વિમાસણ : સંતોષી નર (કે નારી) સદાય સુખી ?

Facebooktwitterredditpinterestlinkedinmail

–  સમીર ધોળકિયા

આપણા વડીલો, ધર્માચાર્યો, વિચારકો હંમેશા કહેતા આવ્યા છે કે “સંતોષી નર સદાય સુખી”. પણ શું આ સાચું છે ? જીવનમાં આ વલણ અપનાવવા જેવું, સ્વીકારવા જેવું છે? આ પ્રશ્નનો ઉત્તર હંમેશા મૂંઝવણભર્યો રહ્યો છે.

એક બાજુ સંતોષની માનસિક શાંતિ છે તો બીજી બાજુએ અસંતોષનો, કંઈક ન પામી શક્યાનો વસવસો છે, અધૂરપ છે. તે બંનેમાંથી શું નક્કી કરવું તે ઘણી વાર સંજોગો નક્કી કરે છે અને કોઈ વાર આપણી પોતાની જ ક્ષમતા નક્કી કરી આપે છે.

પહેલાં એ વિચારીએ કે સંતોષ એટલે શું.

એમ કહી શકાય કે સંતોષ એટલે જે મળે તે આનંદથી સ્વીકારી લેવું અને જિંદગીમાં, કારકિર્દીમાં આગળ વધવું. તેના વિષે વિચારમંથન કે માનસિક પરિતાપ ના કરવો. સંતોષ એટલે સુખી થવાની મુખ્ય ચાવી. એટલે સુખી થવું હોય તો સંતોષી થવું. પણ કેટલાક વિચારકો કહે છે કે સંતોષથી પ્રગતિ રૂંધાઇ જતી હોય કે નહિ, પણ એક માનસિક ‘બ્રેક’ તો જરૂર લાગી જાય છે. જે હોય તે જો ચલાવી લઈએ તો નવા વિચાર, નવા અન્વેષણ, નવા રસ્તા માટે રાહ જ બંધ થઇ જાય છે. નવા વિચારો માટે અસંતોષ હોય તે અનિવાર્ય નથી પણ સંતોષ નવા વિચારો પર ઠંડું પાણી તો જરૂર રેડી દે છે ! જે છે તે ચાલવા દો (status quo) અને સંતોષ રાખો તે વલણ આળસવૃત્તિને પણ ઉત્તેજન આપે છે.

આજુબાજુના લોકોને સંતોષી વ્યક્તિ હમેશાં ગમે છે કારણ કે તે કદી કોઈને આડી આવતી નથી અને કોઈ સાથે સ્પર્ધામાં નથી હોતી. આઝાદી પહેલા આપણો દેશ સંતોષી વ્યક્તિઓથી ભરેલો હતો તેથી જ કદાચ મુઠ્ઠીભર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી ગયા. ક્રાંતિ માટે અસંતોષ હોવો બહુ જ જરૂરી છે પણ તે અગ્નિ આપણા લોકોમાં પ્રજ્વલિત હતો જ નહિ. જે અધિકારો હોય તેનાથી સંતોષ હોય તો તે સમાજને બદલાવ માટે વિચાર જ ક્યાંથી આવે ?

એનો અર્થ એમ કે સંતોષ ખરાબ કહેવાય અને વ્યક્તિ કે સમાજને અસંતોષ હોવો જ જોઈએ ? કેટલો સંતોષ રાખવો અને કેટલો અસંતોષ રાખવો તે હંમેશ એક મૂંઝવતો પ્રશ્ન છે અને તેનો જવાબ દરેક વ્યક્તિ કે સમાજ માટે અલગ અલગ હોઈ શકે. આ માટે દરેક વ્યક્તિ અને સમાજે પોતાની શક્તિ અને સામર્થ્ય વિષે નક્કર નિર્ણય લેવો પડે.દા.ત. મારી શક્તિ પરીક્ષામાં ૭૫% લાવવાની હોય, તો ખેંચીખેંચીને હું ૮૦ % લાવી શકું પણ તેનાથી વધારે મારી શક્તિ બહાર હોય અને તોય મને એમ લાગે કે મારે તો ૯૦% લાવવા જ જોઈતા હતા તો એ અસંતોષ ઊંડી નિરાશામાં પરિણમે અને તેના પરિણામો હકારાત્મક ના હોય અને મોટે ભાગે નુકસાનકારક હોય. અહી મારે મારી શક્તિની મર્યાદા સમજવી પડે. પણ આ મર્યાદા કોણ નક્કી કરે? અહીં વ્યક્તિએ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરવું પડે કે મારે ક્યાં સુધી સંતોષ રાખવો અને ક્યાંથી અસંતોષ શરુ કરવો! પણ હા, આ મૂલ્યાંકનમાં એના ભાઈ-બહેન કે મિત્ર કે શિક્ષક ચોક્કસ મદદ કરી શકે.

સંતોષ એવી વસ્તુ છે કે જે સુખ આપે છે પણ સાથે સાથે એક કોચલું પણ તૈયાર થવા માંડે છે. અને પછી એ કોચલામાં મઝા આવવા માંડે છે અને બહાર નીકળવું ગમતું જ નથી. એના માટે એક સરસ શબ્દ અંગ્રેજીમાં છે-comfort zone. જો બધા આવી વૃત્તિ રાખે તો સમાજની પ્રગતિ કેવી રીતે થાય ? જો લોકોએ ગરમીમાં એમ માનીને સંતોષ માન્યો હોત કે આ તો હોય અને આ તો કુદરતી પ્રક્રિયા છે તો પંખો અને એરકન્ડીશનર શોધાયાં જ ના હોત. આપણી આજુબાજુની કેટલીય વ્યક્તિઓ સંતોષી હોય છે- ખૂબ કાર્યક્ષમ હોવા છતાં. મને તે બિલકુલ ગમતું નથી!

સંતોષ એ સુખી થવાની ચાવી છે એ સાચું, પણ એ સુખ શું કામનું કે જે તે વ્યક્તિને એક કોચલામાં બાંધી રાખે? હા, અસંતોષ એવો ન હોવો જોઈએ કે તેમાં બીજાનો સંતોષ કે સુખ જોઈ ન શકાય. અસંતોષ એવો હોવો જોઈએ કે પોતાની લીટી મોટી કરે, બીજાની લીટી નાની ન કરે. અસંતોષમાંથી એક શક્તિ, જોશ અને ઉત્સાહ ઉત્પન્ન થવાં જોઈએ કે જેનાથી તે વ્યક્તિ નવા આયામો સર કરે અને તેનાથી અસંતોષ દૂર કરે. કારણ કે અસંતોષ પોતાની મહેચ્છાઓ, મહત્વકાંક્ષાઓ પૂરી થાય ત્યારે જ દૂર થાય છે. જો એમ ન થાય તો કાયમનો અસંતોષ રહી જાય જે બહુ નકારાત્મક નીવડી શકે છે.

સંતોષ જો સુખની ચાવી હોય તો અસંતોષ પ્રગતિની ચાવી બની શકે છે. પણ અગાઉ જણાવ્યા મુજબ અસંતોષ હકારાત્મક હોવો જોઈએ અને તે કોચલામાંથી બહાર નીકળવા માટેની ક્ષમતા પણ હોવી જોઈએ. જેમ દિશા વગરની મહેનતનું કોઈ હકારાત્મક પરિણામ નથી આવતું તેવું જ કાર્યક્ષમતા વગરના અસંતોષમાં થાય છે. આપણા અસંતોષમાં પણ એક તાકાત હોવી જોઈએ. જો એમ ન હોય તો સમજવાનું કે જે મળેલ છે તે યોગ્ય છે!

તો કરવું શું ? સંતોષ રાખવો અને આનંદથી જીવવું કે અસંતોષને યોગ્ય દિશા આપી આગળ મોટી છલાંગ મારવાનો પ્રયત્ન કરવો? એક જવાબ એ હોઈ શકે કે અસંતોષ રાખવો, તેમાંથી બહાર આવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવો પણ થોડા પ્રયત્નો પછી જે પરિણામ આવે તેને સ્વીકારી લેવું. થોડો સમય જાય તે પછી જયારે તે સંતોષમાંથી, યથાવત પરિસ્થિતિમાંથી ફરી અસંતોષ જન્મવાનો શરુ થાય ત્યારે ફરીથી નવા પ્રયાસો શરુ કરી દેવા. આ ચક્ર જિંદગીભર ચાલતું રહેવાનું. હા, એમ ચોક્કસપણે કહી શકાય કે જીવનના અંતમાં દરેક વ્યક્તિને તેના પ્રયત્નો તથા તેની ક્ષમતા પ્રમાણે ચુકવણી/વળતર મળી રહે છે – ભલે તેને ગમે કે ન ગમે. પણ તેના માટે સતત પ્રયત્ન જરૂરી છે અને અસંતોષ પણ……!

તમે સંતોષી છો કે અસંતોષી? સવાલ અઘરો છે અને જવાબ પણ તમારે જ મેળવવાનો છે! કોઈ સ્પષ્ટ જવાબ ન હોય તેને જ વિમાસણ કહેવાય ને ?


શ્રી  સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

6 comments for “વિમાસણ : સંતોષી નર (કે નારી) સદાય સુખી ?

 1. Bhagwan thavrani
  July 17, 2019 at 8:54 am

  ઘણું બધું અગત્યનું અસંતોષમાંથી જ નીપજે છે, બશરતે એ અસંતોષ કોઈક તરસરૂપે હોય, ધૂંધવાટ તરીકે નહીં !
  સરસ વિશ્લેષણ…

  • Samir
   July 27, 2019 at 2:23 pm

   આપ બિલકુલ સાચા છો. અસંતોષ માં થી ગણું નીપજી શકે છે.આ લેખ નો નિર્દેશ કંઇક આવો જ હતો .
   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !

 2. ગૌતમ ખાંંડવાલા
  July 17, 2019 at 9:37 am

  સંતોષી હોવું એટલે જે મળે તેમા સુખી રહેવું. પણ એનો અર્થ એ નથી કે જીવનમાં આગળ ન વધવું. સંતોષ અને પ્રગતિ બેઉ સાથે સંભવી શકે.

  • Samir
   July 27, 2019 at 2:26 pm

   આપે બિલકુલ સાચું કહ્યું.સાથે સાથે એ પણ એટલુજ સાચું છે કે અસંતોષ વધારે શક્તિશાળી ઉદ્વીપક તરીકે કામ કરી શકે છે .
   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !

 3. Dipak Dholakia
  July 25, 2019 at 8:07 pm

  ધાર્યું સિદ્ધ કર્યાનો સંતોષ – અને નવું ધારવાનો અને પાર પાડવાનો ઉત્સાહ. અસંતોષ તો ક્યાં છે?

 4. Samir
  July 27, 2019 at 2:30 pm

  અસંતોષ મન ની એક પારાશીશી છે. જ્યાં ગોઠવો ત્યાં ગોઠવાઈ શકે છે !
  અસંતોષ નિરાશા તરફ પણ લઇ જઈ શકે છે અને શક્તિશાળી ઉદ્વીપક તરીકે પણ કામ કરી શકે છે. આપણા પર આધાર છે.
  પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *