પીવાના પાણીની ખેંચનો પોતીકો ઉકેલ – “ભૂગર્ભ ટાંકો”

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

જેને નથી કોઇ રંગ કે નથી ગંધ-સુગંધ, નથી કોઇ ખારો-તૂરો, તીખો કે કડવો-ગળ્યો સ્વાદ કે નથી શરીરને જોઇતાં પોષક તત્વો તેમાં, અને છતાં જીવ માત્રમાં જીવનરસ બની વ્યાપી રહેલું કુદરતનું અદભૂત સર્જન એટલે “પાણી” !

આ પાણીનાં ઘન, પ્રવાહી અને વાયુ –કહોને બરફ, પાણી અને વરાળ એવાં ત્રણ રૂપો.–ત્રણે ય પૂરેપૂરાં પાણીદાર ! સીધાં હાલે તો સર્જનહાર અને વાંકે-વહમે એટલાં જ વિનાશકારી !

પાણીની વરાળમાંથી વાદળ બંધાય. વાદાળાંમાંથી પાણી અને કરા રૂપે વરસાદ વરસે-આમ પાણીનું પરિભ્રમણ નિરંતર ચાલ્યા કરે અને એના થકી ધરતી પરના પ્રાણી-વનસ્પતિ સૌ જીવોનાં જીવન ધબકતાં રહે છે.

એના બદલાયાં કરતાં સ્વરૂપો ભલેને છે ત્રણ, પણ પૃથ્વી પરનો કુલ જથ્થો તો એટલો જ રહે છે. બહુ અચંબો પમાડે એવી વાત એ છે કે કરોડો વરસથી આ પૃથ્વી પર કંઇ કેટલાયે દટ્ટણ-પટ્ટણ થઈ ગયાં, પણ એના પાણીના કુલ જથ્થામાં જરીકે ય વધ-ઘટ થઈ નથી. નવું પાણી ટીપું યે ક્યાંયથી ઉમેરાયું નથી કે ટીપાનો યે નાશ થયો નથી !

મીઠું પાણી આપણા માટે મહામૂલું એટલા માટે છે કે પૃથ્વી પરનાં કુલ પાણીનો 97 % જથ્થો તો ખારાપાણી સ્વરૂપે સમુદ્રમાં હિલોળા લઈ રહેલ છે. પીવા લાયક મીઠાં પાણીના બાકી રહેલ 3 % પાણીમાંથી પણ બે ભાગનો જથ્થો તો ઉત્તર-દક્ષિણ બન્ને ધ્રુવો અને પર્વતો પર બરફ સ્વરૂપે રોકાઇ રહેલ હોય છે. જમીન પર તો ત્રીજા ભાગથી યે ઓછું [કુલ પાણીના 0.65 ટકા જેટલું ] છે, અને એ ય બધું આપણા માટે સીધે સીધું ઉપયોગમાં લઈ શકીએ તેવું એટલા માટે નથી કે એનો પણ 98.7 ટકા જથ્થો તો જમીનમાં ઉતરી ગયેલ ભૂગર્ભ-જળ સ્વરૂપે હોઇ નદી-તળાવ અને સરોવરમાં સંચીત તો 1.3 ટકા જ બચેલું છે. [કુલ પાણીના મીઠા પાણીવાળા 3 % હિસ્સા માંહ્યલા 0.65 % નો યે 1.3 % હિસ્સો આપણી વપરાશના ક્ષેત્રમાં છે. અને તે યે કેટલો છે તે જાણશો તો યે અધ..ધ કહેવાઇ જશે ! 1,13000 અબજ ઘન મીટર ! અને છતાં આપણો જ ગેર વહીવટ આપણને પાણી માટે રડાવે છે.]

આપણા ભાગે આવતાં માત્ર આટલાં અલ્પ જથ્થાના પીવા-લાયક પાણી ઉપર પ્રાણી-સૃષ્ટિને જિવાડવાની કેવી મોટી જવાબદારી ! અને જીવ માટે પાણી કેવું અમૂલું છે બોલો ! બીજી બધી યે જગતની કોઇ પણ વપરાશી ચીજોની ચિંતાઓમાં પાણીની ચિંતાને અગ્રતા આપવા જેવું નથી લાગતું ? તમે જ કહો !

આપણી હાલની પરિસ્થિતિ તો જૂઓ ! :

અત્યારની આપણે ત્યાંની સામસામા છેડાની વિષમ પરિસ્થિતિ તો જૂઓ ! સુપડાધારે વરસતા વરસાદનું પાણી, પૂર બની હાહાકાર મચાવી આપણી નજર સામે જ હડી કાઢતું દરિયા ભેળું થઈ જાય છે, અને ઉનાળો આવ્યા ભેળા ખાલી બેડાં લઈ પાણી માટે અહીં-તહીં ભટકવાનું શરૂ થઈ જાય છે. અરે ! સરકારી ઓફિસોમાં આવેદનપત્રો આપીએ છીએ, બેડાં-સરઘસ કાઢી હાય હાય ને કાળો દેકારો બોલાવીએ છીએ ! પાણી સંગ્રહ અને વિતરણની આપણી આજની પદ્ધતિ માણસોની તરસ છીપાવી શકવામાં ઢીલી પડી રહી છે.

ઉકેલ આપણા હાથમાં જ છે :

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા ધારીએ તો વાત આપણા હાથની જ છે. અને ખરું કહીએ તો વસ્તીનો થઈ રહેલ વધારો અને આધુનિક સંસ્કૃતિના વિકાસના પરિણામે પાણીનો વપરાશ જ એટલો વધી રહ્યો છે કે પાણીની આ કપરી પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવો એ માત્ર જરૂરી જ નહીં, પણ અનિવાર્ય પણ છે મિત્રો ! કારણ કે આ બાબતે કોઇ સક્રીય પગલાં નહીં ભરાય તો પાણીના વધી રહેલા વપરાશ થકી ભૂગર્ભ જળ પણ ખૂટવાં લાગ્યાં છે, અને આગળ કહું તો …

પાણી એ જીવન માટે ઉત્તમ પ્રવાહી હોવા છતાં પાણીનો પોતાનો સ્વભાવ જ એવો છે કે ભૂગર્ભમાં રહેલા જાત-ભાતના ખનીજોને પોતાનામાં ઓગાળવા ઉપરાંત ઉદ્યોગ-ફેક્ટરીઓ વગેરમાં વપરાઇને નીકળતાં પાણીમાં કેટલાય રસાયણો ભળેલાં હોય છે એ, અને એવું જ ખેડૂતોના વાડી-ખેતરોમાં વપરાતા ઝેરી જંતુનાશકો અને ફર્ટિલાઇઝરોના કેટલાય રસાયણો ઉપરાંત માણસોના નાહવા-ધોવાના પાણી માંહ્યલાં સાબુ-સોડા અને કૃત્રિમ રસાયણો અને સંડાસના શોષખાડા વગેરેનું નિતરાણ પણ ધરતીના પેટાળમાં જ ઉતરવાનું ને ? અરે ! કોઇ કોઇ નદીઓમાં તો સીધી ગટરો ઠલવાતી હોઇ-નદીઓનાં પાણી તો પીવા લાયક રહ્યાં નથી. એ બધાં દુષિત પાણી જ્યારે ભૂગર્ભમાં ઉતરે અને ફરી કૂવા-બોરમાંથી ખેંચી બહાર કાઢીએ તો એ તો પાણી એનું એ જ મળવાનું ને ? તળમાં હોય એ જ બહાર આવે ને ?

પ્રશ્ન માત્ર આપણા પૂરતો નથી :

માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે હિંદુસ્તાન પૂરતો જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં મીઠાં-પીવાલાયક પાણીનો જથ્થો વધુને વધુ ઘટી રહ્યો છે, ત્યારે વહેલાસર જાગી, કાયમી ઉકેલ બાજુ વળ્યા વિના છૂટકો જ નથી ભાઇઓ ! શુદ્ધ અને પીવાલાયક મીઠું પાણી મેળવવું હોય તો એનો એક માત્ર ઉપાય જો કોઇ હોય તો એ છે વરસાદી પાણીને જ ઝીલી લઈ, સંગ્રહી લેવું એજ. અને એ આપણા વડવાઓએ વરસો પહેલાં અમલમાં મૂકેલ ઉકેલ છે.

આ રહ્યા બોલતા પુરાવા :

300 વરસ જૂની-પુરાણી આ પદ્ધતિ ગુજરાતના ઘણા પ્રદેશોમાં-પોરબંદર, જુનાગઢ, ભાવનગર, દ્વારકા, ઓખા, મહેસાણા, વેરાવળ, સુરેંદ્રનગર અને ખેડા જિલ્લાના ગામોમાં વરસાદી પાણીને ઝીલી લઈ સંગ્રહ કરી લેવાના ભૂગર્ભ ટાંકા આજે પણ જોવા મળી રહ્યા છે.

ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરાના મારા સહાધ્યાયી-હાલ રાજકોટ રહેતા મારા પરમ મિત્ર ડો. વિનોદ માંગુકિયાએ તેમના મારા પરના પત્રમાં જણાવ્યું છે કે “ પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેના એક માત્ર ઉપાય રૂપે-અમારા આંગણાંમાં વરસાદી પાણી ઝીલી, તેનો સંગ્રહ કરી શકાય તેવા પચ્ચીસ પચ્ચીસ હજાર લીટરના બે અંડરગ્રાઉંડ ટાંકા બનાવી લીધા છે. અગાસીને ખૂબ સાફ કર્યા પછી વરસતા વરસાદનું પાણી તેમાં ભરીએ છીએ. ટાંકાને એરટાઇટ ઢાંકણથી બંધ રાખીએ છીએ, અને આખું વર્ષ પાણી તાજું જ રહે છે. આ પાણીનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાવ્યો છે, અને તે પ્રદુષણ મુક્ત-પીવાલાયક સાબિત થઈ રહ્યું છે. અરે ! જુનાગઢમાં જેણે જેણે આવા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે તે બધાનો અનુભવ એવો જ છે કે એકવાર આ ટાંકાનું પાણી પીધા પછી બીજું પાણી ભાવતું નથી.” આવા ભૂગર્ભ ટાંકા બનાવવા માટે આપણને સરકાર સારીએવી સબસીડી ફાળવીને પ્રોત્સાહન આપી રહી છે.

અમારી જ વાત કરું તો અમારા પરિવારના સુરત-સચીનના મકાનો ઉપરાંત અમારા ગામ માલપરા અને બાજુના ગામ ઢસામાં પણ ઘણાબધા મિત્રોનો આવો જ સારો અનુભવ ભૂગર્ભ ટાંકા બાબતે રહ્યો છે.

ક્યાં બનાવાય આવો ટાંકો ?

આપણા મકાનને જો ફળિયું હોય તો ફળિયામાં અને ન હોય તો મકાનની ઓંશરી કે રૂમની નીચે પણ બનાવી શકાય. ટાંકો તો ફળિયામાં જમીન ઉપર પણ બનાવી શકાય કે પ્લાસ્ટિકની ટાંકી મૂકી, એમાં પણ પાણી સંગ્રહી શકાય, પણ ફળિયામાં જમીન ઉપર આ વ્યવસ્થા ઊભી કરવાથી એટલી જગ્યા રોકાઇ ન રહે અને ઠંડી-ગરમી જેવી વાતાવરણીય માઠી અસરોનો ભોગ પણ ન બનવા પામે એટલા માટે જમીનની અંદર બનાવવો વધુ ફાવે. એમાં ધ્યાન તો એટલું જ રાખવાનું હોય છે કે મકાનની છત કરતાં ટાંકાનું લેવલ નીચું રખાયું હોય તો છતનું પાણી સરળતાથી ટાંકામાં ઊતરી શકે.

કેવો હોય આ ભૂગર્ભટાંકો ?

ટાંકાનો ઘાટ ગોળ, ચોરસ કે લંબચોરસ અને ઊંડાઇ કેટલી રાખવી, તે આપણી પાસેના ફળિયાની વિશાળતા અને સિચ્યુએશન ઉપરાંત આપણા કુટુંબની જનસંખ્યા અને એની પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ નક્કી કરાય. ચોરસ ઘાટ કરતાં ગોળ ઘાટમાં એટલા જ માલ-સામાનથી મજબુતાઇ વધારે મળતી હોય છે. એક ઘનમીટર જગ્યામાં 1000 લીટર પાણી સમાઇ શકે. એટલે આપણે જેટલા હજાર લીટર પાણીની જરૂર હોય, એટલા ઘનમીટર મળી રહે તે રીતે ગણિત કરી લંબાઇ-પહોળાઇ અને ઊંડાઇ નક્કી કરી ટાંકો બનાવાય. ટાંકો બનાવવામાં એકવાર ખર્ચ કરવો પડે પણ પછી એ ટાંકો વરસો સુધી આરોગ્યપ્રદ પાણી પૂરું પાડવાની ફરજ બજાવતો રહેશે.

ગણિત કેવીરીતે ગણવું ?

સામાન્ય રીતે 5 માણસ એક કુટુંબની જનસંખ્યા ગણાય. એક વ્યક્તિને રોજનું પીવા અને રસોઇ વાસ્તે 10 લીટર પાણીની જરૂરિયાતને ધ્યાને લેતાં 50 લીટર રોજનું અને મહિનાનું 1500 લીટર પાણી જોઇએ. એ રીતે ગણિત કરતાં વરસભરની એક કુટુંબની પાણી જરૂરિયાત 18000 લીટર થાય.

હવે આપણે ત્યાં માનો કે ઓછો વરસાદ વરસતો હોય તો પણ 7-8 ઇંચથી ઓછો તો ન જ હોય ને ? 33 બાય 33 ફૂટ લાંબા-પહોળા એક છાપરા-છત પર પડતું પાણી ભેગું કરી લેવાય તો 20000 લીટર મળી રહે. ખરી વાત તો એમ ગણાય કે ચોમાસાના 3-4 મહિનામાં જેટલું પાણી વપરાય એટલું તો પાછું ટાંકામાં ઉમેરાતું રહેવાનું. છતાં માની લઈએ કે ભૈ બારે મહિના જરૂર છે, તો પણ ટાંકાનું પાણી વધી પડે એટલું મળી રહેવાનું છે, પછી છે કોઇ પ્રશ્ન, બોલો !

બાંધકામ કેવું હોય ?

જરૂરિયાત મુજબ જમીનમાં જેસીબી અગર મજૂરો દ્વારા ખાડો ગાળી, ચો તરફની દિવાલો, તળિયું તથા મથાળું-બધી બાજુઓ આર.સી.સી. ચણતર અને અંદરની બાજુમાં સિમેંટ-કળીચૂનાનું પ્લાસ્ટર તથા ટાંકો ચારે બાજુથી બંધ, માત્ર ઉપર એક બાજુ 2 ફૂટ લાંબુ-પહોળું મોઢું રાખવાનું, જેના પર પાકું ઢાંકણ લગાડી દેવાનું કે જેથી જરૂર પડ્યે અંદર ઉતરી ટાંકાની સફાઇ કરવી હોય તો ફાવે. બાકી ઉપરનું ઢાંકણ તો કાયમ બંધ જ રાખવું જોઇએ.

આ ઉપરાંત ઢાંકણ પાસે અઢી કે ત્રણ ઇંચ વ્યાસવાળા પાઇપના બે ટુકડા મથાળાનું આર.સી.સી. કરતી વખતે અંદર ફીટ કરી દેવા કે જેથી એક કાણાંમાંથી છત પર ભેળું થયેલું પાણી ટાંકામાં ઉતારવાનો પાઇપ ઉતારી શકાય, અને બીજા કાણામાં ટાંકા માહ્યલા પાણીને બહાર કાઢવા માટેના ડંકી અગરતો નાની સબમર્સિબલ મોટરની પાઇપને રાખી શકાય.

પાણી ટાંકામાં ઉતારવું :

છાપરા કે નળિયાવાળાં મકાનનું પાણી તો નેવે જ ઉતરવાનું. એટલે એક બાજુ ઢાળ આપી છાપરાંની લંબાઇ સાથે જોડેલ ખાળિયા દ્વારા વરસાદી પાણી વહેતું વહેતું તેને છેડે લગાડેલ પાઇપ વાટે ટાંકામાં સીધું જ ઉતારાય.અને મકાન જો પાકી અગાસીવાળું હોય તો અગાશીમાંથી પાણી બહાર નીકળવાના નાળચા સાથે ફીટ કરેલ પાઇપ દ્વારા પાણી સીધું ટાંકામાં ઉતારી શકાય છે.

વરસાદી ઋતુ પહેલાં અગાશી વાળીચોળી-ધોઇ સાફ કરવી અને શરૂઆતનું થોડું પાણી ટાંકા બહાર વહી જવા દીધાં પછી જ ટાંકામાં પાણી લઈ જતાં પાઇપમાં, અને એમાં પણ વચ્ચે ગળણી રાખી-પાણી ગળાઇને જ ટાંકામાં ઉતરે એવી ચોક્કસાઇ લીધી હોય તો પાણી શુદ્ધ સ્વરૂપે એકઠું કરી શકાય છે.

ભૂગર્ભ ટાંકો બનાવવાનો અંદાજિત ખર્ચ :

એક અંદાજ મુજબ 15000 લીટર પાણી સમાઇ શકે એવડા ટાંકાનો ખર્ચ 24-25 હજાર રૂપિયા થવા જાય છે. પછી સ્થાનિક મજૂરી અને સિમેંટ, રેતી, કપચી, કડિયાકામ વગેરેના ભાવમાં જે તે પ્રદેશના ફેરફાર મુજબ થોડો-ઘણો ફેર હોઇ શકે. અને ક્યારેક ક્યારેક સરકારશ્રીની આવા ટાંકા બનાવવાની સ્કીમ શરૂ હોય ત્યારે એમાં અંદાજે 40-50 % જેટલી સહાય પણ મળતી હોય છે. આવી આત્યંતિક જરૂરિયાતવાળી સ્કીમ કાયમખાતે ચાલુ રાખવી જોઇએ એ વાત શાસનકર્તાઓને કેમ નહીં સમજાતી હોય ?

આ ટાંકામાં ભરેલું પાણી બગડે ?

ના. બંધ ટાંકામાં પહેલેથી ચોખ્ખું ભરાએલ પાણી કદિ બગડતું નથી. ભૂગર્ભટાંકો બધી બાજુથી બંધ-પેક રહેતો હોવાથી તેમાં બેક્ટેરિયા, જિવાત તો શું, શેવાળ સુદ્ધાં થતાં નથી. વળી આ પાણી શુદ્ધ હોવા ઉપરાંત બરફ જેવું ઠંડું અને બધી જ જાતની રસોઇ-દાળ સુદ્ધાં ચોડવવામાં ભારે અનુકૂળ રહેતું હોય છે.દર ચોમાસે અંદર કળીચૂનો ભરેલી પોટલી મૂકી દેવાથી પાણી બગડવાનો થોડો-ઘણો રહેતો આપણો ભય પણ સાવ નાબુદ થઈ શકે છે.

અંતે :

માનોકે બધા લોકોની ટાંકો બનાવવાની ક્ષમતા નથી. પણ 25-30 % તો એવા નીકળવાના જ કે તેઓ ધારે તો આવો ખર્ચ કરી શકે. અને આટલા લોકો પણ આવું કરે તો 25-30 કરોડ લોકોના પીવાના પાણીનો પ્રશ્ન આ પદ્ધતિથી હલ થઈ શકે. અને જો આમ થાય તો એ કોઇ નાનું કામ થયું ન ગણાય મિત્રો ! સરકારના પાણીપ્રશ્ને ખરચાતાં કરોડો રૂપિયા બચે, જે અન્ય વિકાસકાર્યોમાં વાપરી શકે, અને મોટું કામ તો એ થાય કે આટલા બધા લોકોની મીઠા પાણીની તરસ છીપે !

હવે તો એક જ નીમ લઈએ કે નવું મકાન બનાવવાનું આયોજન કરી રહ્યા હોઇએ ત્યારે પ્લાન બનાવતી વખતે જ જેમ વરંડો, ડાઇનીંગહોલ, બેડરૂમ, કીચન, સંડાસ-બાથરૂમ વગેરેનું આયોજન પહેલેથી જ કરીએ છીએ તેમ વરસાદી પાણીને ઝીલી, સંગ્રહી, મીઠું પાણી પીને સાજા-તાજા રહેવા માટે મકાનનો પાયો ગાળતી વખતે મુહુર્તમાં જ ભૂગર્ભ ટાંકા માટે જરૂરી ખાડો ગાળી લઈ, પછી જ બીજાં કામો શરૂ કરીએ-ખરુંને !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

1 comment for “પીવાના પાણીની ખેંચનો પોતીકો ઉકેલ – “ભૂગર્ભ ટાંકો”

  1. Samir
    July 24, 2019 at 1:27 pm

    એક બહુજ મૂંઝવતા અને ભવિષ્ય માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકવાની ક્ષમતા વાળા પ્રશ્ન નો ઉકેલ અહી આપ્યો છે. નવા બહુમાળી મકાનો માં તથા જુના બહુમાળી મકાનો માં આ પ્રશ્ન ઉકેલવો અઘરો છે. પણ આપણે શરૂઆત તો જરૂર કરી શકીએ .
    આભાર હીરજીભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *