સંસ્કૃતિની શોધમાં : ૧૩ : સૈદપુરનું માટીનું મ્યુઝિયમ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

હિન્દુ ધર્મ ઔર ઉનકે ધર્મસ્થાનો પે પાબંદી હોગી તો વોહ લોગ (હિન્દુ) સર ના ઊઠા પાયેંગે.

ઇસ્લામાબાદ પાસે આવેલ મરગલ્લા પર્વતની તળેટીમાં આવેલ સૈદપુર ગામને ૨૦૦૬ માં પાકિસ્તાન સરકાર દ્વારા હિસ્ટોરીક ટૂરિસ્ટ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો હતો. વિભાજન પહેલાં આ નાનકડાં ગામમાં હિન્દુ અને જૈન સંસ્કૃતિને દર્શાવતાં દેરાસર, ગુરુદ્વારા સહિત અન્ય ૩ મંદિરો હતાં. ઉપરાંત, નાનકી કૂંડ પણ હતો. અહીં રહેલાં મંદિરોમાંથી એક સૂર્ય મંદિરનું નિર્માણ ૧૩૩૦ની આસપાસ થયેલું. ૧૫૮૦ની આસપાસ બાદશાહ અકબરનાં સેનાપતિ રાજા માનસિંહે રામ મંદિર, હનુમાન મંદિર, ૪ કુંડ અને બે ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી ક્રમાંકે ત્યાં ગુરુદ્વારા, નાનકીકુંડ અને દેરાસરનો ય ઉમેરો થયો હોઈ અહીં વિવિધ જાતિનાં હિન્દુઓ આવીને વસવા લાગ્યાં.

ધર્મશાળાનું એક બિલ્ડીંગ

૧૯૨૦ માં “લાલા હામરાજ શોરી”એ આ જગ્યાને સરખી કરાવી ત્યારે તેમણે ગુરુદ્વારાને જોડીને બીજા અમુક કમરા બનાવ્યા અને માર્બલની ટાઇલ્સ નખાવી. આજે પણ લાલા હામરાજનાં વંશજો આ જગ્યાની સારસંભાળ લે છે. પણ, ૭૦ વર્ષ પહેલાં થયેલાં દેશ વિભાજનની અસર આ નાનકડાં ગામમાં યે એ રીતે પડી કે બધાં જ હિન્દુઓ ઇતિહાસમાં સમાઈ ગયાં. પાક સરકારે સૈદપુરનાં મંદિરોમાંથી મૂર્તિઓ કાઢી નાખી તેની પર કબ્જો જમાવી દીધો જેથી કરીને હિન્દુઓના ધર્મનું કોઈ જોર ન રહે. ૧૯૭૫ સુધી અહીંનાં ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથસાહેબનું પઠન થતું હતું પણ ત્યાર પછી એય બંધ કરી દેવામાં આવ્યું. આ ધાર્મિક ઇમારતો સિવાય પણ સૈદપુરમાં હિન્દુઓની અન્ય હવેલીઓ પણ હતી, જે પથ્થરમાંથી બનાવવાંમાં આવી હતી. આ હવેલીઓનાં બારી-બારણામાં કાર્વિંગ કરેલ લાકડાનો ય ઉપયોગ થયો હતો. હિન્દુઓની ખાલી પડેલ અથવા ખાલી કરાવવામાં આવેલ તે હવેલીઓને રેસ્ટોરંટ્સમાં ફેરવી દેવામાં આવી હતી. આજે આ હવેલીઓમાંથી મોટાભાગની હવેલીઓમાં કાં તો મુસ્લિમ પરિવાર રહે છે અથવા તેને પણ હોટેલમાં ફેરવી દેવામાં આવી છે. જ્યારે રહ્યા કુંડો….આ કુંડોમાંથી નાનકી કુંડ પર હવે સિમેન્ટનું ચણતર કરી તેને વરંડો બનાવી દેવામાં આવ્યો છે.

ઇસ્લામાબાદમાં ફરવા આવનારા હિન્દુ યાત્રાળુઓને સસ્તામાં રહેવું હોય તો આ કમરાઓ ભાડે આપવામાં આવે છે. જ્યારે હનુમાનકુંડ અને રામકુંડ પર માટી ભરી તેને નદી બનાવી દેવામાં આવેલ. પણ જેમ આપણે ત્યાં બને છે તેમ મને તો નદીની જગ્યાએ વોકળો જ દેખાયો. આ ધર્મશાળાઓમાંથી એક ધર્મશાળામાં પહેલાં પોસ્ટઓફિસ હતી, ત્યાર પછી તેને બંધ કરી દઈ તેમાં સૈદપુરનો ઇતિહાસ દર્શાવતું મ્યુઝિયમ અને બાળકો માટે સ્કૂલ બનાવવામાં આવી. આ બધું જોઈ અમારા ગાઈડને મે પૂછવા ખાતર પૂછ્યું કે; આ રીતે હિન્દુઓનાં ધર્મસ્થાનો કેમ ખાલી કરાવ્યાં પાક સરકારે? તો તે સહજ રીતે બોલી ગયો કે; હિન્દુ ધર્મ ઔર ધર્મસ્થાનો પે પાબંદી હોગી તો વોહ લોગ ( હિન્દુ ) સર ના ઊઠા પાયેંગે. કેવળ આ એક જ વાક્યથી મને ખ્યાલ આવી ગયો કે વિભાજનનાં આટલાં સમય પછી યે પાકિસ્તાન હિન્દુઓને પૂર્ણ રીતે અપનાવી શક્યું નથી.

ધર્મશાળા અને મ્યુઝિયમ બિલ્ડીંગ:-

લાલા હામરાજ શોરીએ બનાવેલ ધર્મશાળાઓમાંથી એક ઇમારત કોઈ કિલ્લા જેવી લાગે છે. મુખ્ય ખંડની બહાર રહેલી સાઈડ દીવાલ આજેય પથ્થરની જ છે, જ્યારે ખંડની છત લાકડાંની બનેલ છે. આ ખંડમાં ખાસ બારીઓ નથી તેથી કેવળ લાઇટના પ્રકાશનો જ મુખ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદરના પોર્ચની દીવાલનું પેઇન્ટિંગ રાજસ્થાનની શેખાવટીની હવેલીઓ યાદ અપાવી દે છે. આ પેઇન્ટિંગમાં મુખ્ય ડિઝાઇન ફૂલ પત્તીની છે જેમાં લાલ, મરૂન, કેસરી, લીલો, વાદળી, પીળો વગેરે રંગોનો ઉપયોગ થયો છે.

આ મ્યુઝિયમમાં મૂકેલ ફોટોફ્રેમમાં સૈદપુરનો આખો અતીત ઝળકાતો હતો જેને મે મારા કેમેરામાં કેચ કરી લીધો. આ ફોટાઓમાં એક ફોટો આપણાં શ્રી જવાહરલાલ નહેરુનો પણ હતો. આ મ્યુઝિયમમાં અમે સારો એવો સમય પસાર કરી નીકળી રહ્યાં હતાં ત્યાં ગાઈડ કહે કે; અહીં માટીનાં ખીલૌનાનું મ્યુઝિયમ પણ જોવા જેવુ છે, શું તમને એમાં રસ છે? માટીનાં ખીલૌનાનું મ્યુઝિયમનું નામ સાંભળી મને થોડું આશ્ચર્ય થયું, પણ આ જગ્યામાં વારંવાર આવવા મળવાનું ન હતું, તેથી અમે તેની સાથે માટીનું મ્યુઝિયમ જોવા નીકળ્યાં ત્યારે ગામનો થોડો ઘણો ભાગ પણ જોવા મળ્યો.

ગામમાંથી પસાર થતાં

માટીનાં રમકડાંનું મ્યુઝિયમ:-

અમે ગામની ગલીકુચીઓમાંથી થઈ અમે ઈસ્માઈલ નુદરાનીને ત્યાં પહોંચ્યાં. ઈસ્માઈલભાઈ કુંભાર હતા, જ્યારે પાર્ટીશન પછી સ્વાતંત્ર્ય પાકિસ્તાન માટે પ્રથમ વર્ષ ઉજવાયું ત્યારે ઈસ્માઈલ ભાઈએ આગળનું પાકિસ્તાન કેવું હશે તેની કલ્પના કરતું એક્ઝિબિશન યોજયું હતું, જેમાં તેમના પિતાએ બનાવેલ રમકડાંથી લઈ પોતે બનાવેલ એરોપ્લેન, મોટર ઉદ્યોગ, ડેરી ઉદ્યોગને મહત્વ આપ્યું હતું. આ સમયે તે સમયના પ્રથમ વડાપ્રધાન અયુબખાને ઈસ્માઈલભાઈને એવોર્ડ આપેલો. વય વધતાં ઈસ્માઈલભાઈએ પોતાનો ધંધો પોતાનાં દીકરા હુસેનને સોંપ્યો. હુસેનભાઈને કોઈ દીકરો ન હતો, તેથી તેણે પોતાનાં દીકરી જમાઈને આ ધંધો સોંપ્યો. આજે ય આ ઘરમાં આ ત્રણેય પેઢી એકસાથે રહે છે. દર વર્ષે તેઓ ૧૪ મી ઓગસ્ટે એક એક્ઝિબિશન યોજે છે, પણ રહેવા માટે અને અને તેમણે બનાવેલાં માટીનાં મોડલ ગોઠવવા માટે તેમની પાસે મોટી જગ્યા નથી. આથી ઘણા સમયથી તેઓ અલગ અલગ સંસ્થાઓ અને ગવર્મેન્ટમાં પત્ર લખી એક વિશાળ જગ્યા માગે છે, પણ હજી સુધી તેમની આશા પૂરી નથી થઈ. તેથી અમે પહોંચ્યાં ત્યારે તેમણે અમને કોઈ સંસ્થાવાળાં જ સમજી લીધાં. પણ સંસ્થામાંથી અમે નથી તે જાણી તે થોડાં નિરાશ થયાં પછી હસીને તેમણે અમને આવકાર આપ્યો. પછી તેમણે પોતે અને તેમનાં અબ્બાજાને માટીમાંથી બનાવેલ રેલ્વે બ્રિજ, ૧૧૦ વર્ષ જૂની ટ્રેઇન, પ્લેન, મિનારાઓ સહિતનાં અનેક આર્ટફોર્મ બતાવ્યાં.

સામેનું ઘર તે ઈસ્માઈલભાઇનું ઘર

ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એક તરફથી ટ્રેઇન ટનલમાં જતાં જોઈ શકાય છે, જ્યારે બીજી તરફની દિશા તરફથી એન્જિન જઈ રહ્યું છે.

માટીનું એરોપ્લેન અને બારી પાસેના કોર્નરમાં દૂધ લઈ હતું ગાડું
પાકિસ્તાની ટ્રકનું મોડેલ
હુસેનભાઈ

હુસેનભાઈ અને તેમનાં બેગમ પાસે અમે ઘણો સમય વિતાવ્યો અને તેમની પાસેથી થોડાં માટીનાં રમકડાં અને વાસણો ખરીદ્યા પછી અમે ત્યાંથી નીકળી જ રહ્યા હતાં ત્યાં જ હુસેનભાઈ તેનાં દીકરાને કહે બીબીજી કો વોહ લયલા સે મીલવા દે. આ સાંભળી અમે હુસેનભાઈને પૂછ્યું તો તેઓ કહે; હમારે નસીર કે મામુજાન કી જો લયલા ભેંસ હૈ ના ઉસકી આંખે ગોરેકે જૈસી નીલે રંગ કી હૈ. ઉનકી ફોટો લેને યહાં બહોત લોગ આતે હૈ. અમે હુસેનભાઈની વાત સાંભળી તેના દીકરા સાથે લયલાને મળવા ગયાં ત્યારે તે મળી તો ખરી પણ એના મામુજાનને તેની ભેંસ કેમેરાને કચકડે આવે તે કદાચ પસંદ ન પડ્યું તેથી તે તેને લઈને ચાલ્યો ગયો.

લયલા ભેંસ

ગામમાંથી પસાર થતાં લીધેલાં ફોટાઓ.

કિલ્લાની પાછળનો ભાગ

ગુરુદ્વારા તરફ જવાનો માર્ગ

પથ્થરોનાં બનેલાં જૂના ઘરો જ્યાં આજે મુસ્લિમ પરિવારો રહે છે અથવા આ ઘરોનો જીર્ણોધ્ધાર થઈ રહ્યો છે.

શાંતિથી સૈદપુર જોતાં જોતાં સાંજનાં અમે ઇસ્લામાબાદ તરફ પાછાં ગયાં. મને હોટેલની બહાર ઉતારી મારી સહેલીઓ ફરી ઓફિસ જવા નીકળી ગઈ. હોટેલ બહાર સૂટબૂટધારીઓની ઘણી જ ચહેલપહેલ હતી, આ બધાં જ લોકોને માટે ખાસ બ્લેક કાર્સનો કાફલો હતો. હોટેલ અંદર પહોંચી ત્યારે મેઇન ડેસ્ક પણ એમનાથી ભરેલું હતું. લિફ્ટ પાસે ઘણાં સૂટબૂટધારીઓ ઊભા હતાં. બંને સાઈડની લિફ્ટમાંથી જે કોઈ નીચે આવતું તેમાં કોઈ ને કોઈક ખાસ જ હતું.

રૂમમાં પહોંચી ફ્રેશ થવા માટે પાણીની બોટલ શોધવા લાગી, પણ ખ્યાલ આવ્યો કે પાણીની બોટલ નથી. આથી રૂમનું બારણું ખોલી લોબીમાં જોવા લાગી કે કોઈ સ્ટાફ મેમ્બર દેખાય છે? પણ કોઈને ન જોતાં હું લોબીમાં તેમને શોધવા નીકળી પડી. લોબીની બીજી દિશામાં જતાં જોયું કે ધીરે ધીરે જાણીતા થઈ રહેલા તે સ્વજન કોઈ મિત્ર સાથે આવી રહ્યા હતા. મને જોઈ તેઓ ઊભા રહ્યા પછી કહે; તમને મારું નામ યાદ છે?

મે કહ્યું હા ; પણ સોરી આખું નામ યાદ નથી. સમથીંગ મી. સાવકેટ? રાઇટ ?

એ કહે; રાઇટ બટ…..કહી ફરી પોતાનાં નામનો ઉચ્ચાર કરવાને બદલે તેણે પોતાનાં મિત્ર તરફ જોયું તેમના જોવા સાથે જ તે મિત્ર એ એક ડાયરીનાં પાનાંમાં લખ્યું પછી પાનું ફાડી મારા હાથમાં મૂક્યું. પછી ડાયરી-પેન મારા હાથમાં મૂકી મને પણ લખવા ઈશારો કર્યો. મે મારું નામ અને સ્થળ લખી તેમનાં હાથમાં મૂક્યું, તેઓ વાંચીને કહે ઓહહ…સો ..માલકાહન યુ આર ફ્રોમ યુએસએ..? ગુડ ગુડ હજી તેઓ આગળ બોલવાનું ચાલું રાખે ત્યાં તેમનાં મિત્રએ કશુંક કહ્યું, તે સાંભળી તે કહે; ઓકે વિલ મીટ અગેઇન ….બાય બાય ફોર નાઉ….કહી મારા જવાબની રાહ જોયા વગર આવેલી લિફ્ટમાં ગોઠવાઈ ગયા. કદાચ બહુ જલ્દી હશે તેમ માની હું ફરી સ્ટાફ મેમ્બરને શોધવા ચાલી નીકળી.

તે દિવસ પછીના ત્રણ દિવસ મારા હોટેલમાં જ ગયા, એક દિવસ સવારે બ્રેકફાસ્ટ અને રાત્રે ડિનરના સમયે મે તેમને અનેક લોકોથી ઘેરાયેલા જોયેલા, બંને સમયે તેમણે હાથ ઊંચો કરી દૂરથી અભિવાદન કર્યું. તેમને હાથ ઊંચા કરતાં જોઈ તેમનાં મિત્રો મારી સામે જોતાં અને જવાબમાં હું હસીને દૂરથી હલો કરી દેતી. તે દિવસે જોયા તે જોયા ત્યારપછી તેઓ દેખાયા નહીં. તેથી વિચાર આવ્યો કે કદાચ તેઓએ હોટેલ છોડી દીધી હોય. સૈદપુરની યાત્રાની યાદ સાથે મી. સાવકેટ પણ એક યાદ રૂપે જોડાઈ ગયા હતા, જેની સાથે ફરી કોઈવાર મુલાકાત થશે કે નહીં તેની મને આજે જાણ નથી અને આવતી કાલ વિષે હું જાણતી નથી. આમે ય અમે બધાં યાત્રીઓ જ હતાં, કોઈ આજે અહીંથી ગયું છે, આવતીકાલે અમે જતાં રહીશું. બસ લિફ્ટમાં અવરજવર કરતી વખતે જે થોડીઘણી ઓળખાણ થઈ હતી તે જ ઓળખાણને એક યાદ કેવળ યાદ બનાવીને રાખવાની છે, તેથી વિશેષ કશું નહીં.

(ઘરે આવીને સામાન ખાલી કરતી વખતે તે ચિઠ્ઠી હાથમાં આવી હતી તે નામ વિષે ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે તેમનું નામ જાણવા મળ્યું. તેમનું પૂરું નામ હતું “Shavkat Miromonovich Mirziyoyev” તેઓ ઉઝબેકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હતા. )


© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

1 comment for “સંસ્કૃતિની શોધમાં : ૧૩ : સૈદપુરનું માટીનું મ્યુઝિયમ

  1. Bharti
    July 16, 2019 at 10:47 am

    Bhagwan, tamne y kon kon Mali jay che, ne tame kone none malo cho. Purvi ben tamari aa Tour to mane y nava naval loko sathe melve che. Hanmesh Ni jem aaje y photos jova Ni Maja padi gai. Have pachi Pakistan ma kai jagya e farva lai jasho?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *