લ્યો, આ ચીંધી આંગળી : એક અનોખા અખબાર ‘દમણગંગા ટાઇમ્સ’ના અગ્રલેખોનો સરસ સંચય

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

પિસ્તાલીસ વર્ષ પહેલાની એક ઘટના હજુ ભુલી શકાતી નથી.

ગુજરાતના એક બહુ મોટા કહેવાય તેવા નેતાના અવસાનના સમાચાર જામનગરના અતિ પ્રતિષ્ઠિત એવા સ્થાનિક, બલકે પ્રાદેશિક સાંધ્ય દૈનિક “નોબત “ના ટેલિપ્રિન્ટર પર સવારે દસેક વાગે ઉતર્યા ત્યારે હું એના સ્થાપક તંત્રી અને મારા અંગત મિત્ર રતિલાલ માધવાણીની સામે જ બેઠો હતો. એમણે તરત જ પોતાના ઉપતંત્રીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને ગંભીર ચહેરે સૂચનાઓ આપી. આ સમાચારોને કેટલું ‘વેઇટેજ’ આપવું અને ભલે પહેલા પાને જ, પણ ઉપરના અમુક ભાગે લેવું તે બધી સૂચનાઓ એમણે ભારે ચીવટથી આપી.

પણ તે સાજેં ‘નોબત’ મારા હાથમાં આવ્યું ત્યારે મારી ભારે નવાઇ વચ્ચે ઉપરની પોઝીશનમાં એ સમાચાર ના જોયા. ત્યાં તો એક સ્થાનિક આબરુદાર લોકસેવકના અવસાનના સમાચાર બ્લેક બૉર્ડર સાથે હતા! પેલા રાજ્યકક્ષાના નેતાના દુઃખદ સમાચાર? બેશક, ધ્યાન ખેંચાય તે રીતે જ મૂકવામાં આવ્યા હતા, પણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ થોડું છૂપું પણ વધારે વજન સ્થાનિક લોકસેવકના અવસાનને આપવામાં આવ્યું હતું. ખરેખર તો એને ‘વધારે’ નહિં, પણ ‘પૂરતું’ કહેવું જોઇએ. કોઇ સામાન્ય તંત્રી હોત તો મોટા નેતાના અવસાનના સમાચારની પડછે સ્થાનિક લોકસેવકના અવસાનના સમાચારો હાંસીયામાં ધકેલાઇ જાત,પણ આ માધવાણી હતા. એક સ્વયંશિક્ષિત પ્રજ્ઞાવાન પત્રકાર ! જેમણે સમાચાર-વિવેકની સમજણ આત્મસાત કરી હતી.

આ ‘લેસન’ દરેક પ્રાદેશિક અખબાર માટે દિશાસૂચક છે, અને છતાં બહુ ઓછા તંત્રીઓ એને અનુસરે છે.એ મેં જોયું છે. જેઓ અનુસર્યા છે અને અનુસરે છે એ સ્થાનિક સ્તરના પત્રોના સફળ અને જનપ્રિય તંત્રી રહ્યા છે. અને તેમના કારણે માત્ર પ્રદેશની જનતા જ નહિં, પણ એ અખબાર પોતે પણ લાભાન્વિત થયું છે.

વાપીના અનુભવી પત્રકાર ભાઇ વિકાસ ઉપાધ્યાય એવા તંત્રીઓ માંહેના એક છે, જેમનાં તટસ્થ વલણો કેવળ સમાચારોમાં જ નહિં, પણ તંત્રીલેખોમાં પણ વ્યક્ત થતાં જોઇ શકાય છે.

અખબારનું પહેલું પાનું, મતલબ કે ઉઘડતું પાનું એ એના ‘વ્યક્તિત્વ’ની પ્રથમ દૃષ્ટિની ઓળખ છે. જ્યારે એડિટોરીયલ-તંત્રીલેખનું પાનું એ એનો ચહેરો છે. વ્યક્તિ (અહિં વ્યક્તિની વ્યાખ્યામાં અખબાર પણ આવી જાય)ની પહેલી પહેચાન એની દેહયષ્ટિ નથી, પરંતુ એનો ચહેરો છે. એવા અનેક અનેક, સામાન્ય સ્તરથી ઉપરના પ્રબુધ્ધ વાંચનારાઓ છે કે જેઓ છાપું હાથમાં આવતાવેંત ઉઘડતા પાના ઉપરથી ઉપલક નજર લસરાવીને સીધી જ અંદરના તંત્રીલેખના પાને લઇ જાય છે. માત્ર છાપાની જ નહિં, પણ તંત્રીની અસલી તાસીર અને ધાતુ (મેટલ) પણ એમાં દેખાઇ આવે છે. અંગ્રેજી અખબારોમા ખુશવંતસિંગ, બી કે કરંજીયા, પ્રીતિશ નાંદી, વિનોદ મહેતા જેવા કેટલાક તંત્રીઓ આવી ગયા કે જેમણે પોતાના તંત્રીલેખોથી જ પોતાની વિશિષ્ટ આભા ઉભી કરી હતી. ગુજરાતમાં અમદાવાદના કેટલાક અખબારોમાં તંત્રીલેખો લખી આપનારા તેમના તેજસ્વી સ્ટાફર્સ છે (જેમ કે હમણા સુધી ‘ગુજરાત સમાચાર’ અને ‘દિવ્ય ભાસ્કરમાં ઉર્વીશ કોઠારી). પણ તેમની ખુદની ઓળખ અંતરંગ જાણકારો સિવાય બીજા બહોળા વાચક વર્ગ સમક્ષ ખુલતી નથી, કારણ કે તેમના કર્તૃત્વની તેમાં નામજોગ નોંધ હોતી નથી અને ના હોય તે પણ એક રીતે વાજબી પરંપરા છે. કારણ કે તંત્રીલેખને કોઇ વ્યક્તિના પણ નહિં જે તે અખબારનો અવાજ તરીકે પ્રસ્થાપિત કરવાનો હોય છે. સાવ સામાન્ય વાચકવર્ગને મનમાં તો એ અખબારોના માલિક શેઠીયાઓને નામે ચડી જતું હોય છે કે જેઓ ભાગ્યે જ એક અક્ષર પણ લખે છે. સદનસીબે સુરતમાં સ્થિતી અમદાવાદથી અલગ છે, અને સુખદ છે. ‘ગુજરાત મિત્ર’ ભલે રેશમવાલા પરિવારની ખાનગી માલિકીનું હોય પણ તેનો બહોળો વાચક વર્ગ એ વાતથી વાકેફ છે કે તેના બેનમૂન તંત્રીલેખો ઉત્તમ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની કલમની નિપજ હતા. એટલે તો એમાં કેવળ દેશકાળની સાંપ્રત પરિસ્થિતિ જ નહિં, પરંતુ ફિલ્મ, ફિલ્મસંગીત, નાટક, સાહિત્ય, ક્રિકેટ અને એવા બીજા અનેક વિષયોની તંદુરસ્ત સમીક્ષા એકદમ શિષ્ટ અને સરળ છતાં પ્રાસાદિક ભાષામાં સ્થાન પામે છે.

આવા સમગ્ર સિનારીયોમાં વાપી જેવા એક ઔદ્યોગિક પણ નાના કેન્દ્રમાંથી પ્રગટ થતા આ ‘દમણગંગા ટાઇમ્સ’ જેવા પ્રદેશરંગી અખબારના તંત્રી તરીકે યુવાતંત્રી વિકાસ ઉપાધ્યાયે વૈવિધ્યપૂર્ણ તંત્રીલેખો દ્વારા પોતાની એક આગવી છબી મુકર્રર કરી છે. એક હજાર જેટલા વિવિધ પણ પોતાના પ્રદેશની સીમાઓ કદી નહિં ઉલ્લંઘતા તંત્રીલેખોમાંથી ચૂંટેલા લેખોનો આ સંચય વાંચનારો વાચક કદાપિ એ પ્રદેશથી પૂરો પરિચિત ના હોય તો પણ એનો ભૌગોલિક, ઇતિહાસલક્ષી અને સાંસ્કૃતિક પરિચય પામે છે. આ લેખો એક સંચયરૂપે એક સાથે વાંચ્યા પછી આ પ્રદેશ એને પરાયો નહિં લાગે તેવો આ લેખોનો એકત્રિત પ્રભાવ છે.

અનેક વિષયોને પોતાના લેખોમાં આવરી લેનાર આ લેખકે સાધારણ રીતે તંત્રીલેખોમાં ભાગ્યે જ સ્પર્શવામાં આવતા વિષય લોકસાહિત્યને `1 લી માર્ચ 2014 ના લેખમાં ‘દક્ષિણ ગુજરાતને ધૂળધોયા લોકસાહિત્યકારની પ્રતિક્ષા’ શિર્ષક હેઠળ ટૂંકાણમાં પણ બહુ ધારદાર રીતે છેડ્યો છે. લખે છે ;‘લોક્સાહિત્યનું ખેડાણ કચ્છ, કાઠીયાવાડ, મધ્ય ગુજરાતમાં જે સ્તરે દેખાય છે એવું દક્ષિણ ગુજરાતમાં કેમ દેખાતું નથી ?” એ પછી તેમણે દક્ષિણ ગુજરાતમાં કયાં ક્યાં અને લોકજીવનના કયા કયા પટમાં એ સંશોધનની રાહ જોઇ રહ્યું છે એની યાદી પણ આપી છે. ભજનોની મૌખિક પરંપરામાં પણ એ છૂપાયેલું પડ્યું છે તેવું ઇંગિત પણ આપ્યું છે. એ જ લેખમાં આ કામ કરનારા અન્ય પ્રદેશના સાહિત્યકારોના નામો પણ આપીને એમને બીજા સાહિત્યકારોને પણ એમને અનુસરવાની પ્રેરણા આપી છે.

દક્ષિણ ગુજરાતમાં એક એવો જનસમાજ વસે છે કે જેની જાણ બીજા પ્રદેશો તો ઠીક, પણ ખુદ દક્ષિણ ગુજરાતના બાશિંદાઓને ભાગ્યે જ હશે. તે સમાજ તે સતીપતિ સમાજ. આ સમાજનો ઉલ્લેખ લેખકે 16 મી લોકસભાના ચૂંટણી પરિણામોના સંદર્ભે કર્યો છે. પણ એ મિષે એના વિષેની અનેક અસ્પૃશ્ય જાણકારી 18 મી એપ્રિલ, 2014ના લેખમાંથી મળી આવે છે. એ વાંચતા સહેજે અમેરિકાના પેન્સિલ્વાનીયાની નજીક વસતી એમિષ જાતીની યાદ આવી જાય છે. ત્યાં અમેરિકાના સાધારણ જનસમાજથી તદ્દન અલગથલગ જીવનરિતીએ જીવન જીવતો, છતાં અસામાજિક નહિં એવો એ સમાજ પોતાના પૃથક એવા ભૂભાગમાં વસે છે જે ‘એમિષ કન્ટ્રી’ તરીકે ઓળખાય છે. વિદેશથી અમેરિકા આવતા સહેલાણીઓ એ જોવા ખાસ ત્યાંનો પ્રવાસ ગોઠવે છે. ( મને પણ 1994 અને 1996માં એવી તક મળી હતી ) આ સતીપતિ સમાજ વિષે સારી એવી માહિતી આ લેખમાં આપ્યા પછી એના વિષે વધુ સંશોધન કરવાનું આવાહન તંત્રીએ આ લેખમાં આપ્યું છે. અખબારનો આ પણ એક ધર્મ છે તેની તેમને સભાનતા હોવાની પ્રતીતિ પ્રસન્નકર છે.

2013 ના નવેમ્બરની 18 મી તારીખનો અગ્રલેખ પારસી સમાજની, તેમના આ પ્રદેશમાં આવેલા ધર્મસ્થાનોની, અને ઇ સ 716 માં તેમના દક્ષિણ ગુજરાતમાં આગમનની ઘટનાથી માંડીને આજ સુધીના વસવાટ અને વિકાસની અને આ પ્રદેશમાં તેમની ઉપકારકતાની અને શાંતિપ્રિયતાની બહુ રોચક વાતો આપે છે, અને તેમના સ્થાનકોને ટુરિસ્ટ સ્પોટ્સ તરીકે વિકસાવવાની હિમાયત કરે છે.

પુષ્ક્ળ વિષયવૈવિધ્ય ધરાવતા આ અનોખા સંચયમાં આવરી લેવાયેલા અનેક વિષયોની પૂરી યાદી અહીં ઉતરવાનું અહિં શક્ય નથી. પણ માત્ર નમૂનાદાખલ થોડા નોંધીએ તો પણ એના સંગ્રહસત્વનો થોડો અંદાજ આવશે. જુઓ :

બાળ મજૂરી,વનસંરક્ષણ, વાઘ-ઉછેર,મધ્યાહ્ન ભોજન, પુસ્તકાલય, વ્યસનમુક્તિ, અંધશ્રધ્ધા નિર્મૂલન,તાલુકા પુનર્રચના, વ્યંઢળોની સમસ્યા,મત્સ્ય બંદર, સ્મશાનગૃહ, પ્રદેશનો ઇતિહાસ, સાક્ષરતા,અને સંશોધન.

આ અને આ પ્રકારના પ્રદેશલક્ષી બીજા અનેક વિષયોમાં લેખકની કલમ વિધાયક રીતે વિહરી છે. જ્યાં જરૂર પડી ત્યાં આંકડા (સ્ટેટિસ્ટિક્સ) આપ્યા છે. આવશ્યક લાગ્યું ત્યાં એને સમર્થતા વિધાનો કોઇ પુસ્તકમાંથી અવતારીને ટાંક્યા છે. લેખકે કોઇ પણ એક ‘પીસ’ હાથ પર લેતા પહેલાં એના વિષેનો સાંદર્ભિક ઇતિહાસ પણ જાણ્યો છે અને એની ખરાઇ પણ કરી છે. પ્રત્યેક વાક્ય પૂરી જવાબદારીપૂર્વક કલમમાંથી ઉતાર્યું છે. અને કયા મુદ્દાને કેટલું વજન આપવું તેનો વિવેક પણ જાળવ્યો છે.

એક બીજી વાત બહુ આંખે ઉડીને વળગે તેવી એ છે કે આ લેખોમાં કોઇ પણ ઠેકાણે કોઇ વ્યક્તિસ્તુતિનો અણસાર સુધ્ધાં જોવા મળતો નથી. આ બહુ વિરલ ગુણવત્તા છે. કારણ કે પ્રાદેશિક અખબારો તો બહુ નાના કેન્દ્રોમાંથી પ્રગટ થતાં હોય અને એમની ‘રેવન્યુ’નો મુખ્ય સ્રોત સ્થાનિક વ્યાવસાયિકો અને ઉદ્યોગગૃહો પાસેથી મળતાં વિજ્ઞાપનો બની રહ્યો હોય છે. એવાં સંજોગોમાં કોઇની ફરજીયાતપણે સ્તુતિ કરવા માટે દબાણો પણ આવતા હોય છે. અરે, રાજકારણીઓ કે રાજદ્વારેથી પણ આવા દબાણો આવતા હોય છે. અને એને વશ નહિં થવાનું પ્રણ જાળવવું બહુ દોહ્યલું છે. ‘દમણગંગા ટાઇમ્સ’ એ કરી શક્યું છે તે માટે એના તંત્રી અને માલિકો બન્ને અભિનંદનને પાત્ર છે.

(વિકાસ ઉપાધ્યાય)

બીજી મહત્ત્વની વાત એ છે કે એ અખબાર નિઃશંક છે, પણ સાથોસાથ એ લોકપ્રહરી પણ છે અને સમાજમાં કે રાજકારણમાં દેખાતા દુરિતો પરત્વે આંગળી ચીંધતી એ એની પ્રથમ ફરજ છે. પરંતુ એ કામ એણે જરા પણ કટુતા દર્શાવ્યા વગર કરવું ઘટે. એ બહુ અઘરી કળા અને દુસાધ્ય કળા છે. પણ એ સિફત પણ આ તંત્રીલેખોમાં વરતાઇ આવે છે. અહિં સંગ્રહાયેલા દરેક તંત્રીલેખમાંથી કોઇ ટીકાત્મકતા નહિં, પણ વિધેયાત્મકતા પ્રકાશે છે અને તે બહુ ઉંચી જણસ છે. મને લાગે છે કે આ સંચયના લેખો એવી વણલખી આચારસંહિતાના અનુસરણના ઉત્તમ નમૂના છે.

આ લેખોને કોઇ એક ચોક્કસ સંશોધનના પરિપ્રેક્ષ્યમાં જરૂરી એડિટિંગ અને પ્રદેશનો સંદર્ભ આપીને વિષયવાર વર્ગીકરણ કરીને અને એમાં થોડી એક શોધતપાસ ઉમેરીને મૂકવામાં આવે તો બેશક એ એક શોધનિબંધના રૉ મટીરીયલ તરીકે ઉપયોગી નીવડી શકે. આમે ય અત્યારે એનું મૂલ્ય એક ટાઇમ કેપ્સ્યુલ સરખું તો છે જ .

માત્ર એક હજાર લેખોએ આવી અભ્યાસયાત્રાને વિરામ આપવાનું લેખકને ભલે યોગ્ય લાગ્યું હોય, પણ દક્ષિણ ગુજરાતને તો હજુ આવા બીજા હજારેક લેખોનો ખપ અવશ્ય છે.

‘દમણગંગા ટાઇમ્સ’ અને વિકાસ ઉપાધ્યાયનો સંપર્ક: મોબાઇલ અને વ્હૉટ્સેપ: +91 98251 22505 /લેન્ડ લાઇન: +91 2632 251627 અને 0260 6532934/સરનામું: કાર્યાલય-દમણગંગા ટાઇમ્સ,નેશનલ હાઇવે નં 8.પોસ્ટ બોક્સ નં.32,વાપી-396 191 (દક્ષિણ ગુજરાત)

——————————————————————————————————-

લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

1 comment for “લ્યો, આ ચીંધી આંગળી : એક અનોખા અખબાર ‘દમણગંગા ટાઇમ્સ’ના અગ્રલેખોનો સરસ સંચય

  1. બાબુ ચૌધરી
    July 17, 2019 at 1:55 pm

    દમણગંગા ટાઇમ્સ મારુ માનીતું અખબાર છે. અને દરેકના હૃદયમાં પણ વસેલું છે જ એમાં નવાઈ નથી. વિકાસભાઈના તંત્રી લેખો પુરે પુરા વાંચ્યા છે જેઓને ખૂબ ખૂબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *