ટાઈટલ મ્યુઝીક : ૧૪ : બેવફા (૧૯૫૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ તરીકે જાણીતા હોય એવા કલાકારોએ ફિલ્મોમાં સંગીત આપ્યું હોય એવા દાખલા ઓછા નથી, તેમ એટલા વધુ પણ નથી. પંડિત રવિશંકરે પાંચેક હિન્‍દી, છએક બંગાળી અને એકાદ અંગ્રેજી ફિલ્મ મળીને ડઝનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. શિવકુમાર શર્મા તેમજ હરિપ્રસાદ ચૌરસિયાએ ‘શિવ-હરિ’ની જોડી બનાવીને આઠેક ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. આ સિવાયનાં નામ યાદ કરવાં પડે. જો કે, ફિલ્મસંગીતના ઘરેડ ચાહકોને આ જ શ્રેણીમાં એ.આર.કુરેશીનું નામ તરત યાદ આવે. એ.આર.કુરેશીનું આખું નામ અલ્લારખાં કુરેશી, જેઓ તબલાંનવાઝ તરીકે ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા બન્યા.
તેમણે એ.આર.કુરેશીના નામે બધું મળીને 42 ફિલ્મોમાં સંગીત પીરસ્યું. યોગાનુયોગે તેમણે જે ફિલ્મોમાં સંગીત પીરસ્યું તેમાંની મોટા ભાગની ફિલ્મોના દિગ્દર્શકો ગુજરાતી હતા. ‘આબિદા’ (1947) માં તેમણે અભિનય પણ કર્યો હતો, અને ‘મહાસતી અનસૂયા’ (1943), ‘ઘર કી શોભા’ (1944), ‘માબાપ (1944) તેમજ ‘ઘર’ (1945) જેવી ફિલ્મોમાં તેમણે ગીતો પણ ગાયાં હતાં. તેમણે સંગીતબદ્ધ કરેલી કેટલીક ફિલ્મોનાં નામ પણ જાણવા જેવાં છે: અલ્લાદ્દીન કી બેટી, હાતિમતાઈ કી બેટી, સખી હાતિમ, અલ્લાદ્દીન લૈલા, શાન-એ-હાતિમ, સિમ સિમ મરજીના….. ઉમાદેવી (ટુનટુન) એ પોતાનું પહેલવહેલું ગીત એ.આર.કુરેશીના સંગીત નિર્દેશનમાં ‘વામિક અઝરા’ (1946) માટે ગાયું હતું. જો કે, ઉમાદેવીને વધુ ખ્યાતિ નૌશાદનાં ગીતોથી મળી.

1952માં રજૂઆત પામેલી, નરગીસ નિર્મિત, એમ.એલ.આનંદ દિગ્દર્શીત ‘બેવફા’માં રાજ કપૂર, નરગીસ, અશોકકુમાર જેવા મોટા કલાકારો હતા. તેનાં કુલ 9 ગીતો હતાં, જે સરશાર સૈલાની અને શમ્સ અઝીમાબાદીએ લખેલાં હતાં. રાજ કપૂર માટે સામાન્યત: મુકેશ અને મન્નાડેના સ્વરનો ઉપયોગ મોટે ભાગે થયેલો જોવા મળે છે. આ ફિલ્મમાં તલત મહેમૂદે રાજ કપૂરને સ્વર આપ્યો હતો.

(તલત મહેમૂદની સ્ટેમ્પ)

‘કામ હાથોં કા હૈ’ (તલત), ‘ઓ તાના દેરના’ (શમશાદ બેગમ), ‘તુમ કો ફુરસત હો તો’ (તલત), ‘દિલ મતવાલા લાખ સંભાલા’ (લતા અને તલતના અવાજમાં અલગ અલગ), ‘બદનસીબી કા ગિલા ઐ દિલે-નાશાદ ન કર’ (લતા), ‘તૂ આએ ન આએ તેરી ખુશી’(તલત), અને ‘એક બાર ઝલક દિખલા કે’(લતા) સરશાર સૈલાની દ્વારા લખાયાં હતાં, જ્યારે ‘આ જાઓ મેરે દિલરુબા’(ગીતાદત્ત) શમ્સ અઝીમાબાદી દ્વારા લખાયું હતું. રાજ કપૂર અને નરગીસ હોવા છતાં ફિલ્મમાં એક પણ યુગલગીત નહોતું એ આશ્ચર્યની બાબત કહેવાય. હરમંદીરસીંઘ ‘હમરાઝ’ના ગીતકોશ ખંડ 2 અનુસાર આ ફિલ્મ માટે એક ગીત ‘મેરી ચુન્ની ડિગ ડિગ પૈંદી’ આશા ભોંસલે અને ઝોહરાબાઈના સ્વરમાં 25 મે, 1950ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પણ તે ફિલ્મમાં લેવાયું નહીં. આ ગીત બીજે ક્યાંય પણ સાંભળવા મળ્યું નથી. અન્ય તમામ ગીતો https://www.youtube.com/watch?v=vKJztffCfZ8 પર સાંભળી શકાશે.

(એ.આર.કુરેશી ઉર્ફે ઉસ્તાદ અલ્લારખાં)

આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકનો ઉઘાડ સાંભળતાં પંજાબી શૈલી યાદ આવી જાય. મુખ્યત્વે તંતુવાદ્યસમૂહ આમાં સંભળાય છે અને વચ્ચે વચ્ચે ફૂંકવાદ્યો. સંગીત એકધારું, છતાં કર્ણપ્રિય છે.
અહીં આપેલી આ ફિલ્મની લીન્‍કમાં 2.23 સુધી ટાઈટલટ્રેક છે. છેલ્લે પદ્ધતિસર રીતે ટ્રેકનું સમાપન થાય છે. જોવા જેવી વાત એ છે કે આ ટ્રેકમાં તબલાંનવાઝ ઉસ્તાદ અલ્લારખાં નહીં, પણ સંગીતકાર એ.આર.કુરેશી જ નજરે પડે છે.

એટલો ઉલ્લેખ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ 2005માં રજૂઆત પામી હતી, જેમાં અક્ષયકુમાર, કરીના કપૂર અને અનિલ કપૂરની મુખ્ય ભૂમિકા હતી.


(તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *