ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય [૧]

Facebooktwitterredditpinterestlinkedinmail

રેખા સિંધલ

એક બાજુ ઉકળતા પાણીના ગરમ ઝરણાં અને બીજી બાજુ ઓગળેલી હિમનદીઓના વહેતા ઠંડાગાર નીર વચ્ચે ધરતીના હૈયામાં વહેતા લાવા અને ગરમ વાયુના દબાણને કારણે ઊંચે ઊછળતા ગરમ પાણીના અનેક ફૂવારાઓથી શોભતી અદભૂત સૌંદર્યવાન ધરતીના ખોળે રમતા જંગલી હરણાં, રીંછ, વરૂ, બાઈસન, જેવા પશુઓ તેમ જ સુંદર નાક નકશી જેવી કોતરોમાં થઈ વહેતા વેગે વહેતા ઠંડા પાણીના પ્રવાહો પર રમતા હંસ, બતક અને જળકૂકડી જેવા જળચર પંખીઓના ફરફરાટ સંગે ઝૂમતી યલોસ્ટોન નેશનલ પાર્કની આ સર્વાંગ સુંદર ધરતીના સાન્નિધ્યનો અવર્ણનીય અને અકલ્પ્ય લ્હાવો સપ્ટેમ્બર ૨૦૧૭ના ત્રીજા અઠવાડીયે મળ્યો.

સન ૧૮૦૬માં આ પ્રદેશનું વર્ણન લખી મોકલનાર પ્રવાસી જૉન કોલ્ટરને ગપ્પાંબાજ કહી તેની વાતને કપોલકલ્પિત માની અવગણવામાં આવી હતી! આ વાંચનાર તેના અમેરીકન તંત્રીએ લેખકને ફક્ત સત્ય લખી મોકલવા અનુરોધ કરેલ! માન્યામાં ન આવે તેવા સૃષ્ટિના આ સત્યને મારી કલમે લખતાં પૂરતો ન્યાય આપી શકાય તેમ તો નથી છતાં મેં જે જોયું, જાણ્યું અને અનુભવ્યું તેનો ચિતાર નિષ્ઠાપૂર્વક લખવાનો આ પ્રયત્ન છે.

[૧]

૧૮૭૨માં અમેરીકાના સૌ પ્રથમ નેશનલ પાર્ક તરીકે જાહેર થયેલ યલોસ્ટોન નામનો આ સુવિખ્યાત વિસ્તાર વાયોમિંગ, મોન્ટાના અને આઈડાહાે નામના ત્રણ રાજ્યો વચ્ચે ૩૫૦૦ ચોરસ માઈલમાં પથરાયેલ છે.

પાર્કના પશ્ચિમ દરવાજેથી અમે દાખલ થયા અને માહિતી તથા માર્ગદર્શન માટેનું દૈનિક છાપું લીધું જેમાં હવામાન સાથે સ્થળો વિષેની માહિતી નકશો અને પ્રવાસીઓ માટેના કાર્યક્રમોનો સમય ઉપરાંત જરૂરી બધી જ નોંધપાત્ર માહિતી હતી. ધ્યાન ખેંચે એવા બે લખાણ જે નજરે ચઢ્યા તેમાં એકમાં ચેતવણી અને બીજામાં અપીલ હતી જ્યાં લખ્યુ હતું કે “EXPERIENCE IT TODAY. PRESERVE IT FOR ALWAYS.”

પ્રથમ ચેતવણી વાંચીને થોડી બીક લાગી પણ હજારો પ્રવાસીઓની આવનજાવન વચ્ચે ભય ઓસરી જશે એમ વિચાર્યું.  દોડતી કારને સલામત માનીને અમે સફર શરૂ કરી. આ સલામતી પણ છેલ્લા દિવસે જોખમમાં મૂકાયેલ એ સનસનાટીભર્યા અનુભવની વાત કરતાં પહેલાં કેટલાંક સ્થળોના રોમાંચક અનુભવો મારે કહેવા છે.

ઉતારા માટે હોટેલને બદલે જંગલમાં ઝૂંપડી જેવી લાગતી એક લાકડાની કેબીન અમે AirBnB નામની વેબસાઈટ પરથી ફોટાઓમાં આસપાસનું સૌંદર્ય જોઈને બુક કરેલી. આ પહાડી સૌંદર્ય નજરે જોઈને દિલ ખૂશ થઈ ગયું. ફોટાઓ કરતાં ઘણું સુંદર બર્ફીલું વાતાવરણ હતું પણ કેબીનની અંદર સ્વચ્છતાનું ધોરણ ધાર્યા કરતાં નીચું હતું. વળી ઠંડી પુષ્કળ અને હીટર માટે માલિકને કેટલાય ફોન કરવા છતાં અમારા રૂમ સુધી તેની હૂંફ પહોંચી નહી. હતાં તેટલા ઓઢવાના ઓઢ્યા છતાં રાત આખી ઠંડીમાં ધ્રૂજ્યા. સવારે ત્યાંથી નીકળ્યા ત્યાર પહેલાં પાર્કની નજીકની એક હોટેલમાં બુકિંગ કરાવી લીધેલ પરંતુ રાતનો ઉજાગરો અને આગલા દિવસની મુસાફરીના થાકને કારણે ઉત્સાહ ઓસરી ગયેલ છતાં સમય વેડફવો યોગ્ય ન જણાતાં ટુરિસ્ટ સેન્ટરમાંથી નકશા સાથે માહિતી લઈ પ્રયાણ કર્યુ.

લીલી હરીયાળી વચ્ચે સર્પાકારે બનાવેલા ડામરના રસ્તાઓ પર અલગ અલગ નામો સાથેના કુદરતી ગીઝર તરફ દોરી જતા પાટિયાઓને અનુસરતા વિસ્મયભરી આંખે ગરમ પાણીના ઉડતા ફૂવારાઓની વરાળમાં હૂંફની ઉમ્મીદ સાથે નજીક જવા માટે જેમ જેમ અમારી કાર આગળ વધતી હતી તેમ તેમ ઉત્સાહનો સંચાર થવા લાગ્યો. ઊની વરાળોના ઊંચે ઉઠતા વાદળો જોવા ગોળ ફરતી રેલીંગ પર લોકોને જોઈ અમે કાર પાર્ક કરી નીચે ઉતર્યા અને અન્ય પ્રવાસીઓ સાથે વર્તૂળાકારે ચાલવા લાગ્યા. સલામતિ માટે અમુક અંતરથી આગળ ન જવા માટેની સૂચનાઓના પાટિયાઓ વાંચી દાઝી જવાના જોખમનો ખ્યાલ આવ્યો.

ઊડીને આંખે વળગે તેવા તળાવ સમ ઉકળતા ચરૂમાંથી ફૂટતા ગરમ પાણીના ઝરણ પરથી આસમાને ઉડતી વરાળના વાદળો તુરત વિખરાઈને હવા સાથે ઓગળી જતા ખૂબ નજીકથી જોયાં. ધરતીના અલગ અલગ બિંદુએ પ્રગટ થતું આ અચરજભર્યુ દૃશ્ય મન ભરીને નિહાળી શકાય તેવી વ્યવસ્થાને કારણે આસાનીથી ખૂબ નજીક જઈ શકાતું હતું. સલ્ફ્યૂરીક એસીડની તીવ્ર વાસને કારણે વધુ વાર ઉભાં નહીં રહી શકાય તેમ જણાયું અને આગળ જવા માટે નકશામાં જોયું તો અનેક જુદા જુદા વિસ્મય ઉપજાવે તેવા પાણીના અનેક સ્વરૂપો પાંચથી પચાસ માઈલના વિસ્તારમાં પથરાયેલા હતા. 

પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા અને ઉકળતા લાવાને કારણે અલગ અલગ સ્થળોએ અલગ અલગ ભૂ-તાપીય વિશેષતાઓ અહીં જોવા મળી જેમાં ગરમ પાણીના ઝરા, ફૂવારા, કીચડ જેવી ખદખદતી માટીના મોટા મોટા કૂંડ જેવા ખાડાઓ વિગેરે અહીં આશરે ૧૦,૦૦૦ જેટલા હોવાનું મનાય છે.  તેમાંના આકર્ષક એવા કેટલાંક પ્રવાસીઓને નિહાળવા માટેની સુવિધા સાથે ખૂલ્લા માર્ગે આવેલા છે. કેટલીક જગ્યાએ પાણીની ઊની ઊની વરાળોના ઊંચે ઉઠતા વાદળો સાથે હસ્તધૂનનનો અનેરો આનંદ અમે માણ્યો. 

આશરે ૧૧૦૦૦ હજાર વર્ષ પહેલાંથી માનવો અહીં આસપાસ વસતા હશે એવા પુરાવાઓ મળ્યા છે પરંતુ દઝાડી દે તેવા ઊકળતા પાણીના આ સ્વરૂપોને નર્ક માની દૂર રહેવાની માન્યતા યુગો સુધી પ્રચલિત હતી. હાલમાં વૈજ્ઞાનીક સત્ય થકી ડરની જગ્યાએ સાવચેત રહેવાના પ્રચાર માટેના પાટિયા ઠેર ઠેર હતા.

આ પ્રથમ અને વિશાળ નેશનલ પાર્કના પ્રખ્યાત એવા કેટલાંક સ્થળોની વિસ્મયજનક હકિકતો જાણી-માણીને હજારો વર્ષોના વહેણમાં ઝબોળાઈ અસ્તિત્વને પાવન કરતા હોઈએ એવી ભૂમિયાત્રાએ અમને કોઈ અલગ જ પ્રદેશ પર વિહરતા હોઈએ એવી અનુભૂતિ કરાવી.

અલગ અલગ ઉષ્ણતામાને બદલાતા પાણીના અલગ અલગ સ્વરૂપો બરફ અને વરાળ વચ્ચે રમતા બુંદો થકી સૃષ્ટિ પર એક અલગ પરિમાણ રચે છે. ધરતીમાંથી આશરે ૧૫૦ ફૂટ ઊંચે ઉછળતા ઉકળતા પાણીના ફૂવારાની આવી એક અદ્ભૂત રચના જોવા અમે જ્યારે Old Faithful નામના એક સ્થળે ઊભા રહ્યા ત્યારે જ ઝરમર બરફ વરસવાની શરુઆત થઈ. એક હજાર લોકો ગોળાકારે ઊભા શકે તેવા મસમોટા ખૂલ્લા પ્રાંગણમાં બેસીને કુદરતની આ લીલા જોઈ શકાય તે માટે કેટલાંક બાંકડાઓ પણ ગોઠવેલા હતા.  રેસ્ટોરન્ટ અને ગીફ્ટ શોપની પાછળના ભાગમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી.  લગભગ દર ૯૦ મિનિટે ફૂટતા અને ઉકળતા પાણી સાથે ૧૦૦ થી ૨૦૦ ફૂટ ઊંચે ઊછળી તેની વરાળથી આભને આંબવાનો પ્રયત્ન કરી બે-પાંચ મિનિટમાં ફરી ધરતીમાં સમાઈ જતા આ ફૂવારા દરેક વખતે આશરે ૫૦૦૦ ગેલનથીય વધારે પાણીની ગરમ ગરમ છોળો ઉછાળતા હતા જેનું તાપમાન આશરે ૧૯૦ ડીગ્રી ફેરનહીટ જેટલું હોવાનું મનાય છે. લાંબા કાળથી નિયમિત રીતે પ્રગટ થતાં આવા કેટલાંક ફૂવારાઓના સમયની આગાહી કરી શકાતી હોવાથી તેને  ‘ઓલ્ડ ફેઈથફુલ’ નામ આપવામાં આવ્યું .

ઓલ્ડ ફેઈથફુલ

વધુમાં વધુ દસ મિનિટના દર્શનનો લાભ આપતો આ ફૂવારો ઘણીવાર સમયની અટકળ કરતાં ૧૫-૨૦ મિનિટ વહેલો-મોડો થતો રહેતો હોઈ અમે રાહ જોતા હતા તે દરમ્યાન બરફનો વરસાદ વધવા લાગ્યો.  તેની શુભ્ર ઠંડકથી આછી ધ્રૂજારી અનુભવાતી હતી. થોડી વારમાં આભમાંથી વરસતા બરફના ફોરાં અને એ જ સમયે ધરામાંથી ફૂટતા ઉકળતા પાણી શીકરોએ એક અદ્‍ભૂત સૃષ્ટિ રચી. બરફની સફેદી અને ઊની ઊની વરાળના વાદળા વચ્ચે ૧૫૦ થી વધારે ફૂટ ઊંચે સુધી ઉઠતા ગરમ પાણીના ફૂવારાનું આવું અદ્‍ભૂત સ્વરૂપ અમે કદી નજરે નિહાળ્યું ન હતું.  ૪૦૦ થી ૫૦૦ યાત્રીઓ આશ્ચર્યથી દંગ થઈ હર્ષની ચિચિયારીઓથી ગગન ગજાવવા લાગ્યા. જ્યારે જાણ્યુ કે સાત આઠ મિનિટનો જ આ ખેલ છે ત્યારે આ દ્રશ્યને વિડિયો કેમેરામાં કેદ કરવામાં સમય ગુમાવવા કરતા મન ભરીને નિહાળ્યા કરવાની તરસને છિપાવવા મથ્યા. થોડી પળોમાં બરફનો વરસાદ વધવા લાગ્યો અને ફૂવારો શમવા લાગ્યો ત્યારે ઓવરકોટ પર બરફને ઝીલતા અમે પાછા ફરતી વખતે જાણ્યુ કે બરફને કારણે રસ્તાઓ જોખમી હોઈને બંધ થવા લાગ્યા છે.  ઉતાવળે અમે પાર્કના મુખ્ય દરવાજાની નજીક આવેલા માનવ વસ્તીથી ધમધમતા સુરક્ષિત સ્થળે પહોંચ્યા ત્યારે સાંજ ઢળવાની તૈયારી હતી.

વૈજ્ઞાનિકોએ લખેલા માહિતી લેખોના બોર્ડ ઠેકઠેકાણે હતાં. તે પરથી જાણ્યુ કે આ પાર્કમાં ગરમ પાણીના નાના મોટા થઈ લગભગ ૩૦૦ જેટલા ફૂવારાઓ અવારનવાર ફૂટતા રહે છે જે આખી પૃથ્વી પરના કુલ ગીઝર (ગરમ પાણીના ફૂવારાઓ)ના અડધાથી પણ વધારે છે. આ ફૂવારાઓને કુદરત ક્યારે બંધ કરી દે અને ક્યારે વિસ્ફોટ સાથે ઊંચે આભને આંબવા ઉછાળે તે નક્કી નહી. આ પ્રક્રિયા હજારો યુગોથી સમયાંતરે ચાલ્યા જ કરે છે. કેટલાંક વિસ્ફોટનું અનુમાન વૈજ્ઞાનીકો કરી શકે છે જે મોટે ભાગે સાચું પડે છે અને કેટલાંક ગીઝર વર્ષોથી અપ્રગટ છે.  દર પાંચ મિનિટ થી માંડી દર પાંચ-સાત કલાકે ફૂટતા અને ૨૫ થી માંડી ૨૫૦ ફૂટ ઊંચે ઊછળતા તેમજ હજારો ગેલન ઉકળતા પાણીને બહાર ફેંકતા આ ફૂવારાઓમાંના કેટલાંક વર્ષો સુધી ધરતીના પટ તળે નીચે ઉકળ્યા કરે છે.  ગીઝર્સના ફેલાવાના આકાર તેમ જ વિસ્ફોટ પહેલા અને પછીના અવાજો, સમયનો ગાળો, ઊંચાઈ વિગેરે વિશેષતાઓને આધારે અલગ અલગ નામો આપવામાં આવ્યા છે. દા.ત. સ્ટીમબોટ, ઓલ્ડ ફેઈથફુલ,બીહાઈવ, સ્પેન્ડીડ, લાયન ગ્રૂપ, ગ્રાન્ડ, જાયન્ટ, ટર્બન, ડેઈઝી, સોલીટરી, રીવરસાઈડ વિગેરે… વિગેરે….

આ બધામાં સ્ટીમબોટ ગીઝર જગતનું સૌથી મોટું ગણાય છે અને કેટલા વર્ષો બાદ દેખા દે તે કહી શકાય નહી. છેલ્લે ૨૦૦૩ની એપ્રીલની ૨૭મીએ ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઉછળી દસ મિનિટ સુધી લોકોને મંત્રમુગ્ધ કરી શમી જઈ બંધ છે જે હવે કદાચ વર્ષો સુધી ધરતીના પેટાળમાં ઉકળ્યા કરશે ક્યારેક કદીક વરાળનું દબાણ વધશે તો સીસકારા કે ત્રાડ જેવા અવાજ સાથે ધોધમાર ઓચિંતું જ ફૂટી ઊંચે ઉછળી સૃષ્ટિને આશ્ચર્યમુગ્ધ કરશે. ભલે પછી તે થોડી મિનિટો માટે જ કેમ ન હોય!

West thumb નામના નજીકના બીજા એક સ્થળે પણ રસ્તો બંધ થાય તે પહેલાં જઈ શકાયું હતું. તે માટે કુદરતનો આભાર માનતા અમે ધરતીએ રચેલા પ્યાલા આકારના મોટા તળાવ જેવા ખાડાઓમાં રંગબેરંગી ગરમ પાણીના ખદખદતા કુંડાળાઓ જોઈ આશ્ચર્યમુગ્ધ થઈ તેનું રહસ્ય પામવા મથી રહ્યા.

વેસ્ટ થંબ એ હથેળી આકારના યલોસ્ટોન તળાવનો અંગૂઠા આકારનો નીચે આવેલ પ્રદેશ છે આ તળાવ નોર્થ અમેરિકાનું પર્વત પરનું સૌથી મોટું તળાવ ગણાય છે. આ તળાવનું ખૂબ ઠંડુ પાણી હિમ નદીની નીપજ છે જ્યારે તળાવની જગ્યા જવાળામુખીના લાવા-અગ્નિની ઉત્પતિ છે. ૬,૪૦,૦૦૦ વર્ષો પહેલાં અહીં જવાળામુખી ફાટ્યો હશે તેમ મનાય છે અને ૧૪૦૦૦ વર્ષો પહેલાં છેલ્લી હિમશિલા ઓગળી હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. લાવા અને બરફની આ ચમત્કૃતિ જુવો. એકતરફ થીજી જવાય તેવું ઠંડુ પાણી વહે છે તો બીજી તરફ લાવારસ ઉપર ઉકળતા પાણીના જબ્બર મોટા ચરૂઓ ઉભરાય છે. શીતળતા અને ઉષ્ણતાની પરાકાષ્ઠા વચ્ચે પણ અહીં જે જીવસૃષ્ટિ ઉછરે છે તે પણ કુદરતની એક ચમત્કૃતિ છે.


પ્રવાસના બીજા દિવસનું વર્ણન તા. ૨૧ -૭-૨૦૧૯ના રોજ


રેખાબહેન સિંધલનાં સંપર્કસૂત્રોઃ
ઈ-મેલઃ rekhasindhal@comcast.net
બ્લૉગઃ અક્ષયપાત્ર


1 comment for “ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય [૧]

  1. Purvi
    July 7, 2019 at 7:52 pm

    Aati sundar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *