ફિર દેખો યારોં : પાણી: જબ તૂ ફિરે ઉમ્મીદોં પર, તેરા રંગ સમઝ ના આયે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ચોમાસાનો પ્રવેશ મોડો થયો, અને એ પછી પણ તે ખેંચાયું છે. કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદ થયો છે, તો ઘણા બધા વિસ્તારોમાં હજી નામનો જ વરસાદ થયો છે. આવા વિસ્તારો હજી બરાબર વરસાદ થાય તેની પ્રતિક્ષામાં છે. આવા માહોલમાં ચેન્નાઈની જળતંગીના સમાચાર નવાઈ પમાડે એવા નથી. એકાદ સપ્તાહ પહેલાં, આ મહિનાની બારમી તારીખે તમિલનાડુના વેલ્લોરથી પાણી ભરેલી ટેન્‍કરો લઈને નીકળેલી ટ્રેન ચેન્નાઈ પહોંચી. એક ટ્રેનમાં પાણી ભરેલી પચાસ ટાંકીઓ છે, જેમાં બધું મળીને પચીસ લાખ લીટર પાણી છે.

એક અહેવાલ અનુસાર ચેન્નાઈને રોજના 800 એમ.એલ.ડી. (મીલીયન લીટર પ્રતિ દિન) પાણીની જરૂર છે, તેની સામે સત્તાતંત્ર કેવળ 525 એમ.એલ.ડી. પાણી પૂરું પાડી શકે છે. તમિલનાડુ સરકારે રોજના 10 મીલીયન (એક કરોડ) લીટર પાણી રેલ દ્વારા લાવવાનું આયોજન કરેલું છે. ટ્રેનનો આ પહેલવહેલો ફેરો હતો, જેની ગોઠવણ કરતાં વીસેક દિવસ લાગ્યા. નિયત સ્થળે પહોંચ્યા પછી પણ જરૂરિયાતવાળાં સ્થળોએ પાણીનું વિતરણ કરવામાં ઠીક ઠીક વિલંબ થયો. કેમ કે, આ શુભ કાર્ય યોગ્ય સમયે જ આરંભવું જોઈએ એમ માનનારા રાજ્યના મંત્રીઓ પોતાના વરદ હસ્તે તેનો શુભારંભ કરવા માગતા હતા.

છેલ્લા બે વરસથી ચેન્નાઈમાં ચોમાસું નિષ્ફળ જઈ રહ્યું છે. શહેરને પાણી પૂરું પાડતા જળાશયોનું તળિયું આવી ગયું છે. આ સમાચાર સાથે આપણે શું લાગેવળગે એમ માનીને તેને અવગણવા જેવા નથી. એ હકીકત છે કે આટલાં વરસોમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેનું યોગ્ય આયોજન કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. એ દિશામાં ખાસ પ્રયત્ન થયો હોવાનું પણ જણાયું નથી. જે કંઈ પ્રયત્નો થયેલા જણાય એ વ્યક્તિગત ધોરણે કે છૂટાછવાયા, પણ એક નક્કર પ્રણાલિ તરીકે હજી તે ખાસ સ્થપાયા નથી. આજે આ સ્થિતિ ચેન્નાઈની છે, જે આવતી કાલે દેશના અન્ય કોઈ પણ નગર, શહેર કે મહાનગરની થઈ શકે છે.

ચેન્નાઈની આ ઘટનામાં પાણી ભરેલી ટ્રેનને આવકારવા થનગનતા અને તેને લઈને વિતરણમાં વિલંબ કરાવનારા નેતાઓ પણ તમિલનાડુમાં જ વિદ્યમાન છે એમ માનવાની જરૂર નથી. ગુજરાતમાં પણ અગાઉ પૂર વખતે હેલિકોપ્ટરમાંથી નેતાઓની તસવીર ધરાવતા ફૂડપેકેટો ફેંકાયા હોવાના દાખલા છે. આના પરથી બોધપાઠ એટલો જ લેવાનો છે કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, નેતાઓના મોં જોયા વિના ચાલવાનું નથી. આથી તેનાથી બચવા માટે જે કંઈ ઉપાય વિચારવા હોય એ જાતે જ વિચારવા.

નેતાઓ પણ કંઈ આસમાનમાંથી ટપકતા નથી. તેઓ આપણા જ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. નાગરિક તરીકે આપણે પણ કાયમ ઉજવણીના કે તસવીરો લેવાના મૂડમાં રહેતા હોઈએ ત્યારે નેતાઓ એમ ન કરે તો જ નવાઈ છે.

વિકાસની આપણી તરાહ એવી રહી છે કે સૌ પ્રથમ જે પણ સ્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેને આડેધડ વેડફીને ખતમ થવાને આરે લાવી દેવો. આ પ્રયાસની ગંભીરતા સમજાય એ પછી તેના બચાવ અંગેના અભ્યાસ કરવા, ચર્ચાવિચારણાઓ કરવી, સૂત્રસ્પર્ધાઓ યોજવી, અને આ તમામ ગાળા દરમિયાન પેલા રહ્યાસહ્યા સ્રોતનો પણ ખાત્મો બોલાવી દેવો. એ પછી શરૂ થાય તેને પુનર્જીવિત કરવાની કવાયત. આ તરાહ કોઈ એક દેશ યા પ્રદેશની નથી, બલ્કે સમગ્ર માનવજાતના વિકાસની રહેલી છે. પચાસ વરસ પહેલાંનાં મકાનોમાં વરસાદી જળના સંચયની વ્યવસ્થા મોટે ભાગે કરાયેલી જોવા મળતી. એ રીતે આખું વરસ ચાલે એટલું વરસાદી જળ સંઘરી શકાતું. મકાનોના બાંધકામમાં પણ આપણે આપણા પ્રદેશના વાતાવરણથી સાવ વિપરીત અને પ્રતિકૂળ હોય એવી પદ્ધતિ અપનાવી. લોખંડ કે સિમેન્‍ટ બાબતે હજી એમ માનીએ કે તે બાંધકામની મજબૂતી માટે અનિવાર્ય છે, પણ કાચની ઈમારતો આપણા પ્રદેશના ગરમ હવામાન માટે કઈ રીતે અનુકૂળ છે એ સમજાતું નથી. આપણા પ્રદેશમાં કાચનો મબલખ ઊપયોગ વૈભવ અને ભવ્યતાના દેખાડા માટે જ હોય એમ માનવું રહ્યું. આવી ઈમારતો ઊર્જા પણ બહુ ખાય છે. આમ છતાં, દેખાદેખીમાં તે બન્યે જ જાય છે.

સૂર્યપ્રકાશથી ભરપૂર એવા આપણા દેશમાં મોડે મોડે પણ સૌર ઊર્જા પેદા કરવાને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું છે. જળસંચય બાબતે પણ આવી કોઈ સરકારી નીતિ અમલી બને તો એ આવકાર્ય પગલું લેખાશે. કાનૂની રીતે ફરજિયાત કરવાથી મોટે ભાગે એમ બને છે કે પહેલી શોધ તેમાંથી છટકવાના છીંડાની થાય છે. કેમ કે, કાયદાનું પાલન ગમે એવું કડકાઈથી થાય, સરવાળે તે ભ્રષ્ટાચારની બારી જ ખોલી આપે એવું આપણે જોતા આવ્યા છીએ. નાગરિકો પોતાની ફરજ અને જવાબદારી સમજીને જે તે કામ કરે તો જ તેનું પરિણામ મળી શકે. રૂપિયા ખર્ચીને પ્લાસ્ટિકની બાટલી, બરણી, કાર્બોય ખરીદતા વર્ગને કદાચ એમ હશે કે પાણીની તંગી પોતાને નહીં નડી શકે. મુશ્કેલી એક જ છે કે પાણીને ક્યાંય પેદા કરી શકાતું નથી. ધોધમાર વરસાદ વરસતો હોય એવા મોટા ભાગના પર્વતીય પ્રદેશોમાં પણ જળસંચયના અભાવે પાણીની તંગી અનુભવાય એ સામાન્ય બાબત છે. એવા પ્રદેશોમાં વસતા ન હોય એવા આપણા જેવા લોકોને એનું ભાન ત્યારે જ થાય છે જ્યારે આપણે કોઈ હીલસ્ટેશનની મુલાકાત લઈએ. પણ આપણે ત્યાં મુલાકાતી હોવાથી રહેવાસીઓના ભાગનું પાણી વાપરી કાઢતા હોઈએ તો નવાઈ નહીં.

પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય એવા આપણા ઉત્સવોની ઉજવણીની પદ્ધતિમાં ફેરફાર કરવો હવે જરૂરી બની રહ્યો છે. એમાંય ગણેશોત્સવ કેવળ પાણીનો વેડફાટ નહીં, પાણીના સ્રોતોને ભરપૂર માત્રામાં પ્રદૂષિત કરે છે. ચેન્નાઈની સ્થિતિ પરથી આપણે સૌએ સબક લેવા જેવો છે. રાજકારણીઓ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પોતાની તસવીરો છપાય એનું ધ્યાન રાખશે, પણ પાણીની ટ્રેન મંગાવવા સુધીની સ્થિતિ પેદા ન થાય એ જોવાની જવાબદારી આપણી પણ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮- ૭ – ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *