





(૧)
નળ કરે છળ
તો ત્યજી શકે, દમયંતી.
રામ કહે ‘બળ’
તો છોડી શકે સીતા.
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજ છલકાતો …
ઉષાબહેન ઉપાધ્યાય
(૨)
દિવાળીની ભરચક ભીડમાંથી
હું પસાર થતી હતી
ને અચાનક સંભળાયું– “જરા થોભને…”
ચમકીને પાછું ફરીને જોઉં છું
તો સામે
ઉત્તરાચલના પૂર જેવા
આશ્રમરોડના મહાપ્રવાહ વચ્ચે
પગ ઠેરાવીને ઉભેલા બાપુ દેખાયા,
બાપુ બોલ્યા કે શું!?
હું એમની સામે જોવા ગઈ
ત્યાં તો ખુલી ગઈ ક્ષિતિજમાં
મારી અલમારીઓ…
નવી સાડીઓ,
ચમકતાં આભૂષણો,
ક્યારેય ન વપરાતો
ને દિવાળીએ ઘર સાફ કરતાં
ઉખેળાતો અસબાબ.
કામની –નકામની અનેક ચીજ વસ્તુઓથી
ઉભરાતું મારું ઘર…
મને થયું
બાપુ મને શું કહી રહ્યા છે?!!
ઉષાબહેન ઉપાધ્યાય
ઉષાબેન ઉપાધ્યાયઃ
પરિચયઃ
વિશ્વભરમાં ‘જૂઈમેળા’થી સુવિખ્યાત થયેલ ડો. ઉષાબેન ઉપાધ્યાય ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ છે. તેઓ ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવયિત્રી, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક અને અનુવાદક છે. તેમના ૩૨ પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે. અત્રે તેમની બે અછાંદસ રચના પ્રસ્તૂત છે. તેમની રચનાઓ ‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ વે.ગુ.સમિતિ આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે..
સંપર્કઃ ushaupadhyay2004@yahoo.co.in
‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.
વાહ, ઉષાબહેન! બંને રચનાઓના વિચાર- બીજ સુંદર અને ક્રાંતિકારી છે!