ફિર દેખો યારોં : નજર સામેનો ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સ્વાસ્થ્ય અને પર્યાવરણ બે એવા વિષયો છે કે તેમાં જાતે કશું કર્યા વિના તેની અનંત ચર્ચા થઈ શકે છે. આ ચર્ચા કરનાર જાણકાર અને જાગ્રત નાગરિક ગણાય છે. તેમાં બધો દોષ તંત્ર પર નાખી દેવામાં ઝાઝો વિચાર કરવો પડતો નથી. ચર્ચા કરનારા સહુ કોઈ માને છે કે ગમે એ થાય, પણ ‘લોકો’ સમજવાના નથી. જે તે દિવસ આવે એની ઉજવણી સૂત્રો, પોસ્ટરો કે પ્રેસનોટ દ્વારા કરીને પર્યાવરણ બાબતે સભાનતા કેળવવાનો પ્રયાસ કર્યાનો સંતોષ લેવાની મઝા જ ઓર છે. આ રીતે પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાતી હશે કે કેમ એ ખબર નથી, પણ પર્યાવરણના પ્રદૂષણમાં ઉમેરો અવશ્ય થાય છે.

આજકાલ સફાઈ અભિયાનની બોલબાલા છે. જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતા અંગેનાં સૂત્રો કે ચિત્રો જોવા મળે છે. સ્વચ્છતા કોને ન ગમે? પણ મુશ્કેલી એ છે કે લોકોને સ્વચ્છતા પોતાના આંગણે જ ખપે છે. આ જ લોકો જાહેર સ્થળોએ મહાભયાનક ઉકરડાનું સર્જન કરવામાં યથાશક્તિ પ્રદાન આપતા હોય છે.

તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા ગુજરાત સરકારને આગોતરા રૂપિયા પંચોતેર કરોડ ભરવાની તાકીદ કરી છે. અમદાવાદ નજીક પીરાણા ખાતે આવેલા લૅન્‍ડફીલ દ્વારા પ્રસરતા પ્રદૂષણને ધ્યાને લઈને તેની સફાઈ હાથ ધરવા માટે આ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદની બહારથી પસાર થતા લોકો પીરાણાથી ભાગ્યે જ અજાણ હશે. પાવાગઢની લઘુ આવૃત્તિ જેવા દેખાતા, વિશાળ વિસ્તારમાં પથરાયેલા કચરાના આ ગંજાવર ઢગ અને તેની પર ફરતાં ટ્રેક્ટરો ધ્યાન ખેંચ્યા વિના રહે નહીં. આ વિસ્તાર આગળથી વાહનમાં પસાર થનારે પણ નાકે રૂમાલ દાબીને પસાર થવું પડે એવી સ્થિતિ લગભગ કાયમી હોય છે, જે ચોમાસામાં ઓર વકરે છે. આસપાસના રહેણાક વિસ્તારોના રહીશોની શી હાલત થતી હશે એ તો એમને જ ખબર. હવે એન.જી.ટી.એ વેળાસર આ ઢગના નિકાલ અંગેની તાકીદ કરી છે. કિરણોત્સર્ગી કચરાનો નિકાલ બે સપ્તાહમાં અને અન્ય કચરાનો નિકાલ એક મહિનાની મુદતમાં કરવા માટે જણાવાયું છે. ત્યાર પછી આ સ્થળનો ઊપયોગ જોખમી કચરાના સંગ્રહ, ટ્રીટમેન્‍ટ અને નિકાલ માટે કરવામાં આવશે. આ વિસ્તારની હવાની ગુણવત્તાને સુધારવા માટે જૈવવૈવિધ્ય પાર્ક વિકસાવવામાં આવશે. એન.જી.ટી.એ ભલે અમદાવાદ પૂરતી નોટિસ આપી હોય, કચરાના વ્યવસ્થાપનની, અને તેને લઈને ઉદભવતી સમસ્યાઓની તકલીફ ક્યાં નથી?

કોઈ પણ શહેર વૃદ્ધિ પામે તેનો સૌથી અધિકૃત માપદંડ તેની સુવિધાઓ નહીં, તેમાં પેદા થતો કચરો છે. કચરાના વ્યવસ્થાપન અંગે જગત આખું મૂંઝવણ અનુભવે છે, અને તેના માટેના અસરકારક ઊપાયોની સતત તલાશમાં હોય છે. પણ એક ઉપાય જડી આવે, તેની અસરકારકતાની અજમાયશ થાય એ પહેલાં પેદા થતા કચરાનો જથ્થો અનેકગણી ઝડપે વૃદ્ધિ પામે છે. જો કે, આપણે ત્યાં કચરાના નિકાલનો સૌથી અસરકારક અને સર્વસ્વીકૃત ઉપાય પડોશીના આંગણે ફેંકતા રહેવાનો છે. ચાહે એ ઘરનો કચરો હોય, વસાહતનો હોય કે નગર આખાનો હોય. ગામ નગર બને અને નગર શહેર બને, શહેર મહાનગર બને એ મુજબ તે આસપાસનાં ગામની ભાગોળમાં કચરો ઠાલવવાની જગ્યા શોધી લે છે. બસ, પછી જોતજોતાંમાં ત્યાં પાવાગઢની બરોબરી કરે એવા કથીરીયા પર્વતો બની જાય છે. અલબત્ત, ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે માત્ર શહેરની બહાર જ ઊકરડા સર્જાય છે એવું નથી. ગામ, નગર કે શહેરોની અંદર પણ યથાશક્તિ ઊકરડા બનતા રહે છે. વિદેશના ઘણા શહેરો વિશે સાંભળ્યું છે કે ત્યાં નાના નાના ખૂણા મળે તો તેમાં પણ બગીચો બનાવી દેવામાં આવે છે. એ રીતે નાનકડાં સૌંદર્યસ્થાનો સરવાળે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે. આની સરખામણીએ આપણે અનેક ગણા ઝડપી છીએ. ગામ યા શહેરના નાના નાના ખૂણાને ઊકરડો બનાવી દેતાં આપણને વાર નથી લાગતી. સ્માર્ટ સિટી બનવા નીકળેલા ભલભલા શહેરોમાં પણ આ નજરે ચડશે. ખરેખર તો નજરે ચડે એ પહેલાં તો એ નાકે ચડશે. ચોમાસામાં તો સ્થિતિ અસહ્ય બની રહે છે. આમ છતાં, આપણે નિર્લેપભાવે તેના અસ્તિત્વને નકારી દઈએ છીએ. આવા કિસ્સામાં તંત્રને દોષિત જરૂર ગણી શકાય, પણ નાગરિક તરીકે આપણા પ્રદાનને શી રીતે નજરઅંદાજ કરવું? આપણા ઘર સિવાય, બીજે ગમે ત્યાં કચરો હોય એને આપણે હવામાં રહેલા પ્રાણવાયુની જેમ અનિવાર્ય ગણી લીધું છે. પ્લાસ્ટિક ન વાપરવા જેવી કે એ રીતની અન્ય સ્વયંશિસ્ત તો દૂરની વાત છે, કચરાને યોગ્ય રીતે એકઠો કરવાનો જ મુદ્દો છે. ગમે એવી ઉચ્ચવર્ગીય આવાસયોજનાની અંદરના પરિસરને નહીં, તેના પ્રવેશની આસપાસ નજર કરવાથી આ બાબત સ્પષ્ટપણે જણાઈ આવશે.

આકરો દંડ કરવામાં ન આવે ત્યાં સુધી જાહેર સ્વચ્છતા કે જાહેર સલામતિ જેવી બાબતો આપણા માટે પરગ્રહની બાબતો છે. કચરો આપણા ઘર પાસે ન હોવો જોઈએ, બસ! આટલી મર્યાદિત આપણી સમજ છે. આ બાબતે સરહદની આંકણી ‘એલ.ઓ.સી.’ કરતાંય ચુસ્તપણે આપણે કરેલી છે, જેનું પાલન કરવામાં આજીવન સાથે રહેનારા પાડોશીની પણ શરમ આપણે ભરતા નથી.

અમદાવાદ પાસેનું પીરાણા સાફ થશે, તો એ ડુંગર બીજે ક્યાંક બનશે. બીજા કોઈ શહેરમાં એ ઊગી નીકળશે. એ બાબતે જે પગલાં લેવાનાં હશે એ તંત્ર લેશે, પણ આપણે કચરા અંગેની સમજણનો અમલ કરવામાં શેની રાહ જોઈ રહ્યા છીએ? આપણે હજી લોકોમાં જાગૃતિ કેળવવાની છે કે ખુદ તેનો અમલ પણ કરી બતાવવાનો છે


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧- ૭ – ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય પાદ નોંધ :

તસ્વીર સાભાર – https://swachhindia.ndtv.com/nearing-35-years-ahmedabads-pirana-landfill-is-infamous-for-its-garbage-mountains-and-frequent-fires-11855/

1 comment for “ફિર દેખો યારોં : નજર સામેનો ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં

 1. Bhagwan thavrani
  July 19, 2019 at 8:14 pm

  આપણે સ્વાર્થી છીએ
  આપણે દંભી છીએ
  આપણે પલાયનવાદી છીએ
  અને આ બધા અવગુણોમાં
  આપણો પોતાનો ફાળો સરખા ભાગે આવે છે
  એ સ્વીકારવા જેટલા પણ નિખાલસ
  બની શકતા નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *