કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧૩ – ૧૯૭૬-૧૯૭૯: ગુજરાતથી રજૌરી અને તંગધાર (કાશ્મિર)

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

અમદાવાદમાં આવેલા અમારા ડીઆઈજી હેડક્વાર્ટરમાં જૉઈન્ટ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મિરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મિરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેકટરમાં થઈ. મારાં પત્નિ અનુરાધા અને બાળકો કાશ્મિરા અને રાજેન લંડન હતા. બટાલિયનના યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે રહેતા હોવાથી તેમને રાહત આપવા LC – એટલે લાઈન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખીતંગ નરેન્દ્ર જતો.

રજૌરી ઐતિહાસીક સ્થળ છે. અમારા હેડક્વાર્ટરની નજીક એક સ્થાનક છે. નામ: પંજ પીર, પણ કબર છ વ્યકતિઓની.અહીંની મુસ્લિમ પ્રજા આ પાંચ પીરના સ્થાનક પર ધુપ બત્તી કરે. હિંદુઓ આ સ્થાનને પાંચ પાંડવનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણ પણે હિમાચ્છાદિત થઈ જતા પહાડોનું નામ છે ‘ પીર પંજાલ’. અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો અને દ્રૌપદી ‘હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે હિમાલય પર આરોહણ કર્યું. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજ પીરની પાંચ કબર તે પાંચ પાંડવોની છે અને છઠ્ઠી પાંચાલીની. પંજાલ એ ‘પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના કેટલાક લોકોનું માનવું છે. મુસ્લીમોની માન્યતા છે આ પાંચ પવિત્ર પીર અને તેમની બહેન પહાડ પાર કરતી વખતે અવસાન પામ્યા હતા, અને આ કબરો તેમની છે.

રજૌરીની બીજી હકીકત: મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મિરથી દિલ્લી પાછો જઈ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું.  અફીણ અને શરાબમાં હંમેશા ડુબેલા બાદશાહનું રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. તેના મરણના સમાચાર સાંભળી દિલ્લીમાં સત્તા માટેની પડાપડીમાં નૂરજહાંના હાથમાંની સત્તા જતી ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર ગુપ્ત રાખવામાં આવ્યા. રજૌરીમાં જ રાતો રાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢી, તેમાં મસાલા ભરી, તેના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. જહાંગીરના શરીરમાંથી કઢાયેલા આંતરડા વિ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે..

રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. અમારી સામે પાકિસ્તાની સેનાના મોરચા ઘણા નજીક – એટલે તેઓ બૂમ પાડીને બોલે તે અમે સાંભળી શકતા. પાકિસ્તાની સૈનિકો મનફાવે ત્યારે અમારી ચોકીઓ ઉપર લાઈટ મશીનગનની બે-ચાર મૅગેઝિન ફાયર કરી નાખતા. અમને હુકમ હતો કે ગોળીબારનો વળતો જવાબ ન આપવો, કારણ કે તેમ કરવાથી સીમા પર તંગદીલી વધી જવાનો ભય હતો. આનો ઉંધો અર્થ કાઢી દુશ્મન સૈનિકો અમને ગંદી ગાળો આપતા. “અમારા તમાચાનો જવાબ આપવા તમારે ઇંદીરાનો હુકમ લેવો પડે છે? ભારતી સેના હવે ઘાઘરા પલ્ટન થઈ ગઈ છે?” અમે લાચાર હતા.

રજૌરીમાં આવેલ અનુભવની રસપ્રદ વાતો મારી ડાયરીમાં અન્ય સ્થળે આપીશ, પણ સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન ‘high altitude’ -અસાધારણ ઉંચાઈ – પર આવેલ તંગધારના વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરુ થઈ. મને બટાલિયનની અૅડવાન્સ પાર્ટીના કમાન્ડર તરિકે તંગધાર મોકલવામાં આવ્યો.

બટાલિયનના સો’એક જેટલા જવાનો તથા જરુરી શસ્ત્ર-સામગ્રી લઈ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખુની નાલા અખનૂર અને જમ્મુ થઈ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઈ, કાશ્મિરના ખતરનાક રસ્તા પર બનીહાલ ટનલ, સોપોર, બારામુલ્લા, કુપવાડા થઈ, અગિયાર હજાર ફીટની ઉંચાઈએ આવેલ ભવ્ય અને ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસના ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લે છે. તે વખતે સતત બરફનાં તોફાન, હિમ વર્ષા અને હિમ પ્રપાત ચાલુ રહે છે. ત્યાંથી કોઈ ગાડી – જીપ તો શું, માણસોને પણ ચાલીને પાર જવું અશક્ય છે. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઉતર્યા અને ત્યાંથી આગળ અમે કર્ણા નામના નાનકડા કસ્બામાં અમારું નવું બટાલિયન હેડક્વાર્ટર હતું ત્યાં પહોંચ્યા.

નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ  – ‘સાધના’ આપ્યું હતું. શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જ્યુનિયર કમીશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહન વ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોએ પગપાળા જ સાધના પાસને પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ સાધનાની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે માર્ગ શોધવો સહેલું થાય છે.

સાધના પાસ પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, “સર, સાધનાથી નીચે ઉતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રુપવતિ યુવતિ બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તો પણ તે તમારી રુહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રુહને ઝર્લાની બલા ભરખી ગઈ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે”.

તેની વાતમાં કેટલું તથ્ય હતું તે હું નહિ કહી શકું. એટલું સાચું કે સાધનાની નીચે ઉતરતી વખતે રસ્તામાં જીપને રોકી ઝર્લાનું નિરીક્ષણ કર્યું ત્યારે લીલા છમ પણ ગીચ જંગલથી ભરાયેલી ખીણમાં એક પ્રકારની ભયાનકતાનો ખ્યાલ આવ્યો જ.

કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડક્વાર્ટર હતું. સમુદ્રની સપાટીથી કર્ણા ૬૦૦૦ ફીટની ઉંચાઈ પર. સાધના પાસથીઅહીં ઉતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌ પ્રથમ હું કર્ણાની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઉતરતા એક ઝરણાની પાસે લઈ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. “આ જંગલમાં બન બુઢો રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો – બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઈ વાર આવતો હોય છે.” ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, “આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારે’ક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદુક લઈને તેની પાછળ દોડી ગયા અને મહા મુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને  બે નાળી બંદુકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઈ ગઈ હતી કે ડરના માર્યા તેણે ખાવા પીવાનું છોડી દીધું હતી અને થોડા દિવસ બાદ તે મરી ગઈ.” હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બુઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યેતિ – હિમ માનવની વાત કરી રહ્યો હતો. આપણને પરિકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે.

બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઈ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઉંચાઈ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઉંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી ગઈ! લગભગ ૫૦-૬૦ અંશના ઢાળના સીધા અને ૧૧૦૦૦ ફીટ ઉંચા પહાડ પર મારે ચઢવાનું હતું. આવા પંદર સ્થળોનો ચાર્જ લેવા મારે જવાનું હતું. બધા જ સ્થળો લગભગ આવી જ ઉંચાઈએ આવેલા. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી, અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા નદી સાવ નજીક હતી. ત્યાં જઈને નહાયો તો નહિ, પણ હાથ, પગ અને મ્હોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!

અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહિ આપું. કેવળ  સૌથી વધુ મુશ્કેલ સ્થળ – જે ૧૩૨૦૦ ફીટની ઉંચાઈ પર હતું, તેની વાત કરીશ.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે – જેમકે પૉઈન્ટ ૬૩૫, પડા ચિનાર, લોન ટ્રી, અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” – મારી માતાનું નામ! કર્મ-ધર્મ સંયોગે આગળ જતાં મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઈ.

વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઈનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઈ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય – એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન – blizzard – ફૂંકાય. કોઈ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની – અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં – એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઈ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઈ રહ્યા છીએ!

મે મહિનાથી જુલાઈ-અૉગસ્ટ સુધી મારા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ – કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! ક્યારેક હવામાન સારું હોય તો હવાઈદળનું હેલિકૉપ્ટર  અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઈને આવે અને તેમણે લખેલા પત્રો લઈ જાય. ચોકી પર કોઈ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઈ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.

મારી કંપની અ ૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઈ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઈ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ – શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઈ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યપૂર્ણ બહેનો અને એટલો જ રળીયામણો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા  સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.

હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો – અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઈની ધાર  પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું.  આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે.  પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત – avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઈને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઈને અદૃશ્ય થઈ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. દોરડાની નીચે ચાલીને બીજી ચોકીએ જવા બરફમાંપદયાત્રાકરવી જરુરી હોય છે. મેં જ્યારે સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવામાં આવે છે. પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી કોર્નિસ પર સહેલાઈથી જઈ, બેઅઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. પરંતુ કોઈ પણ હિસાબે લાલચમાં આવવું. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો. મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા

શાકા વૅલીની આજુબાજુ સેંકડો  ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સરુ, દેવદાર અને પાઈન વૃક્ષોનાં ગીચ જંગલ છે. દસ હજાર ફીટની ઉંચાઈએ ‘tree line’ સમાપ્ત થાય. ત્યાર પછી પહાડ પર એક પણ ઝાડ કે પાન ત્યાં ઉગી શકતા નથી. અૉક્સીજનનું પ્રમાણ ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય. નાજુક ફેફસાંવાળા અહીં જરા પણ ટકી ન શકે. અમે માર્ચીંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ જેવી બૂમ સાંભળી. અમે થંભી ગયા. અમારા ગાઈડ ગુલામ હૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, “શાબ જી, યે તો બનબૂઢેકી આવાજ હૈ. ઈસ મૌસમમેં સાથી કો ઢુંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ.” આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકામાં પણ આ બનબૂઢા પાછલા કેટલાક વર્ષોમાં આવ્યા હતા, અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં ‘કસ્તુરા’ – કસ્તુરી મૃગ, રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઈચ્છા હોય તો તે મને લઈ જવા તૈયાર હતો!

અસહ્ય ઠંડી વાળા આ શીત પ્રદેશમાં રહેવા માટે કોઈ બૅરેક નહોતી. પહાડમાંથી ભેગા કરેલા પત્થરની ભિંતના બનાવેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંના છાપરાં. આ છાપરા પર માટીનો થર ચઢાવેલો હોય. બંકરની અંદર ગરમાવા માટે ‘બુખારી’ નામનું ટિનના બંબા જેવું એક સાધન મૂકવામાં આવે. તેમાં બર્નર હોય છે. બર્નરમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે અને બુખારી આખી રાત બળતી રહી શકે. જો કે અમે તેવું કરી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધુમ્રસેરનું ટાલ્કમ પાવડર જેવી ઝીણી મેશમાં રુપાંતર થતું. અમારા શ્વાસમાં આ મેશની રજકણ જવાથી ગળામાં અને નાકમાં તે ચોંટી જતી. માણસ થુંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપીંગ બૅગમાં પેસી જઈએ. સૂતી વખતે પણ બધા સ્નો બૂટ પહેરીને સૂઈ જાય, કારણ બંકરની જમીન પર બુખારીની ગરમીને કારણે જમીનના તળીયામાંથી પાણી ઉપર આવે. બુખારી ઓલવી નાખ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં તે જામીને બરફ થઈ જાય. ભુલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વિંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહિ, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે, જેનું gangreneમાં રુપાંતર થતાં વાર ન લાગે. અસહ્ય ઠંડી તથા હવામાં અૉક્સીજનની કમીને કારણે રાતે ઉંઘ પણ ન આવે. સાંભળ્યું હતું કે આપણા ઋષીઓ તથા સંતો આવી જગ્યાએ રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરૂં છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે.

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નૉન કમીશન્ડ અૉફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટુન પોસ્ટના કમાંડર  તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મિરી પંડિત હતા. એક રાતે  તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઈ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પુતળાની જેમ તેઓ ઉભા થયા અને સીધી લાઈનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ગરમ મોજાં પહેર્યા હતા, તે સળગી ઉઠ્યા. હથેળી પરની ચામડી બળી ગઈ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઈ અસર થતી જણાઈ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપીંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટુનમાં પ્રાથમિક સારવારનો સામાન હતો તેમાંથી બર્નૉલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યો. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઈ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વિતી ગઈ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઈ મને પણ નવાઈ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઈ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઈ અફસર પોતાના સિનીયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહિ. વળી જાણી જોઈને કોઈ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી.

“આવી ઉંચાઈ પર બલા (યક્ષીણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મિરમાં માન્યતા છે. એવા  ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી ‘રુહ’ – આત્મા – હોય છે, જે ધારે ત્યારે માનવી રુપ ધારણ કરી શકે છે. જેમને તે પસંદ કરતી હોય તે જ વ્યકતિ તેને જોઈ શકે એવી તેમની શક્તિ હોય છે.

“હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઉભી રહી. રુપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઈ હું ચકિત થઈ ગયો. આગળ ઉભેલી સ્ત્રીએ મારી તરફ લોભાયમાન સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, ‘મારો સ્વીકાર કરો!’  મારી આંખ તેની આંખ સાથે મળતાં હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પુતળાની જેમ હું ઉભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઈ ગયો. હું શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ રહી. જ્યારે પ્લૅટુનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો.”

આ વાત સાંભળી મારી સાથે આવેલ મારો કાશ્મિરી સિવિલિયન ‘ગાઈડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ આ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”

ભટ્ટે શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે પણ મને તેજ ક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથળીઓ મારી નજર સામે તાદૃશ્યમાન થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે:

દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઈ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઈ પડદો છે? તેજ ક્રિશન ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય કશું હતું? Rarified atmosphere – હવામાં  અપૂરતા પ્રાણવાયૂનો આ પ્રતાપ હતો કે દિવાસ્વપ્ન? કે પછી સ્કિત્ઝોફ્રેનિયા જેવો કોઈ પ્રકાર?

ભટ્ટને કોઈ માનસિક બિમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમતા અને બહાદુરીને કારણે આગળ જતાં તેજ કૃષ્ણ ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે અને તેમના જવાનોએ કહેલી વાત કપોલકલ્પિત હતી તેવું હું માનવા તૈયાર નથી. તેમના બળેલા હાથ મેં જાતે જોયા હતા. સાથે સાથે સામાન્ય બુદ્ધિને માન્ય ન થાય તેવી વાતને શું કહેવું, તે પણ સમજાતું નથી.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *