





(૧)
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.
આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.
રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.
હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.
છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.
– ગૌરાંગ ઠાકર
(૨)
માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.
મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?
મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.
બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.
ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.
– ગૌરાંગ ઠાકર
શ્રી ગૌરાંગ ઠાકરઃ
પરિચયઃ
ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતનો એક સિતારો એટલે શ્રી ગૌરાંગ ઠાકર. સરળ શબ્દોમાં પાણીદાર શેરો તેમની ગઝલનો અંદાઝ છે. તેમના ત્રણ ગઝલસંગ્રહો થયા છે. ‘મારા હિસ્સાનો સૂરજ’, ‘વહાલ વાવી જોઈએ’ અને ‘કોઈ હૈયાંમાં ગયું લાગે છે’.અહીં બે ગઝલ અત્રે પ્રસ્તૂત છે. તેમની રચનાઓ ‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ વે.ગુ.સમિતિ આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે..
સંપર્કઃ A/401, SANCTUM HOMES, Nr.Pal RTO, Opp. J.K.Motors, Pal, Surat-9 | Email: gaurang_charu@yahoo.com
‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.
આજના ગુજરાતી કવિતા-વિશ્વના મૂર્ધન્ય કવિ અને એમની બે બળકટ રચનાઓ !