






દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.
પ્રિય નીના,
૨૦૧૬નું નવું વર્ષ શરુ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરૂ કરવું. બ્લોગ પર ખુબ લખ્યું, ફેઇસબૂક પર ખુબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાંય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો. વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જીંદગી છે ને ? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે. આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરૂ કરવાનો વિચાર સતત ઝબકે છે. આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખુબ હળવાશથી જગત સાથે વહેંચવી.
નવા વર્ષના પહેલા જ દિવસની એક મઝાની વાત લખું. આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખુબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુ.ની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા! બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યાં. તેનો જરા યે વાંધો નહિ. પણ છેક સાંજે ખુબ ખુબ હસવું આવે તેવું બન્યું. છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખુબ મઝા આવશે.
“ઓહોહો… સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી. !”
(મારા મનમાં-મને ખાત્રી જ હતી.)
“હેલ્લો, અરે વાહ…તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં-સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ. )
“શું ટેલીપથી છે યાર…ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
( મનમાં-હડહડતું જૂઠ્!)
“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં- શું ગપ્પા મારતાં હશે લોકો.)
“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં- બીજી વાર પ્રયત્ન ન થાય ? )
નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.
અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખુબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ.પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું એટલાં માટે કે આ પ્રકારની વૃતિઓ કે વ્યવહાર પાછળના હેતુ,આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ. મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી ! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાત્રી છે. રાહ જોઈશ.એક હિન્દી શેર યાદ આવ્યો.
भगवानसे वरदान मांगा कि दुश्मनोसे पीछा छूडवा दो,
यार,क्या कहुं, अचानक दोस्त कम हो गये !!
ચાલ, આજે આટલું જ. અરે હાં, તને અને તારા પરિવારને શુભેચ્છા પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?
સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ,
રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ.
વધુ તારા પત્ર પછી.
દેવીની સ્નેહ યાદ
ક્રમશઃ પત્ર નં [૨]
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com
નમસ્તે નયનાબેન દેવિકાબેન.વિષય તો તમે સરસ પસંદ કર્યો છે. પત્રલેખન આજના સમયમાં વિસરાતી ને એક સમયમાં સગાસંબધીઓને જોડી રાખતી મહત્વની કડી હતી. ખેર,દરેક રિવાજ ને સંબંધ જરુરિયાત પર ટકે છે. હવે વાત ફોનના વાર્તાલાપની કરીએ તો આખો નિબંધ થઇ જાય. એવા પણ નમુના હોય કે યાદ રાખીને ફોન કરો તો કહેશે’લે તમે ભુલાપડ્યા?અથવા કેમ હમણા તમારો ફોન નહોતો? એક રમુજી વાત મારો અનુભવ, એક બહેનને ફોન કર્યો. એમનો બીજી અમારી કોમન મિત્ર સાથે ફોન ચાલતો હતો. મારો ફોન ઉપાડી ‘પછી વાત કરીશ. અત્યારે બીઝી છું કહીને મારો ફોન મુકી દીધો. પણ ભુલથી પોઝ પર! મે બન્નેની વાત ચીત સાંભળી કે જેમાં મારુ ઘસાતુ બન્ને બોલતા હતા. મને ખરાબ લાગ્યુ પણ ફાયદો એટલો જ થયો કે એ એમની ‘ભૂલ’ પરથી સરસ વાર્તાનું નિર્માણ થઇ ગયુ!