સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૯-૧૯૬૦

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે તેમનાં સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી શરૂ કરી છે. આ માટે ૧૯૪૪થી શરૂ થતી તેમની કારકીર્દીનાં વર્ષોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે. અત્યાર સુધી આપણે ૧૯૪૪થી ૧૯૪૮ના પ્રથમ પંચવર્ષીય સમયખંડ, ૧૯૪૯થી ૧૯૫૪ના બીજા પંચવર્ષીય સમયખંડ અને ૧૯૫૪થી ૧૯૫૮ ના ત્રીજા પંચવર્ષીય સમયખંડના મળીને ૯૦ જેટલા સંગીતકારોએ રચેલાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં સોલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

જો કે જેમ જેમ વર્ષો આગળ વધતાં ગયં તેમ તેમ આપણે એ જ સંગીતકારોએ પછીનાં વર્ષોમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવડાવેલ બહુ જાણીતાં, અને થોડાં ઓછાં જાણીતાં, પણ આજે પણ સાંભળવાં ગમે એવાં ગીતોની પણ નોંધ લેતા જવાનું શરૂ કરેલ છે. આવાં ગીતોની નોંધ લંબાઈ ન જાય એટલે ગીતના મુખડાના ત્રણ ચાર શબ્દોની જ નોંધ કરી છે, પણ મોટા ભાગના કિસ્સામાં એ આખાંગીતને આપણા મનમાં તાદશ કરી દેવા માટે એટલું જ પુરતું થઈ પડે છે. કેટલાંક ગીતો એવાં પણ છે કે યાદ આવી જવા છતાં ફરી એક વાર સંભળવાનું મન પણ થશે. મને થયું છે અને મેં એ ગીતોને ફરીથી સંભળવાની લ્હાણ લઈ પણ લીધી છે, આ લેખ વાંચતાં વાંચતાં તમે પણ એ લ્હાણ જરૂરથી લઈ લેજો.

મોહમદ રફીનાં સોલો ગીતોની આ સફરમાં આ વર્ષે આપણે ૧૯૫૯થી ૧૯૬૩નો ચોથો સમયખંડ આવરી લઈશું. આજના આપણા આ અંકમાં આપણે ૧૯૫૯ અને ૧૯૬૦ દરમ્યાન જૂદા જૂદા સંગીતકારોએ મોહમ્મદ રફી માટે રચેલાં પહેલ વહેલાં સોલો ગીત સાંભળીશું.

દસ્તાવેજીકરણની સરળતા માટે મેં ફિલ્મોને મેં કક્કાવારી મુજબ લીધેલ છે.

૧૯૫૯

૧૯૫૯નાં મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો – સંગીતકાર – ફિલ્મ (ગીતના બોલ) ક્રમમાં –

ચિત્રગુપ્ત – બરખા (સુર બદલે બદલે કૈસે) / એન દત્તા – ધૂલ કા ફૂલ (તુ હિન્દુ બનેગા) / શંકર જયકિશન – છોટી બહેન (મૈં રીક્ષાવાલા), લવ મેરેજ (કહાં જા રહે થે), શરારત (અજબ હૈ દાસ્તાં તેરી) / વસંત દેસાઈ – ગૂંજ ઊઠી શહનાઇ (કહ દો કોઈ ન કરે) / એસ ડી બર્મન – ઈન્સાન જાગ ઊઠા (દેખો રે દેખો અજૂબા), કાગઝ કે ફૂલ (દેખી જમાનેકી)/ હંસ રાજ બહલ – સાવન (દેખો બિના સાવન)

૧૯૫૯માં તકનીકી દૃષ્ટિએ સાત (પણ ખરેખર તો છ) સંગીતકારો માટે મોહમ્મદ રફીએ પહેલવહેલું સોલો ગીત ગાયું. આ છમાંથી બે સંગીતકારોએ સારી એવી સફળતા પણ હાંસલ કરી છે.

કલ્યાણજી વીરજી શાહ

કલ્યાણજી વીરજી શાહે પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કામગીરી ૧૯૫૮ની ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’થી કરી હતી. એ ફિલ્મમાં રફી / લતાનાં ત્રણ યુગલ ગીતો છે. પરંતુ તેમણે રચેલાં રફી સાથેનાં સોલો ગીત તો પહેલી વાર ૧૯૫૯નાં વર્ષમાં આવ્યાં.

બેદર્દ જ઼માના ક્યા જાને – બેદર્દ જ઼્માના ક્યા જાને – ગીતકાર: ભરત વ્યાસ

મોહમ્મદ રફીનો સ્વર બેક્ગ્રાઉન્ડમાં ગવાતાં ગીત માટે પ્રયોજાયો છે.

ઉપરવાલેને જલદીમેં લિખ દી મેરી તક઼દીર – ઘર ઘર કી બાત – ગીતકાર: ગુલશન બાવરા

આ સાવ અલગ જ મૂડનું ગીત છે.

કલ્યાણજી – આણંદજી

કલ્યાણજી વીરજી શાહે પો બો. નં ૯૯૯, ચંદ્રસેના જેવી બીજી ત્રણેક ફિલ્મોમાં એકલા હાથે કામ કર્યા પછી ‘સટ્ટા બાઝાર’થી તેમના નાના ભાઈ આણંદજી તેમની સાથે જોડાયા. ભાઈઓની આ સંગીતકાર બેલડીએ પોતાની આગવી શૈલી પણ વિકસાવી અને ફિલ્મ સંગીતના જગતમાં સન્માન્ય સફળતા મેળવી. તેમણે બનાવેલાં અનેક ગીતો તો સદા યાદગાર ક્ક્ષાનાં પણ બની રહ્યાં.

સુનો ભાઈ આંકડે કે ધંધા એક દિન તેજી – સટ્ટા બાઝાર – ગીતકાર: ગુલશન બાવરા

જ્હોની વૉકરની શૈલીનૂ અદ્દલ ગીત.

ઉષા ખન્ના

ઉષા ખન્નાએ પણ હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે સ્વતંત્રપણે કામ કરવાની દીશાનું પહેલવહેલું કદમ આ વર્ષે લીધું. તેમની પહેલી જ ફિલ્મ ‘દિલ દેખે દેખો’ જેટલી સફળતા તેમની સમગ્ર કારકીર્દીમાં ટકી નહીં, પણ દીર્ઘ કારકીર્દીમાં તેમનું પોતાનું ખાસ સ્થાન બનાવી રાખવામાં તેઓ જરૂર સફળ રહ્યાં.

તેમની પહેલવહેલી ફિલ્મમાં તેમણે મોહમ્મદ રફીના સ્વરનો (શમ્મી કપૂરના પાર્શ્વ ગાયક તરીકે) એ સમયના અનુભવી ગણાતા સંગીતકારો જેટલી સહજતાથી પ્રયોગ કર્યો. ટાઈટલ ગીત ‘દિલ દેકે દેખો, બોલો બોલો કુછ તો બોલો અને હમ ઔર તુમ ઔર યે સમા જેવાં સોલો ગીતોની સાથે મેધા રે બોલે છનન છનનની સાથે સાથે જ બડે હૈ દિલકે કાલે જેવું તોફાની યુગલ ગીત પણ તેમણે સફળતાથી રચી આપ્યું.

રાહી મિલ ગયે રાહોંમેં બાતેં હુઈ નિગાહોંમેં – દિલ દેકે દેખો – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ઓપીનય્યરની શૈલીમાં ઢળેલું, ‘જીપમાં ગવાતાં ગીતના પ્રકાર’નાં ગીતના પૂર્વાલાપમાં વ્હીસલીંગ સાથે મોહમ્મદ રફીના મોજીલા આલાપને વણી લઈને ગીત પર ઉષા ખન્નાએ પોતાની છાપ મારી આપી છે.


ગજાનન કર્નાડ

જે કંઈ આછી પાતળી માહિતી મળે છે તેનાથી એટલું જાણી શકાય છે કે ગજાનન કર્નાડ એ સમયના લગભગ બધા જ સંગીતકારોનાં વાદ્યવૃંદમાં ગાયનને સંગત કરનાર વાયોલિનવાદક તરીકેનું અચૂક સ્થાન સંભાળતા હતા. ગુગલ પર થોડી વિગતે શોધખોળ કરતાં તેમણે ફિંદી ફિલ્મ્નાં ગીતોની વાયોલિન તર્જની રેકોર્ડ્સની લિંક મળી આવે છે.

યે સચ હૈ અય જહાંવાલો હમેં જીના નહીં આયા – કલ હમારા હૈ – ગીતકાર: શૈલેન્દ્ર

ફિલ્મમાં આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું મુજરા શૈલીનું ગીત ઈરાદા કત્લ કા હૈ (ઐસે ન દેખો રસિયા) પણ ગજાન કર્નાડે સંગીતબધ્ધ કર્યું હોવાની નોંધ જોવા મળે છે. બીજાં બધાં ગીતો ચિત્રગુપ્તે સ્વરબધ્ધ કર્યાં છે.

પ્રસ્તુત ગીત તો મોહમ્મદ રફીના ચાહકો માટે એક બહુ યાદગાર નજરાણું બની રહે એ કક્ષાનું ગીત છે.

બિપિન દત્તા (દત્ત ?)

બાબુલ સાથે બિપિન દત્તાએ સંગીતકાર જોડી તરીકે હિંદી ફિલ્મોનાં કેટલાંક યાદગાર ગીતો સર્જ્યાં છે.તેઓએની બીજી એક મોટી ઓળખાણ તેમનાં મદન મોહનના સહાયક તરીકેની ભૂમિકાની છે. મળતી માહિતીના આધારે એવું કહી શકાય કે બિપિન દત્તાએ આ ફિલ્મમાં સ્વતંત્રપણે સંગીત આપ્યું છે. આ સિવાય તેમનાં નામે ડાયમન્ડ કિંગ (૧૯૬૧) અને બાગ઼ી શહજાદા (૧૯૬૪) એમ બીજી બે ફિલ્મો પણ બોલે છે.

યે બમ્બઈ શહર કા બડા નામ હૈ – ક્યા યે બમ્બઈ હૈ – ગીતકાર: નૂર દેવાસી

ફિલ્મમાં ગીત મારૂતિ પર ફિલ્માવાયું છે જે નિશી સાથે ફિલ્મનાં મુખ્ય પાત્રની ભૂમિકામાં છે. જોકે, ખરા અર્થમાં, આજે એ વાત મહત્ત્વની ન ગણવી જોઈએ.

મહત્ત્વનું તો છે આજથી અર્ધી સદી પહેલાનાં મુંબઈનાં દૃશ્યો અને ગીતના બોલમાં મુંબઈની જે ખાસીયતો વર્ણવી છે તેને માણવું.

નિર્મળ કુમાર

આ સંગીતકાર વિષે ખાસ કંઈ માહિતી નથી મળી શકી.

તેરી નઝરકી છબી ને ખોલા દિલકા તાલા – લાલ નિશાન – ગીતકાર: આનંદ બક્ષી

ગીતકાર અને ગાયક સિવાય આ ગીતની ફિલ્મ કે સંગીતકાર બન્ને અજાણ્યાં છે

પ્રેમ

એમના વિષે પણ કંઈ ખાસ માહિતી નથી મળી શકી.

દુનિયા ચલા ચલીકા….દો દિનકી ઝિન્દગી હૈ ઈસ પર ન ફુલ પ્યારે – ઝિમ્બો કી બેટી – ગીતકાર: પ્રિતમ દહેલવી

હિંદી ફિલ્મોમાં એ સમયે સિંદબાદ અને ઝિમ્બોને આવરી લેતાં શીર્ષકો – … કા બેટા, … કી બેટી – પરની ફિલ્મો બનાવવાનું એક જબરૂ ચલણ ચાલી નીકળ્યું હતું.

જોકે મોહમ્મદ રફીએ તેમની આગવી શૈલીમાં આ બેકગ્રાઉન્ડ ગીતને પૂરી નિષ્ઠાથી ન્યાય આપ્યો છે.

૧૯૬૦

૧૦૯૬૦નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં કેટલાંક યાદગાર, અને કેટલાંક પ્રમાણમાં ઓછાં જાણીતાં પણ ફરી ફરીને સાંભળવાં જરૂર ગમે એવાં, સોલો ગીતો –

એસ ડી બર્મન – બમ્બઈકા બાબુ (સાથી ન કોઈ મંઝિલ), કાલા બાઝાર (ઉપરવાલા જાન કે, ખોયા ખોયા ચાંદ) / રોશન – બાબર (તુમ્હેં એક બાર મુહબ્બતકા), બરસાતકી રાત (મૈને શાયદ પહેલે ભી, જિંદગી ભર નહીં ભૂલેગી, માયુસ તો હું વાદેસે) / રવિ – ચૌદહવીં કા ચાંદ – (ચૌદહવીંકા ચાંદ હો ), ઘુંઘટ (હાયે રે ઈન્સાનકી મજબુરિયાં) / કલ્યાણજી આણંદજી – છલીઆ (ગલી ગલી સિતા રોયે) / શંકર જયકિશન – દિલ અપના ઔર પ્રીત પરાઈ (જાને કહાં ગઈ), એક ફૂલ ચાર કાંટે (તીરછી નઝરસે ન દેખ) / ઉષા ખન્ના – હમ હિંદુસ્તાની (હમ જબ ચલે તો) / નૌશાદ – કોહિનૂર (મધુબનમેં રાધિકા), મુગ઼લ-એ-આઝમ (ઝિંદાબાદ, અય મોહબ્બત ઝિંદાબાદ)/ એસ એન ત્રિપાઠી – લાલ ક઼િલ્લા (લગતા નહીં હૈ, ન કિસીકી આંખકા)/ ચિત્રગુપ્ત – પતંગ (યે દુનિયા પતંગ).

જી એસ (ગુરુશરણ સિંધ) કોહલી

જી એસ કોહલી નિપુણ તબલાવાદક અને મ્યુઝિક અરેંજર હતા, તેને કારણે ઓ પી નય્યરના સહાયક તરીકે ઓ પી નય્યરનાં સંગીતને એક આગવી ઓળખ આપવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમણે કામ કરવાનું શરૂ કર્યું તે પછી પણ તેમણે ઓ પી નય્યરના સહાયક તરીકે કામ કરવાનું ચાલું રાખ્યું. તેમનાં સંગીતમાં પણ ઓ પી નય્યરની છાંટ દેખાતી રહી. તેમની પોતાની કારકીર્દી સફળતાની સફર શરૂ ન કરી શકી તે માટે આ એક બહુ નિર્ણાયક પરિબળ રહ્યું ગણી શકાય.

પ્યાર કી રાહ દિખા દુનિયા કો રોકે જો નફરતકી આંધી – લમ્બે હાથ – ગીતકાર: અન્જાન

દેશ પ્રેમનાં આ ગીતની બાંધણીમાં પણ જી એસ કોહલીની ક્ષમતા તરત જ દેખાઈ આવે છે.ફિલ્મમાં આ સિવાય મહેમૂદ પર ફિલ્માવાયેલાં બીજાં બે સોલો ગીત – અરે બસમેં નઝર ટકરાઈ અને સોને જૈસે પ્યારકો સમજ લિયા તામ્બા -માં તેમની સંભવિત રેન્જના પણ પુરાવા જોવા મળી શકે છે.

રામલાલ હીરા પન્ના

મળતી માહિતી અનુસાર આ સંગીતકાર એ જ વાંસળીવાદક અને શહનાઈવાદક છે જે એક સમયે પૂથ્વી થિયેટર્સમાં રામ ગાંગુલીની સાથે નાટકોનાં સંગીતની સજાવટનું કામ કરતા. હિંદી ફિલ્મ સંગીતની નિયતિની ચાલ એટલી વાંકી રહી શકે છે કે આવા પ્રતિભાવાન કલાકારને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સી ગ્રેડની ફિલ્મોમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

આજ યહાં ક્યોં અંધકાર….તેરા મેરા અમર પ્યાર હૈ – માયા મછિન્દર – ગીતકાર પંડિત મધુર

ધાર્મિક ફિલ્મોનાં બેકગ્રાઉન્ડ ગીતમાં પણ મોહમ્મદ રફી એટલી જ સહજતાથી ખીલી રહી શકે છે.

ટી જી (તિરૂચિરાપલ્લી ગોવિંદરાજુલુ) લિગપ્પા

ટી જી લિગપ્પા તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોના બહુખ્યાત સંગીતકાર છે.

છોડ ચલે…રામ અયોધ્યા છોડ ચલે – રામાયણ – ગીતકાર સરસ્વતી કુમાર ‘દીપક’

ફિલ્મ દક્ષિણ ભારતની ફિલ્મની રીમેક હોવી જોઈએ. મોહમ્મદ રફીને ફાળે તો બેકગ્રાઉન્ડ ગીત જ આવ્યું છે.

આજના અંકને સમાપ્ત કરતાં ‘બરસાતકી રાત’માં રજૂ થયેલ એક નઝ્મ પઠન અહીં યાદ કરવાની લાલચ નથી રોકી શકાતી

ક્યા ગ઼મ હૈ જો અંધેરી રાતેં, કુછ શમ્મ-એ-તમન્ના તો સાથ હૈ

તમને પણ મારી જેમ રોશન /સાહિર દ્વારા થોડાં વર્ષો પછી રચાયેલાં એક ગીતની યાદ આવે છે ને!

૧૯૫૯-૧૯૩નામ ચોથા પંચમવર્ષીય ખડનાં બાકીનાં ત્રણ વર્ષો – ૧૯૬૧, ૧૯૬૨ અને ૧૯૬૩-માટેનાં મોહમ્મદ રફીનાં હજૂ બીજા કેટલાક સંગીતકારો દ્વારા રચાયેલાં પહેલવહેલાં સોલો ગીતો આપણી શ્રેણીના ડીસેમ્બર, ૨૦૧૯ના અંકંમાં સાંભળીશું.

4 comments for “સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૯-૧૯૬૦

 1. Samir
  July 13, 2019 at 1:39 pm

  રફીસાહેબ ની એક મોટી ખાસિયત એ હતી કે તેઓ નવા સંગીતકારો ને ખુબ ઉત્તેજન આપતા .જેટલું દિલ રેડી ને મોટા અને જુના દિગ્ગજ સંગીતકારો માં તેમને ગાયું છે તેટલું જ લગન થી તેમણે નવા માટે પણ ગાયું છે.
  કલાકાર ની સાચી મહાનતા આમાં જ પ્રગટ થાય છે.
  આ લેખ માં એક નવો એન્ગલ જોયો કે રફીસાહેબ અને નવા સંગીતકારો સાથે પ્રથમ ગીત. જેનાથી આ મહાન ગાયક નું કે ઉમદા પાસું પ્રગટ થાય છે.
  આભાર ,અશોકભાઈ !

  • July 13, 2019 at 1:58 pm

   કહેવાય છે કે નાના નિર્માતાઓ કે સંગીતકારો પાસે મોહમ્મદ રફી કદી કોઈ આંકડો ન પાડતા. એ લોકો જેટલું અને જ્યારે આપે ત્યારે લઈ લેતા.

   ખરેખર, મોહમ્મદ રફી જેટલા નિપુણ ગાયક હતા એટલા જ ઉમદા ઈન્સાન પણ હતા.

   આપના પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.

 2. Bhagwan thavrani
  July 13, 2019 at 9:40 pm

  અત્યંત સુંદર અને માહિતિપૂર્ણ આલેખન !
  મારા જેવાઓને બાકીની જિંદગી સુખેથી જીવવા એક રફી ( અથવા લતા ) મળી રહે તો ય પર્યાપ્ત છે !
  આભાર !

  • July 13, 2019 at 10:59 pm

   આજે ઇન્ટરનેટ જે રીતે અલભ્ય ગીતો મળવાનું શક્ય બન્યું છે ત્યારે આ બધાં ગાયકો, સંગીતકારો કે ગીતકારોનાં કાર્યને જોવા માટેનાં એટલાં નવાં નવાં પરિમાણો ખુલતાં રહે છે કે ખરેખર જીવન ઓછું પડે.
   આપના આવા પ્રોત્સાહક પ્રતિભાવથી વધારે જોશથી એ સફર કરવાની, અને તેની મજા માણવાની અને વહેંચવાની, આ પ્રવૃત્તિ કરવાનું બળ મળે છે. ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *