ચેલેન્‍જ.edu :: વિનિમયના પ્રવાહમાં મૂરઝાયો વિનયનપ્રવાહ

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

રમત ચાલી રહી છે, મસ્ત છે સૌ દાવપેચોમાં

હવે જિવાડશે કે મારશે સંશય?… સમય કહેશે.

                                                                          – હિમાંશુ પ્રેમ

આપણો સમાજ રૂઢિવાદી સમાજ છે. પ્રત્યેક પરિસ્થિતિ, સંજોગો કે ઘટનાઓને આપણે કોઈપણ વાદમાં ઢાળી દઈએ છીએ. જ્ઞાતિવાદ, જાતિવાદ કે કોમવાદ આપણને કોઠે પડી ગયા છે. આપણે પ્રત્યેક વ્યકિત કે પ્રસંગોને ઊંચનીચના ભેદભાવથી જોવાને ટેવાયેલા હોવાથી શિક્ષણ તરફની આપણી દૃષ્ટિ પણ હંમેશા ભેદભાવયુકત જ રહી છે. શિક્ષણના તમામ પાસાઓને ઊંચનીચના ભેદમાં વહેંચી નાંખવાનું આપણને ગમે છે. વિજ્ઞાનપ્રવાહમાં જે જોડાય તે સર્વથી ઊંચા, વાણિજ્ય તરફ વળે તો તે મધ્યમકક્ષાના અને વિનયન શાખામાં જે જોડાય તેના તરફ કોઈ નજર પણ ન માંડે ! વિનયનમાં તેજસ્વી લોકો તો જાય જ નહીં, તેવી આપણી વિભાવના બની ગઈ છે. આપણા સમાજનું આ વિભાજન આપણા કિશોર કે તરુણાવસ્થાના વિદ્યાર્થીઓના મગજમાં સીધું ઉતરી ગયું છે. તેથી તેઓને જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે વિષય પસંદગી કરવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમાજમાં તેનું સ્થાન કયાં હશે તે વિચારીને જે તે પ્રવાહની પસંદગી તરફ ઢળી પડે છે. ખરેખર તો વિદ્યાર્થીના રસ, રુચિ, વલણ અને શકિતના આધારે ઉચ્ચ અભ્યાસમાં પ્રયાણ કરવાની ચર્ચા સમાજમાં થવી જોઈએ. તેને બદલે સ્તર અને સ્થાન આધારિત ચર્ચા થતી હોવાથી વિદ્યાર્થીઓ પણ આંધળુકિયા કરે છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે તે પણ ગાડરિયા પ્રવાહમાં તણાઈ મિત્રો (Peer group) જે તરફ જાય તે તરફ તે જતો/જતી રહે છે. આ કમનસીબ ઘટના છે. તેની વાલી અને શિક્ષકોને જાણ હોવા છતાં વિદ્યાર્થીના નિર્ણય સાથે પોતે પણ ઘસડાઈ જાય છે. ભવિષ્યમાં સંતાન કે વિદ્યાર્થી વાલી કે શિક્ષકને દોષ ન દે તેવી સમજને કારણે બન્ને વડીલો પલાયનવાદી રસ્તો અપનાવે છે. અમે તો તેને વિનયનમાં જવાનું કહીએ છે પણ તે માનતો નથી. તેમ વાલી કહે છે. વિનયનપ્રવાહ તરફનો ઝોક ઓછો થવાના પાયામાં આ કારણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

કમનસીબે આઝાદી પ્રાપ્ત થતા અગાઉના અને ત્યારબાદના એક–બે દસકામાં આપણા સમાજમાં જે મૂલ્યો હતા તે આજે લગભગ અદ્દશ્ય થઈ રહ્યા હોય તેવું લાગે છે. ૧૯૪૦ થી ૧૯૭૦–૮૦ સુધી નિઃસ્વાર્થભાવે સામાજિક કાર્ય કરતી વ્યકિતઓનું સમાજમાં આગવું સ્થાન હતું. સમાજોત્થાનનું કાર્ય કરતા લોકોને સેવાભાવનાના આદર્શથી જોવામાં આવતા. તેમના સેવાકાર્યની સૌ પ્રશંસા કરતા હતા. પરંતુ તેમાં ધીમે ધીમે ભૌતિકવાદનો ભોરિંગ એવો ઘૂસી ગયો કે આપણને તેનો ખ્યાલ પણ ન આવ્યો. સેવા અને મેવા એકબીજાના પર્યાય બની ગયા ! સૌના જીવનનું ધ્યેય માત્ર આર્થિક ઉપાર્જન જ રહ્યુું. પુસ્તક કરતા પાસબુકનું મહત્વ ઘણું વધી ગયું. સૌથી વધારે ધનવાન (કોઈપણ રસ્તે !) થઈ શકે તેને સફળ વ્યકિત ગણવાની આપણે શરૂઆત કરી. સેવા કે સરસ્વતીના સ્થાને ધનના ઢગલા ઉપર બેઠેલ વ્યકિતને ‘સફળ વ્યકિતનું લેબલ લાગી ગયું. તરુણાવસ્થાનો યુવાન કે વિદ્યાર્થી પણ તેમાંથી કેવી રીતે અળગો રહી શકે ? તેને પણ ઉચ્ચ અભ્યાસ માટે એવા શિક્ષણને પસંદ કરવાનું નક્કી કર્યું કે જેમાં સહેલાઈથી અને ખૂબ ઝડપથી ધનવાન બની શકાય. ભારતભરમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયો. ઉદ્યોગોના કેન્દ્રમાં નફો હોવાથી સ્વાભાવિક રીતે ત્યાં કર્મચારીને ઊંચો પગાર અને અન્ય સવલતો આપવાનું શકય બન્યું. ૧૯૭૦ના અરસામાં બેન્કની નોકરીનું ખૂબ આકર્ષણ હતું. ત્યારબાદ તે ઘટીને મલ્ટીનેશનલ કંપની તરફ લોકોનો પ્રવાહ વધ્યો. તબીબના વ્યવસાયની પસંદગીમાં સેવા કરતાં તાત્કાલિક પ્રાપ્ત થતા ખૂબ મોટા આર્થિક ઉપાર્જન તરફ સૌ આકર્ષાયા. ભારતમાં ડૉકટર ન થવાય તો રશિયા, ચીન કે અન્ય દેશોમાં જઈને પણ ‘ડૉકટર જ થવાનું સ્વપ્ન સેવતા યુવાનોને પોતાની શૈક્ષણિક શકિત છે કે કેમ તે જોવાનો વિચાર આવ્યો જ નહીં. કમનસીબે આજે આપણા સમાજમાં યુવાનોએ ઉચ્ચ શિક્ષણમાં કઈ તરફ જવું તે નક્કી કરવાની ‘મહાન જવાબદારી મમ્મી–પપ્પા કે વડીલો નિભાવે છે ! યુવાનો જાતે નિર્ણય લેતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે. યુવાનના રસ, રુચિ, વલણ જોવાને બદલે ભવિષ્યમાં કયો વ્યવસાય ‘મલાઈદાર છે તે તરફ જ સૌ દોડયા.

આ તમામ પરિસ્થિતિમાં વિનયનપ્રવાહ પણ જીવનમાં કેન્દ્રસ્થાને હોઈ શકે તે વાત જ વિસરાઈ ગઈ. વાડાબંધીમાં રાચતા આપણે તેજસ્વી અને બાહોશ યુવાનો વિનયનપ્રવાહ પસંદ કરે તો તે તરફ લોકો નિમ્નકક્ષાની દ્દષ્ટિથી જોવા લાગ્યા. યાદ રાખીએ કે આ ઉંમરના વિદ્યાર્થીમાં સ્વમાન અને જાત તરફ ઊંચા અભિપ્રાયો પાયામાં હોય છે. પરંતુ આપણે યુવાનના માનસને સમજવાને બદલે આર્થિક સદ્ધરતાના માપદંડને અગ્રસ્થાને રાખવા લાગ્યા. વિનયનપ્રવાહમાં જોડાતા યુવાનો–યુવતીઓ પોતે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યા. અહીંયાં માત્ર ત્રણ–ચાર કલાકનો અભ્યાસ અને પછી તદ્દન મુકત તેવી ગ્રંથિએ કામ કર્યું. પ્રાધ્યાપકો આ યુવાનોને ગ્રંથાલય તરફ વાળવામાં સફળ ન રહ્યા. વિનયનના વિદ્યાર્થીને વિજ્ઞાનના વિદ્યાર્થીની જેમ પ્રયોગશાળામાં ત્રણ–ચાર કલાક ગાળવાના નથી માટે તેણે આ સમય ગ્રંથાલયમાં જઈને નવા નવા આધુનિક પુસ્તકોનો પરિચય કેળવવાનો છે તે વાત જ વિસરાઈ ગઈ. કમનસીબે વાણિજ્ય–વિનિયનની મોટાભાગની કોલેજોનો સમય સવારનો થતાં આ શિક્ષણ ખંડસમય (Part time)નું બન્યું. દિવસમાં માત્ર ત્રણ–ચાર કલાકનો (અને તે પણ ભણનાર અને ભણાવનારનો મૂડ હોય તો !) અભ્યાસ રહ્યો. આ સંજોગોમાં આ રીતે શિક્ષણ પામેલ યુવાનો પણ ‘ઓછા કામ અને વધારે દામની વિચારધારામાં વહેવા લાગ્યા. વાચન–લેખનના અભાવે વિનયનના પાયાના કૌશલ્યોનો વિકાસ જ ન થયો. કેળવણીકારોએ પણ તે તરફ જેટલા સજાગ થવું જોઈએ તેટલા થયા નહીં. વડોદરા જેવા શહેરમાં ૧૯૯૦ની આસપાસના વર્ષમાં અંગ્રેજી માધ્યમમાં સામાન્યપ્રવાહમાં વિનયનનું ધો.૧૧–૧ર માં શિક્ષણ આપતી માત્ર એક શાળા હતી ! આજે લગભગ ર૯ વર્ષ બાદ પણ આ પરિસ્થિતિમાં ખાસ કંઈ ફરક પડયો નથી. શાળા સંચાલકોએ પણ તે તરફ દુર્લક્ષ સેવ્યું છે. વિનયનપ્રવાહને અળખામણો બનાવવામાં સૌ સરખા હિસ્સે જવાબદાર છે.

વિનયનના સ્નાતકોથી વંચિત સમાજનું ભવિષ્ય ખૂબ નિરાશાજનક હશે તે નિર્વિવાદ છે. આજે પણ અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ફિલસૂફી, કળાઓ, ભારતની વિવિધ ભાષાઓ, ભારતના અગત્યના સાંસ્કૃતિક મૂલ્યો જાળવતી સંસ્કૃત ભાષા, મનોવિજ્ઞાન જેવા સામાજિકવિજ્ઞાનના સ્નાતકોનો દુકાળ છે. આ સ્નાતકોના અભાવે શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ રૂંધાયો છે. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રોમાં વિપુલ તકો હોવા છતાં સમાજનું તે તરફ ધ્યાન જ ગયું નથી. વિજ્ઞાન વિષયોના જાણકારો જેટલું જ ભવિષ્ય સામાજિકવિજ્ઞાનના વિષયોના તજજ્ઞોનું હોવા છતાં આપણે તે તરફ જોઈએ તેટલું લક્ષ્ય આપ્યું નથી. પ્રેમ, કરુણા, લાગણી, સંવેદના પણ જીવનમાં અગ્રસ્થાને છે જે વાત માત્ર સામાજિકવિજ્ઞાનના વિષયો જ શીખવી શકે તે સમજવાની ખાસ જરૂર છે. પરંતુ આપણે તે બાબતે ઉદાસીન છીએ.

પ્રત્યેક રાષ્ટ્રના પાયામાં તેના સંસ્કૃતિક અને સાહિત્યક વારસાનો સિંહફાળો હોય છે. સામાજિકવિજ્ઞાન જ આ જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેવી સમજ સૌમાં છે પરંતુ તેનો ઉપયોગ કરવાનો આવે ત્યારે સૌ પલાયનવાદી બને છે. વડીલો પોતાના સંતાનો માટે એક માપદંડ રાખે અને અન્યોના બાળકો માટે બીજો, તો પછી તેમની વાત કોણ સ્વીકારે ? સૌ ગાંધીજીને એટલા માટે સ્વીકારતા કે ‘તેઓ જે કહેતા તે કરતા અને જે કરતા તે જ કહેતા. આજે તો આપણા નેતાઓ (વાલીઓ અને શિક્ષકો પણ નેતા જ છે) પણ જાહેરમાં કંઈ બોલે છે અને અંગત બીજું આચરણ કરે છે. આ પરિસ્થિતિમાં આપણો યુવાન / યુવતી ખૂબ દ્વિધા અનુભવે છે. લેખક, સાહિત્યકાર, શિક્ષક કે ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓ પણ પોતાના સંતાનોને વિનયન પ્રવાહમાં મોકલવા રાજી નથી. ડૉકટરો, એન્જિનિયર, સી.એ., ઔદ્યોગિક સાહસિકો સંતાનો પોતાના વ્યવસાયમાં જ આવે તેવા સખત અને સતત પ્રયત્નો કરે છે. જ્યારે સામાજિકવિજ્ઞાનના આગેવાનો આ બાબતે સજાગ હોય તેવું દેખાતું નથી.

વિનયનપ્રવાહના અભાવે ભવિષ્યમાં એક ગંભીર અવકાશ ઊભો થવાની લાગણી અનુભવતા હોય તેમણે સૌએ ભેગા થઈ એક મંચ ઉપરથી તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરી યુવાનો/યુવતીઓને દિશા ચીંધવી જોઈએ. સમાજમાં તેઓનું પણ ઉચ્ચસ્થાન છે, કંઈક કરી છૂટવાની ભાવનાવાળા મિત્રો માટે વિકાસની ભરપૂર તકો છે અને આ ક્ષેત્રની સફળ વ્યકિત પણ સમાજમાં આગવી ઓળખ ઊભી કરી શકશે તેમ યુવાનોને સમજાવવાની જવાબદારી વડીલોની છે.

આચમન :

            શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,

            હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;

            કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,

            આજ તો ફૂટી છે પ્યાલી કાલ કૂંજો ફૂટશે.

                                                                                 – ખય્યામ (અનુ. શૂન્ય પાલનપુરી)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *