ફિર દેખો યારોં : વ્યવસ્થાપન પાણીનું સહેલું કે માનવપ્રકૃતિનું?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

પાણી વિશે વાત કરવાની, ચિંતનલેખો ઢસડવાની, તેની ઉપયોગિતા સમજાવતાં વક્તવ્યો આપવાની જેટલી મઝા છે એવી મઝા તેના વ્યવસ્થાપનના અમલમાં નથી એ હકીકત છે. દિવાળી જાય ન જાય કે તરત જળાશયોમાં પાણી ઓછું થઈ રહ્યું હોવાના છૂટક અહેવાલો શરૂ થઈ જાય. હોળીનો તહેવાર આવે ત્યારે પાણીને સાચવીને વાપરવાના અને વેડફાટ ન કરવાના સલાહસંદેશાનો મારો થવા લાગે. માર્ચ પતે ત્યાં તો જળાશયોનું તળિયું આવી રહ્યું હોય એવી તસવીરો આવે, અને એપ્રિલના અંત સુધીમાં દુષ્કાળની પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ હોય. વરસાદની વાટ જોવાનું શરૂ થઈ જાય, તેના વર્તારા આવવા લાગે. પણ ખરેખરો વરસાદ આવે ત્યારે? પહેલા જ વરસાદમાં જનજીવન ખોરવાઈ જાય, રસ્તાઓ પર પાણી ભરાય, ભૂવા પડે, અકસ્માતની શક્યતાઓ વધી જાય. ક્યારેક મેઘરાજાને બે હાથ જોડીને પ્રાર્થના કરવી પડે કે હવે બહુ થયું. વરસતા અટકો. જળાશયો પાછાં ભરાઈ જાય, અને ફરી પાછો વેડફાટ શરૂ. ગણેશોત્સવ આવે એટલે જળાશયોમાં સામૂહિક ધોરણે મૂર્તિ વિસર્જન શરૂ થાય. મોહરમના તાજિયા પણ ટાઢા પાડવામાં આવે. દિવાળીની ઉજવણીની તૈયારીઓ આરંભાય, તેના પછી લગ્નગાળામાં મહાલવાનું ચાલે અને વળી પાછી પાણીની તંગીની બૂમો શરૂ થાય. આ તમામ ઘટનાક્રમ એટલી સહજ રીતે ગોઠવાઈ ગયો છે કે આપણે સ્વીકારી જ લીધું છે કે પાણીનું તંત્ર આમ જ રહેવાનું. અખબારોમાં તંત્રની રેઢિયાળ કામગીરીની પોલ ખુલ્લી પાડવાના અહેવાલો વાંચીને પોતાના તરફથી પણ બે શબ્દો મનોમન ઉમેરીએ, ખાડાવાળા કે પાણી ભરાયેલા રોડના ફોટા વૉટ્સએપ પર ફોરવર્ડ કરીએ એટલે બસ, વાત પૂરી.

આપણા વડાપ્રધાને પણ પોતાના નવા સત્રમાં, પહેલવહેલા રેડિયોવક્તવ્યમાં પાણી બચાવવા પર ભાર મૂક્યો. દેશમાં કેવળ આઠ ટકા પાણી જ સંગ્રહાતું હોવાનું તેમણે જણાવ્યું અને લોક ભાગીદારી દ્વારા જળસંચયના કાર્યક્રમને વ્યાપક રીતે અમલમાં મૂકવાની વાત કરી. પાણી માટે અલાયદા ‘જળશક્તિ મંત્રાલય’ વિશે પણ તેમણે જણાવ્યું. સરકાર તરફથી થતા કોઈ પણ પ્રયત્નો આવકાર્ય છે, પણ કેવળ તેને ભરોસે રહેવાથી કોઈ પણ સમસ્યા ઊકેલાતી નથી. પોતાના સ્તરે તેનો પ્રયત્ન કરવો જ રહ્યો. કેમ કે, સરકારી દાવાઓ એવા હોય છે કે ચૂંટણીના પ્રચારમાં કોઈ સમસ્યા ઊકેલી હોવાનો દાવો કરવામાં આવે ત્યારે જ એ સમસ્યાનું અસ્તિત્ત્વ હોવાની જાણ થાય એમ બનતું હોય છે. આ વરસે ચોમાસું બે સપ્તાહ મોડું બેઠું છે. આટલા વિલંબને કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં પાણીની તંગી તીવ્ર બની રહી છે. જળ વ્યવસ્થાપનના મામલે આપણી સ્થિતિ મોટે ભાગે રોજેરોજ રોટલાજોગું રળી ખાતા શ્રમજીવી જેવી રહી છે. પાણીની છત હોય ત્યારે કદી તેને બચાવવાનું મન થતું નથી, અછતની સ્થિતિ આવે ત્યારે તંત્રની ગેરવ્યવસ્થાને ભાંડીને સંતોષ મેળવીએ છીએ. તંત્ર જવાબદાર નથી હોતું એમ નહીં, પણ નાગરિક તરીકે વ્યક્તિગત ફરજ હોય છે. અને તંત્રની વાત શી કરવી? તેને કોઈ સારા કામ માટે ભાગ્યે જશ મળતો હશે. આનું કારણ વિચારવા જેવું છે. તંત્રના અથવા શહેરના કાર્યરત અનેક વિભાગો વચ્ચે કોઈ પણ કામ શરૂ કરવા માટેનું સંકલન હોય કે ન હોય, ખોદવા માટેના કાર્યક્રમનું અદ્‍ભુત સંકલન હોય છે. એક એજન્‍સી પોતાના કામ માટે ખાડો ખોદે, કામ પતાવે, જેમ તેમ એ ખાડો પૂરીને વિદાય થાય એ પછી જ બીજી એજન્‍સી ત્યાં આવીને નવેસરથી ખાડો ખોદે છે. બરાબર રીતે ન પૂરાયેલો પ્રત્યેક ખાડો ચોમાસામાં ભૂવો બનવાની ક્ષમતા ધરાવતો હોય છે. આવી સ્થિતિ એ હદે સૌને કોઠે પડી ગયેલી છે કે સીધા રસ્તા પર ચાલવું મોટા ભાગના નાગરિકોને ફાવતું નથી.

કેટલીક વાર અમુક વિરોધાભાસી સ્થિતિઓ એવી ઊભી થાય કે નવાઈ લાગે. ચોમાસા દરમિયાન કરી શકાય એવું બીજું અગત્યનું કામ વૃક્ષરોપણનું છે. હવે તો ઘણી સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે વિવિધ વૃક્ષોનાં બીજને ભેગા કરીને તેનો ‘સીડબૉલ’ તરીકે ઓળખાતા દડા બનાવે છે. આ દડાને ખુલ્લી જગ્યામાં ફેંકવાના, જ્યાં તેમાંનાં બીજ અલગ પડશે અને યોગ્ય સમયે વૃક્ષ ઊગશે એ માની લેવાનું છે. આ પહેલ ઉમદા કહી શકાય એવી છે, પણ તેની સામે ઊગેલાં વૃક્ષોને આયોજનબદ્ધ રીતે કાપી નાખવામાં આવે ત્યારે કશું થઈ શકતું નથી એ કેવી વક્રતા કહેવાય. વિકાસના નામે માર્ગનો વિસ્તાર કરવામાં વચ્ચે ‘નડતાં’ ઘટાદાર વૃક્ષોને બેરહમીપૂર્વક કાપી નાખવામાં આવે છે. રાજાશાહીના જમાનામાં ઘણા પ્રજાવત્સલ રાજવીઓ માર્ગની બન્ને તરફ વૃક્ષો ઉગાડાવતા એવું વાંચ્યું છે. પણ લોકશાહીમાં શાસકો ઊગેલાં વૃક્ષો કપાતાં જાય એવું આયોજન કરતા હોય એમ લાગે છે. બિચારા નાગરિકોનું આમાં શું ચાલે? અને કેટલું ચાલે?

અમસ્તા પણ સુઆયોજિત આવાસયોજનામાં રહેતા નાગરિકોનો વૃક્ષપ્રેમ જાણવા જેવો હોય છે. પોતાના આંગણે તેમને વૃક્ષ ખપતું નથી. પાડોશીને ત્યાં એ ઊગાડેલું હોય તો તેનો માત્ર છાંયો જ તેમને ખપે છે. તેની પરથી ખરતાં પાંદડાં કે ફળો યા તેની પર બેસતાં પક્ષીઓ દુશ્મન સમા ભાસે છે. પાડોશીના આંગણે ઉગેલા વૃક્ષના પાંદડા પોતાના આંગણામાં ખરે એટલે કાયમ કકળાટ કરતા પાડોશીઓના કકળાટને કારણે ઘણાએ પોતાના આંગણામાંના વૃક્ષ કપાવી કાઢ્યા હોય એવા દાખલા સહેલાઈથી મળી આવશે. આ વાંચીને કોઈને હસવું આવે કે એમ લાગી શકે કે આવા લોકો અલ્પ માત્રામાં હશે, પણ પોતાની આસપાસ જોવાને બદલે પહેલાં એ તપાસવું કે ક્યાંક આપણે પોતે આ શ્રેણીમાં આવતા નથી ને?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪- ૭ – ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *