ટાઈટલ મ્યુઝીક : ૧૩ : મીરા (૧૯૭૯)

– બીરેન કોઠારી

કેટલાંક પાત્રો ઈતિહાસનો ભાગ મટીને ક્યારે દંતકથાનો હિસ્સો બની જાય છે એ કહેવું મુશ્કેલ હોય છે. આવાં પાત્રો લેખકોને સદાય આકર્ષતાં રહે છે, અને તેમના જીવનને એક યા બીજા દૃષ્ટિકોણથી દર્શાવવાનો પ્રયત્ન તેઓ કરે છે. કૃષ્ણના પાત્રને કાલ્પનિક ગણીએ તો પણ કબીર, ગાલિબ, મીરા જેવાંઓના જીવનને જાણવા-નાણવાનો પ્રયાસ વખતોવખત થતો રહે છે.

લેખક-ગીતકાર-દિગ્દર્શક ગુલઝારે ‘મિર્ઝા ગાલીબ’ નામે અદ્‍ભુત ટી.વી. ધારાવાહિક બનાવીને ગાલિબના પાત્રને પોતાની દૃષ્ટિએ ઉપસાવી આપ્યું, જેને પડદા પર નસીરૂદ્દીન શાહે પૂરેપૂરો ન્યાય આપ્યો.

આ અગાઉ તેમણે ‘મીરા’ નામની ફિલ્મ બનાવી હતી, જેની રજૂઆત 1979માં થઈ હતી. મીરાની કથામાં રહેલા ચમત્કારો અને દંતકથાના તત્ત્વોને ઉજાગર કરવાને બદલે તેમણે મીરાની ત્યાગ, સમર્પણ અને ભક્તિની ભાવના ઉજાગર કરવાને પ્રાધાન્ય આપેલું. ક્યાંક વાંચેલું કે તેમના મનમાં આ ભૂમિકા માટે હેમામાલિની નક્કી જ હતી. હેમામાલિની ઉપરાંત વિનોદ ખન્ના, શ્રીરામ લાગૂ, ભારતભૂષણ, ઓમ શિવપુરી, દીના પાઠક જેવા જાણીતા કલાકારોની સાથોસાથ અકબરની મહેમાન ભૂમિકામાં અમજદ ખાન પણ હતા.

‘મીરા’ ફિલ્મ કદાચ ટિકીટબારી પર એટલી સફળ નહોતી રહી. મને એ દૂરદર્શન પર જોવાનો મોકો મળેલો. મીરાનાં ભજનો અગાઉ ઘણી ગાયિકાઓના અવાજમાં સાંભળેલાં છે. પણ આ ફિલ્મમાં એ તમામ ભજનો વાણી જયરામના સ્વરમાં સાંભળવાની જુદી મઝા છે. ‘હરિ ઓમ’ નો આલાપ ગણીએ તો બધું મળીને કુલ તેર ગીતો આ ફિલ્મમાં હતાં. ‘મેરે તો ગિરિધર ગોપાલ’ (બે વખત- બીજી વાર દિનકર કૈંકીણી સાથે), ‘બાલા મૈં તો બૈરાગન હૂંગી’, ‘કરુણા સુનો શ્યામ મોરી’, ‘રાણાજી મૈં તો ગોવિંદ કે ગુણ ગાસૂં’, ‘શ્યામ મને ચાકર રાખો જી’, ‘મૈં સાંવરે કે રંગ રાંચી’, ‘જાગો બંસીવારે લલના’, ‘પ્યારે દર્શન દીજો આય’, ‘મૈં બાદલ દેખ ડરી’, ‘જો તુમ તોડો પિયા’, ‘કરના ફકીરી’, અને ‘એ રી મૈં તો પ્રેમ દિવાની’.

આ ફિલ્મની લોન્‍ગ પ્લે રેકર્ડ પણ અમારી પાસે છે, જે સ્ટિરીયોફોનિક સાઉન્ડમાં ધ્વનિમુદ્રિત થયેલી હતી. ત્યારે એવી રેકર્ડ જૂજ પ્રમાણમાં બહાર પડતી.

(‘મીરા’ની એલ.પી.રેકર્ડનું કવર)

આ ફિલ્મમાં સંગીત ખ્યાતનામ સિતારવાદક પંડિત રવિશંકરનું છે. ‘મીરા’ના ટાઈટલ મ્યુઝીકમાં તેમણે કમાલ કરી છે. સંપૂર્ણપણે ભારતીય શાસ્ત્રીય સંગીતનાં વાદ્યો વડે પંડિત રવિશંકરે આખી ટાઈટલ ટ્રેક રચી છે. વાણી જયરામના સ્વરમાં, પંડિત રવિશંકરે સ્વરબદ્ધ કરેલાં આ ફિલ્મનાં ભજનો https://www.youtube.com/watch?v=RFI06bErr8c પર સાંભળી શકાશે. પં. રવિશંકરના સંગીતની કમાલ આ એકે એક ભજનમાં જણાઈ આવે છે. આ ભજનો અગાઉ અનેક વખત સાંભળ્યાં હોય તો પણ વધુ એક વાર વાણી જયરામના સ્વરમાં અને પં. રવિશંકરના સંગીતમાં સાંભળ્યા વિના ચાલે એમ નથી.

(વાણી જયરામ)

ફિલ્મનાં ટાઈટલ 0.49 થી આરંભાય છે. અપેક્ષા મુજબ જ સિતારવાદનનું પ્રાચૂર્ય છે, પણ તેની સમાંતરે વાંસળી, સારંગી, બદલાતો જતો તાલ તેમજ કોરસ અદભુત સાયુજ્ય રચે છે.
છેલ્લા ભાગમાં વિલીન થતા જતા સિતારવાદન સાથે 3.28 પર આખી ટ્રેકનું સમાપન થાય છે. અહીં કયા વાદ્ય પછી શું આવે છે એ પકડવું કાન માટે મુશ્કેલ છે, છતાં જે દિવ્યતાનો અનુભવ થાય છે એ અદભુત છે. વિશુદ્ધ ભારતીય શાસ્ત્રીય વાદ્યો વડે સંગીત આપવાની પરંપરા પંડિત રવિશંકરે આ ફિલ્મમાં પણ જાળવી રાખી છે.

(પં. રવિશંકર)

અહીં આપેલ વિડીયો ક્લિપમાં લીન્‍કમાં 0.49 થી 3.28 સુધી ટાઈટલ મ્યુઝિક સાંભળી શકાશે.


(તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.