ગઝલાવલોકન -૧૦ – માનવીનો મિજાજ

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

મેલું ઘેલું મકાન તો આપો !
ઘૂળ જેવુંય ધાન તો આપો.

સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.

થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !

બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.

સુખના બેચાર શ્વાસ તો આપો !
જિંદગાની ભાસ તો આપો !

મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો !

મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !

માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો !

                                                – અમૃત ‘ઘાયલ’

ઘાયલ સાહેબનો મિજાજ આ ગઝલમાં પૂરબહાર ખીલ્યો છે. કોઈ પણ શેર સમજાવવો પડે તેવો અઘરો નથી. પણ આ ગઝલ સાંભળતાં જ આધુનિક માનવજીવનની કરૂણતા પર આક્રોશ ઉભરાઈ આવ્યો. આજના જમાનાથી પચાસેક વર્ષ પહેલાં ઘાયલ સાહેબે હૈયે હૈયુ દબાય તેવી ભીડમાં પણ એકલતા અનુભવતા આજના માનવીની મજબૂરી બહુ વ્યથાથી આલેખી છે. ગરીબ હો કે તવંગર… દરેકના જીવનમાં કદી ન ભરાય એવો ખાલીપો ભરપૂર ભરેલો છે! કશું ન હોય અથવા દોમ દોમ સાહ્યબી હોય તો પણ આધુનિક જીવન કેમ આવું ખાલીખમ હોય છે? હવે તો અન્યોન્ય સમ્પર્ક માટે અવનવા સોશિયલ મિડિયાની માયાજાળ એક જ ક્લિકે હાજર થઈ જાય છે. અને છતાં માણસ એકલતામાં સોરાય છે. પોળના ઓટલે કે બગીચાના બાંકડે બેસી ગપસપની મજાઓ ક્યાં શોષાઈ ગઈ છે? મતલબ સિવાયની વાતો કેમ સાવ વ્યર્થ લાગતી થઈ ગઈ છે?

વિકાસની દોડમાં ચકચૂર સમાજ કેમ સાવ ચહેરા વિનાનો બની ગયો છે? – જાણે કે રોબોટ સમાજ ! આવતાં દાયકાઓમાં આ પ્રક્રિયા વધારે ને વધારે ભીષણ બનતી જશે, તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. કુટુમ્બ જીવનમાં પણ કોઈને શાંતિ નથી. છૂટા છેડા અને ઉષ્મા વિહીન લિવ-ઈન સંબંધોમાં માનવતા ખોવાઈ રહી છે.

તમે જ કહો – ‘ઘાયલ સાહેબનો આ મિજાજ આપણને હલાવી શકે ખરો?’


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “ગઝલાવલોકન -૧૦ – માનવીનો મિજાજ

  1. July 10, 2019 at 10:52 pm

    Wahhh khoob Saras jani saheb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *