વ્યંગિસ્તાન : મોટરસાઇકલનું સાઈડ સ્ટેન્ડ અને સમાજસેવા

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

‘સેવા’ શબ્દનો પ્રાસ જ્યારથી કોઈએ ‘મેવા’ સાથે મેળવી દીધો છે ત્યારથી સેવાની સાથે-સાથે સેવકો,સમાજસેવકો,સ્વયંસેવકો,પ્રધાનસેવકો ઈ.ની કિંમત કોડીની થઇ ગઈ છે.આ લોકો ભલેને ગમે તેટલી નિષ્ઠા અને નિ:સ્વાર્થપણા સાથે સેવાકાર્યમાં જોડાયેલા હોય;સમાજ તેમને ‘સેવાને નામે મેવા ખાનાર’ તરીકે જ જોવે-ઓળખે છે. હા, સેવા કરતી વ્યક્તિ મેવા ખાતી હોઈ શકે છે.પણ એ શોખથી કે પોતાની મરજીથી નહીં, પરંતુ વર્ષોના વર્ષો સુધી પોતે સમાજના હિત માટે કામ કરી શકે તે માટેની ઉર્જા મેળવવા તેઓ કદીક મેવાના બે-ચાર ફાકા મારી લેતા હોય છે.પણ વાંકદેખો સમાજ એના સેવાકાર્યને બિરદાવવાને બદલે સેવાભાવીએ મારેલા મેવાના બે ફાકાની જ ટીકા કાર્ય કરે છે. ‘માર ખાય તે માલ ખાય’-વાળી કહેવતની જેમ ‘જે કરે સેવા તે પામે મેવા’-પ્રકારની કહેવત પ્રચલિત કરી સેવા કરનારાઓ અંગે સમાજમાં પ્રવર્તી રહેલી નકારાત્મકતા દૂર કરવાના પ્રયાસો થવા જોઈએ.

મોટાભાગની આવી બદનામ થઇ ગયેલી સેવાઓની વચ્ચે એક સેવાકાર્ય એવું છે જેની સામે હજુ સુધી આંગળી ઉઠી નથી.એ સેવા એટલે મોટર સાઇકલ લઈને પસાર થઇ રહેલા પરંતુ સાઈડ સ્ટેન્ડ ઊંચુ કરવાનું ભૂલી ગયેલા સવારને ઈશારાથી કે બૂમ પાડીને જણાવવું કે ‘સાઈડ સ્ટેન્ડ ઊંચુ કરી લો.’. અંગ્રેજ સિપાઈની ગોળી ખાઈને રસ્તા પર શહીદ થઈને પડેલા કોઈ યુવાનનું જયારે કોઈએ નામ પૂછ્યું ત્યારે તેનું નામ જણાવતા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ કહ્યું હતું:’કોઈનો લાડકવાયો’.સાઈડ સ્ટેન્ડ ઊંચુ કરવાનું ભૂલીને સડસડાટ જતો અસવાર પણ ‘કોઈનો લાડકવાયો’ જ હોય છે. સાઈડ સ્ટેન્ડ ઊંચુ કરવાનો ઈશારો કરનારનો તે સગો,વ્હાલો કે ઓળખીતો હોતો નથી.‘તેરી મેરી ક્યા હૈ સગાઇ હમ દોનોં હૈ ભાઈ-ભાઈ’-ના નાતે રસ્તે ઉભો રહી ચા પીતો,મસાલો ચોળતો કે બીડી ચેતાવતો માણસ બાઈકસવારને ચેતવવાનું સેવાકાર્ય કરે છે.

આ સેવાકાર્યની જોકે એક મર્યાદા પણ છે. સામાન્ય ગતિએ કે પૂરપાટ જતા બાઈકસવારને સાંકેતિક રીતે સાઈડ સ્ટેન્ડ ઊંચુ લેવાનું જણાવાતા જ તે સ્ટેન્ડ ઊંચુ કરી લઈને સલામતીને વરે છે;પણ એ દરમિયાન તે થોડો કે ઘણો આગળ નીકળી ગયો હોઈ તે પેલા સેવાભાવી માનવીનો આભાર માની શકતો નથી. અલબત્ત,તે મનોમન તો પોતાને ચેતવનારનું ભલું થાય તેવી પ્રાર્થના કરી જ લેતો હોય છે. જોકે ‘નેકી કર દરિયા મેં ડાલ’-ના સિદ્ધાંતને અનુસરતા તે સેવાભાવી માનવીઓ અસવારની પરિસ્થિતિથી વાકેફ હોઈ તે આવી કોઈ અપેક્ષા રાખતા નથી હોતા.

ખબર નહીં કેમ પણ હાડવૈદ્યો તથા ઓર્થોપેડીક સર્જનો આ સેવા બજાવાનારાઓને હીન દ્રષ્ટિથી જોતા હોય છે. તો કેટલાક લોકોથી સ્ટેન્ડ ઊંચુ કરવાનું કહેવાની સેવા આપનારાઓને સમાજમાં મળતાં માન,મોભો,કીર્તિ સહેવાતી નથી. તેઓના મતે આ સેવાભાવીઓ જો સ્ટેન્ડ ઊંચુ કરવાનો સંકેત ના આપે તો પણ બાઈકસવારને ક્યાં મોટો ફરક પડી જવાનો છે! આવું માનનારાઓ એ જ પ્રજાના વંશજો છે જે એવું માનતી હતી કે મારા એકના દ્વારા હોજમાં દૂધના બદલે પાણી રેડવાથી ક્યાં કશો ફરક પડવાનો છે!આવા ઉંચા કરાવેલા હજારો સ્ટેન્ડવાળાઓમાંથી કોઈ એકાદ જ ભયજનક રીતે ડાબી બાજુએ વળાંક લેતો હોય છે.બસ,આવી રીતે વળાંક લેતા એકાદને બચાવી લેવાનું પુણ્ય કમાઈ લેવાનું હોય છે.

ફિલ્મોમાં જે સ્થાન સાઈડ હીરોનું છે તેનાથી પણ ઊંચેરું સ્થાન મોટર સાઈકલમાં સાઈડ સ્ટેન્ડનું છે. ફિલ્મોમાં હીરોની ભૂમિકા મુખ્ય અને સાઈડ હીરોની ભૂમિકા ગૌણ હોય છે. મોટર સાઈકલમાં સાઈડ સ્ટેન્ડ મુખ્ય ભૂમિકામાં અને સેન્ટ્રલ સ્ટેન્ડ ગૌણ ભૂમિકામાં હોય છે. હિમોગ્લોબીનની ઉણપને કારણે નબળાઈ અનુભવતો બાઈકચાલક પણ સહેલાઈથી પોતાની મોટર બાઈક સાઈડ સ્ટેન્ડ પર લગાવી શકે છે. જયારે ભલભલા શૂરવીરો પણ ક્યારેક મોટર સાઈકલને સેન્ટ્રલ સ્ટેન્ડ પર ચઢાવી શકતા નથી હોતા. મોટર બાઈક પર સવાર થયા પછી અસવારે કરવાનું પહેલું કામ છે સાઈડ સ્ટેન્ડ ઊંચુ લઇ લેવાનું. પણ ક્યારેક ચાલક ઉતાવળમાં કે ધૂનમાં હોય તેવી સ્થિતિમાં તે બાઈક પર સવાર થઈને સ્ટેન્ડ યથાવત રાખીને હંકારી મૂકે છે.

આખીય આ બાબતમાં સાઈડ સ્ટેન્ડ ઊંચુ કરવાનું ભૂલી જતા ચાલકોની માનસિક સ્થિતિનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે.જૂના જમાનામાં એક વૈદ્યરાજ હતા જેમની પાસે કોઈ દર્દી આવે તો તેનો સરસ રીતે ઈલાજ કરતા પહેલાં તે દર્દીને કચકચાવીને એક થપ્પડ મારતા. એ એવું માનતા કે બીમાર પડવું એ સજાપાત્ર ગુન્હો છે.આ જ રીતે સ્ટેન્ડ ઊંચુ કરવાનું ભૂલી જનારાઓ હમદર્દીને પાત્ર છે એવું જરાય નથી. રાત-દાડો હેડલાઈટ ચાલુ રાખવાનો નિયમ આવ્યો તે પહેલાં અનેક અસવારો ભૂલથી ધોળા દિવસે પણ લાઈટ ચાલુ રાખીને ફરતા હતા.હરતીફરતી સેવાભાવી સંસ્થાઓએ એ સમયે આવાઓને લાઈટ બંધ કરવા માટેના ઈશારા કરવાની પણ સેવા આપવી પડતી હતી.એમાંય એક સાથે સ્ટેન્ડ નીચું ને લાઈટ ચાલુ હોય ત્યારે તો સેવા આપનાર ધર્મસંકટમાં મૂકાઈ જતો: ‘લાઈટનો ઈશારો કરું કે સ્ટેન્ડનો?’ કેટલાક વળી બાઈક પાર્ક કર્યા પછી ચાવી કાઢવાનું ભૂલી જાય છે. મોટર સાઈકલમાં જ ચાવી ભૂલી જનારને સેવાભાવી વ્યક્તિનો ભેટો નથી થતો; તેને થપ્પડ મારનાર વૈદ્યરાજનો પરચો મળે છે.

આખીય મોટર સાઈકલમાં સૌથી ઓછી જટિલ રચના ધરાવતું,શૂન્ય પ્રદુષણ ફેલાવતું અને સંચાલનમાં સૌથી સરળ એવું જો કોઈ અંગ હોય તો તે છે સાઈડ સ્ટેન્ડ. ચલાવનાર જયારે બાઈક પર નથી હોતો ત્યારે શ્રી કૃષ્ણે એક આંગળી પર ઊંચકેલા ગોવર્ધનની જેમ સાઈડ સ્ટેન્ડ એક આંગળી પર આખું બાઈક ઉંચકેલું રાખે છે. આમ છતાં તેનું સન્માન જાળવવાને બદલે કેટલાક લોકો પત્ની ઉપરાંતની અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરૂષની તે સ્ત્રીને ‘ઉપપત્ની’ જેવું શબ્દકોશમાન્ય નામ આપવાને બદલે ‘સાઈડ સ્ટેન્ડ’ જેવું નામ આપીને તે સ્ત્રી તથા સાઈડ સ્ટેન્ડ-એમ બંનેને બદનામ કરે છે. ખરેખર તો જીવનભર મોટર સાઈકલનો ભાર ઊંચકીને ફરતા સાઈડ સ્ટેન્ડને અમર બનાવવાની દિશામાં પ્રયત્ન થવો જોઈએ. મુંબઈના બાંદ્રામાં આવેલા બેન્ડ સ્ટેન્ડનું નામ બદલીને સાઈડ સ્ટેન્ડ કરી દેવું જોઈએ.

કેટલાક નેચર કવિઓના મતે વૃક્ષો એ આકાશને ઊંચકી રાખતાં સાઈડ સ્ટેન્ડ છે. તો કેટલાક વાસ્તવવાદી કવિઓના મતે વીજળીના થાંભલા આકાશને ટકાવી રાખનારા સાઈડ સ્ટેન્ડ છે.તો કેટલાક કથાકારોના મતે સભામંડપના થાંભલાઓના સાઈડ સ્ટેન્ડ પર આકાશ ટકેલું છે.કોઈ જે કહે તે કહે;’માનવતા મરી પરવારી છે’-પ્રકારનું રૂદન કરતા લોકો માટે સાઈડ સ્ટેન્ડ ઊંચું કરવાનો નિ:સ્વાર્થભાવે સંકેત કરતી સેવામૂર્તીઓ પાણીના પ્યાલા સમાન છે. આ પાણીના પ્યાલાના બે ઘૂંટડા કોણ જાણે કેટલા નિરાશાવાદીઓના રૂદનને અટકાવી તેમને માનવજાત માટે આશાવાદી બનાવશે !


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.


સંપાદકીય પાદ નોંધ:

અહીં લીધેલ ચિત્ર સાંકેતિક છે અને ઇન્ટરનેટ પરથી સાભાર લીધેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *