ગુજરે હૈ હમ કહાં કહાંસે : ( ૫) ગામનાં ‘ક્યારેક્ટર’

Facebooktwitterredditpinterestlinkedinmail

હવે જ્યારે પાંસઠ વરસ પૂરાં કરી ચૂક્યો છું ત્યારે જીવનના વિવિધ પડાવો ઉપર માણેલા આનંદદાયી અનુભવો યાદ આવતા રહેતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

સને ૧૯૬૧-૬૩ના સમયગાળા દરમિયાન મારા બાપુજી ગઢડા(સ્વામિનારાયણ)ની બેંકના મેનેજરપદે કાર્યરત હતા. અગાઉની કડીઓમાં તે સમયના મારા હમઉમ્ર મિત્રો અને એમનાં પરાક્રમો વિશે વાત કરી છે. આ વખતે તે સમયે ત્યાં રહેતાં અને મેં જોયેલાં – જાણેલાં એવાં કેટલાંક વિરલ પાત્રોની યાદ તાજી કરું છું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવાં વ્યક્તિત્વો માટે ઘણી વાર ‘ક્યારેક્ટર’ એવો શબ્દપ્રયોગ થાય છે.

—————*—————-*——————-*——————-*——————*—————

ગામનાં ‘ક્યારેક્ટર’


મારા એક મિત્ર છોટીયાનો ઉલ્લેખ અગાઉ થઈ ચૂક્યો છે. આજે એના બાપુજીની કેટલીક વાત કરું. સમાજનાં છેવાડેનાં કે પછી તિરસ્કૃત માનવીઓના હાથ ઝાલનારાઓને આપણે પુષ્કળ આદરની દ્રષ્ટીથી જોતા હોઈએ છીએ. એમને માટે લેખો તો ઠીક, પુસ્તકોનાં પુસ્તકો લખાતાં રહે છે. પણ સમાજ જેને માન્ય નથી રાખતો એવી પ્રવૃત્તિઓને જીવંત રાખનારાઓ માટે હાડોહાડ નફરત કેળવાતી રહે, એ ન્યાયસંગત કે તર્કસંગત ગણાય ખરું? વર્ષો પછી જ્યારે પૃથ્વી ઉપરની વિધ વિધ મનોરંજક/તનોરંજક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ થશે, ત્યારે એવી પ્રવૃત્તિઓને ટકાવી રાખવાના યજ્ઞકાર્યમાં નિ:સ્વાર્થભાવે આહૂતી પૂરનારા નરપુંગવોનાં નામ ‘એવા વિરલા કોક’ શિર્ષક હેઠળ સુવર્ણઅક્ષરે લખાવાનાં છે. એમાંના એક એવા અમારા છોટીયાના બાપાનો પરિચય આપવાનો અહીં પ્રયાસ કરું છું. સગવડ માટે આપણે એમને જેન્તીલાલ નામે ઓળખશું.

જેન્તીલાલે ચોક્કસ ક્ષેત્રોના નિભાવ માટે ભેખ લીધો હોવાથી એમનાં પત્નિ અને ત્રણ સંતાનો સહિત પૂરા કુટુંબનું યોગક્ષેમ તો એમના વૃધ્ધ બાપા જ સંભાળતા હતા. એ સમયે ખાસ્સા ઉમરલાયક એવા છોટુના દાદા જ્યોતિષ અને કર્મકાંડની પ્રવૃત્તિ વડે સારી પ્રતિષ્ઠા અને નાણું રળ્યા હતા. ગામમાં એમની શાખ પણ ઊંચી હતી. આનો ફાયદો એ હતો કે ક્યારેક ક્યારેક જેન્તીલાલને એમના જ કાર્યક્ષેત્રના મહારથીઓ સાથે હિતોનો ટકરાવ થાય, ત્યારે “આ તો ભામણનું ખોળીયું સે ને વળી – – દાદાનો દીકરો સે, જાવા દ્યો જાવા દ્યો ભાય, રૂપીયા તો બીજેથી રળી લેહું” જેવા ઉદ્ગારો અને ઓછામાં ઓછી શારીરિક યાતના સાથે એમનો છૂટકારો થઈ જતો. વળી વર્ષોની ઘોર તપસ્યા પછી પણ એમનું એક પણ પરાક્રમ પોલીસના ચોપડે ચડ્યું નહોતું. એમની એ ઉપલબ્ધિનું રહસ્ય અમારા છોટીયાએ જ બહાર પાડેલું…. “ મારા બાપાનો કોઈ હાથેય નો ઝાલી હકે. મારી બાના ફઈના દીકરા ભાઈ તો આયાં જમાદારમાં સે!” આમ, ‘સાલા ભયે ફોજદાર, અબ હમેં ડર કાયેકા!’ જેવા અભયવચન વડે નિશ્ચિંત એવા જેન્તીલાલ બપોરના ભોજન પછી ગામનાં અગોચર સ્થાનોમાં જતા રહેતા અને મોડી રાતે ઘેર પાછા ફરતા.

એમનો દિવસ લગભગ સવારના દસ-સાડાદસે ઉઘડતો. ત્યારના સમયની જીવનશૈલી પ્રમાણે એ હાથમાં ડોલ અને ખભે ટૂવાલ લઈને નદીએ સ્નાનાદિક વિધિ માટે પ્રયાણ કરે, ત્યારે અમારા ઘર પાસેથી પસાર થતા. રોજીંદા ધોરણે એ જતા હોય એવે વખતે દસ-પંદર છોકરાઓ સલામત અંતરે રહી, એમનો જયકારો બોલાવતા એમનો પીછો કરતા રહેતા. છેવટે જેન્તીલાલ એમના તકિયાકલામ – ‘કોનીના સો!’ – ના ઉદગાર સહિત ત્રાડ નાખે એ ભેગી એમની શોભાયાત્રા વિખેરાઈ જતી. વળી પાછા બીજા ખાંચે બરકસોની નવી ટૂકડી એમનો પીછો કરતી હોય એવું મનોરમ્ય દ્રષ્ય ખડું થઈ જતું. કોઈ વાર એ અડધીએક કલાક વહેલા નીકળ્યા હોય તો એવું બનતું કે એ જ સમયે મારા બાપુજી બેંકે જઈ રહ્યા હોય. એવા સંજોગોમાં જેન્તીલાલ ખુબ જ ઉમળકાથી એમનું અભિવાદન કરતા અને સાથે રહી, મારા બાપુજીના સામાન્ય જ્ઞાનનું સમૃધ્ધિકરણ કરવા માટે પ્રયત્ન કરતા. આમાં એમને એક ફાયદો એ થતો કે એમના સરઘસમાં સામેલ થવા ઉત્સુક છોકરાઓ જેન્તીલાલની સાથે ‘સાયેબ’ને જુએ એટલે એ દિવસ પૂરતું એમનું અભિયાન બંધ રાખતા. હા, બાપુજી એમની બેંક આવતાં છૂટા પડે કે ત્યાંથી આગળ વધીને નદી સુધીના જેન્તીલાલના પ્રવાસમાં અમુક ઉત્સાહીઓ ખુબ જ ભાવપૂર્વક સાથ આપતા.

આવી એબ હોવા છતાં જેન્તીલાલના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંઓ બહુ ઉમદા હતાં. એ નારી વર્ગ પ્રત્યે ખુબ જ શાલીન વ્યવહાર દાખવતા. એમાં એમનાં પત્નિ પણ આવી જાય. ક્યારેય છાકટા થઈને ગામની શેરીઓમાં આથડતા ન ફરતા. બીડી પીતા હોય એવામાં જો કોઈ નાનું છોકરું પણ સામે આવીને ઉભું રહે તો તે જ ક્ષણે બીડી બુઝાવી દેતા. છોટુના કહેવા પ્રમાણે એના બાપાએ એમનાં સંતાનો ઉપર કે પત્નિ ઉપર ક્યારેય બૂમ-બરાડા કે તાડનના પ્રયોગો કર્યા નહતા. આજથી લગભગ છ દાયકા અગાઉના સૌરાષ્ટ્રના ગામડામાં એક પુરુષમાં આવો મિજાજ ન હોય એ ભારે પ્રશંસાપાત્ર સુલક્ષણ ગણાતું. હવે જે વાત કરવી છે એ યાદ આવે ત્યારે મને થાય છે કે જેન્તીલાલ ભાવિકથનની ગેબી શક્તિ ધરાવતા હશે. આ ઘટનાએ આકાર લીધો ત્યારે હું માંડ સાત-આઠ વરસનો હતો એટલે વર્ષો પછી એકવાર અમે ગઢડા ગયા ત્યારે મારા બાપુજીએ મને જે કરેલી એ વાત અહીં મૂકું છું.

જેન્તીલાલ નદીએથી સ્નાનાદિકથી પરવારી પાછા ફરતી વેળા કોઈ ને કોઈ દુકાન કે કચેરીમાં બેસી, સમય પસાર કરતા. ત્યાં શ્રોતાગણનાં રસરુચીને માપી લઈ, ચોક્કસ પ્રકારની માહિતી તેમ જ બાતમી વહેંચતા. પોતાની બુધ્ધિમતા વિશે ઉંચો અભિપ્રાય હોવાથી જરૂર લાગે ત્યાં એ સલાહ-સુચન પણ કરતા રહેતા. એક વાર એ મારા બાપુજીની બેંકની શાખામાં જઈ ચડ્યા. ત્યાંના સેવક સાથે અને કારકૂનો સાથે થોડી ગોષ્ટી કર્યા પછી જેન્તીલાલે મારા બાપુજીને લાભ આપવાનું વિચાર્યું. એમની રૂમમાં જઈને પહેલાં તો એક કુશળ મેનેજર કેવો હોવો જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું. જો કે એ સંદર્ભે સામેની બાજુથી અનુકૂળ પડઘો ન પડતાં જેન્તીલાલે સાવ વણચિન્તવ્યો ધડાકો કર્યો, એમણે રૂપીયા દસ હજારની લોનની માગણી કરી! જેન્તીલાલના વ્યક્તિત્વ તેમ જ પ્રવૃત્તિઓથી સુપેરે વાકેફ થઈ ચૂકેલા મારા બાપૂજીએ એ જ ક્ષણે નનૈયો ભણી દીધો. આમ થવાથી સહેજેય વિચલીત થયા વિના જેન્તીલાલે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો. પણ સામેછેવટે ૧૯૬૧ના નવેમ્બર મહિનાના કોઈ ઐતિહાસિક દિવસે એમણે એક શક્વર્તી ભવિષ્યવાણી ભાખી કે જો બેંકો એમની જેવા જરૂરીયાતમંદોને મદદ ન કરવાની હોય તો એમને સરકારે હાથ ઉપર લઈ લેવી જોઈએ! આ ઉદ્ગારોએ શ્રીમતી ઈન્દીરા ગાંધી સુધી પહોંચવામાં આઠ વરસ લીધાં અને આખરે એમણે બેંકોના રાષ્ટ્રીયકરણનું ઐતીહાસિક પગલું ભર્યું. મને ખબર નથી કે આ જાણ થયે જેન્તીલાલે એ સમયના શાખાના મેનેજર પાસે પહોંચીને પોતે આ બાબતે અગમવાણી કરેલી જ હતી એની કથા માંડેલી કે કેમ!

વર્ષો પછી મારે ગઢડા જવાનું થયું ત્યારે મિત્ર છોટુને મળી જૂની યાદો તાજી કરવા હું એને ઘેર ગયો ત્યારે એ તો પરદેશ જતો રહ્યો હોવાની જાણ થઈ. જેન્તીલાલ એકદમ કડે ધડે હતા અને આરામખુરશીમાં ટુંટીયું વાળીને બેઠાબેઠા બીડીની લહેજત માણી રહ્યા હતા. મને નામથી ઓળખી ગયા અને બહુ જ પ્રેમથી એમણે મારાં મા-બાપને યાદ કર્યા. એ સમયે એમનામાં ફેરફાર દેખાયો હોય તો એટલો કે સાંજના સમયે એ કોઈ અગોચર વગડો ખુંદવાને બદલે ઘેર હતા!

—————*—————-*——————-*——————-*——————*—————

એ જ સમયગાળાની એક વધુ મજેદાર વાત માંડું. એક રવિવારની સાંજે અમારા ઘરે એક અજાણ્યા યુવાનની પધરામણી થઈ. એ બેગ બિસ્તર સહિત પધાર્યા હતા. ભાવનગરથી અમારા કોઈ સગા કે સંબંધીએ એમને અમારે ત્યાં ઉતરવાની ભલામણ કરી હશે એમ મારાં મા-બાપે માની લીધું અને ઉમળકાભેર આવકાર આપ્યો. ચા પાણી થયા પછી એ જરા સ્વસ્થ થયા એટલે બાપુજીએ ઓળખાણ પૂછતાં જશવંત નામધારી એ યુવાને જણાવ્યું કે એમની નિમણૂક જ્યાં મારા બાપુજી કાર્યરત હતા એ ગઢડાની બેંકની શાખામાં થઈ હતી અને પોતે ‘હાજર થવા’ આવ્યા હતા. ત્યારના રિવાજ મૂજબ એમના રહેઠાણની અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એ અમારે ઘરે જ રોકાવાના હતા. એકાદ અઠવાડીયા જેવું એ રોકાયા એ દિવસો દરમિયાન એમની ટેવો અને એમની જીવનશૈલી જોતાં મારા બાપુજીએ શક્ય ઝડપથી એમને અનુકૂળ પડે એવું ઘર ગોતવા તનતોડ પ્રયત્ન કર્યો. છેવટે એ પોતાના આવાસમાં રહેવા રવાના થયા ત્યારે ઘોડાગાડીની વ્યવસ્થા પણ અમે જ કરી હતી. યજમાન દંપતી તરફથી કહેવાયેલા ‘ભલે ત્યારે, કોઈ કોઈ વાર આવતા રહેજો’ જેવા શબ્દો સામે આભારદર્શન તો દૂર, ‘હું નીકળું છું’ જેવો વિવેક પણ બતાડ્યા વિના એ જતા રહ્યા હતા એ મને બરાબર યાદ છે.

અમારા તરફથી મળેલા આમંત્રણને માન આપવા એ ક્યારેક સાંજના સમે અમારે ઘેર આવી ચડતા. આમ એકદમ ઓછાબોલા અને બોલે ત્યારે નકરી વિસંગત વાતો કરતા રહેતા. આ કારણથી અમને એમનું મૌન વધુ અનુકૂળ પડતું. એમના આવ્યે છએક મહિના થયા હશે એવામાં એક સાંજે અમે લોકો બહારના ઓટલે બેઠાં હતાં ત્યાં એ આવ્યા. કશું જ બોલ્યા ચાલ્યા વિના મારાં મા-બાપની સામે અનિમેષ નજરે તાકી જ રહ્યા. બાપુજીએ ખુબ જ લાગણીથી વારંવાર શું કહેવું છે એમ પૂછ્યા કર્યું ત્યારે એમણે કહ્યું કે બે દિવસ પછી એમને છોકરીવાળાઓ ‘જોવા આવવાના’ હતા. એક યુવાનના જીવનમાં આવો પ્રસંગ તો આવે જ, એમાં એ કેમ મૂંઝાતા હતા એની ચોખવટ પછીથી થઈ. એ બોલ્યા, “હામેની પાલ્ટીને મારા બાપાએ હું બેંક્માં ‘મેલેજર’ છું એમ કીધું શ.” આ સાંભળતાં જ મારા બાપુજીએ એ યુવાનને ધમકાવવાનું શરૂ કર્યું. પોતાની કેફીયતમાં જશવંતલાલે બે કારણો આપ્યાં.

૧) કન્યા સ્નાતકની ડીગ્રી ધરાવતી હતી અને એના પિતા વાંકાનેરની કૉલેજમાં પ્રોફેસર હતા. આવું સરસ માંગું હાથમાંથી જતું ન રહે એટલા માટે પોતાનાં કુટુંબીજનોએ ‘થોડુંક’ વધારીને કહ્યું હતું.

૨) એમના સમાજમાં આ રીતે વાત વધારીને કહેવી સામાન્ય હતી. એ લોકો આને વે’વારીક છૂટ ગણતા હતા.

આમ, આવું વે’વારીક’ જૂઠાણું યથાર્થ ઠેરવવામાં મારા બાપુજીએ સહકાર આપવો જોઈએ એવી અપેક્ષા લઈને એ આવ્યા હતા. એમણે સૂચવ્યું કે જ્યારે ‘પાલ્ટી’ બેંકની મુલાકાતે આવે ત્યારે પોતે મેનેજરની ખૂરશીમાં બેઠા હોય એ બાબતે ‘સાયેબે’ સહકાર દેવાનો રહેશે. આમ તો મારા બાપુજી સારી એવી સામાજીક નિસ્બત ધરાવતા હતા પણ આવા જૂઠાણામાં સહભાગી થવા જેટલી ઉદારતા એમનામાં નહતી. વળી એ સમયે એક કારકૂન તરીકે પ્રસ્થાપિત થવું પણ એમને સ્વીકાર્ય નહતું. જો કે જશવંત દ્વારા થયા કરેલી લાંબી રજૂઆત પછી એ પીગળ્યા અને એક ઉર્મીભર્યા કોડીલા યુવાનનું ઘર મંડાતું હોય તો એમાં સહકાર આપવાનો એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. _ એ ચોક્કસ દિવસે પોતે રજા ઉપર ઉતરી ગયા. બસ, પછી તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને જશવંતલાલનું ઘર મંડાઈ ગયું.

આ ઘટનાક્રમના બેએક મહીના પછીની એક સાંજે અમે લોકો ઓટલે બેઠાં હતાં અને જશવંતલાલ એ જ રીતે મૂંગા મૂંગા ઉભા રહ્યા, જે રીતે એમને જોવા સામેવાળાં આવવાનાં હતાં એના બે દિવસ પહેલાં આવેલા. અમારી સામે તાકી જ રહે અને કશું જ ન બોલે! આખરે એમની જીભ ખૂલી ત્યારે જે જાણવા મળ્યું એનાથી વ્યથિત થવું કે રમૂજ અનુભવવી એ નક્કી કરવું અઘરું હતું. એ બે કારણોસર તાત્કાલિક ધોરણે છૂટાછેડા લેવા માંગતા હતા.

૧) પોતે સરેઆમ છેતરાઈ ગયા હતા. કન્યા ગ્રેજ્યુએટ તો ન્હોતી જ ન્હોતી, પણ હાઈસ્કૂલ પાસ પણ ન્હોતી. આઠમું ભણીને ‘ઉઠી ગઈ’ હતી!

૨) એમના સસરા વાંકાનેરની કૉલેજના પ્રોફેસર નહોતા, પણ વાંકાનેરની બાજુના કોઈ નાના ગામમાં હેરકટિંગ સલૂન ચલાવતા હતા!

એ પછી શું થયું એ ખ્યાલમાં નથી રહ્યું, પણ ‘વહી ધનુષ્ય વહી બાણ’ વડે લૂંટાઈ ગયેલા જશવંતલાલનો લાચાર ચહેરો યાદ આવે ત્યારે હજીયે મિશ્ર લાગણી અનુભવાય છે.

—————*—————-*——————-*——————-*——————*—————

સામાન્ય રીતે કોઈ પણ કુટુંબમાં એકાદ વ્યક્તિ ‘ક્યારેક્ટર’ની વ્યાખ્યામાં બંધબેસતી હોય અને બાકીનાં સભ્યો તો નોર્મલ હોય એવું સંભવિતતાના સિધ્ધાંતને ટાંકીને કહી શકાય. પણ અમારા ગઢડાનિવાસને યાદગાર બનાવી દેવામાં જેનું એકે એક સભ્ય ‘ક્યારેક્ટર’ હતું એવા એક કુટુંબે બહુ મોટો ફાળો આપ્યો છે. પતિ રણજીત ખાસ્સો દેખાવડો હતો અને બોલવાનું શરૂ ન કરે ત્યાં સુધી પ્રભાવશાળી પણ લાગતો. પત્નિ ઝમકૂ અત્યંત બેડોળ, કુરૂપ અને ધૂની હતી. હાલતાં ને ચાલતાં ઝઘડો વ્હોરી લેવાની એની આદત એના પોતાના સંસારમાં પણ પ્રગટ થતી રહેતી. ગામમાં એવું કહેવાતું કે એને વતાવાય નહીં, જે વતાવે એનો દિ’ બગડે. આ દંપતીનાં ચાર બાળકોમાંનો સૌથી મોટો દીકરો ચૌદેક વરસનો અને ચોથા નંબરનો દીકરો સાતેક વરસનો હતો. એમનો રહેવાસ અમારા ઘરથી બહુ દૂર નહીં એવા એક ઘરમાં હતો. રણજીત કેવી રીતે અને શું કમાતો હતો એ, ઝમકૂ ક્યારે અને શું રાંધતી હતી એ અને ચારેય સંતાનો ક્યાં અને શું ભણતાં હતાં એ સવાલ ગામમાં કોયડારૂપે ફરતો રહેતો. કોઈ પણ સમયે ગામના એકાદા વિસ્તારમાં આખું કુટુંબ એકસાથે રખડતું જોવા મળી જાય. અચાનક જ પતિ પત્નિ વચ્ચે બાઝણ શરૂ થઈ જાય અને ઉભયપક્ષે અપશબ્દોનો ઉદારતાથી ઉપયોગ થતો રહે એવું એક કરતાં વધારે પ્રસંગોએ જોયું હોવાનું મને યાદ છે. ક્યારેક એ બેય વચ્ચે હસ્તપાદપ્રહારયોગ પણ સધાઈ જતો અને એવે સમયે એમનાં સંતાનો પણ યથાશક્તિ ફાળો આપતાં એવું જાણ્યું છે. એમને છૂટાં પાડવાની કે વચ્ચે પડવાની હિંમત કોઈ ન કરતું. કારણ સીધું હતું…. એવા સંજોગોમાં સમગ્ર કુટુંબ બાકી રહી ગયેલી મગજની ગરમી અને શરીરની તાકાતનો લાભ એ વ્યક્તિને આપે એ શક્યતા ભારોભાર હતી એવું અનુભવીઓ કહેતા.

એ કુટુંબની એક અસાધારણ ક્ષમતા હતી સાપ પકડવાની. સૌથી નાના દીકરાથી લઈને રણજીત સુધીનાં છએ છ સભ્યો અત્યંત કૂશળતાથી સાપ પકડી લેતાં. જો કે આ કળામાં સૌથી પારંગત ઝમકૂ હતી એમ લોકો કહેતા. આ કારણસર એ લોકોની સાથે ગામનાં મોટા ભાગનાં કુટુંબો સારો સંબંધ જાળવી રાખતાં. કોઈ કોઈ વાર તો ‘રણીયાના ઘરમાં તો પાણીના માટલામાં ય નાગ હોય’ એવી કિંવદંતીઓ કાને પડતી. આવા દાવાઓમાં રહેલા તથ્યને તપાસવાની જિજ્ઞાસાનો કે હિંમતનો મોટા ભાગનાઓમાં અભાવ હતો. આખા ગામમાં કોઈ પણ સ્થળે કે કોઈના ઘરમાં સાપ જોવા મળે કે ‘બોલાવો ઝમકૂડીને’ના પોકારો ઉઠતા. આવી હાકલ પડે કે શક્ય ત્વરાથી ઝમકૂ આણિ મંડળી ઘટનાસ્થળ ઉપર પહોંચી જઈ, પ્રશ્નનો નિકાલ કરી આપતી. બદલામાં એ ટંકે આખા કુટુંબનાં ભાણાં જે તે લાભાર્થીને ઘરે પડતાં.

એક વાર એ પતિ-પત્નિને અંદરોઅંદર કાંઈ વાંધો પડ્યો. આમ તો એ રાબેતા મુજબની ઘટના હતી, પણ એ દિવસે રણજીતની લાગણી વધુ પડતી ઘવાઈ ગઈ. એણે ગૃહત્યાગ કર્યો અને ગામની મધ્યમાં આવેલી એક ચા-નાસ્તાની હોટેલના ઓટલા ઉપર અડીંગો જમાવીને એ બેસી ગયો. ત્યાં એણે ભેગું એક પાટીયું રાખ્યું હતું, જેની ઉપરનું લખાણ મને આજે ય યાદ છે….” મારી વઉ (વહુ) કભારજા સે. ઈની હારે રે’વા પે (કરતાં) હું શીમ(સીમ) નાં શીયાળવાં હારે રઈશ.” મારા જોવામાં આ દ્રશ્ય આવ્યું ત્યારે એની સામે ઝમકૂ હાથ લાંબા કરીકરીને પ્રેમાળ સુવાક્યો કહી રહી હતી અને નાનો દીકરો તેમ જ એનાથી મોટી દીકરી હીબકાં ભરતાં ભરતાં ‘બાપા! ઘેર હાલો, બાપા! ઘેર હાલો’ના નારા પોકારી રહ્યાં હતાં. ઘટનાસ્થળ ઉપરની હોટેલના માલીક ખુશ હતા કારણકે આ મનોરંજક મામલો માણવા લોકો ભેગા થવા લાગ્યા હોવાથી એમની ઘરાકી વધી ગઈ હતી. પણ આખરે ગામના કેટલાક ડાહ્યા વડીલો આવી પહોંચ્યા અને એમણે બંને પક્ષને સાંભળી, સમાધાન માટેની ભૂમિકા ઉભી કરી આપી. એ પૈકીના એકે રણજીત સહીત છએય કુટુંબીજનોને પોતાને ઘેર જમવા નોતર્યાં અને આનંદમંગળ થઈ રહ્યું.

આ ઘટના બન્યા પછી છએક મહીનામાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી કોઈ એ કુટુંબે નોંધનીય પ્રસંગ ઉભો ન્હોતો કર્યો. પણ એનાં દસેક વરસ પછી એક વાર હું ગઢડા ગયેલો ત્યાં મને બજારમાં રણજીત મળી ગયો. આટલા સમય પછી મળ્યા હોવા બાબતે કશી જ ઔપચારિકતા બતાડ્યા વગર એણે મને ઉભો રાખી, પોતે ઝમકૂથી ત્રાસી ગયો હોઈ એને સજા કરવા માટે શું કરવું એનું સૂચન માંગ્યું. આમ તો એ માટે આટલા લાંબા સમય પછી મળતા મારી જેવા અલ્પપરિચીતને એણે શાથી પસંદ કર્યો એ મને આજ સુધી સમજાયું નથી. આ ત્રાસ એને રોજનો થયો હતો અને તો પણ હજી એનાથી એ ટેવાયો કેમ નહીં હોય એનું કુતૂહલ દબાવી રાખી, મેં એને પડ્યું પાનું નિભાવી લેવાની સલાહ આપી. પણ રણજીત પોતાના નિર્ણય ઉપર અફર હતો. મેં સીધું સૂચન કરવાને બદલે એની પાસે કયા વિકલ્પો હતા એની પૃચ્છા કરતાં એણે ઝમકૂને ‘પતાવી દેવા’ સુધીની તૈયારી કરી હોવાનું જણાવ્યું. આ સાંભળીને હું તો ધ્રુજી ગયો કારણકે એ મૂર્તી તો આવા વિચારને અમલમાં મૂકી દેવા સમર્થ હતી! યોગાનુયોગે એક દાયકા અગાઉ જ્યાં બેસીને એણે ધરણાં કરેલાં એ હોટેલ નજીકમાં જ હતી. મેં વિચાર્યું કે એને ત્યાં બેસાડીને ચા-નાસ્તો કરાવીશ એટલે એ થોડો ટાઢો પદશે અને વળી એ જ સમયે કોઈ ગામડાહ્યા વડીલ પણ ત્યાં મળી જાય તો એમના હાથમાં આ બાજી પકડાવી ત્યાંથી છૂટી નીકળવાની પણ મારી ગણત્રી હતી.

ત્યાં મેં ફરી એક વાર એને પૂછ્યું કે એણે શું વિચાર્યું હતું. ચા પીવાઈ ગયા પછી રણજીતે પોતાની બાજી ખુલ્લી કરી. એણે કહ્યું કે કાંતો પોતે એ કભારજાનું નાક કાપી નાખવા માંગતો હતો અને નહીંતર એના વાળ કાપી, ઝમકૂડીને માથે ટકોમૂંડો કરી દેવાની સજા કરવા માંગતો હતો. મેં જાત છોડાવવા એને જે સૂચન કર્યું એ મને ભગવાને સુઝાડ્યું હતું એમ મને લાગે છે. મેં કહ્યું, “ગમ્મે એમ પણ ઈ તમારું અડધું અંગ કે’વાય. એને આકરી સજા દેવી વ્યાજબી નો ગણાય. નાક કાપશો તો ઈ ફરી વાર નઈ ઉગે. વળી નક્ટીનાં છોકરાં વરશે ય નહીં. એના કરતાં એના વાળ કાપો, પણ મૂંડો નો કરતા. કારણકે ટકો તો જેનો વર મરી જાય ઈ કરાવે! તે તમારે જીવતે જીવ ઝમકૂબે’નને વિધવા બતાડવાં શ?”

“હાલોપ્પ્પ! ઈમ જ કરું” કહેતોકને રણજીત હોટેલની બહાર નીકળી ગયો. એ પછી એણે શું કર્યું એની જાણ મને ક્યારેય નથી થઈ, કારણકે ચા-નાસ્તાના પૈસા ચૂકવીને હોટેલમાંથી નીકળ્યા પછી એકાદ કલાકમાં જ હું ભાવનગરના રસ્તે જતી બસમાં બેસી ગયો હતો.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *