






સાજનકી ગલિયાં છોડ ચલે /\ ક્યા રાત સુહાની હૈ
– ભગવાન થાવરાણી
સુરો, રાગો અમારે મન વજીફા છે ન ે વાડી છે
વળી લટકામાં સંગાથે પહાડો છે, પહાડી છે
પુનરાવર્તનના ભોગે ફરી લખું કે આ લેખમાળા રાગ પહાડી આધારિત ફિલ્મી (અને ક્વચિત ગૈર-ફિલ્મી) ગીતોની ખરી, સરેરાશ ભાવકને એ રાગની શાસ્ત્રોક્ત આંટીઘૂંટીઓમાં મૂંઝવવાનું કોઈ પ્રયોજન નથી. એ રાગની સુરાવલિઓ સ્વયંભૂ ભીતરે ઘર કરે એવી છે અને માટે એક છુપી હસરત ખરી. આ શ્રેણીના બધા મણકા અને આવરી લેવાયેલ બધી પહાડી બંદિશોમાંથી પસાર થઈ ગયા બાદ જો એવું બને કે ક્યારેક ક્યાંક દૂર કોઈ પહાડી ગીત વાગતું હોય અને આ લેખમાળાનો અનુભવ સાંભરી ભાવકને એવું લાગે કે ‘ હો ન હો, આ પહાડી છે ! ‘ તો આ સમગ્ર આયાસ સાર્થક લેખાશે !
હવે તુર્ત આજની પહાડી બંદિશોના બેનમૂન સર્જક સંગીતકાર શ્યામસુંદર પર આવીએ. હિંદુસ્તાની ફિલ્મો અને સંગીત (મને હિંદી કરતાં હિંદુસ્તાની શબ્દ વધારે જચે છે !) હમેશાં બે મુખ્ય પ્રવાહોમાં વિભાજીત રહ્યો છે. બંગાળી (કહો કે પૂર્વી) અને પંજાબી (ઉત્તરી) . એક બાજૂ સૌમ્યતા, ધીર-ગંભીરતા, વિચારશીલતા અને માર્દવ તો બીજી બાજૂ રમઝટ, જોશ, જમાવટ અને એમાંથી જન્મતી બરછટતા ! સંગીતના દ્રષ્ટિકોણથી આ જ વાત કહીએ તો એક બાજૂ પંકજ મલિક, અનિલ બિશ્વાસ, બર્મન, હેમંત અને સલિલ તો બીજી બાજૂ ગુલામ હૈદર, નૌશાદ, નૈયર, હુસ્નલાલ ભગતરામ અને આપણા આજના નાયક શ્યામસુંદર. બાકીના સંગીતકારોએ પણ જાણ્યે – અજાણ્યે આ બે મુખ્ય ધારાઓમાંથી એકમાં જોડાઈ જવાનું પસંદ કર્યું. સરવાળે ફાયદો આપણને ભાવકોને થયો કે ઘેર બેઠા ગંગા, યમુના, ચિનાબ, ઝેલમ અને હુગલી, પદ્મા, મેઘનામાં નાહી પાવન થયા !
શ્યામસુંદર સંગીત-શિરોમણિ ગુલામ હૈદરના શાગીર્દ. માત્ર વીસ હિંદી અને ચાર પંજાબી ફિલ્મોની કારકિર્દી. મગજના ફાટેલા અને પિયક્કડ. એમણે ચાતરેલા સાંગિતિક ચીલાને કેટલાય અનુસર્યા. પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’ માં એમણે પહેલી વાર મોહમદ રફીને લીધા અને પહેલું હિંદી ગીત ‘અજી દિલપે હો કાબુ‘ (દુર્રાની સાથે) ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે પણ એમણે જ ગવડાવ્યું. સંગીતકાર તરીકે એમનું જે માન હતું એનો એક જ પુરાવો આપું કે ઓ. પી. નૈયર આગળ જ્યારે કોઈ એમનો ઉલ્લેખ કરતું ત્યારે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના માત્ર બન્ને કાન પકડી અને જીભ દાંત વચ્ચે દબાવી, માથું હલાવી પ્રતિભાવ આપતા ! મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાં ૧૯૮૨ માં પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે એમના અભિવાદન સમારોહમાં જે ત્રણ ગીતો ગવાયા એમાંથી બે શ્યામસુંદરના હતાં !
૧૯૪૩માં શરુઆત કર્યા બાદ ૧૯૪૯માં શ્યામસુંદરની ત્રણ ફિલ્મો એકી સાથે આવી. ચાર દિન, લાહૌર અને બાઝાર. આજનું પ્રથમ પહાડી ગીત આ ‘બાઝાર’ ફિલ્મનું છે. લતાએ ગાયેલા અને ઓમપ્રકાશ ભંડારી ઉર્ફે કમર જલાલાબાદી લિખિત એ ગીતના શબ્દો :
साजन की गलियाँ छोड चले, दिल रोया आँसू बह ना सके
ये जीना भी कोई जीना है, हम उनको अपना कह ना सकेजब उनसे बिछडकर आने लगे, रुक रुक के चले चल चल के रुके
लब काँपे आँखें भर आईं, कुछ कहना चाहा कह ना सकेउनके लिए उनको छोड दिया, ख़ुद अपने दिल को तोड़ दिया
हम उनके दिल में रहते थे, उनके क़दमों में रह ना सकेसाजन है वहाँ और हम हैं यहाँ, ऐसे दिल को ले जाएँ कहाँ
जो पास भी उनके रह ना सके, और दर्दे जुदाई सह ना सके …
ફિલ્મ માત્ર એના સોળ ગીતોના કારણે ખૂબ ચાલી. ફિલ્મના મુખ્ય કલાકારો હતા શ્યામ, નિગાર સુલતાના, યાકૂબ, ગોપ અને કક્કુ. આ શ્યામ અને ફિલ્મ ‘દિલ્લગી’ માં સુરૈયા સાથે ‘તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની‘ ગાનાર શ્યામ સાવ અલગ. ‘બાઝા ‘ ( અને અન્ય દસેક ) ફિલ્મના હીરો શ્યામે ક્યારેય કોઈ ગીત જાતે ગાયું નથી અને ગાયક શ્યામ એટલે પાછળથી (જ્હોની મેરા નામ) અનેક ફિલ્મોમાં ખલનાયક તરીકે ચમકનાર શ્યામકુમાર.
સાવ સામાન્ય ફિલ્મ પણ એ જમાનામાં આવી ફિલ્મો અને એમની ધૂમ સફળતાની ભરમાર હતી. ખન્ના થિયેટર કંપનીના માલિક યાકૂબનો ધંધો હીરોઇન નિગાર સુલતાનાના કારણે ધમધોકાર ચાલે છે. પોતે નિગારના પ્રેમમાં પણ છે અને એટલે એના પર એકાધિકારભાવ ધરાવે છે. સિદ્ધાંતવાદી દેશભક્ત અને (માટે) ગરીબ પિતાનો પુત્ર શ્યામ ઘરબાર છોડી, કવિ/ ગાયક તરીકે નસીબ અજમાવવા શહેર આવે છે અને નિગારના પ્રેમમાં પડે છે. નિગાર યાકૂબને છોડી શ્યામ સાથે રહેવાનો હિંમતભર્યો નિર્ણય લે છે. યાકૂબ પ્રેમિકાને શ્યામની ‘ચુંગાલ’માંથી છોડાવવા કોઈ પાછીપાની કરતો નથી અને બન્નેની જામી રહેલી કારકિર્દી પાયમાલ કરી ચીંથરેહાલ કરી મૂકે છે. યાકૂબ નિગાર પર દબાણ લાવી, પાછા ‘સ્વઘરે’ આવી જવાનું કહે છે. નિગાર એક રાતે, શ્યામને છોડી યાકૂબ પાસે જતી રહેવાનો આકરો નિર્ણય કરે છે :
ક્લેરિયોનેટ પર ગીત શરુ થયાની ત્રણેક મિનિટ પહેલાં જ પહાડી આરંભાય છે. નિગાર શ્યામને સૂતેલો છોડી નીકળે છે. વાયલીન સંગાથે દીપચંદી તાલમાં અને શ્યામસુંદરની લાક્ષણિક ધુનમાં ગીત શરુ થાય છે. લતાના અવાજમાં હજી નૂરજહાંની છાયા વર્તાય છે. ગીતનું માળખું ગઝલનું છે. શ્યામ જાગે છે પણ એને કશી ખબર નથી. સામાન્યત: આવા ગીતોમાં નાયક કે નાયિકાના દિલની પુકાર ‘આકાશવાણી’ રૂપે વ્યક્ત થતી હોય છે પણ અહીં નિગાર પોતે ગાય છે.
શ્યામસુંદરના અનેક ગીતોની એક વિશિષ્ટતા હતી. ગીતનો મુખડો અને પ્રથમ અંતરો તાલમાં વાગે. બીજા અંતરા વખતે તાલ થંભી જાય અને એ અંતરાનું ગવન, જાણે સાખી હોય તેમ માત્ર એકલદોકલ વાદ્ય સંગાથે થાય અને પછીનો અંતરો પાછો રાબેતા મૂજબ તાલ સાથે ગવાય ! અહીં પણ એવું થયું છે એટલું જ નહીં, ફિલ્મના અન્ય આઠેક ગીતોમાં એ જ પદ્ધતિ અજમાવાઈ છે.
નિગાર ગાતાં ગાતાં થંભે છે. કદાચ એના મનમાં ફરી પ્રેમી પાસે જતા રહેવાની તરસ રમે છે. પશ્ચાદભૂમાં તબલા પર વાગતો દીપચંદી સાથ પૂરે છે પરંતુ લતાના કંઠ અને એમાં ઘૂંટાતા સાક્ષાત્ પહાડીમાં વિક્ષેપ પાડતું નથી. ત્રણ અંતરાનું ગીત (ગઝલ) લતાની હળવી મુરકી સાથે વિરમે છે.
અપેક્ષા મૂજબ, બહારથી દયાહીન ભાસતા પણ છેવટે તો પ્રેમી એવા ખલનાયકનું હૃદયપરિવર્તન થાય છે અને એ માથે રહીને સાચા પ્રેમીઓનું મિલન કરાવે છે યાને કે ખાધું, પીધું ને …
ફિલ્મના અન્ય પંદર ગીતોમાંથી મોટા ભાગના કર્ણપ્રિય, વિખ્યાત અને લાક્ષણિક પંજાબી છાંટવાળા છે. ફિલ્મની છેલ્લી પંદર મિનિટમાં જ ત્રણ ગીતો સમાવાયા છે ! ફિલ્મના ક્રેડીટ ટાઈટલ્સમાં સંગીતકાર તરીકે શ્યામસુંદર ઉપરાંત હુસ્નલાલ ભગતરામનું નામ પણ છે એટલે એવું માની લેવાની લાલચ થાય કે નિર્માતા શ્યામસુંદરથી અધવચ્ચે તંગ આવી ગયા હશે અને એ બેલડીને બાકીનું કામ પૂરું કરવાનું કહેવું પડ્યું હશે. ભગવાન જાણે !
આજનું બીજું ગીત ‘બાઝા ‘ પછી ચાર વર્ષે આવેલી અને શ્યામસુંદરની અંતિમ ફિલ્મ ‘અલિફ લૈલા’નું છે. ફિલ્મની અધવચ્ચે જ શ્યામસુંદરનું અવસાન થતાં ફિલ્મનું બાકીનું સંગીત એમના પરમ મિત્ર મદનમોહને પૂરું કર્યું હતું. મદનમોહને કેટલું કામ કર્યું એની માહિતી કે ક્રેડીટ્સમાં એમનું નામ સુદ્ધાં નથી પણ મને અંગત રીતે એવું લાગે છે કે રફી-લતાનું અદ્ભુત ગીત ‘ખામોશ કયું હો તારો‘ એમણે રચ્યું હોવું જોઈએ . આ માન્યતા બિલકુલ વ્યક્તિગત છે, આધારભૂત મુદ્દલ નહીં !
‘અલિફ લૈલા’ ની વાર્તામાં ન કોઈ અલિફ છે, ન લૈલા. દરઅસલ અરબીમાં ‘અલિફ’ નો અર્થ હજાર અને ‘લૈલા’ નો રાત્રિ થાય છે અને આ ફિલ્મ અરેબિયન નાઈટ્સની એક હજાર રાત્રિઓ પર આધારિત છે માટે ‘અલિફ લૈલા’ ! ફિલ્મમાં અલાદ્દીન (વિજય કુમાર) છે, એ જેને પ્રેમ કરે છે એ શહઝાદી દિલઆરામ (આશા માથુર) છે, જાદુઈ ચિરાગની જિન્ની (નિમ્મી) છે અને દુષ્ટ જાદૂગર અફરાત્યમ (પ્રાણ) છે. આ પ્રકારની, એક તિલિસ્મી દુનિયામાં લઈ જતી ફિલ્મોનો (મારા સહિત !) એક અલાયદો પ્રેક્ષક-વર્ગ હતો અને આવી ફિલ્મોનું સંગીત હમેશાં ઉમદા રહેતું. ફિલ્મમાં માત્ર આઠ ગીતો છે ( ‘ બાઝાર ‘ ના સોળની જગ્યાએ !) અને બધા એક-એકથી ચડિયાતા ! આજના પહાડી ગીત સહિત લતા – રફીના બે યુગલ ગીતો, બે લતા એકલ-ગીત, બે તલતના અને બે આશા ભોંસલેના. આશાએ પહેલી અને છેલ્લીવાર આ ફિલ્મમાં શ્યામસુંદર માટે ગાયું. બધા ગીતો સાહિરના છે. આજની પહાડી બંદિશના શબ્દો :
क्या रात सुहानी है
आज ज़माने की
हर शै पे जवानी है
अनमोल निशानी हैतू मेरी उल्फत के
ख़्वाबों की जवानी हैकुछ कह दो निगाहों में
आज सिमट आओ
तरसी हुई बाँहों मेंहसरत है निगाहों में
दूर कहीं चल दूँ
छुप कर तेरी बाँहों मेंतक़दीर सँभल जाए
गर मेरे सीने पर
ये ज़ुल्फ़ मचल जाए
ये रात न ढल जाए
सुबह के तारे की
नियत न बदल जाए …
મામૂલી મજૂર હોવા છતાં અલાદ્દીન બગદાદની શહઝાદીને ચાહે છે. શહઝાદી પણ એની મુફલિસી અને દિલેરી પર કુરબાન છે. અલાદ્દીન હજી જાદુઈ ચિરાગ અને જિન્નીનો માલિક બન્યો નથી. એક રાતે એ શહઝાદી સાથે વાયદો કર્યા મૂજબ જીવનું જોખમ લઈને મહેલની દીવાલ ઠેકી એને મળવા જાય છે. મહેલના ગુલશનમાં શહઝાદી એની સાહેલીઓ સાથે એના ઇંતેજારમાં છે.
સાહેલીઓના સમૂહગાનથી ગીતની શરુઆત. રફીના સ્વરથી પહેલો બંધ આરંભાય છે. કેવી સોહામણી રાત!! આજે જાણે કાએનાતની દરેક ચીજમાંથી યૌવન છલકાય છે. સમગ્ર ગીત એક પ્રેમ – સંવાદ છે અને ગીતની ધુન, ઢાળ અને તાલ અગાઉના ‘ બાઝાર ‘ના ગીત જેવા જ છે. માત્ર એક અનોખું પરિમાણ ઉમેરાયું છે રફીના અવાજનું ! ગીતના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે એકાંતરા અંતરે આવતા, શહઝાદીની સાહેલીઓ દ્વારા ગવાતા પહાડી સમૂહ-સ્વરો. કુલ છ બંધમાંથી એકાંતરે એક-એક બંધ રફી અને લતા ગાય છે. એક બીજી વાત પણ ગીતના લાવણ્યને નિખારે છે. દરેક ત્રણ પંક્તિના બંધમાં, બીજી પંક્તિના એક શબ્દને જે રીતે બન્ને મહાન ગાયકો બહેલાવે છે તે. પહેલા બંધમાં રફી ‘ઝમાને કી’, બીજામાં લતા ‘ઉલ્ફતકે ‘, ત્રીજામાં ફરી રફી ‘સિમટ’ શબ્દને, ચોથામાં લતા ‘કહીં’ ને, પાંચમામાં રફી ‘ સીને’ ને અને અંતિમ બંધમાં લતા ‘તારે’ ને જે રીતે રમાડે છે એ સાંભળી આફરીન પોકારી જવાય !
ગીતની અંતિમ પંક્તિમાં ભરપૂર કાવ્યતત્વ અને પ્રેમી હૈયાઓની પરિસ્થિતિનું વેધક વિધાન છે. નાયિકા કહે છે કે માંડ પ્રાપ્ત થયેલી આ મિલન-રાત્રિ ક્યાંક જલદી પૂરી ન થઈ જાય ! સવારના આગમનની છડી પોકારતા શુક્રના તારા (ગ્રહ) ની દાનત બગડે અને એ વહેલો ઊગી આવે તો આપણે એટલા વહેલા વિખૂટા પડવું પડે !
છેલ્લે એક રસપ્રદ વાત. આ ગીત વાંચતી વખતે કાવ્ય-રસિકોએ જોયું હશે કે એમાં એક અનોખો લય છે. દરેક બંધમાં ત્રણ પંક્તિઓ. પહેલી અને ત્રીજી પંક્તિ છ દીર્ઘ માત્રાની અને વચ્ચેની પાંચ દીર્ઘ માત્રાની. છંદની ભાષામાં એને આમ દર્શાવાય :
લા લા લા લા લા લા
લા લા લા લા લા
લા લા લા લા લા લા
પહેલી અને ત્રીજી પંક્તિના પ્રાસ મળે. બીજા શબ્દોમાં, વચ્ચેની પાંચ માત્રાવાળી પંક્તિ હટાવી દઈએ તો મત્લા પ્રકારનો (એટલે કે ગઝલના પહેલા શેર જેવો) શેર બને. આ પંજાબી કાવ્ય-પ્રકાર છે અને એને ‘માહિયા’ કહે છે. આ ગીત આવા છ માહિયાનો બનેલો છે. આવા ‘માહિયા’ પ્રકારના ફિલ્મી ગીતના બે ઉદાહરણો :
दिल ले के दगा देंगे
यार हैं मतलब के
ये देंगे तो क्या देंगे(રફી – નયા દૌર )
અને
तुम रूठ के मत जाना
मुझसे क्या शिकवा
दीवाना है दीवाना ..( રફી / આશા – ફાગૂન )
અંતના અંતમાં, શ્યામસુંદરના જ બીબામાં સંગીત આપતા હુસ્નલાલ ભગતરામના ફિલ્મ ‘ આંસૂ ‘ ના ગીત સાથે સમાપન. ‘સુન મોરે સાજના દેખોજી મુજકો ભૂલ ના જાના‘ કયા સંગીતરસિયાએ ન સાંભળ્યું હોય ? લતા-રફીનું આ દિલકશ ગીત પણ, ઉપર ચર્ચેલા બન્ને ગીતોના ઢાળમાં છે, દીપચંદી તાલમાં છે અને પહાડી છે ..
આવતી મુલાકાતે સંગીતકાર એન. દત્તા અને એમની પહાડી સંગે મળીએ.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
પહાડી જેવા મનોહારી રાગના પરિચય નિમિત્તે જૂના સોના સમાન ગીતોના ઉદાહરણ સાથે કાવ્યપ્રકાર ની વિશેષતા ની સમજૂતી, સંગીતનો રસાસ્વાદ, આ બધું મળીને લેખમાં value addition કરે છે.
ધન્યવાદ મિત્ર !