પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના

Facebooktwitterredditpinterestlinkedinmail

સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ અને નયનાબહેન પટેલ વચ્ચે થયેલા પત્રસંવાદને તેમણે “આથમણી કોરનો ઉજાસ” એ પુસ્તકરૂપે પ્રકાશિત કરેલ. પુસ્તકનાં લોકાર્પણનો પ્રસંગ ૧૧ નવેમ્બર, ૨૦૧૭ના રોજ અમદાવાદમાં યોજાયો હતો.
હવે એ પત્રશૃંખલા વેબ ગુર્જરી પર દર રવિવારે હપ્તાવાર પ્રકાશિત થઈ રહી છે.


અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા લેખિકા  સુશ્રી દેવિકાબહેન આપણા પદ્ય સાહિત્ય વિભાગનાં સંપાદક છે. બ્રિટીશ ગુજરાતી ડાયસ્પોરા લેખિકા, નયનાબહેન પટેલ ની નવલકથા ‘કેડી ઝંખે ચરણ‘ આપણે વેબ ગુર્જરી પર માણી ચૂક્યાં છીએ.


આ પત્રશૃંખલા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતિ આપવા બદલ આપણે સુશ્રી દેવિકાબહેન, નયના બહેન અને પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના આભારી છીએ.


– સંપાદન મંડળ, વેબ ગુર્જરી


પ્રસ્તાવના    [૧] 

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.

૨૦૧૬ના નવા વર્ષનો સૂર્ય ઉગવાના સમયે, નવા વિચારોની લહેરખીઓ મનમાં એની તીવ્ર ગતિથી આવ-જા કરી રહી રહી હતી. કંઈક નવું, કશુંક જુદું લખવા કલમ થનગની રહી હતી. સંવેદનાના કેટલાંયે ઝરણા મનમાંથી સરક સરક થઈ રહ્યા હતા એવી અવસ્થામાં પત્રોની સરવાણીએ આપમેળે જ આકાર લીધો. આમ તો પદ્ય અને કવિતા તરફ સવિશેષ લગાવ.પણ ગદ્યમાં મારો પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. નયનાએ પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો.

દર શનિવારે નિયમિત રીતે અમારા પત્રો લખાતા ગયાં. દર પત્રમાં એક નવા વિષય સાથે જૂની અનુભૂતિ, થોડી હળવાશ, કાવ્યકણિકા અને અભિવ્યક્તિના આદાન-પ્રદાન થતાં રહ્યાં. અમારા આશ્ચર્ય વચ્ચે વિશ્વના ખૂણે ખૂણેથી વાચક અને ભાવક મિત્રો અને વડિલોના પ્રતિસાદ મળતા ગયા. તેથી કલમમાં વધુ બળ ઉમેરાયું. આજસુધી વિશ્વના જુદા જુદા સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણાં લોકોએ અલપ ઝલપ,ઉપરઉપરની વિગતો લખી છે.પરંતુ ૩૫,૪૦ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ જાણમાં નથી. આ પત્રો એ રીતે જુદા પડશે. કારણ કે તેમાં બે દેશો (યુ.કે અને યુએસએ.)ની વિકટ અને નિકટની વાતોને સાહિત્યિક રીતે આલેખાઈ છે.

ડાયસ્પોરા સર્જનના સંશોધક શ્રી બળવંતભાઈ જાનીએ આ પત્રશ્રેણીની પાંખોમાં પવન પૂર્યો. તેમનાં સૂચન અને માર્ગદર્શન માટે આભાર નહિ, અહોભાવ વ્યક્ત કરું છું. સૌ વાચકોના ૠણ સાથે અમારી આનંદની અભિવ્યક્તિ એટલે આ પુસ્તકનો જન્મ.
આશા છે આ નવોદિત પ્રયાસને સુજ્ઞ સાહિત્ય-રસિકો વધાવશે.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

++++

પત્રશ્રેણીની ભૂમિકા [૨ ]

– નયના પટેલ, લેસ્ટર, યુકે.

દેવિકાએ જો મને શોધીને ઢંઢોળી ન હોત તો આ પત્રશ્રેણી પણ ન હોત.

એચ.કે.આર્ટસના બે વર્ષના સહવાસે અમને એટલા નજીક આણ્યા હતા કે અમને એમ જ લાગતું હતું કે અમે બાળપણથી એકબીજાને ઓળખીએ છીએ. પરસ્પરના આખા કુટુંબ સાથે ઘરોબો થઈ ગયો હતો. હું ૧૯૬૮માં યુ.કે. ગઈ. ત્યાં પણ થોડો સમય સંપર્ક રહ્યો અને પછી દેવિકા એના જીવન સંઘર્ષમાં ઝઝૂમતી હતી અને હું સાવ અજાણી ધરતી, કુટુંબ અને ભાષાના ગુંચવાડામાં અટવાતી હતી.

પછી દેવિકા એના કુટુંબ સાથે અમેરિકા ગઈ, એ પણ થોડે ઘણે અંશે મારી જેમ અજાણી ભૂમિ પર ધીમે ધીમે સ્થિર થવાની ધરપડમાં હતી એટલે સંપર્ક લગભગ છૂટી ગયો હતો. એક દિવસ ઈન્ડિયાથી ફરીને પાછા આવ્યા તે દિવસે ફોન ઉપર સંદેશાઓ તપાસતી હતી અને….સુખદ આશ્ચર્ય વચ્ચે સંદેશો સાંભળ્યો, ‘હું દેવિકા બોલું છું, જો આ ફોન નયનાનો હોય તો મને ………નંબર પર ફોન કરે.’

બસ, જાણે વચ્ચેના વર્ષો હતા જ નહી તેમ ફરી અમારી વાતો શરુ થઈ ગઈ. ફોન અને ઈ-મેઈલ પર ગમે ત્યારે મનમાં કાંઈ સ્ફૂરે એટલે એકબીજાને ઊંઘમાંથી ય જગાડીને વાતો કરવા લાગીએ. એની કવિતાઓ વાંચી હું પોરસાઉં અને મારી વાર્તા વાંચી એ હરખાય. મારી વાર્તાઓ કોઈ મેગેઝિનમાં મોકલતાં સૌથી પહેલા એને મોકલાવું, એ મને એના સાચા અભિપ્રાય આપે હું એની કવિતા માટે પણ એટલી જ પ્રામાણિક્તાથી મારા વિચારો દર્શાવું. પછી હું એને હ્યુસ્ટન મળી અને એ પણ યુ.કે. આવી ગઈ.

અહીં મને સુરેશભાઈ દલાલે મૈત્રી વિષે લખેલો લેખ યાદ આવે છે અને મને થાય છે કે હું એટલી ભાગ્યશાળી છું કે એવી એક મિત્ર મળી જેની સાથે મનમાં જે આવે તે શેર કરી શકું, મીઠ્ઠો ઝગડો કરી શકું, ગુસ્સો કરી શકું તો ય એનો ફોન આવે એટલે તે દિવસે યુ.કે.માં ગમે એટલું ગમગીન વાતાવરણ હોય તો પણ એ દિવસ મારો ‘ચંદન ચંદન’ બની જાય.

દેવિકાને વિચાર સ્ફૂર્યો પત્રશ્રેણીનો અને થોડી ગડમથલને અંતે શરુ થઈ અમારી આ પત્રશ્રેણીની યાત્રા. અમારી વેબસાઈટ પર આ પત્રશ્રેણીના વાચકોના પ્રતિભાવોએ અમને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને એ લોકો પાસેથી અમને શીખવા પણ ખૂબ મળ્યું છે. એ સૌ વાચક મિત્રોનો આ પ્રસંગે આભાર ન માનીએ તો અમારું અંતર અમને માફ ન કરે.

દેવિકાનો આભાર?…દિલ ખોલવા માટે અને મારા વિચારો પ્રગટ કરવાની તક આપી એ માટે ‘THANKS’ तो बनता है!

અસ્તુ.

નયના પટેલ.


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

4 comments for “પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના

 1. VILAS MADHUKAR BHONDE
  July 22, 2019 at 10:28 pm

  bahuj saras. khub khub abinanadan ane shubhechha

  • Nayna Patel
   July 24, 2019 at 1:58 pm

   many thanks Vilasbhai

 2. Neetin Vyas
  July 27, 2019 at 9:05 pm

  This book was eagerly awaited. Hearty congratulations to both of the authors. Very creative work indeed.in

 3. રક્ષા શુક્લ
  June 21, 2020 at 6:15 pm

  વાહ દેવિકાબેન, નયનાબેન,
  નમસ્કાર.
  ‘પત્રશૃંખલા’ની આ તમારી ગોઠડી ખુબ સુંદર..સુખદ..ને અનોખી..તમારી દોસ્તીને સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *