Science સમાચાર (૭૦)

Facebooktwitterredditpinterestlinkedinmail

Science સમાચારની શ્રેણીનો આ અંતિમ લેખ છે. વિજ્ઞાન વિશે બહુ ઓછું લખાય છે એટલે દર વખતે મોટા ભાગે તો વિજ્ઞાનનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં એકાદ મહિનાની અંદર જે કંઈ પ્રકાશિત થયું હોય અને આપણા જેવા સાદા લોકોને રસ પડે તે શોધીને આપવાનો પ્રયાસ રહ્યો. અહીં તો ટૂંકમાં જ આપી શકાય પણ જેમને વધારે રસ પડે એમના માટે લિંક આપવાની પ્રથા પણ લાગુ કરી. કદાચ આપે એનો લાભ લીધો હશે. આ ૩૫ અઠવાડિયાં એક નવી દુનિયાની સફરનાં રહ્યાં. આશા છે કે આપને આ શ્રેણી પસંદ આવી હશે. ગુજરાતીમાં આ પ્રકારની શ્રેણી આપવાની પહેલ વેબગુર્જરીએ કરી છે તેનો આનંદ છે. આ જ લેખો આ લેખકના બ્લૉગ ‘મારી બારી પર પણ પ્રકાશિત થયા. છે).

દીપક ધોળકિયા

***

(૧) ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આકાશગંગાની નજીક બહુ ખાલી જગ્યા છે!

હવાઈ યુનિવર્સિટીના ઇંસ્ટીટ્યૂટ ઑફ ઍસ્ટ્રોનૉમીના એક ખગોળશાસ્ત્રી બ્રેન્ટ ટલી અને એમની સાથે કામ કરતી એક આંતરરાષ્ટ્રીય ટીમે આપણી આકાશગંગાની પાડોશના વિસ્તારોનો નક્શો તૈયાર કર્યો છે. એમણે જોયું કે બ્રહ્માંડમાં અનેક જાતની ગૅલેક્સીઓ છે તે ઉપરાંત, ખાલી જગ્યાઓ પણ છે. આ ખાલી જગ્યાઓને ટીંએ ‘લોકલ વૉઇડ’ નામ આપ્યું છે.

એમણે ગેલેક્સીની ગતિનું અવલોકન કરીને એનું દળ કઈ રીતે વહેંચાયેલું છે તેનો કયાસ કાઢ્યો. ગૅલેક્સીઓ માત્ર બ્રહ્માંડના વિસ્તરણને કારણે ગતિ નથી કરતી હોતી, એમના પર આસપાસની બીજી મોટી ગેલેક્સીઓનું નએ જબ્બરદસ્ત દળદાર પ્રદેશોનું ગુરુત્વાકર્ષણ પણ કામ કરે છે. પરિણામે એ વધારે ગીચ પ્રદેશ તરફ જાય છે અને ઓછા ગીચ પ્રદેશોથી દૂર સરકે છે. આમ ખાલી જગ્યાઓ ઊભી થાય છે.

બ્રેન્ટ ટલી અને એમના સાથીઓએ ૧૯૮૭માં જ જોઈ લીધું હતું કે આકાશગંગાની સરહદ પાસે એક વિરાટકાય ખાલી જગ્યા છે પણ એ પેલે પાર હોવાથી બરાબર જોઈ શકાતી નથી એટલે પૂરતો અભ્યાસ થઈ શક્યો નહોતો. હવે એમણે ૧૮,૦૦૦ ગેલેક્સીઓનો અભ્યાસ કરીને એના પરથી આકાશગંગાની પાસેના ખાલી પ્રદેશો એક 3-D ચિત્ર દ્વારા દેખાડ્યા છે.

સંદર્ભઃ http://www.ifa.hawaii.edu/info/press-releases/local_void/

૦૦૦

(૨) પરંતુ આકાશગંગા બની શી રીતે?

આમ તો એવું છે કે ઉપર કહ્યું છે તેમ એક મોટી ગેલેક્સીએ નાની ગેલેક્સીને ગુરુત્વાકર્ષણથી પોતાની અંદર સમાવી લીધી હશે. અને નાની ગેલેક્સી પોતાની જગ્યાએ ‘લોકલ વૉઇડ’ મૂકી ગઈ હશે. આ વાત હવે સમજાય છે. પરંતુ આકાશગંગા પણ એ જ રીતે બની કે શરૂઆતથી જ આખી આજે જેવી છે તેવી જ હતી?

ખગોળવૈજ્ઞાનિકોએ જોયું છે કે બે ગેલેક્સીઓ મળી જવાથી આકાશગંગા બની છે. આ ઘટના દસ અબજ વર્ષ પહેલાં બની, એટલે કે બિગ બેંગને માત્ર સાડાત્રણ અબજ વર્ષ થયાં હતાં.

આ પહેલાં એ ખબર પડી ગઈ હતી કે આપણી આકાશગંગામાં બ્લૂ અને રેડ, એમ બે પ્રકારના તારા છે. બ્લૂમાં દળ ઓછું હોય છે અને રેડ વધારે સઘન હોય છે. ગાઇઆ ટેલીસ્કોપની મદદથી સૂર્યથી ૬,૫૦૦ પ્રકાશવર્ષ દૂર હોય એવા દસ લાખ તારાઓના પ્રકાશ, સ્થાન અને અંતરની માહિતી મળી. એના પરથી જણાયું કે બન્ને જાતના તારા લગભગ એકસરખા સમયના છે, પણ બ્લૂ તારા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નથી. એ બહારથી આવ્યા હોય તેમ જ્યાં ત્યાં પડ્યા છે. એનો અર્થ એ કે આકાશગંગાએ કોઈ નાની ગેલેક્સીને ગળી લીધી.

‘નેચર ઍસ્ટ્રોનૉમી’ મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસલેખનાં મુખ્ય લેખિકા કાર્મે ગેલર્ટ કહે છે કે અમારા કામમાં નવી વાત એ છે કે અમે ભળી ગયેલી બન્ને ગેલેક્સીઓના તારાઓને અલગ તારવીને એમની ઉંમર નક્કી કરી શક્યાં અને એના પરથી ખબર પડી કે બન્ને કેટલાં વર્ષ પહેલાં ભળી હશે. આ અથડામણ પૂરી થવામાં પણ કરોડો વર્ષ લાગ્યાં હશે. એ કંઈ કારનો અકસ્માત નથી કે માણસ અકસ્માત અને એનાં પરિણામ જોઈ શકે. પરંતુ બ્રહ્માંડના સમયની રીતે જોઈએ તો એ બહુ મોટો સમયગાળો ન ગણાય.

સંશોધકો માને છે કે આપણી આકાશગંગાનું આભામંડળ છે તે નાની ગેલેક્સીના અવશેષોમાંથી બન્યું હોવું જોઈએ.

સંદર્ભઃ https://phys.org/news/2019-07-astronomers-decode-milky-violent-birth.html

તસવીરઃ The Hindu, 25.7.2019

૦૦૦

(૩) એક ગ્લેશિયરના અંતિમ સંસ્કાર

ઉત્તર ધ્રુવથી પાંચ હજાર કિલોમીટર દૂરના દેશ આઇસલૅન્ડમાં પર્યાવરણમાં થયેલા મોટા ફેરફારને કારણે ૨૦૧૪માં એક ગ્લૅશિયરનું મૃત્યુ થઈ ગયું. ઑગસ્ટ મહિનામાં કેટલાયે વૈજ્ઞાનિકો અને સ્થાનિકના લોકો ગ્લૅશિયરની અંતિમ ક્રિયાની જેમ ત્યાં એક સ્મૃતિફલક મૂકશે (ઉપર તસવીરમાં). આઇસલૅન્ડના પશ્ચિમ ભાગાના બોર્ગરફ્યોરદોર પ્રદેશમાં ઑક્યોકૂલ ગળીને હવે એવું નાનું થઈ ગયું છે કે ગ્લૅશિયરની વ્યાખ્યા હવે એને લાગુ પડે તેમ નથી. હવે એ માત્ર OK તરીકે ઓળખાશે, એના નામ સાથેનો “યોકૂલ’ (એટલે કે ગ્લૅશિયર) શબ્દ હટી ગયો છે.

આઇસલૅન્ડમાં સહેલાણીઓ ગ્લૅશિયરો જોવા જતા હોય છે અને OK એના માટે બહુ પ્રખ્યાત નહોતો પણ એક હજાર વર્ષ પહેલાં વાઇકિંગ અહીં આવીને વસ્યા એમણે એની નોંધ લીધી છે એટલે એ ખાસ ઉલ્લેખનીય તો હતો જ. OK  એક મૃત જ્વાળામુખીના મુખ પર હતો અને હજી એક સદી પહેલાં એ ૯ વર્ગ કિલોમીટર કરતાં વધારે મોટા વિસ્તારમાં ફેલાયેલો હતો અને બરફનો થર ૧૬૫ ફુટ જાડો હતો. ૨૦૧૪ સુધીમાં એ પીગળીને માત્ર ૬૪૩ મીટર રહ્યો અને બરફનો થર પણ પીગળીને માત્ર ૫૦ ફુટ રહી ગયો.

ઊનાળામાં ગ્લૅશિયર પીગળે જ અને પાતળો થાય પણ શિયાળામાં એણે જેટલો બરફ ગુમાવ્યો હોય તેના કરતાં વધારે બરફ જમા કરી શકે તો જ એને ગ્લૅશિયર કહી શકાય.

આપણા હિમાલયના ગંગોત્રી ગ્લૅશિયરનું શું થશે, વિચાર્યું છે?

સંદર્ભઃ https://www.smithsonianmag.com/smart-news/plaque-memorializes-first-icelandic-glacier-lost-climate-change-180972710

૦૦૦

(૪) ઈંડાની અંદરથી બચ્ચું બહારના જોખમને ઓળખી લે છે!

સ્પેનના સમુદ્રકાંઠે વૈજ્ઞાનિકોએ એક રસપ્રદ પ્રયોગ કર્યો. સી-ગલ પક્ષીનાં બચ્ચાં ઈંડાની અંદર હોય ત્યારે કોઈ શિકારી આવે છે તે જાણી શકે છે કે કેમ. માતા-પક્ષી પોતાનાં બચ્ચાંને ખવડાવતી ગીતો ગાતી હોય છે. બધી માતાઓ ભેગી થઈ હોય છે એટલે કોરસ બની જાય છે પણ શિકારી દેખાય કે તરત કોરસનો સૂર બદલાઈ જાય છે. આમાંથી અમુક બચ્ચાં જલદી ભાગી જાય છે અને કેટલાંક એમની પાછળ જાય છે. આના પરથી સંશોધકોને લાગ્યું કે જલદી ભાગનારાં બચ્ચાં તરત ખતરો પામી ગયાં, એમ કેમ બન્યું? શું એ ઈંડાની અંદર હતાં ત્યારે જ એમને ખતરાનો અવાજ સાંભળવાની તાલીમ મળી છે?

ચેતવણીનો સૂર માત્ર બહાર આવેલાં બચ્ચાં સુધી નહીં, ઈંડાની અંદર રહેલાં બચ્ચાં સુધી પણ પહોંચે છે! અંદરનું બચ્ચું સમજી જાય છે કે કંઈક દાળમાં કાળું છે, બચવાની જરૂર છે. એ પણ બચવાની મહેનત કરે છે, એમાં ઈંડું ધ્રૂજવા માંડે છે. સંશોધકોએ બધાં ઈંડાંમાંથી અમુક પાસે ચેતવણીનો સૂર કાઢ્યો. એમના પર અસર થઈ. તે પછી બચ્ચાં બહાર આવ્યાં ત્યારે ફરીથી એ જ પ્રયોગ કર્યો. જેમણે ઈંડાની અંદર આ અવાજની તાલીમ મેળવી હતી તે તરત ભાગી છૂટ્યાં, પણ જેમને એ અવાજનો પરિચય નહોતો તે એમના કરતાં થોડી સેકંડો પાછળ રહ્યાં.

પણ એવું નથી કે માત્ર માબાપ પાસેથી જ એમને તાલીમ મળે છે, બે ઈંડાં વચ્ચે પણ સંદેશની આપ-લે થાય છે. એક ઈંડામાં ધ્રૂજારી થાય તો એની ખબર બીજા ઈંડાને પણ પડી જાય છે. બહારથી મળતા સંકેતો પર ધ્યાન આપવાનું એમના માટે જરૂરી છે, કારણ કે બચવાનો એ જ રસ્તો છે.

એક સી-ગલ રોજનું એક, એમ ત્રણ દિવસમાં ત્રણ ઈંડાં આપે છે. સંશોધકોએ આવાં ૯૦ ઈંડાં ભેગાં કર્યાં અને દરરોજ બે ઈંડાં એના જૂથમાંથી કાઢીને રેકૉર્ડિંગ સંભળાવ્યું અને પાછાં એમનાં જૂથમાં ગોઠવી દીધાં. આમ બે ‘જાણકાર’ બચ્ચાં બન્યાં અને એક અબોધ! તે પછી જ્યારે પ્રયોગ કર્યો ત્યારે જાણકાર પહેલાં ભાગ્યાં અને અબોધ પાછળ દેખાદેખીમાં દોડ્યાં!

સંદર્ભઃ https://www.nytimes.com/2019/07/22/science/birds-embryos-communication.html

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી


સંપાદકીય નોંધ -M/b>

આ મહિને શ્રી દીપક ધોળકિયાની ૭૦ હપ્તાથી ચાલતી ‘સાયન્સ સમાચાર’ લેખમાળાને હવે આગળ ન ચલાવવાનો નિર્ણય લેખકે લીધો છે. ખૂબ રસપ્રદ હોય તો પણ અમુક વિષયો પર એકધારી કોઈ લેખમાળા વાચકોના પક્ષે પણ અમુક પ્રકારનો થાક પેદા કરી શકે છે. એટલે દીપક્ભાઈએ આ શ્રેણીને વિરામ આપીને પોતે પણ નવા વિષયની શોધ માટે વિરામ લેવાનું નક્કી કર્યું છે.
વેબ ગુર્જરી સંચાલન મડળ તેમનાં યોગદાનની અને તેમના અભિપ્રાયની સરાહના કરવાની સાથે સાથે સહમતિ પણ અત્રે નોંધે છે અને તેમનો હાર્દિક આભાર માને છે.

વાચકોમાંથી કોઇ સાથી આવી કોઈ વિજ્ઞાનશ્રેણી, કે ઐતિહાસિક, સામાજિક, આર્થિક, ભૌગોલિક, ગણિત કે ટેક્નોલોજિ જેવા વિષયોને આવરી લેતી લેખમાળા શરૂ કરવા માગતા હોય તો એમનું સ્વાગત છે.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી

2 comments for “Science સમાચાર (૭૦)

  1. Samir
    July 29, 2019 at 1:36 pm

    મેં મોટા ભાગ ના હપ્તાઓ વાંચ્યા છે-માણ્યા છે. વિજ્ઞાન વિષે લખવું સહેલું બિલકુલ નથી ,સાચું પૂછો તો ખુબ અઘરું છે. ખાસ કરી ને રસ પડે તે રીતે લખવાનું .દીપકભાઈ એ આ કામ સુપેરે પર પાડ્યું છે. આશા છે કે દીપકભાઈ ને જલ્દી થી પોતાનો થાક ઉતરી જાય એટલે નવા વિષય સાથે પાછા આવી જાય .

  2. Dipak Dholakia
    July 29, 2019 at 7:39 pm

    સમીર, આભાર તો શું માનું, તમે લખ્યું તે વાંચીને સારું લાગ્યું. જુદા જુદા વિષયો પર લખું છું અને બધાં લખાણો લેખકનાં સંતાન હોય એટલે મને શું પ્રિય છે તે કહી ન શકું પણ આ શ્રેણીને હું ખાસ મહત્ત્વ આપું છું કારણ કે વિજ્ઞાનમાં ખાસ લખાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *