા નથી અને કદાચ કરે છે તો એનાથી થતો આર્થિક બોજ એમની સર્જકતાને બહાર લાવવામાં અવરોધ બની જાય છે. વળી એવું પણ નથી કે વી.આર.ટી.આઈ. જે પુસ્તકો બહાર પાડે છે તે લબ્ધપ્રતિષ્ઠ સર્જકો, જેમના પુસ્તકો સરળતાથી વેચાઈ જતા હોય એવા લેખકોના જ પુસ્તકો છાપે છે. એમની આ પ્રકાશનપ્રવૃત્તિનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો ગુજરાત અને ભારતના વિખ્યાત લેખકોથી માંડીને અનેક નવોદિતો અને દશેક વર્ષની બાલિકાનું પુસ્તક પણ એમના પ્રકાશનોમાં જ જોવા મળે. વિવેકગ્રામ પ્રકાશનનો ઉદ્દેશ ઉત્તમ સાહિત્ય આપવાની સાથે સર્જકોને પ્રોત્સાહન આપવાનો પણ રહ્યો છે.

(વિવેકગ્રામની પ્રવૃત્તિઓની નોંધ)

યજમાનપદે રહીને વી.આર.ટી.આઈ એ પણ માતબર વિશિષ્ટ કાર્યક્રમો કર્યા છે. ગુજરાત સાહિત્ય પરિષદનું 24મું જ્ઞાનસત્ર આ સંસ્થાના યજમાનપદે યોજાયું. વિનોબાની વાણી નામે પુસ્તકના વિમોચનના કાર્યક્રમ અને એ પુસ્તકના રસાસ્વાદના કાર્યક્રમમાં સહયોગ આપ્યો. 2008માં ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારની કામગીરીમાં સહયોગ આપ્યો. સાહિત્ય અને જીવન વિષય પરની સાહિત્યયાત્રાના કાર્યક્રમમાં સહયોગ આપ્યો. ચંદ્રકાન્ત શેઠ પ્રેરિત બાલમિત્ર વ્યાખ્યાનમાળામાં પણ સહયોગ આપ્યો. સફળતા-સાર્થકતાનો સમન્વય નામના વિચારગોષ્ઠી – પરિસંવાદ કાર્યક્રમમાં સહયોગ આપ્યો. રાજ્યકક્ષાના બાલ કવિ સેમિનાર કાર્યક્રમનું યજમાનપદ વી.આર.ટી.આઈ.એ શોભાવ્યું. એ ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીના કાર્યક્રમ સાગરસાહિત્ય: કચ્છથી કોંકણ સેમિનારમાં સહયોગ આપ્યો, જેને લીધે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભારતભરના વિદ્વાનોને સાંભળવાનો લાભ કચ્છને મળ્યો. આજ સુધીમાં લગભગ 31 જેટલા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને અભ્યાસુઓના વ્યાખ્યાનોનું આયોજન આ સંસ્થાએ કર્યું. ગુજરાત ઈતિહાસ પરિષદનું 28મું અધિવેશન વી.આર.ટી.આઈ.ના યજમાન પદે થયું. વિવિધ પુસ્તકોનું રસદર્શન એના જ્ઞાતાઓ કરાવે એવો પુસ્તકોનો રસાસ્વાદનામનો કાર્યક્રમ અવારનવાર વી.આર.ટી.આઈ. દ્વારા યોજવામાં આવે છે. આજ સુધીમાં આવા સાતેક જેટલા કાર્યક્રમ થયા, જેમાં વિવિધ પુસ્તકોનો રસાસ્વાદ વિદ્વાનોએ કરાવેલો. તે જ રીતે પદ્યસાહિત્યને સંગીત સાથે રજુ કરવાના બે ભવ્ય કાર્યક્રમો થયા, જેમાં વિવિધ ગાયકો અને સંગીતના વિશેષ જ્ઞાતાઓએ શ્રોતાઓને ડોલાવ્યા હતા. વિદ્યાર્થીઓની કાવ્યમાં રૂચિ કેળવાય એટલા માટે કાવ્યપઠનનો કાર્યક્રમ (2009)માં યોજાયો. વિવિધ સાહિત્યકારોની જન્મજયંતીના કાર્યક્રમો આ સંસ્થા ઉજવે છે, એ અનુસાર ઉમાશંકર જોશી જન્મશતાબ્દી કાર્યક્રમ(2010-2011), જેમાં આઠેક જેટલા વકતાઓએ એમના સંદર્ભમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા. મનુભાઈ પંચોલી દર્શક જન્મશતાબ્દી કાર્યક્રમ(2013-2014), આ કાર્યક્રમમાં ચાર શૈક્ષણિક સંસ્થાઓમાં દર્શકની નવલકથા ઝેર તો પીધા જાણી જાણીનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો અને અન્ય છ કોલેજમાં દર્શકની બે નવલકથાઓ ઝેર તો પીધાં જાણી જાણી અને કુરૂક્ષેત્રનું વાચન કરીને એની સમીક્ષા લખવાની સ્પર્ધા યોજવામાં આવી. વિજેતાઓને પુરસ્કાર અને બધાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને બંને નવલકથાઓ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. ડૉ. જયંત ખત્રી જન્મશતાબ્દી કાર્યક્રમ(2013-2014) ઉજવવામાં આવ્યો. જેમાં પાંચ વકતાઓએ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં, તો ડૉ. જયંત ખત્રીના જીવન પર આધારિત નાટક ધૂળનો સુરજ પ્રસ્તુત કરવામાં આવ્યું, જેમાં વી.આર.ટી.આઈ.એ સહયોગ આપ્યો.

વર્તમાન સમયમાં એક ફરિયાદ એ રહી છે કે વાંચનનું પ્રમાણ બહુ જ ઘટતું જાય છે. આ સંસ્થાએ ઉત્તમ પુસ્તકોના વાંચન માટે કેટલાક પ્રેરણારૂપ કાર્યક્રમો કર્યા છે, જેમાં વકતૃત્વ સ્પર્ધા યોજાયેલી. વિદ્યાર્થીઓ વાંચન કરે છે, પણ એ કેવું વાંચન કરે છે, એમને વાંચન દરમ્યાન કેવી સમસ્યાઓ નડે છે તેની સમજ પ્રાપ્ત કરીને એમની સમસ્યાનો ઉકેલ લાવવાને માટે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ પુસ્તકનું વાંચન કરે અને એ સાથે એમને વાંચનનું મહત્વ સમજાય અને માર્ગદર્શન મળે એ માટે આઠ જેટલી કોલેજોમાં વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. એવો જ એક કાર્યક્રમ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વી.આર.ટી.આઈ.ના પરિસરમાં સંસ્થાના સૌજન્યથી કચ્છના માધ્યમિક શાળાઓના આચાર્ય,શિક્ષકો માટેનાં વાંચન-વિમર્શ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આઠ આઠ જૂથો બનાવીને શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ-રૂચિ વધે તેવી પ્રવૃત્તિઓ અને ઉપાયો સૂચવ્યા.આ સંસ્થાએ પુસ્તક પરબનો એક કાર્યક્રમ સિનિયર સિટીઝન ફોરમ, માંડવી સાથે રહીને યોજેલો. આવા છ કાર્યક્રમો યોજવામાં આવ્યા,જેમાં વાંચનપ્રેમી પોતાની પસંદગીના પુસ્તકો નિઃશુલ્ક લઈ જાય અને પોતાની પાસેના પુસ્તકો દાન પણ આપી શકે. આવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા.

પુસ્તક સહાય માટે આ સંસ્થાએ અત્યાર સુધીમાં 101 શાળા તથા કોલેજના ગ્રંથાલયોને રૂ. 5000 થી 10,0000 સુધીની આર્થિક સહાય પુસ્તકો વસાવવા માટે કરી છે. રણોત્સવમાં ગુજરાત સરકારે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા એક નિઃશુલ્ક વાંચનાલય ઊભું કરેલું, જેમાં આ સંસ્થાએ 27348/- ની કિંમતના પુસ્તકો ભેટ આપ્યા. ઉપરાંત આજ સુધીમાં સામાજિક કાર્યકરો, યુવાનો અને ગ્રંથાલયોને હજારો જેટલા પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. ઉપરાંત વિવિધ વિષયોની જેટલી સી.ડી.નું પણ વિતરણ કર્યું છે.

એટલેથી આ સંસ્થા અટકી નથી. વિશિષ્ટ પ્રકારના પુસ્તકમેળાનું આયોજન વી.આર.ટી.આઈ. સતત કરે છે. અત્યાર સુધીમાં આવા 48 જેટલા પુસ્તકમેળાઓ વિવિધ સંસ્થાઓના સહયોગથી આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં પુસ્તકો ખરીદનારને 40 થી 50 ટકા જેટલા વળતર સાથે પુસ્તકો આપવામાં આવે છે. આ પુસ્તક મેળાઓમાં પુસ્તકો મંગાવવા, ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ ચૂકવવો, વિવિધ સ્થળોએ પુસ્તકો પહોંચાડવા પ્રકાશકોસાથેના હિસાબો રાખવા, પુસ્તકોની ગણતરી કરી સ્ટોક મેળવવા, વધેલ પુસ્તકો પ્રકાશકોને પરત મોકલવા સહિતની તમામ પ્રક્રિયા વી.આર.ટી.આઈ. કરે છે. જેમાં પુસ્તકોને અપાતા વળતરનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત નવોદિત સર્જકોને સાહિત્યસર્જનમાં પ્રેરણા આપવા માટે વિવિધ કાર્યક્રમો સંસ્થાએ કર્યા છે, જેમાં વિવેકગ્રામ સામયિકના વાંચકો માટે ખુલ્લી સ્પર્ધાઓ ઉપરાંત નવોદિત સર્જકો માટે વાર્તા લેખન,કાવ્યલેખન,નાટકલેખન, એકોકિતલેખન,વાર્તાલેખન અને અન્ય સાહિત્ય પ્રકારોનાં લેખનને લગતા કૌશલ્ય વિકસાવવા માટેની ચારેક જેટલી શિબીરો સંસ્થાએ કરી છે. અન્ય સંસ્થાઓ દ્વારા કે લેખકોએ કરેલા પુસ્તક પ્રકાશનમાં પણ સંસ્થાએ આર્થિક સહાય કરી છે, 74 જેટલા લેખકોના પ્રગટ થયેલા પુસ્તકોની 50 થી 500 સુધીની નકલો ખરીદીને આ સંસ્થાએ આર્થિક સહયોગ આપ્યો છે, વળી સાહિત્યસર્જકોના પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં પણ 15 જેટલા સાહિત્યસર્જકોને સંસ્થાએ આર્થિક સહયોગ આપ્યો છે. એવી જ રીતે વિવિધ વિષયો પરની સી.ડી.બનાવવા માટે પણ સંસ્થાઓને વી.આર.ટી.આઈ. સહાય કરી છે, ઉપરાંત વિવિધ વિષયોની વ્યાખ્યાનમાળાઓ તથા વાંચે ગુજરાત માટેના વ્યાખ્યાન અને કવિ સંમેલન જેવા કાર્યક્રમોમાં સંસ્થાએ આર્થિક સહયોગ આપ્યો છે.

(‘વિવેકગ્રામ’ સામયિક)

કચ્છી ભાષા એ કચ્છની સંસ્કૃતિ અને કચ્છની સભ્યતાનું એક અભિન્ન અંગ છે. કચ્છી સાહિત્યકારો અને કચ્છ અને કચ્છી ચાહનારા લોકો આ ભાષાને વિકસાવવા પ્રસાર-પ્રચાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે, તો વી.આર.ટી. આઈ. એ પણ કચ્છી ભાષાના સંવર્ધન અને વિકાસને માટે સતત પ્રવૃત્તિ રહેવામાં કશી કસર રાખી નથી. આ સંસ્થાએ કચ્છી ભાષાના 19 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. કચ્છી ભાષાના પુસ્તકોના પ્રકાશન ઉપરાંત કચ્છીમાં પ્રકાશિત પુસ્તકોનાં વિમોચન કાર્યક્રમો પણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. આવા તેર કાર્યક્રમો આ સંસ્થાએ કર્યા છે. ઉપરાંત કચ્છી ભાષાના પ્રચાર-પ્રસારમાટે કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા દસ વર્ષ સુધી કચ્છી ભાષાની પરીક્ષાઓ લેવાની પ્રવૃત્તિ ચાલી. ત્યાર બાદ એ દસ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ વી.આર.ટી.આઈ દ્વારા કરવામાં આવ્યો અને કચ્છી ભાષાની માવજત, જાળવણી સંશોધન, સંવર્ધન અને પ્રસાર-પ્રચાર માટે વી.આર.ટી.આઈ.એ કચ્છી ભાષા પરીક્ષાનો પ્રકલ્પ સ્વીકાર્યો અને કોઈ યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ જેવી કામગીરી કરે એવી કામગીરી આ સંસ્થા કરે છે. દર વર્ષે સ્વૈચ્છિક રીતે કચ્છની શાળા-કોલેજોમાં પરીક્ષાકેન્દ્રો ખોલવાની કામગીરી, કેન્દ્ર મારફતે કચ્છી ભાષાની પરીક્ષા આપવા ઈચ્છનારની નોંધણી કરવાની કામગીરી, ઉપરાંત દરેક પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષાફોર્મ પહોંચાડવા, પરીક્ષાર્થીના નોંધણીના ફોર્મ પરત લેવા, પુસ્તકો પહોંચાડવા, પેપરો પહોંચાડવા, પેપરો પરત લેવા અને પરિણામો પહોંચાડવા સહિતની કામગીરી સંસ્થા કરે છે. પરીક્ષા પૂર્ણ થયેથી પરીક્ષા પેપરોનું તજજ્ઞો દ્વારા મૂલ્યાંકન કરાવીને પરિણામો તૈયાર થાય એટલે જે તે શાળાઓને પહોંચાડવામાં આવે છે. પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પરીક્ષાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ જિલ્લા કક્ષાએ પ્રથમ પાંચ ક્રમાંકે આવનાર કેન્દ્રોને અને તાલુકા કક્ષાએ એકથી ત્રણ ક્રમાંકે આવનાર કેન્દ્રો પણ સન્માનિત કરવામાં આવે છે.પરીક્ષાર્થીઓએ દર વર્ષેજાણ પરીક્ષા આપવાની હોય અને બીજા વર્ષે સુજાણ પરીક્ષા આપવાની હોય. આ પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિહોવાથી જાણ પરીક્ષાના પરીક્ષાથી પાસેથી રૂપિયા 20 અને સુજાણના પરીક્ષાથી પાસેથી રૂપિયા 30 લેવામાં આવે છે, જ્યારે એના વળતરરૂપે એનાથી અનેક ગણો ખર્ચ કરીને જાણ પરીક્ષાર્થીને કચ્છી પાઠાવલી-1 અને સુજાણ પરીક્ષાર્થીને કચ્છી પાઠાવલી-2’, આ પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવે છે. કચ્છી પાઠાવલી-1અને 2 મળીને 51000 થી વધારે નકલો છપાઈચૂકી છે.

આઉપરાંત આ સંસ્થાના યજમાનપદે કચ્છી ભાષાના સેમિનારોનું આયોજન થતું રહે છે. મોટે ભાગે અકાદમી જે સેમિનારો મંજૂર કરે છે તેમાં પૂરતી નાણાંકીય જોગવાઈ ન હોવાથી કોઈ અન્ય સંસ્થાના આર્થિક સહયોગની આવશ્યકતા પડે છે. આવા સેમિનારો વી.આર.ટી.આઈ.ના યજમાનપદે યોજાતા હોય છે. ઉપરાંત વી.આર.ટી.આઈ.એ પોતે પણ આવા સેમિનાર કર્યા છે. આવા સેમિનારોની સંખ્યા ચાર જેટલી રહી છે. બહુ મહત્ત્વના વિષયોને ધ્યાનમાં લઈને આ સેમિનારો થયા છે. દરેક સેમિનારમાં વકતાઓ અને એમની આવવા-જવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા વી.આર.ટી.આઈ. યજમાનપદે રહીને પૂરી કરે છે. એ ઉપરાંત કચ્છી ભાષાના અભિવ્યક્તિના કાર્યક્રમોનું પણ વી.આર.ટી.આઈ. આયોજન કરે છે. આવા કાર્યક્રમોમાં કચ્છી ભાષાના સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. એવા બે કાર્યક્રમો વિવિધ સ્થળોએ વી.આર.ટી.આઈ. દ્વારા થયા છે. કચ્છી ભાષાના સંવર્ધન અને પ્રોત્સાહનની પ્રવૃત્તિ બદલ કચ્છી સાહિત્યસભા દ્વારા કચ્છી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકારોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું, જે ગોરધન પટેલ કવિએ સ્વીકાર્યું હતું. કચ્છી ભાષાના સાહિત્યકાર નારાયણ જોષી કારાયલની 75 વર્ષની વય થતાં કચ્છી ભાષાના પ્રચાર –પ્રસાર માટે વાંચન પ્રકલ્પની શરૂઆત થઈ. આ કાર્યક્રમ હેઠળ 111 જેટલી વાંચનબેઠકો યોજવામાં આવી, જેમાં 3547 વાંચકોને લાભ અપાયો. આ બેઠકોમાં વી.આર.ટી.આઈ.એ કારાયલ અમરત ઓછવનામનુંપુસ્તક પ્રકાશિત કર્યું અને એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

કચ્છી સાહિત્યઅકાદમીનો પ્રારંભ ઈ.સ. 2005 થી થયો, પણ વી.આર.ટી.આઈ.એ કચ્છી ભાષાની પ્રવૃત્તિઓનો પ્રારંભ 2010થી કર્યો. પણ કચ્છી અકાદમીથી વધારે પુસ્તકો પ્રકાશિત કરીને તથા અન્ય કાર્યક્રમો કરીને કચ્છી ભાષાના ચાહકો, કચ્છીઓની દૃષ્ટિએ મિનિ સાહિત્ય અકાદમીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.”


આ અનન્ય બીનવ્યાવસાયિક પ્રકાશન ગૃહ, એનાં પ્રકાશનો અને પ્રવૃત્તિઓ વિષે વધુ વિગતે માહિતી માટેના સંપર્ક:

શ્રી ગોરધનભાઇ કવિ / Cell: +91 9825224355

વિવેકગ્રામ કાર્યાલય, શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રૈનીંગ ઇન્સ્ટિટ્યુટ,નાગલપુર રોડ, માંડવી-370 465 (કચ્છ)/ ઇ-મેલ: gpatelkavi@gmail.com


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો +9195580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : ગુજરાતના એક અનોખા બીનવ્યાપારી પુસ્તક પ્રકાશનગૃહ વિવેકગ્રામ પ્રકાશનની રજતજયંતિ યાત્રા

 1. ભારતી ગોર
  July 30, 2019 at 8:33 pm

  સમગ્ર ગુજરાત ને પ્રેરણાદાયી તથા સાહિત્ય સંવર્ધક સાહિત્ય કાર પ્રોત્સાહક વીઆરટીઆઈ તથા સફળતા ના પર્યાય કવિભાઈ યુગો સુધી જીવો…..

 2. રમેશ રોશિયા 'રોશન'
  July 31, 2019 at 6:52 am

  આદરણીય રજનીકુમાર પંડયા, સાહેબ આપશ્રીએ ખુબ જ ઊંડાણ પૂર્વક વી.આર.ટી.આઇ.ની રચનાત્મક કામગીરી વર્ણવી. એ માટે આપને ખુબ ખુબ અભિનંદન.
  વી.આર.ટી.આઇ. માંડવીનું વિવેકગ્રામ પ્રકાશન ન માત્ર કચ્છ માટે પણ સમગ્ર ગુજરાત માટે એક અલાયદી અકાદમી સમું છે. વી.આર.ટી.આઇ. દ્વારા કચ્છમાંં જળસંચયની સાથે ખેતી, પશુપાલન અને શિક્ષણ પ્રકલ્પ વિભાગમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મને ગૌરવ છે કે વી.આર.ટી.આઇ. ના વિવેકગ્રામ પ્રકાશન દ્વારા મારી કચ્છી વાર્તાઓનું પુસ્તક “રાણારાઇ” પ્રકાશિત કરાયું છે.

 3. joshi jigna
  August 7, 2019 at 8:56 pm

  કવિભાઈનુ કામ એટલે પેરણાનો ઘોઘ આવીજ સેવા યુગો સુધી કરતા રહો તેવી પાથઁના

 4. Nisha dipak mehta
  August 8, 2019 at 8:53 pm

  Kutchi kalamne vacha apta

  Vivekgram પ્રકાશન તથા kavibhai ne

  Khub khub abhinandan.

 5. Dr. Pooja Bharat joshi
  August 8, 2019 at 10:30 pm

  Vrti ni pravrutio sagar saman chhe… Aapsree a sagar ne gagar ma samavva no Prayatn kari samaj samax tene lavvano stutya Prayatn karyo chhe… Aabhar

 6. Prafull R GANDHI
  August 18, 2019 at 2:09 pm

  Dear Shri Rajnikumar bhai
  You are doing a wonderful job of bringing to light information about some of the best Institutions which otherwise would remain for most of your readers and general public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *