વલદાની વાસરિકા : (૭૧) ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.

મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’

હવે ઉપરોક્ત ઘટનાને ધ્યાનમાં રાખીને મારાથી બનતા સઘળા પ્રયત્ને શીર્ષકમાં મૂકેલ પ્રશ્ન ‘ખરેખર દીવાનું કોણ છે?’નો પ્રત્યુત્તર મારા પોતાના શબ્દોમાં કેટલાંક તુલનાત્મક વધુ ઉદાહરણોની મદદ વડે આપવાનો પ્રયત્ન કરીશ. દીવાનું માણસ એ નથી કે જેના મોંઢામાંથી લાળ કે થૂંક વહ્યા કરતાં હોય, પણ હકીકતમાં તો દીવાનું એ છે કે જેનું મોઢું હંમેશાં અસભ્ય શબ્દો ઓકતું હોય,બીજાઓ વિષે ખરાબ બોલતું હોય, નિંદા કરતું હોય અને ગાળો ભાંડતું હોય. દીવાનું તો એ નથી કે જેનાં કપડાં ફાટેલાં અને ગંદાં હોય, કેમ કે તે તેમને સ્વચ્છ અને સુઘડ રાખવા અશક્તિમાન હોય છે; પરંતુ ખરું જોતાં તો એવાં સજ્જનો અને સન્નારીઓ દીવાનાં છે, જેમણે સારાં વસ્ત્રો તો ધારણ કર્યાં છે, પણ સમાજ અને સર્જનહારની નજરે નિમ્નતર ચારિત્ર્ય ધરાવે છે.

હજુ વધુ આગળ કહેતાં, ત્રાંસી આંખોવાળી અથવા તો જેના ચહેરાના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તેવી વ્યક્તિ ખરેખર ગાંડી નથી, તે અથવા તેણી ખરેખર તો દર્દી છે; પણ વાસ્તવમાં તો એ લોકો ગાંડા છે કે જેમની આંખો ગુસ્સાથી અને અન્યો સામેના તિરસ્કારથી હંમેશાં લાલ રહેતી હોય, કોઈપણ રીતે ધન ભેગું કરી લેવાની લાલચમાં જેમની આંખો ચકળવકળ થયા કરતી હોય અને અનૈતિક અને અવૈદ્ય જાતીય આનંદ લૂંટવા માટે જેમની આંખો ભોગવિલાસમય રહેતી હોય. પહેલા પ્રકારમાં વર્ણવાએલા લોકો મનોરોગી છે, જ્યારે બીજા પ્રકારના માણસો જ સાચા અર્થમાં દીવાના છે; ભલે ને પછી તેઓ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવનારા હોય, લખલૂટ ધનદોલતના માલિક હોય, શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સક્ષમ હોય, સમાજમાં માત્ર કહેવાતા સન્માનજનક સ્થાને બિરાજમાન હોય અથવા પોતાની જાતને શક્તિશાળી રાજનીતિજ્ઞ ગણતા કે ગણાવતા હોય.

સામાન્ય રીતે માનસિક રીતે વિકલાંગ લોકોનું એવું વલણ હોય છે કે તેઓ કદીય પોતાના ગાંડપણને સ્વીકારશે નહિ, પણ ઊલટાના એમ જ માનશે કે તેમના પોતાના સિવાય આખું જગત ગાંડું છે. એ જ રીતે અહીં ચર્ચા કરવામાં આવતા બીજા પ્રકારના કહેવાતા ડાહ્યા પણ વાસ્તવમાં દીવાના તેમના મગજમાં એવી ભ્રમણા લઈને ફરતા હોય છે કે પોતે જે કંઈ આચરણ કરે છે, તે પોતાના ચાતુર્ય અને બુદ્ધિપ્રતિભાના ફલસ્વરૂપે છે. તેઓ પોતાના વધુ પડતા આત્મવિશ્વાસ અને ગુરુતાગ્રંથિ સાથે એમ માને છે કે તેઓ અન્યોને મૂર્ખ બનાવી શકતા હોય છે અને કોઈ પોતાની ચાલાકીઓને પકડી પાડી શકશે નહિ. પરંતુ, એ લોકોને એ ખબર નથી હોતી કે તેઓ પોતાની જાતને જ છેતરી રહ્યા છે. ખરેખર તો તેઓ પોતે અને ઈશ્વર સારી રીતે જાણે છે કે હકીકતમાં તેઓ શું છે અને કેવા છે. અહીં નીચે કેટલાક એવા માનવ સમુદાયોને દર્શાવીશ કે જેમણે જાણતાં અથવા અજાણતાં સ્વીકારી લીધેલું હોય છે કે તેઓ ગાંડા છે; પણ તેઓ પોતાની ખોટી અને બચાવની એવી દલીલો કરે છે કે પોતે પોતાની રોજિંદી જિંદગીમાં સ્થિતિસ્થાપક છે અને તેવા ગાંડા રહેવા માગે છે.

આવા સમુદાયોમાં લાખો કે કરોડો માધ્યમિક કક્ષાએ શિક્ષણ લેતા વિશ્વભરના અને ખાસ કરીને તો ભારતના વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપ આવી જાય છે કે જેમણે જાણીજોઈને ગાંડા હોવાનું સ્વીકારી લીધું છે. બધા જ જાણે છે કે તેમના શિક્ષકોને તેમનાં શિક્ષણ સંકુલોમાં પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજો બજાવવા માટે આકર્ષક પગારો આપવામાં આવે છે. પણ, આપણે જોઈએ છીએ કે અહીં વ્યાખ્યાયિત કરાએલા એવા દીવાનાઓ ગેરકાયદેસર રીતે ખાનગી ટ્યુશન દ્વારા અઢળક નાણાં બનાવતા હોય છે અને એવી બિનહિસાબી કાળી કમાણી છૂપાવીને કરચોરી કે કરબચતની તરકીબ અજમાવતા હોય છે. જો આપણે આ ખુલ્લા કૌભાંડ સાથે સંકળાએલા વિદ્યાર્થીઓ, માતાપિતા, સંચાલકો અને સરકારી તંત્રને ગણીએ તો કુલ વસ્તીના ત્રીજા ભાગ કરતાં પણ વધારે તેમની સંખ્યા થાય. બીજા એક મોટા સમુદાયમાં વિશ્વના લોકશાહી દેશોમાંના રાજકારણમાં પડેલા લોકો અને મતદારોને સંયુક્તપણે ગણીએ તો અંદાજે દુનિયાની કુલ વસ્તીનો ૨/૩ ભાગ થઈ જાય. રાજકારણના, એક રીતે કહીએ તો, આ ધંધામાં માત્ર નાણાંકીય ભ્રષ્ટાચાર જ નહિ; પણ વિપુલ નાણાંથી પણ ભરપાઈ ન થઈ શકે એવું લોકોનું નૈતિક અધ:પતન થતું હોય છે જેમાંથી અશાંતિ, સંહાર, અવળચંડાઈ અને કાયદાઓનાં ઉલ્લંઘનો જેવી આડપેદાશો નિપજતી હોય છે.

વળી ત્રીજું એક જૂથ યુવાવર્ગનું આવી જાય જેનું પ્રમાણ વિશ્વની વસ્તીના લગભગ ૩૦%ની ગણતરીમાં આવે; જેમને આપણે દીવાનાપણાની નવી વ્યાખ્યામાં કદાચ સમાવીએ, તો તેમને ઝડપથી ફેલાતી જતી કહેવાતી આધુનિક સંસ્કૃતિના વળગણમાંથી આપણે નહિ બચાવી શકીએ તો તેઓ કદાચ આદર્શ અને સમતોલ જીવનથી ભટકી ગયા સિવાય રહેશે નહિ. આ યુવકયુવતીઓ ઉપરની મોટેરાંઓની પકડ દિનપ્રતિદિન ઢીલી પડતી જાય છે અને એ વાતનું આશ્ચર્ય નહિ ગણાય કે તેઓ તેમના સામે બંડ પણ પોકારે. વળી કહેવાતી સ્વતંત્ર પણ વાસ્તવમાં સ્વચ્છંદ એવી આધુનિક સંસ્કૃતિ પોતાના હાથ ફેલાવીને તેમને આવકારવા કે ભેટી પડવા રાહ જોતી સામે તૈયાર જ ઊભી છે. મનોરંજન પીરસતાં માધ્યમોએ તેમના દર્શકો, શ્રોતાઓ કે વાંચકોને ધડિયાળના ચોવીસે કલાક દરમિયાન અસભ્યતાઓને પીરસતા જઈને તેના ઉપભોક્તાઓનો વધુમાં વધુ દર જળવાઈ રહે તે ગણતરીએ જાહેરાતોની વધુ ને વધુ આવક મેળવવા નીતિનાં મૂલ્યોને વેગળાં મૂકી દીધાં છે. આના પરિણામે યુવાવર્ગ અને ખાસ તો અઢાર વર્ષ સુધીની વયમર્યાદામાં આવતાં કિશોર-કિશોરીઓના સંસ્કાર ઉપર એવો વિપરિત પ્રભાવ પડતો જાય છે કે જે લાંબા ગાળે સમાજ માટે ઘાતક પુરવાર થયા સિવાય રહેશે નહિ. ભવિષ્યની આ પેઢીઓની ચેતવણીરૂપ અને વિકૃતિ તરફ ઝડપભેર આગળ વધતી વર્તણૂકને વડીલો (માબાપ અને રાજકારણિયાઓ) નજરઅંદાજ કરવાનું ચાલુ રાખશે, તો સામાજિક શિસ્ત અને શાંતિને ખતરારૂપ એવાં પરિણામો માટે તેમની જ જવાબદારી ગણાશે.

મારા લેખના સમાપન નજીક પહોંચવા પહેલાં, હું એ કહેવાનું પસંદ કરીશ કે ઇતિહાસ સાક્ષી છે એવા ઘાતકી શાસકોનો કે જેઓ માનસિક વિકૃતિની અહીં ચર્ચિત સંકલ્પનામાં આવી જાય છે. એ લોકોએ ભાનભૂલા બનીને પોતપોતાના રાષ્ટ્ર કે દેશને બરબાદીની ચરમ સીમાએ પહોંચાડી દેવામાં કોઈ કસર બાકી છોડી નથી. તેમના ભ્રષ્ટ શાસને તેમની પ્રજાને પૃથ્વી ઉપરના જ નર્કની ઘોર અને ઊંડી ગર્તામાં ધકેલી દીધી હતી. મારા શાણા વાચકો અંદાજિત ધારણા મૂકી શકશે કે એક તરફ વિશ્વ આખાયમાં પેલા બિચારા માનસિક રીતે અસ્વસ્થ લોકો અર્થાત્ મનોરોગીઓ અને બીજી તરફ કહેવાતા ડાહ્યા પણ સરવાળે ગાંડા લોકો વચ્ચે સંખ્યાની દૃષ્ટિએ કેવું પ્રમાણ હશે. દેખીતું જ છે કે પેલા દયાપાત્ર દીવાનાઓની સંખ્યા નહિવત્ હશે, જ્યારે કહેવાતા ભદ્ર પણ ખરેખરા પાગલોનો દુનિયામાં કોઈપણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈ તોટો જોવા નહિ મળે.

મારા ભલા વાચકો મારી સાથે સંમત થશે જ કે પેલા બિચારા માનસિક રોગથી પીડિત લોકોએ સમાજમાં કોઈનેય કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું નથી. બીજી તરફ, આપણે જોઈએ તો પેલા છૂપા દીવાનાઓએ ઓછા કે વધતા પ્રમાણમાં સમાજના કોઈને કોઈ ક્ષેત્રમાં નુકસાન તો પહોંચાડ્યું જ છે. લોકો લોકો વચ્ચેનો તફાવત દીવાના હોવા કે ન હોવાથી નથી, પણ વધતા કે ઓછા દીવાનાપણાથી છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ સંશોધનોથી પુરવાર કર્યું છે કે કોઈપણ વ્યક્તિ ઓછા કે વધું પ્રમાણમાં માનસિક અભાનતા કે ઉણપ તો ધરાવે જ છે, પણ પ્રસંગોપાત તે બહાર આવી જાય છે અને તેને એવી ગેરવર્તણૂક આચરવા પ્રેરે છે કે જે બદલ તેના માટે જિંદગીભરના પસ્તાવાનું કારણ બને છે. હવે જો આવું કોઈ આવેશમાં થઈ ગએલું કૃત્ય પોતાને એકલાને હાનિકારક નીવડે ત્યાં સુધી તો બરાબર છે, પણ ઘણીવાર તો એવા કૃત્યની માઠી અસરોનો ભોગ અન્ય સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓને અથવા તો સમાજને બનવું પડતું હોય છે. ફ્રેડરિક નિટ્ઝેક (Friedrich Nietzsche)નું નોંધપાત્ર કથન છે કે ‘વ્યક્તિઓમાં આવું દીવાનાપણું જવલ્લે જ જોવા મળે છે; પરંતુ સમૂહો, પક્ષો, રાષ્ટ્રો કે યુગોમાં તેનું આધિપત્ય સવિશેષ જોવા મળે છે. ‘આતંકવાદ અને સામૂહિક સંહારનાં કેટલાંક અન્ય સ્વરૂપો જેવાં કે જાતિગત હૂમલાઓ, કટ્ટરવાદી ધિક્કાર કે વંશીય ખાતમો અથવા ખૂનામરકી વગેરે પણ સમૂહગત ગાંડપણનાં જ કૃત્યો છે. આ બધી માનવસર્જિત આફતો છે જેમાં માનવીઓની જિંદગીના નિર્મમ સર્વનાશ સિવાય બીજું કશું જ નથી. આવો ટોળામાં મળીને કે સમૂહમાં જોડાઈને આચરવામાં આવતો હિંસાચાર જંગલમાં લાગેલી ભીષણ આગ જેવો છે, જ્યાં સૂકું અને લીલું સઘળું સાથે મળીને બળીને રાખ થઈ જતું હોય છે અને એક વખત શરૂ થએલી તેવી આગને ઠારવી મુશ્કેલ બની જતી હોય છે.

આપણે આત્મમંથન કરવું જોઈએ કે જાણે કે અજાણે આપણી કોઈક સુષુપ્ત દીવાનગીના પ્રભાવ હેઠળ આપણે આવી સંહારાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપ તો નથી બનતા! રીટા મે બ્રાઉન (Rita Mae Brown)નું એક રમૂજી કથન હમણાં જ કહેલી મારી વાતને સમર્થન આપશે. તે કહે છે, ‘શાણપણ વિષેની આંકડાકીય માહિતી બતાવે છે કે દર ચાર વ્યક્તિઓ પૈકી ઓછામાં ઓછી કોઈ એક માનસિક બીમારીથી પીડાતી હોય છે. હવે, તમે તમારા ત્રણ શ્રેષ્ઠ મિત્રો વિષે વિચારો અને જો તેઓ ઠીક હોય, તો ચોથો કે ચોથી જે બાકી રહે છે તે તમે જ છો!’

વ્યક્તિની માનસિક સ્વસ્થતા કે તંદુરસ્તી તેના શરીરને પણ સ્વસ્થ અને તંદુરસ્ત સ્થિતિમાં રાખે છે. એ જ પ્રમાણે વ્યક્તિનું તંદુરસ્ત મન તેના તંદુરસ્ત શરીરમાં જ શાંતિથી વસવાટ કરી શકે છે. નાગરિકોનાં તંદુરસ્ત મન અને શરીર તેઓ જ્યાં રહે છે ત્યાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં તેઓ મદદરૂપ થાય છે. સંસ્કારી નાગરિકો ઘરના મોભ કે શરીરનાં હાડકાં સમાન છે કે જેઓ રાષ્ટ્રને મજબૂત, સ્વસ્થ અને આબાદ બનાવે છે. છેલ્લે લોર્ડ બાયરન (Lord Byron)ના તેના થોડાક જ શબ્દો ટાંકીશ કે ‘ધિક્કાર એ હૃદયની દીવાનગી છે.’ આમાં વિશેષ શબ્દો ઉમેરી શકાય કે ‘હૃદયની દીવાનગી એ મન કે મગજની દીવાનગી કરતાં વધુ ખતરનાક છે.’

આશા સેવું છું કે આ લેખને મારા વાચકો દ્વારા ‘જવલ્લે’ પ્રકાર સાથે બંધબેસતો ગણીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે અને પોતાનો યોગ્ય પ્રતિભાવ આપવામાં આવે.

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

2 comments for “વલદાની વાસરિકા : (૭૧) ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

  1. vimla hirpara
    July 10, 2019 at 6:34 am

    આપની વાત સાચી છે. દુનિયામાં પાગલ લોકો કરતા ડાહ્યા લોકો વધારે નુકશાન કરે છે. પાગલ તો માત્ર પોતાની જાતને જ નુકશાન કરે છે.

    • July 11, 2019 at 3:34 pm

      પ્રતિભાવ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *