હું તમને ચાહીશ

Facebooktwitterredditpinterestlinkedinmail

વૈશાલી રાડિયા


“લેકર હમ દિવાના દિલ… લો ચલી મેં…”ના  અંતાક્ષરીના દેકારા વચ્ચે ભગવાનજી સરનો અવાજ બસમાં ગૂંજી ઉઠ્યો.

“હવે આપણે ધોરડો પસાર કરી ખાવડા બોર્ડર પર પહોંચવા આવ્યાછીએ. અહીં પહેલી ચેક પોસ્ટ આવી ગઈ છે. દરેક વ્યક્તિ પોતાના ફોન, કૅમેરા, ઘડિયાળ વગેરે એક બૅગમાં ભરી અહીં જમા કરાવી દેશો.” ત્યારબાદ ચોકી પરના સૈનિકો બધું તપાસી ગયા અને ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમ માટે ૧૦૦ જેટલા કોલેજીયન યુવક-યુવતીઓની બે બસ કચ્છનીભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ તરફ આગળ વધી.

જાન્યુઆરી મહિનો હોવા છતાં બધાને અહેસાસ થતો હતો કે ઉપર આભ તથા નીચે રણની વચ્ચે  એક ચકલું પણ ફરકતું નહોતું દેખાતું! બસમાંની તોફાની ટોળકી વિશુ, તેજુ, અમિત, મૃગેશ,આશિતા, જયની, જીજ્ઞા, મંજુ વગેરે બારીમાંથી અફાટ રણનું આકરું સૌંદર્ય પી રહ્યા હતા.

“ચાલો, આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો આપણને આવકારી રહ્યા છે.” માધવ સરનો અવાજ સાંભળતાં એક રોમાંચ સાથે બધાં બસમાંથી નીચે ઊતર્યા અને વાતુડી વિશુએ દોડીને સૌથી આગળ બધાને દોરી રહેલા આસિસ્ટંટ કમાન્ડન્ટ મોહન ભટનાગર સાહેબ સાથે ચાલતાં-ચાલતાં મનમાં ચાલી રહેલા સવાલોની ઝડીવરસાવી.

વિશુ: “સર, આપને અહી રણમાં કાયમ કેમ ગમે છે?”

“આપ આટલા તાપમાં ઉનાળામાં કઈ રીતે રહી શકો?”

“તમને દુશ્મનોની ગોળીઓનો ડર નથી લાગતો?”

આ સાંભળી ભટનાગર સાહેબ હસી પડ્યા, “છોકરી, જરા શ્વાસ તો લે અને સાંભળ, મારે બે મા છે. એક મારા ઘરે અને બીજી આ માતૃભુમિ. મા પાસે તો ગમે તેવા વાતાવરણમાં પણ રહી શકીએ ને? અને હા, મારી માને કોઈ ગોળી મારવા આવે તો એને બચાવવા માટે આવી તો કેટલી જિંદગી કુરબાન!એમાં ડરનો વિચાર પણ ના આવે.અમારે તો કેવળ એક જ ધ્યેય : માતૃભૂમિના દુશ્મનોની છાતી અને અમારી ગોળીનુંઅચૂક નિશાન! અને એક વાત તને પૂછ્યા વિના પણ જણાવું કે ઉનાળો હોય કે ગમે તે ઋતુ હોયઅહીં પાણીની હંમેશા તંગી રહે છે. શહેરમાંથી અહીં સુધી પાણી પહોંચે ત્યાં સુધીમાં ટ્રાન્સપોર્ટેશનનોખર્ચ થતાં-થતાં એક ગ્લાસની કિંમત દસ રૂપિયા જેટલી થઈ જાય. પણ એક વાત કહીશ કે અહીં વાપરવાનું પાણી ભલે ઓછું હોય પણ માભોમ માટે પાણીયારા થનારા અમારા જવાનો છે અને દુશ્મનોને પાણી બતાવી ધૂળ ચાટતા કરી નપાણિયા કરી દેવાની તેમનામાં અખૂટ હિંમત છે! બોલ, હવે શું જાણવું છે તારે?”

વિશુ તૈયાર જ હતી, “સર, તમે ઘરે કેટલા સમયે જાવ? ઘરનાં સાથે વાત કેમ કરો? અહીં તો ફોન જનથી!” ભટનાગર સાહેબ એક ઊંડો શ્વાસ ભરીને સ્મિત સાથે બોલ્યા, “બેટા, ઘરે તો જયારે રજા મંજુર થાય ત્યારે જવાનું અને કટોકટીના સમયમાં રજા અચાનક રદ પણ થઇ શકે. અને ફોન માટે તોતમે લોકો આવ્યા તે રસ્તે જવાનો જે સૈનિક ટુકડીનો વારો આવે ત્યારે ચેક પોસ્ટ પર જઈ, નેટવર્ક મળ્યે વાત થાય. બાકી નસીબ!”

વિશુના સવાલો બંધ થાય એમજ નહોતા. “સર, સામેની બોર્ડર પાર ફરતા પેલા દેશના સિપાહી દેખાય છે તો ક્યારેય એમની સાથે ફોર્મલ મુલાકાત થાય ખરી?”

ભટનાગર સર હસવા લાગ્યા, “બોર્ડર પર પેટ્રોલિંગ કરતી વખતે બન્ને દેશો વચ્ચે એક કાંટાળી વાડ છે. જો સામેના સૈનિકોની ટુકડી તે સમયે ગસ્ત પર નીકળે તો આંખોમાં આંખો મળી જાય છે. પણ સાચું કહું, ત્યારે એકવિચાર આવે કે એ પણ એની માતૃભૂમિ માટે ફરજ બજાવે છે અને અમે પણ. યુદ્ધ એ તો ક્યારેક રાજકારણની રમત કે ક્યારેક પામર મનુષ્યોની અસંતોષી વૃત્તિનો એક વરવો નરસંહાર છે. પણ જયારે યુદ્ધ થાય ત્યારે એ બધું વિચારીએ તો દુશ્મન આપણી જનેતાની છાતી વીંધી નાખે ત્યારે બંદુક અનેતોપ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આવું થાય ત્યારે તો પૂરા આત્મસમર્પણથી ફરજ નિભાવીએ. બાકીજયારે એક બીજા તરફ માનવતાની દૃષ્ટીથી જોઈએ ત્યારે અમારી આંખોમાં કોઈ ઝેર ના હોય! કારણ કેએ પણ અમારી જેમ જ એમની માતૃભૂમિ માટે ફરજ અદા કરે છે. દરેક સિપાહી માટે ઓર્ડર એટલે ઓર્ડર, એ ગમે તે દેશનો કેમ ના હોય! વિશ્વશાંતિ અને પરમેશ્વરે રચેલી આ સૃષ્ટિમાં જે દિવસે મનુષ્યતા જાગશે એ દિવસે ક્યાંય કોઈ પ્રકારની વાડ કે કોઈ યુદ્ધો નહીં હોય. એ દિવસની કલ્પનાઅનેરી છે!”

આ અધિકારીના મુખ પરના અકળ સ્મિતને જોઈ વિશુ પૂછવા લાગી :“સર, તમે લોકો દેશની જાનના જોખમે રક્ષા કરો છો તો તમારો પગાર તો દેશના કોઈ પણ નેતા કે કર્મચારી કરતાં પણ વધુહશેને? તમે જાગો છો તો દેશ નિરાંતે સુવે છે.”અને ભટનાગર સરના પગારનો આંકડો સાંભળી વિશુની આંખો ભીની થઇ ગઈ. એ પૂછી બેઠી, “સર, તમારા સંતાનો…?”

ભટનાગર સર મીઠાસ્મિત સાથે બોલી ઉઠ્યા, “તારા જેવડી એક મીઠડી દીકરી છે અને હમણાં જ સમાચાર મળ્યા કેએની સગાઇ કરવામાં આવી છે. રજા મળશે તો લગ્નમાં પહોંચીશ. બાકી એની મમ્મીને કહીને જઆવ્યો છું કે એની મા પણ તું ને બાપ પણ તું જ છો. જયારે ઘરેથી નીકળીએ ત્યારે એમ જ સમજીએકે કદાચ આ છેલ્લું મિલન હોય. માભોમ માટે બધું જ મંજુર.”

આ વાત થતી હતી ત્યાં સૌને લંગરમાં – એટલે ભોજનગૃહમાં જમવા બોલાવવામાં આવ્યા. પણ વિશુ ભટનાગર સરની આંખોમાં આંખો નાખી ઊભી રહી અને પાકિસ્તાનની સરહદ તરફ આંગળી ચીંધી ભીની આંખે બોલી, “એક બાપ બેટીની રક્ષા કરે તેમ દેશ માટે તમે આ લોકોસામે પળ-પળ જંગમાં જીવો છો. આ ત્યાગ અને પ્રેમ દિલમાં ભરીને અહીંથી જઈશ. જિંદગીભર તમને ચાહીશ.” 

સાંભળી ભટનાગર સર જેવા જવાંમર્દની પણ આંખો ભીની થઇ અને વિશુની પીઠ પાછળ એ બાપનું દિલ બોલી ઉઠ્યું, ‘હું પણ!’ અને એમણે નીચા નમી ધૂળ લઇ માથે ચડાવી!


નોંધ:

૨૦૧૧ની લેખિકાની બોર્ડર મુલાકાતની વખતની આ દિલની વાતો છે જેમાં સાચા પાત્રોના નામ તો ભૂલાઈ ગયા છે

પણ એમની સાચી વાતો દિલમાંથી ક્યારેય ભૂલાઈ નથી. દિલોની આ વાતોને શબ્દદેહ આપી આજે વરસો પછી મનનો ઘણોભાર મુક્ત થયો એમ લાગે છે કે ક્યાંક કોઈ તો સમજશે આ માતૃભૂમિ માટે શહીદી વહોરી રહેલા જવાનોની જિંદગીની કિંમત!

બીજું કશું નહીં તો એમને માટે દેશના નાગરિકો એક સંપ થઇ શહીદી બાદ એમના પરિવાર માટે વ્યવસ્થા કરવામાં અન્યાય નાથાય એ માટે એક મજબુત અને ઝડપી અમલી બની શકે એવો કાયદો બને એવા કોઈ પ્રયત્નો કરી શકીએ તો પણ દેશનાજવાનોનું ઋણ ચૂકવી શકવાનું એક કદમ ભરી શક્યાનો સંતોષ લઇ શકશું!

વંદેમાતરમ!


પરિચયવૈશાલી રાડિયા વ્યવસાયે શિક્ષક છે. તેઓ પચીસથી વધારે વર્ષોથી જામનગરની એક પ્રાથમિક શાળામાં કાર્ય કરી રહ્યાં છે. તેઓ વાર્તલેખન, નિબંધો અને લેખો જેવા સાહિત્ય પ્રકાર દ્વાર અપોતાના અનુભવો અને અનુભૂતિઓને વ્યકત કરતાં રહે છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસે, સંપાદક, ગદ્ય સાહિત્ય વિભાગ, વેબ ગુર્જરી


વૈશાલી રાડિયાના સંપર્ક માટેનું વિજાણુ સરનામું : vaishaliradiabhatelia@gmail.com

5 comments for “હું તમને ચાહીશ

 1. Niranjan Korde
  July 9, 2019 at 8:09 am

  પ્રસંગ નાનો પણ ખૂબ સુંદર છે. વેબગર્જરીના સંપાદક શ્રી ભારતીય સેના તથા BSF માં એક વીર યોદ્ધા રહી ચૂક્યા છે. તેમના પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભારતીય સેના ના કારણે આપણે કેટલા સુરક્ષિત છીયે.
  ખેર, આપણા કોલેજ અભ્યાસ ક્રમ માં કમસે કમ ૧ મહિનાની ભારતીય સેના સાથે તાલીમ ફરજીયાત કરવામાં આવે તો આપણી સેના અને આપણા ભારત દેશ માટે ભકિત નો ભાવ આવે અને શિસ્ત પણ આપોઆપ આવે.

  • Vaishali Radia
   August 19, 2019 at 10:53 pm

   નમસ્તે સર
   આપણે આવા પ્રકારની તાલીમનો દેશમાં માહોલ નથી પણ વિમલસરે કહ્યું તેમ સેનાનો પરિચય મળે તો કદાચ એ માહોલ બનવાની શક્યતા રહે. વંદેમાતરમ ??

 2. vimla hirpara
  July 10, 2019 at 6:50 am

  નમસ્તે વૈશાલીબેન તથા નિરંજનભાઇ, આપની વાત બરાબર છે કે દરેક સ્નાતકને આ ફરજીયાત બીજા વિષયોની જેમ આર્મીકેમ્પની તાલીમ આપવી જોઇએ. ભલે બધાને રણમોરચે જવાનું નહોય. પણ એમને સેનાના શસ્ત્રો, સૈનીકો
  ,એમના કામ,આપણી સરહદો વિષેનું સામાન્ય જ્ઞાન હોવું જોઇએ. તો જ લોકોને સેનાના જવાનોના કામની કદર થાય. એમનો ત્યાગ ને બલિદાન પ્રજા સમજે. આજે આપણા સરહદના સીમાડા સાચવીને બેઠેલી સેના કે જેને ભંરોસે આપણે નિરાંતે ઉંઘીએ છીએ એ સેના વિષે સામાન્ય નાગરીકોમાં ઘોર અજ્ઞાન પ્રવર્તે છે. કદાચ એકાદ બે પેઢી પહેલા બાળકોને શિસ્તમાં રાખવા કે બીવડાવવા માટે પોલીસના નામનો ઉપયોગ થતો. એ કારણથી આપણે આ યુનીફોર્મથી દુર રહેવામાં જ સલામતી સમજીએ છીએ. આ બીક કે ગેરસમજણ દુર કરવા આર્મી ને આપણા જવાનોની કાર્યવાહી વિષે સાચુ જ્ઞાન મળે એ જરુરી છે.

  • Vaishali Radia
   August 19, 2019 at 10:50 pm

   નમસ્તે સર,
   આપની વાત બિલકુલ સાચી છે. વંદેમાતરમ ??

 3. Vaishali Radia
  August 19, 2019 at 11:07 pm

  કૅપ્ટન નરેન્દ્રસરની તો હું કાયમ ઋણી રહીશ. અને આપ સૌ એમની યુદ્ધગાથા ‘જિપ્સીની ડાયરી’ વાંચી હશે. ન વાંચી હોય તો ચોક્કસ વાંચશો. તેમજ એમની યુદ્ધગાથાની એ સત્યવાતને મેં વાર્તા સ્વરૂપે આલેખી છે. જે ‘રાવી જ્યારે રક્તરંજિત બની’ શીર્ષકથી ગુજરાતીની પ્રતિલિપિ, માતૃભારતી તેમજ સ્ટોરીમિરર એપ પર ઉપલબ્ધ છે, જે વાંચવા સૌને નમ્ર વિનંતી.
  વંદેમાતરમ ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *