ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

રેખા સિંધલ

બીજા દિવસે સવારે આભમાંથી વરસતા અબીલ છાંટણા જેવા બરફના રજકણોને સ્નેહભરી નજરે નિહાળતા અમે યલોસ્ટોન રીવર તરફ ગાડી હંકારી અને જે અદ્‍ભૂત દૃશ્યો નિહાળ્યા તે અવર્ણનીય છે.

આર્ટિસ્ટ પોઈન્ટ અને ઈનસ્પિરેશન પોઈન્ટ નામના સ્થળેથી ૧૦૦ અને ૩૦૦ ફૂટ એવા પાણીના બે મોટા ધોધની આસપાસ અને ઉપર નીચે પથરાઈને વેગે વહેતા નીરની બન્ને બાજુ ખડકોની મસમોટી દિવાલો જોઈ જગ્યાના નામ યથાર્થ છે તેનો ક્ષણાર્ધમાં જ ખ્યાલ આવ્યો. એક કલાક પછી પણ ત્યાંથી ખસવાનું મન થાય તેવું નહોતું પણ બરફનું તોફાન વધતું જતું હતું તેથી પર્વતની ટોચ જેવી એ જગ્યાએથી પરાણે ઉતરવું પડ્યું ત્યારે બીજે દિવસે સવારે ફરી ત્યાં જવાનું નક્કી કરીને જ પાછા ફર્યા. અમારી હોટેલ ત્યાંથી એક ક્લાક દૂર હતી. કારમાં બેઠા કે તરત પેટમાં કકડીને ભૂખ લાગી છે તે ખ્યાલ આવ્યો. ભૂખ તરસ ભૂલાય જાય તેવું પ્રકૃતિનું આવું સૌંદર્ય અમે કદી જોયું ન હતું.

બીજા દિવસે અમે કોતરોમાં વહેતી નદીને રક્ષતા પહાડોની ધારે ધારે પ્રવાસીઓ માટેની સલામત કેડી પર ચાલતા ચાલતા દૃશ્યપટ પર બદલાતા રહેતા એક થી એક ચઢિયાતા દ્રશ્યો મન ભરીને માણ્યા. એમાંના કેટલાંક તો અમીટ છાપ મૂકી જાય તેવા ને અન્યત્ર ક્યાંય જોવા ન મળે તેવા સુંદર હતાં. એક જગ્યાએ ધોધની જેમ દડતા પાણીની ઉડતી શીકરો વચ્ચેથી પસાર થતું રંગોનું મેઘધનુષ્ય સૂર્યની આંગળી પકડી જળબુંદો સાથે રમતું હતું. તો બીજી કેટલીય જગ્યાએ કોતરોના પથ્થરો પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રંગો પથરાયેલા જોયા.

સલ્ફર ડિપોઝીટને કારણે પીળા પડી ગયેલા પર્વતો તો ઠેર ઠેર જોવા મળે. તે પરથી જ આ નેશનલ પાર્કને યલોસ્ટોન નામ અપાયું છે અને અહીં વહેતી નદી તેમ જ તેના વહેણો થકી છલકાતું તળાવ પણ યલોસ્ટોન નામે જ ઓળખાય છે.  V આકારે પથરાયેલી આ ગ્રાન્ડ કેન્યોનની જબ્બર ઊંચી પથરાળ દિવાલો પર અલગ અલગ જગ્યાએ પીળા ઉપરાંત લાલ, લીલા, કેસરી, ગુલાબી, ભૂરા, સફેદ અને કાળા પથ્થરો રંગીન સૃષ્ટિ રચી કુદરત અને તેની પ્રસન્નતાના એકાકાર થકી ઈશ્વરના સાન્નિધ્યનો ભાસ કરાવી અપાર શાંતી બક્ષે છે.

ગરમ અને ઠંડા પાણીના જથ્થાઓની નીચે અને નજીક પથરાયેલા આવા બીજા રંગો તે જુદા જુદા તાપમાને ઊછરતી જુદી જુદી જીવ સૃષ્ટિને કારણે છે. લીલ અને સેવાળ તો ખરા જ પણ અનેક જાતના બેકટેરીયા અને અન્ય સુક્ષ્મ જીવાણુઓની હસ્તી અહીં સદીઓથી છે. તેમાંના કેટલાંક તો ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડથી વધુ તાપમાને પણ જીવે છે.

એક જગ્યાએ ખોવાયેલા રત્ન જેવો પારદર્શક બ્લ્યુરંગી ગરમ પાણીનો ગોળાકાર અને વિશાળ જળસંગ્રહ જોઈ કંઈક નવીન જણાયું.  નજીકમાં એવી બીજી તળાવડી પણ જોવા મળી. તળીયે ઊછરતા સુક્ષ્મ જીવોને કારણે સૂર્યના કિરણોમાંના બધા રંગો શોષાઈ જઈ ફક્ત ઘેરો બ્લૂ રંગ પરાવર્તીત થાય છે તે કારણ કઠેડા પાસે લગાડેલ તક્તી પર વાંચ્યુ.

અવારનવારના ધરતીકંપને કારણે અહીં ખાડા ટેકરા પણ ખૂબ જોવા મળે. જેમાંના કેટલાંય તેજાબયુક્ત ગારાથી છલોછલ અને અને એટલા ગરમ કે પગ પડે તો ભસ્મ જ થાય. જો કે પ્રવાસી માટે જરૂર જણાય ત્યાં બધે જ સલામત અંતરે રેલીંગ હતી. કેટલીક જગ્યાએ દૂર સુધી સલફ્યુરીક એસીડની સડેલા ઈંડા જેવી વાસ પણ દૂર રહેવા પ્રેરતી હતી. ઠેર ઠેર કુદરતી અજાયબીઓ જોવા મળતી હતી તેમાં કાચના પર્વત નામે ઓળખાતી એક જગ્યાએ યુગો પહેલાં ફાટેલા જ્વાળામુખીને કારણે ધરતીના પેટાળમાંથી નીકળેલો લાવાનો ઢગ ઝડપી ગતિથી ઠરીને કુદરતી કાચ બન્યો હતો. સદીઓથી અમેરિકન આદિવાસીઓ તેમાંથી ઓજારો બનાવતા હતા. ૨૦મી સદીમાં અહીંથી રસ્તો બનાવવા માટે કાળા રંગના આ કાચના પર્વતને ડાયનેમાઈટથી પણ તોડી શકાયો ન હતો આથી નીચેથી અગ્નિ અને ઉપરથી પાણી રેડી તોડ્યો હતો. હાલ તો કાયદા થકી કુદરતી સંપત્તિ સાથે આવો વિક્ષેપ કરવાની મનાઈ છે.

આભમાંથી બરફની ધીમી વર્ષા શરૂ થઈ અને રેડિયો પર તેના વધવાની તાકીદ સાંભળી અમે અંધારૂ થાય તે પહેલાં પાછા ફર્યા. પ્રેમની સાથે સાથે કુદરત ડર પણ વરસાવે છે તેનો અનુભવ છેલ્લા દિવસે સાંજે બરફના તોફાનમાં ફસાયા ત્યારે થયો પણ એ વાત અંતે કરીશ તે પહેલાં પાણીમાંથી પથ્થર બનવાની કુદરતી અને પ્રમાણમાં ઝડપી અને ચાલુ પ્રક્રિયાના કારણો, પરિણામો અને સ્રોતો નજરે નિહાળી ‘વાહ કુદરત” એવા ઉદ્‍ગાર સાથે આંખો જાણે મટકું મારવાનુ ભૂલી ગઈ તે ‘મેમથ હોટ સ્પ્રીંગ’ની અને ઘાસના ખૂલ્લા મેદાનો તથા દેવદારના સદીઓથી અડીખમ ઊભેલા ઝૂંડ વચ્ચે વિચરતા જંગલી પ્રાણીઓને ખૂબ નજીક નિહાળવાનો જે અમૂલ્ય લ્હાવો મળ્યો તેની ઝાંખી કરીએ.

ગરમ પાણીના વિશાળ ઝરણા આ સ્થળે પર્વતની તળેટી તરફ નહી પણ ધરતીના દબાણને કારણે ઉપરના ભાગ તરફ ઊભરાતા હતા. દબાણ તથા ઉષ્ણતામાનના થતા રહેતા સતત અને ઝડપી ફેરફારોને કારણે પાણીના પ્રવાહોમાં પણ ઝડપથી ફેરફારો થયા કરે આથી જમા થયેલા ખનીજ પદાર્થો અને તે કારણે બનતા પથ્થરોના આકારમાં પણ સમયાંતરે ફેરફાર થતા રહે છે. અહીંની જમીન પર પૂષ્કળ પ્રમાણમાં પથરાયેલ લાઈમ સ્ટોન ગરમ પાણીના ઝરણા સાથે ઓગળીને ધરતીની અંદરના દબાણથી ઊંચે ધકેલાતા પાણી સાથે વહી ઊંચે જઈ પથરાઈને ફરી જમા થઈ સફેદ પથ્થરોની મોટી ખૂલ્લી અગાશીઓ રચે છે. આ કારણે પર્વત જાણે ઉલટાઈ ગયો હોય તેમ લાગે. સાથે વહેતા અન્ય ખનીજો સ્થળાંતરે અટકી અટકીને જમા થવાની વર્ષોની પ્રક્રિયા થકી અનેક જગ્યાએ થીજી ગયેલા ધોધ જેવો આભાસ ઊભો કરે છે.

લિબર્ટી કૅપ નામની ટોપાના આકારની ૩૭ ફૂટ ઊંચી શિલા વિષે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે સદીઓ પહેલાં પાણી આટલે ઊંચે સુધી ઊભરાઈને વહેતું હશે અને જમા થતા ખનીજોને કારણે આ આકાર રચાયો હોવો જોઈએ. પછીના યુગમાં ઝરણાં સૂકાયા હોવા જોઈએ. નજીકમાં જ દૈત્યના અંગૂઠા તરીકે ઓળખાતી પથ્થરની એક બીજી શિલા પણ જોઈ. પાર્કમાં કેટલાંક સ્થળોએ ઊંચાઈ એટલી હતી કે પગથિયાં હોવા છતાં ગિરનાર ચઢવા જેવું લાગે અને ચઢતાં ચઢતાં બ્લડપ્રેશર વધી જવાની બીક પણ લાગે તેથી ટાળ્યું. પૂર્વ છેડાના કેટલાંક સ્થળોએ સમયના અભાવે ન જઈ શકાયું.

બીજે દિવસે પાછા ફરવાનું હતું અને સાંજે બરફના તોફાનની આગાહી હતી તેથી વહેલા નીકળ્યા તો પણ તોફાન વહેલું શરૂ થવાને કારણે બંધ થયેલ રસ્તે સપડાયા. આસપાસ કોઈ વાહન દેખાવાની શક્યતા હતી જ નહી. કારણકે જે જ્યાં હતા ત્યાંથી ખુબ સંભાળીને ગાડી ધીમી ચલાવતા હતા. આગળના કાચ પર વાઈપર પૂર જોશમાં ચાલુ હોવા છતાં તે પર પડતા બરફ સિવાય કંઈ દેખાય નહી. અંધારાના ઓળા ઉતરી આવે તે પહેલાં મુકામે પહોંચી જવાની ધારણા હતી કારણ કે હોટેલ ફક્ત દોઢ કલાક જ દૂર હતી પરંતુ ગાડી સ્કીડ થઈ રસ્તા પરના આઈસથી છટકે તો સીધી ઊંડી ખીણમાં જ જાય આથી ખૂબ ધીમી ચલાવવી પડી અને અંધારૂ પણ ઉતરી આવ્યું. અંધારામાં બરફના તોફાન વચ્ચે રસ્તા પર છવાયેલા અને કેટલીય જગ્યાએ જામી ગયેલ બરફ પર સાંકડા રસ્તાની ધારે ધારે ચાલતી ગાડીમાં જીવતા રહેવાની આશા-નિરાશા વચ્ચે એટલું જ આશ્વાસન હતું કે કારમાં અમે પતિ-પત્ની બે જ હતા એટલે મરીશું તો પણ છેલ્લા દિવસ સુધી આનંદ કરીને સાથે જઈશું. મને તો ગાડી લપસીને ખીણમાં પડવા કરતા ય જંગલી પ્રાણી ભટકાઈ જવાનો ભય વધારે હતો. મારા પતિ ભગવાનનું નામ લઈ ચૂપચાપ એકાગ્રપણે અંત્યંત ધીમે ગાડી ચલાવતા હતા. મનમાં ડરતા અને એકબીજાને હિંમત આપતા છ કલાકે અમે દરવાજે પહોંચ્યા અને ઝળહળતી રોશની તેમ જ બીજા વાહનો દેખાયા ત્યારે જીવમાં જીવ આવ્યો!

જંગલી પ્રાણીઓમાં જંગલી ભેંસ કે જેને અહીં બાઈસન કહે છે તેની બીક સૌથી વધારે હતી. પહેલાં દિવસે જ એક ટોળાંએ રસ્તો રોકી ટ્રાફીક જામ કરેલ.  ગાડીઓની હાર જોઈ ધીરે ધીરે રસ્તા પરથી ઉતરી ઘાસના મેદાન તરફ ગયેલ ટોળામાં બાળબચ્ચા સહિત ૧૫-૨૦ બાઈસન હશે. એકે તો અમારી કારની તદ્દન નજીકથી પસાર થઈ અમારી તરફ એની શાંત નજર ફેંકી ત્યારે અમને ડરનું કોઈ કારણ લાગ્યુ નહી પણ પછીથી જાણ્યુ કે આ પ્રાણી ઓંચિતુ આક્રમણ કરે તેવું હોવાથી છેતરાઈ ન જવાઈ માટે ઓછામાં ઓછું ૨૫ ફૂટ દૂર રહેવું. અમે ફક્ત બે-ચાર ફૂટ જ દૂર હતા પણ ગાડીમાં હતા તેથી ભાગવાની હિંમતમાં હતાં. ૫૦૦ થી ૧૦૦૦ કિલો વજન અને કાળો બિહામણો દેખાવ! આપણી ગુજરાતની ભેંસોની સરખામણીએ ટૂંકા શીંગણા અને અને ઘણુ મોટું માથુ ! સ્વસ્થતા અને શાંતીનો અંચળો ઓઢીને ટોળાંમાં ચરતા આવા ઘણા જંગલી બાયસન અમે દૂરથી નિહાળ્યા હતા.

નજીકથી જોયેલા બાયસન સિવાયના બીજા પ્રાણીમાં અમે ઘાસના મેદાનોમાં ચરતા એલ્કના ટોળાં પણ ખૂબ નજીકથી નિહાળ્યા. જેને આપણે બારશિંગા તરીકે જાણીએ છીએ. તેને જો અડપલું કરીએ તો આવી બને બાકી સાવ નજીકથી પસાર થઈ જાવ તો પણ હુમલાનો ભય નહી. ઘાસના મેદાન ફરતે સાચચેતી માટે ફેન્સ હતી તેથી નિરાંતે નજીકથી નિહાળી મિત્રતાનો ભાવ અનુભવ્યો. બીજા કેટલાંક અમેરીકન રીંછ અને વરૂ જેવા પ્રાણીઓ જેની સાવચેતી માટેની સૂચનાઓ ઠેર ઠેર હતી તે વિષે જાણ્યું ગરૂડ, બાજ, હંસ, નદીમાં તરતા મોટા માછલા આ બધાના દર્શન દુર્લભ હતા પણ તેના વિષે જાણવા માટે માહિતી ઉપલબ્ધ હતી અને હવે તો ઈન્ટરનેટ પરથી પણ ભરપૂર માહિતી મળી રહે છે આથી જોવાની ઈચ્છા હતી પણ શક્ય નહોતું.

અગાઉ હજારો વર્ષો પૂર્વે થીજેલી હીમનદી ઓગળીને ગ્રાન્ડ કેન્યોનમાં વહેતી યલોસ્ટોન રીવરની આસપાસ રીંછ હોવાનો સંકેત અમને એક પ્રવાસીએ આંગળી ચીંધી આપેલ. રીંછને દૂર રાખવા માટે આપણા કપડાં પર છાંટવાનું પ્રવાહી ત્યાંથી વેચાતું લઈ શકાય તેમ હતું પણ જેઓ અંદરના ભાગમા ચાલીને જવાના હતા તેઓ જ ખરીદતા હતા. પ્રવાસી સ્થળો પર બહુ જોખમ ન હતું તે જાણી અમે નિર્ભય હતા પણ દૂરથી જોવાની ઈચ્છા ખરી જે ફળીભૂત ન થઈ. થોડી સૂચનાઓ અમારી સાથેની બુકલેટમાં હતી જેમાં જણાવ્યું હતું કે રીંછને જોઈ કદી ભાગવું નહીં પણ નીચે માથું કરી તેની સામે જોતા જોતા પાછળ પગલા ભરી ચાલતું થવું અથવા સૂઈ જઈ પીઠ પર થેલો મૂકી ગળા ફરતે હાથ વીંટાળી રાખવા.

આ સ્થળે જ્વાળામુખી ફાટ્યાને છ લાખ ચાલીસ હજાર વર્ષ થઈ ગયા. હવે ફરી ક્યારે ફાટે તે વૈજ્ઞાનીકો પણ કહી શકતા નથી. ધરતી માતાની આંખોમાંથી વહેતા ઊના ઊના આંસુઓ જેવા વહેતા ગરમ ઝરણાઓ તેના હૈયામાં રહેલા ધગધગતા લાવાની સાક્ષી પૂરે છે. બીજી તરફ માના પ્રેમની ઠંડક અર્પતા નદી તળાવ અને બરફના ઓગળતા ઢગ મહીં જીવનનો પણ ધબકાર સંભળાય છે. ક્યારેક દાવાનળ ઊઠે છે પણ ધોધમાર વર્ષાથી મેળે જ શમી જઈ નવસર્જન માટે કુદરતના સાથથી ઝૂમી ઊઠે છે. છેલ્લો દાવાનળ ૧૯૮૮માં વીજળી પડવાથી સળગેલો અને બે દિવસમાં એની મેળે બુઝાઈ જશે તે ધારણા ખોટી પડી બીજા પાંચ દિવસ સુધી પ્રસરતી આગ પાર્કમાં રહેલા માનવ રહેઠાણો સુધી પહોંચી ત્યારે ૧૧૭ વિમાનો દ્વારા બુઝાવી ત્યાં સુધીમાં આ આગ ૨૦ લાખ એકર જમીન સુધી પ્રસરી ચૂકી હતી.

અગ્નિ અને બરફના આ તોફાનો વિષે કંઈક જોયુ કંઈક જાણ્યુ અને કંઈક અનુભવ્યું દાઝી જવાય તેવા ગરમ અને થીજી જવાય તેવા ઠંડા પાણીના ઝરણાઓને એક જ ધરતીના ખોળે રમતા જોઈને વિસ્ફારીત નયને અમે તેના તળીયે દ્રષ્ટિ કરી તો રંગબેરંગી સૃષ્ટિ રચતા એકકોષી જીવોની દુનિયાએ માનવ દેહની અલ્પતા અને અન્ય જીવસૃષ્ટિ સાથેનો તૂટેલો સંબંધ અને સંબંધની અગત્ય વિષે અમને વિચારતા કરી મૂક્યા. આ જંગલ મધ્યે વિચરતા પશૂ-પક્ષીઓએ જીવન રક્ષાના કુદરત પાસે શીખેલા પાઠો ભણવા જાણે કે અમને પડકાર કર્યો.વહેતું જીવન, વહેતું પાણી કે વહેતો પવન જ્યારે તોફાનમાં સપડાય ત્યારે સમજવું કે નવસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વિનાશથી વિચલિત થયા વગર વિચરતા રહેવાથી બીજમાંથી અંકુર અને તેમાંથી છોડ વિકસે જ છે અને આ ચક્રગતિ નવજીવનનો આનંદ સીંચે છે. યલોસ્ટોનની ચાર દિવસની યાત્રાએ અમને આનંદથી તરબોળ અને આશ્ચર્યથી દિંગ કરી ઘરભણી વિદાય કર્યા.


રેખાબહેન સિંધલનાં સંપર્કસૂત્રોઃ

ઈ-મેલઃ rekhasindhal@comcast.net

બ્લૉગઃ અક્ષયપાત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *