હુસ્ન પહાડી કા – ૯- રોશન નાગરથના પહાડી ગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

સખી રી મેરા મન ઉલઝે તન ડોલે /\ રહેં ન રહેં હમ મહકા કરેંગે

– ભગવાન થાવરાણી

પ્રથમ અઘરા ચડાણો સર કરી ઊંચાઈને આંબો
પહાડી  આપમેળે  એ  પછી  પસવારશે તમને ..

હિંદીમાં એક અનોખો શબ્દ છે  ‘ बतरस ‘ . વાતોનો આનંદ. આપણી ભાષામાં એને વાતોડિયાપણું, ગપાટા મારવા, ચોવટ કરવી, તડાકા મારવા, અલક-મલકનું હાંકવું કે પંચાત કરવી વગેરે અનેક શબ્દ-સમૂહો દ્વારા વર્ણવી શકાય. અંગ્રેજીમાં તો આવા વાતચીતના શોખીન અથવા નિષ્ણાંત માટે  CONVERSATIONALIST ( વાતચીત-શાસ્ત્રી ! ) જેવો શબ્દ પણ પ્રયોજાયો છે. આ વાતચીત અંગેની  ‘ વાતચીત ‘ ઉખેડવાનું કારણ કેવળ એટલું કે અહીં આ લેખમાળામાં કોઈને ઉદ્બોધન કે ઉપદેશ આપવાનું પ્રયોજન છે જ નહીં. મિત્રો, સહ-રસિકો સાથે તો વાતો, ગપાટા હોય અને એમાં તો વિષયાંતર પણ થાય. શક્ય હોય ત્યાં સુધી મુખ્ય વિષયની ધરી પકડી રાખીને એના પરિઘ સૂધી આંટો મારી આવવાનો હોય. અહીં એ ધરી રાગ પહાડી છે.

આજે વાત કરવી છે સંગીતકાર રોશનલાલ નાગરથ ઉર્ફે રોશનના પહાડી ગીતો વિષે. માત્ર ૫૦ વર્ષનું સુરીલું આયુષ્ય ભોગવીને વિદાય થયેલા આ  ‘ મીઠાશના મહારાજા ‘ ને નવી પેઢી કદાચ ઓળખતી પણ હશે તો  ‘ ઋત્વિક રોશન ‘ ના દાદા તરીકે અથવા વધીને  ‘ રાકેશ – રાજેશ રોશન ‘ ના પિતા તરીકે ! અફસોસ ! આ એમની સાચી ઓળખ નથી. હોવું જોઈએ આથી સાવ ઊલટું.

માત્ર ૧૭ વર્ષની ટુંકી કારકિર્દીમાં ૫૩ જેટલી ફિલ્મોમાં  ‘ અધધધ ‘ મધુરપ પીરસતું સંગીત પીરસનાર રોશનની સંગીતની દ્રષ્ટિએ સફળ ફિલ્મો અનેક પણ વ્યાવસાયિક રીતે પણ કામિયાબ નીવડેલી જણસો ગણીએ તો બરસાત કી રાત, તાજ મહલ, ભીગી રાત, દાદી મા અને મમતા સૂધી પહોંચતાં કહાની ખતમ થઈ જાય !

એક બીજી વાત. આપણે નૌશાદ, શંકર-જયકિશન, સી. રામચંદ્ર, મદન મોહન અને ઓ. પી. નૈયર જેવા દિગ્ગજોની ઉત્તરાવસ્થા અને એ દરમિયાનની એમની નબળી ફિલ્મોની અને એ માટેના કારણોની વાત કરતા હોઈએ છીએ. રોશન અને એમના જેવા કેટલાક સંગીતકારો માટે એ નબળો ગાળો આવ્યો જ નહીં ! એમની અંતિમ પાંચ ફિલ્મો સંગીતની દ્રષ્ટીએ મૂલવી જૂઓ  :  દેવર, મમતા, બહુ બેગમ, નૂરજહાં, અનોખી રાત !

એ કવ્વાલીના શહેનશાહ હતા, એ ફ્લ્યૂટ – વાંસળી પાછળ એવા પાગલ હતા કે એ વાધ્યના  ઉપયોગ વિનાનું એમનું કોઈ ગીત દીવો લઈને શોધવું પડે અને, દરેક હિંદુસ્તાની રાગનો પ્રચૂર ઉપયોગ કર્યો હોવા છતાં  યમન-કલ્યાણ રાગમાં નિબદ્ધ બંદિશોના એ ઉસ્તાદ કહેવાતા. એમની છેલ્લી ફિલ્મ  ‘ અનોખી રાત ‘ ના નિર્માણ દરમિયાન જ એમનું અવસાન થતાં ફિલ્મનું પાર્શ્વ-સંગીત અને એક ગીત  ‘ મહેલોં કા રાજા મિલા કે રાની બેટી રાજ કરેગી ‘ એમના સંગીતજ્ઞ પત્ની ઈરા રોશને સર્જેલું.

આજે એમના બે અમર પહાડી ગીતો એટલે કે  ‘ ચિત્રલેખા ‘ – ૧૯૬૪ નું  ‘ સખી રી મેરા મન ઉલઝે તન ડોલે ‘ અને  ‘ મમતા ‘ – ૧૯૬૬ નું  ‘ રહેં ન રહેં હમ મહકા કરેંગે ‘ વિષે વાત કરીશું. બન્ને છે તો લતા-ગીત પરંતુ  ‘ મમતા ‘ વાળા ગીતનો એક નાનકડો હિસ્સો મોહમદ રફી – સુમન કલ્યાણપૂરના અવાજમાં પણ છે.

પહેલાં  ‘ ચિત્રલેખા ‘ ના ગીતની વાત અને એ પહેલાં એ ગીતના સાહિર લૂધિયાનવી રચિત વિશુદ્ધ હિંદી શબ્દો :

सखी री मेरा मन उलझे तन डोले
मन उलझे तन डोले
अब चैन पड़े तब ही
जब उनसे मिलन हो ले ..

लाख जतन करूँ ध्यान बटे ना
ये रसवंती रैन कटे ना
पवन अगन-सी घोले ..

साँस भी लूँ तो आँच – सी आए
कंचन काया पिघली जाए
अधरों में तृष्णा बोले ..

अलकें बिखरें आँचल ढलके
अंग – अंग से मदिरा छलके
यौवन बाँहें खोले …

‘ ચિત્રલેખા ‘ કેદાર શર્માએ બે વાર બનાવી. ૧૯૪૧માં બનાવેલી સુપર હીટ નીવડી અને ૧૯૬૪ની સુપર ફ્લોપ ! અને આ નિષ્ફળતા મીનાકુમારી, અશોકકુમાર, પ્રદીપકુમાર અને મહમૂદ જેવા સેલેબલ કલાકારોની મોજુદગી છતાં ! મજાની વાત એ કે આ જ કલાકારો અને રોશનને લઈને એ પછીના જ વર્ષે આવેલી  ‘ ભીગી રાત ‘ હીટ ગઈ. કારણો બે. એક તો એ કે આ પ્રકારની ઐતિહાસિક પોશાક ફિલ્મોનો યુગ રહ્યો નહોતો અને બીજું, ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારો એમની ભૂમિકાઓ માટે વધુ ઉમરવાન, વધુ પાકટ હતા. જે ફિલ્મ અને જે નાયિકા શરીર, ભોગ-વિલાસ, યૌવન અને નૃત્યનો મહિમા કરતી હોય એ માટે મીનાકુમારી કેમ ચાલે ! એ અત્યંત કુશળ અને ભાવ-પ્રવણ અભિનેત્રી હોવા છતાં ! આપણને દયા બિચારા રોશનની આવે જેમણે દિલ નિચોવીને, ભારતીય વાધ્યો અને રાગો સંગાથે અદ્ભુત સંગીત આપ્યું છતાં ફિલ્મ એમની વ્યાવસાયિક કારકિર્દીમાં કશું ઉમેરી ન શકી. અને સાહિરના ગીતોની તો વાત શું કરવી ! નિર્ભેળ અને વિશુદ્ધ કવિતા. જીવનની ફિલોસોફીથી તરબતર ! ફિલ્મના ગીતો જુઓ :

ગીત ગાયકો રાગ
૧. મન રે તું કાહે ન ધીર ધરે રફી યમન કલ્યાણ
૨. સંસાર સે ભાગે ફિરતે હો લતા કલ્યાણ
૩. કાહે તરસાએ જિયરા આશા – ઉષા મંગેશકર કલાવતી
૪. છા ગએ બાદલ નીલ ગગન પર રફી – આશા પીલૂ
૫. મારા ગયા બ્રહ્મચારી મન્ના ડે પહાડી

(પ્રમાણમાં નબળું ગીત)

૬. એ રી જાને ન દૂંગી લતા કામોદ
૭. સખી રી મેરા મન ઉલઝે તન ડોલે લતા પહાડી

હિંદીના મોટા ગજાના લેખક ભગવતીચરણ વર્માની કાલજયી નવલકથા પર આધારિત ફિલ્મમાં પાપ-પુણ્ય, ભોગ-વૈરાગ્ય, ઇહલોક- પરલોક, જીવન-મૃત્યુ જેવા વિષયોની ગહન ચર્ચા થઈ છે. ગીતકાર સાહિરે ફિલ્મના ઉપર દર્શાવેલા પ્રથમ બે જ ગીતોમાં આ સમગ્ર તત્ત્વજ્ઞાનને સમેટી લીધું છે. ત્રણ મુખ્ય પાત્રો, નર્તકી ચિત્રલેખા (મીનાકુમારી), સામંત બીજગુપ્ત (પ્રદીપકુમાર) અને યોગી કુમારગિરિ (અશોકકુમાર) આસપાસ આકાર લેતી ફિલ્મની વાર્તા રસપ્રદ છે. મૌર્ય સામ્રાજ્યનો સેનાપતિ બીજગુપ્ત ચિત્રલેખાના ઝાકઝમાળ રૂપથી અંજાઈ એની પાછળ પાગલ બને છે. ચિત્રલેખાના જીવન અને એની નશ્વરતા વિષયક વિચારો પણ એને મોહે છે. કુંવરી યશોધરા સાથે લગ્નગ્રંથિએ જોડાવાનો હતો એ બીજગુપ્તને આમ મોહાંધ થયેલો ભાળી પિતા યોગી કુમારગિરિને વિનવે છે કે બીજગુપ્તને ચિત્રલેખાની ચુંગાલમાંથી છોડાવો. યોગીના વ્યર્થ પ્રયાસો પછી ચિત્રલેખાને આપમેળે વિલાસી જીવનની અર્થહીનતાનો અહેસાસ થાય છે અને એ સર્વસ્વ ત્યાગી યોગીના શરણે જાય છે. હવે પરિસ્થિતિ છેક ઉપર-તળે થાય છે અને યોગી સ્વયં ચિત્રલેખાની મોહિની પાછળ સ્ખલિત થાય છે. પોતાના પતનનું ભાન થતાં યોગી બધું છોડી નીકળી પડે છે અને આકસ્મિક મૃત્યુને ભેટે છે જ્યારે બીજગુપ્ત-ચિત્રલેખાના સંસાર-ત્યાગ પછીના મિલન સાથે ફિલ્મ પૂર્ણ થાય છે. આજનું ગીત ફિલ્મના પ્રારંભિક ભાગમાં સમાવિષ્ટ છે જ્યારે ચિત્રલેખા પોતાના આવાસ પર બીજગુપ્તના પહેલી વારના આગમન માટે પ્રતિક્ષારત છે :

ચિત્રલેખાનું મહાલય શ્રુગાર-લિપ્ત શિલ્પકૃતિઓથી શોભાયમાન છે અને આ બધી કલાકૃતિઓ આજે કલરવ કરતી હોય એવું એને લાગે છે. એની સખીઓ એને વસ્ત્રપરિધાન અને આભૂષણોથી સજ્જ કરે છે. જલતરંગના સુરો ગૂંજે છે જે ચિત્રલેખાના મનમાં પણ ઝંકૃત થઈ રહ્યા છે. સુશોભિત થતી ચિત્રલેખા કાબૂમાં નથી અને એ સખીઓને શરારતી સ્પર્શ પણ કરી લે છે. પ્રથમ સંતૂર અને પછી સિતારમાં પહાડી. ચિત્રલેખા સ્વયંને દર્પણમાં નિહાળે છે. લતાનો આલાપ ફૂટી પડે છે અને વાધ્યો બાઅદબ રસ્તેથી હટી જઈ એ સરવાણીને વહેવા જગા કરી આપે છે. હે સખી ! આજે એક તરફ મારું મન મૂંઝારો અનૂભવે છે તો બીજી તરફ તન ડોલાયમાન છે. હવે તો એમની સાથે મિલન થાય ત્યારે જ તન-મનને ટાઢક વળે !

નેપથ્યે નિરંતર રોશનની પ્રિય વાંસળી હળવા સુરે હાજર છે. સખીઓને ચિત્રલેખાના મનના ચોરની ખબર છે. અંતરા પહેલાં સિતારની પૂરણી અને ચિત્રલેખાના મનની વાત :

લાખ પ્રયત્નો છતાં મન એમના વિચારોથી મુક્ત થતું નથી. આ મધઝરતી રાત પણ જાણે પ્રતીક્ષામાં થંભી ગઈ છે. એ આગળ ચસતી જ નથી. વહેતો પવન વિરહાગ્નિને ઓર ભડકાવી રહ્યો છે. ચોપાટમાં ધ્યાન પરોવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી ચિત્રલેખા . કેમેરા સાંકેતિક રીતે શ્રૂંગાર-શિલ્પો પર ફરે છે.

શ્વાસ લઉં છું તો એમાંથી ઝાળ ઊઠે છે. આ કંચનસમ કાયા પ્રેમ-તૃષાથી ધીમે-ધીમે પીગળી રહી છે.

બીજા અંતરામાં એક નાનકડી ચમત્કૃતિ સર્જાય છે જ્યારે લતા – દિવ્ય લતા અંતરાના શબ્દો  ‘ કંચન કાયા પિઘલી જાએ ‘ માં  ‘ પિઘલી ‘ શબ્દ ગાતી વખતે એક મુરકી લે છે અને શ્રોતા એક અનોખી ઊંચાઈએ પહોંચી પાછા ધરતી પર આવે છે.

પ્રિયના પ્રતીક્ષા-જ્વરમાં તડપતી ચિત્રલેખા બેજાન મૂર્તિઓ પર ઝળુંબી પોતાની તૃષ્ણા વ્યક્ત કરે છે.

સખીઓ મદિરા લાવે છે. ચિત્રલેખા ઈનકાર કરી પોતાની પરિસ્થિતિ વર્ણવે છે. લટો વિખેરાયેલી, પાલવ સરકી પડેલો અને આ મદિરાના પ્યાલા છોડ સખી ! મારા અંગેઅંગમાંથી મદરૂપી મદિરા ઝરે છે ! આ યૌવન બાંહો ફેલાવી કોઈકને સત્કારવા તત્પર છે.

બીજગુપ્તના આગમનની શંખ-ભેરી વાગે છે અને આ સુંદર પહાડી શ્રુંગાર ગીત વિરામ પામે છે.

અગાઉ ઉલ્લેખી ગયા તે મન્ના ડે વાળું અને પરદા પર મહેમૂદે ગાયેલું  ‘ લાગી મનવા કે બીચ કટારી કે મારા ગયા બ્રહ્મચારી ‘ પણ પહાડી આધારિત છે પણ અન્ય કેટલાય આવા, મિથ્યા રમૂજ ઉત્પન્ન કરવાના પ્રયાસોવાળા ગીતોની જેમ વેડફાઈ ગયું છે.

બરાબર બે વર્ષ પછી ૧૯૬૬માં આવેલી  ‘ મમતા ‘ અને એના વિખ્યાત અને અમર પહાડી ગીત પર આવીએ. શબ્દો મજરુહ સુલતાનપુરીના છે :

रहें न रहें हम महका करेंगे
बन के कली, बन के सबा, बागे-वफ़ा में

मौसम  कोई  हो  इस चमन में रंग बन के रहेंगे हम खिरामा
चाहत की ख़ुश्बू यूँ ही झुल्फों से उड़ेगी खिजां हो या बहारां
यूँ ही झूमते और खिलते रहेंगे ..

खोए हम ऐसे क्या है मिलना क्या बिछड़ना नहीं है याद हमको
कूचे में दिल के जब से आए सिर्फ़ दिलकी ज़मीं है याद हमको
इसी सरज़मीं पे हम तो रहेंगे ..

जब हम न होंगे जब हमारी ख़ाक पे तुम रुकोगे चलते – चलते
अश्कों से भीगी चाँदनी में एक सदा – सी सुनोगे चलते – चलते
वहीं पे कहीं हम तुमसे मिलेंगे ..

हों  ख़ूबसूरत   ये   नज़ारे   ये   बहारें   हमारे  दम  – क़दम  से
ज़िंदा हुई है फिर जहाँ में आज इश्क़- ओ -वफ़ा की रस्म हम से
यूँ ही इस चमन की ज़ीनत रहेंगे
बन के कली बन के सबा बागे – वफ़ा में

रहें न रहें हम …

‘ મમતા ‘ ફિલ્મની વાર્તા બંગાળીના લોકપ્રિય લેખક ડો. નિહારરંજન ગુપ્તાના ઉપન્યાસ  ‘ ઉત્તર ફાલ્ગૂની ‘ પર આધારિત છે. શૈલેન્દ્રવાળા ગીતોની શ્રેણીમાં આપણે ફિલ્મ  ‘ મેરી સૂરત તેરી આંખે ‘ અને એ ફિલ્મના ગીત  ‘ તેરે બિન સૂને નયન હમારે ‘ ની વિગતે ચર્ચા કરી હતી. એ ફિલ્મના લેખક પણ આ જ સજ્જન હતા. સાહિત્યિક કૃતિ હોવાથી ફિલ્મની વાર્તામાં પકડ છે અને ફિલ્મના નિર્દેશક આસિત સેનની આ પહેલી હિંદી ફિલ્મ હોવા છતાં એમના આગવા સ્પર્શ દ્વારા એમણે કાબેલિયતથી ફિલ્મને ક્યાંય ઢીલી પડવા દીધી નથી (એમની પછીની ફિલ્મો ખામોશી, અનોખી રાત, સફર પણ એવી જ કાબિલે-દાદ હતી.)

વાર્તા જોઇએ. ગરીબ માબાપની પુત્રી દેવયાની (સુચિત્રા સેન) મનીષ (અશોકકુમાર) ને ચાહે છે. દેવયાનીને પાછા ફરી પરણવાનું વચન આપી મનીષ વકીલાત ભણવા વિલાયત જાય છે અને દેવયાની પર આભ તૂટી પડે છે. પિતાનું કરજ ફેડવા એને લંપટ દારૂડિયા રાખાલ (કાલીપદ ચક્રવર્તી) સાથે લગ્ન કરવા પડે છે. સગર્ભા બનેલી દેવયાનીના દેહનો સોદો પતિ પરપુરુષ જોડે કરે છે અને દેવયાની ઘર છોડી ભાગી છૂટે છે. દેવયાની મીનાબાઈ (છાયાદેવી) ના કોઠાનો આશરો લે છે અને લખનૌની મશહૂર તવાયફ બને છે. ત્યાં જ એ પુત્રી સુપર્ણાને જન્મ આપે છે. રાખાલને મા-દીકરીની ભાળ મળતાં એ હલકટતા પર ઊતરી આવે છે. એની ચુંગાલમાંથી દીકરીને બચાવવા એ એને સુદૂર કોનવેંટમાં મૂકવા જાય છે જ્યાં સ્કૂલની સંચાલિકાને એ પોતાની પ્રેમકહાણી અને કરમ-કથા કહે છે. એ ફ્લેશબેક દરમિયાન મનીષ અને એની વચ્ચેની એક સાંજની વાત :

આ ગીતના ફિલ્માંકનની વાત કરીએ એ પહેલાં ગીતની ધુનનો ઈતિહાસ ઉખેડીએ. જૂઓ, રોન ગુડવીનની એક ધુન :

RON GOODWIN – RETURN TO PARADISE (  MUSIC FOR AN ARABIAN NIGHT )

હવે જોઈએ, રોશનની જ ૧૯૫૪ની ફિલ્મ  ‘ચાંદની ચોક’ નું આશા ભોંસલેએ ગાયેલું નાનકડું પણ રુપકડું ગીત  ‘ તેરા દિલ કહાં હૈ ‘ :

હજુ વધુ ઊંડા ઉતરીને બર્મન દાદાની ૧૯૫૧ની ફિલ્મ  ‘ નૌજવાન ‘ ના લતા-ગીત  ‘ ઠંડી હવાએં લહરાકે આએં ‘ ની વાત પણ કરી શકાય પણ અહીં અટકીએ. પહાડી રાગ અને એની ધુનોની અસર, આપણા નાયક મનીષની જેમ છેક વિલાયત અને એથીય દૂર પહોંચી છે અને નકલ જેવો આકરો શબ્દ પ્રયોજવા કરતાં આવી સમાનતાને યોગાનુયોગ કે  ‘ પ્રેરણા ‘ લેખવી વધુ ઉચિત લેખાશે.

ગીતના ફિલ્માંકન પર પાછા ફરીએ. અશોકકુમાર અને સુચિત્રા સેન નાનકડી કેડીએથી ચાલીને નદીકાંઠે આવે છે જ્યાં કેટલીક હોડીઓ લાંગરેલી છે. બન્ને ચાલીને નદીની અંદર સુધી જતા પ્લેટફોર્મ પર જાય છે. અશોક સુચિત્રાને સધિયારો આપે છે કે પોતે ભણીને તુરંત પાછો ફરશે પણ સુચિત્રા વિહ્વળ છે. એ હાથમાંના ફૂલની પાંદડીઓ તોડી-તોડીને પાણીમાં નાંખતી જાય  છે જાણે સંભવિત વિયોગના દિવસો ગણતી હોય ! નેપથ્યે પિયાનો પર સાવ હળવે પહાડી શરુ થાય છે, તુર્ત જ વાયલીન્સની ધુનમાં તબ્દીલ થઈને. અશોક સુચિત્રાને એના જ શબ્દો  ‘ રહેં ન રહેં હમ ‘ યાદ દેવડાવે છે અને સુચિત્રા એ મુખડો ગાવાની શરુઆત કરે છે. આપણે રહીએ કે ન રહીએ આ ધરા પર, કળી કે હવાના સુક્ષ્મ સ્વરૂપે મહેક્યા કરીશું (सबा એટલે સવારનો શીતળ પવન ). ધ્રુવ પંક્તિ પછી એ જ રોશનની માનીતી વાંસળી અને  ‘ સબા ‘ ની જેમ વહેતી વાયલીન્સ.

ઋતુ ગમે તે હોય, સંસારના આ બગીચામાં આપણે રંગો રૂપે રમ્યા કરીશું ( ફરી એક ક્લિષ્ટ ઉર્દૂ શબ્દ  ‘खिरामा’ એટલે હળવે – હળવે ) . પાનખર હોય કે વસંત, આપણા રોમેરોમથી પ્રેમની સુવાસ પ્રસરીને વાતાવરણને મહેક – મહેક કરતી રહેશે. તળાવમાં ખીલેલા કમળો હકારમાં માથું હલાવે છે.

નદી વચાળે નાવમાં બેઠેલ એક યુગલ. પુરુષ સ્ત્રીના ફોટા પાડી રહ્યો છે. સામા કાંઠે અશોક – સુચિત્રા ચાલ્યા જતા દેખાય છે.

હું નહીં હોઉં ત્યારે  એક દિવસ મારા શરીરની રાખ આગળ તું ક્યાંક ખચકાઈને ઊભો રહી જઈશ. એ વખતે – બરાબર એ જ વખતે- આંસૂભીની ચાંદનીમાંથી ઉદ્ભવતો એક ભીનો અવાજ સંભળાશે તને જ માત્ર ! બસ, ત્યારે અને ત્યાં જ હું તને, કેવળ તું જ જોઈ શકે એવા સ્વરૂપે મળીશ. મળીશ જ.

પુકારો    ગમે    તે    સ્વરે    હું   મળીશ   જ
સમયના   કોઈ   પણ   થરે   હું   મળીશ   જ

વૃક્ષોમાંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ. એક વિશાળ વૃક્ષનો ટેકો લઈને થંભતી સુચિત્રા. એના ખભે હાથ મૂકીને મૂક સધિયારો આપતો અશોકકુમાર. ( કોઈકે આ ગીત વિષે લખ્યું છે, એક તરફ મહાગાયિકા, બીજી તરફ મહાનાયિકા ! )

અસલ ગીતના શ્રાવ્ય સંસ્કરણમાં વધુ એક અંતરો છે જે ફિલ્મમાં નથી  ‘ ખોએ હમ ઐસે ક્યા હૈ મિલના ક્યા બિછડના નહીં હૈ યાદ હમકો ‘. એ પંક્તિ પણ કાવ્યતત્વથી લથબથ છે.

ફિલ્મની વાર્તાનો તંતુ સાંધીએ. સ્કૂલ સંચાલિકા આગળ સ્મૃતિઓ વાગોળ્યા બાદ સુચિત્રા વર્તમાનમાં પાછી ફરે છે. એની દીકરી સુપર્ણા એનાથી દૂર મોટી થઈ રહી છે ( દીકરીનું પાત્ર પણ સુચિત્રા ભજવે છે ). દરમિયાન અશોક વિલાયતથી પાછો ફરે છે અને અચાનક સુચિત્રાને મળે છે અને એના નવા સ્વરૂપને ભાળી હેબતાઈ જાય છે. પરિસ્થિતિ સમજાતાં એ સુચિત્રાને પ્રેમિકા કે પત્ની તરીકે નહીં પણ એના જીવનના અભિન્ન અંગ તરીકે સ્વીકારે છે. સુચિત્રાના કહેવાથી એ એની પુત્રી સુપર્ણાને મળે છે અને એની ખરી મા હયાત છે એ જણાવ્યા વિના એના નિભાવની જવાબદારી સ્વીકારે છે. સુપર્ણા પણ બેરિસ્ટર છે અને સહાધ્યાયી ધર્મેન્દ્રના પ્રેમમાં છે. એમની વચ્ચેનું એક ખૂબસૂરત રફી – આશા ગીત  ‘ ઈન બહારોં મેં અકેલે ના ફિરો  ‘ પણ રાગ પહાડીમાં છે. દીકરી સુપર્ણાને ન તો એના પાલક  ‘ કાકૂ ‘ અશોકકુમારની અસલિયતની ખબર છે ન તો એની માના અસ્તિત્વ વિષે કશું યાદ.

ધર્મેન્દ્ર – સુચિત્રા ( સુપર્ણા ) વચ્ચે ગવાતો ઉપરોક્ત ગીતનો એક વધુ અંતરો  ‘ હોં ખૂબસૂરત યે નઝારે યે બહારેં ‘ પણ જાણે અગાઉની પંક્તિઓનો ઊર્મિભાવ જાળવી રાખે છે. અહીં અંતરાની પંક્તિનો પૂર્વાર્ધ સુમન કલ્યાણપૂરના અવાજમાં છે તો ઉત્તરાર્ધ રફીના અવાજમાં.

ખંધો પતિ રાખાલ સુચિત્રાનો પતો વધુ એકવાર ખોળી કાઢે છે અને ફરી એની પાસેથી પૈસા પડાવવાના પેંતરા કરે છે. સહનશક્તિની અવધિએ પહોંચેલી સુચિત્રા એને મારી નાંખે છે. પછી તો અદાલત અને બચાવમાં વકીલ અશોકકુમાર અને હવે બેરિસ્ટર બની ચૂકેલી પુત્રી પણ. આરોપ પક્ષે વકીલ પહાડી સાન્યાલ છે. મુકદ્દમા દરમિયાન સુપર્ણાને ખબર પડે છે કે એ જેનો બચાવ કરે છે એ એની સગી મા છે અને એ જેને પિતાતૂલ્ય માને છે એ કાકૂ એની માનો વફાદાર પ્રેમી ! મા અદાલતમાં જ પ્રાણ ત્યાગે છે. ભાવુક હૃદયને વલોવતી ફિલ્મનો એવો જ કરુણ અંત.

ફિલ્મના અન્ય ત્રણ લતા ગીતો પણ એટલા જ શ્રવણમધુર છે. રોશનના અન્ય કેટલાક ગમતા પહાડી ગીતોના ઉલ્લેખ સાથે વાતનું સમાપન કરીએ.

૧. કભી તો મિલેગી કહીં તો મિલેગી બહારોં કી મંઝિલ રાહી આરતી લતા
૨. બડે અરમાન સે રખા હૈ બલમ તેરી કસમ મલ્હાર લતા – મૂકેશ
૩. સમા કે દિલ મેં હમારે ઝરા ખ્યાલ રહે અનહોની લતા – તલત
૪. રૂઠે સૈયાં હમારે સૈયાં ક્યૂં રૂઠે દેવર લતા
અને એમનું અને ફિલ્મી ગીતોમાંનુ પણ સૌથી લોકપ્રિય ગીત :
૫. જો વાદા કિયા વો નિભાના પડેગા તાજ મહલ રફી – લતા

આવતા હપ્તે વીતેલા જમાનાના મહાન સંગીતકુમાર શ્યામસુંદર અને પહાડી સંગે ફરી મળીએ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

10 comments for “હુસ્ન પહાડી કા – ૯- રોશન નાગરથના પહાડી ગીતો

 1. નાથાલાલ દેવાણી
  July 6, 2019 at 11:16 am

  ખૂબ સરસ રસાસ્વાદ.. મમતાનું ગીત અતિશય ગમતું ગીત છે.. આપની કલમ આવું સુંદર સુંદર પીરસતી રહે…. અમે તેનો આનંદ લૂંટતા રહીએ… આપણે બીજું શું જોઈએ!!!!

  • Bhagwan thavrani
   July 7, 2019 at 7:34 pm

   આળ-પંપાળથી શું વધુ જોઈએ
   સાર-સાંભળથી શું વધુ જોઈએ

   એક પંખીને બસ ચહેકવા-ઝૂમવા
   લીલીછમ ડાળથી શું વધુ જોઈએ ?

   ધન્યવાદ નાથાલાલ !

 2. નરેશ પ્ર. માંકડ
  July 6, 2019 at 2:33 pm

  સંગીતકાર રોશન નું શાસ્ત્રીય સંગીતની તાલીમનું વજનદાર પરિબળ એમના ઓર્કેસ્ટ્રામાં અને રાગોના ઉપયોગમાં અનુભવાય છે પણ એનો ભાર એમના ગીતોની મેલડી/ મધુરતા પર નથી જણાતો. પહાડીને યમન જેવી જ અપીલ આપીને ગીતોને અમર બનાવ્યાં છે.
  અહીં શબ્દોના કલાકાર સાહિરને ખાસ અંજલિ આપવી પડે એમના સંસ્કૃત આધારિત છતાં સરળ શબ્દ નિયોજન માટે.
  પહાડીનું અત્યંત રસપ્રદ આલેખન.

  • Bhagwan thavrani
   July 7, 2019 at 7:36 pm

   ધન્યવાદ નરેશભાઈ !
   પહાડી રાગની પ્રશસ્તિમાં શરૂઆતમાં એક શેર પણ કાયમ મુકું છું.

 3. Kishorchandra Vyas
  July 6, 2019 at 7:35 pm

  મારા અતિ પ્રિય સંગીતકાર રોશન ના મધુરા ગીતો વિશે વાંચન કરતા કરતા ખૂબ આનંદિત થયો, બંને ગીતો રતન જેવા અને ભગવાન થાવરાણી જી ની રસદાયક વાતો, તેની સરસ મજાની રસદાયક શૈલીમાં… શુ કહેવાનું !!!! પહાડી રાગ ની શ્રેણીના દરેક લેખ ખરેખર અદભુત, માહિતી સભર છે, મારા માનવા પ્રમાણે તો ગીતો સાથે સંકળાયેલા દરેક માટે નવીનતમ રસાસ્વાદ છે.. ફરી અભિનંદન અને આભાર, સાહેબ જી

  • Bhagwan thavrani
   July 7, 2019 at 7:39 pm

   હાર્દિક ધન્યવાદ કિશોરભાઈ !
   કોઈને ઘડીભર પણ રણઝણાવી શકાય તો ફેરો સાર્થક !

 4. Samir
  July 7, 2019 at 1:15 pm

  રાગ ની રચના તો અગત્ય ની છે જ પણે તેની રજૂઆત થી કેટલો બધો ફેર પડી શકે છે તે થાવરાનીભાઈ ની શ્રેણી થી ખબર પડે છે. રોશન ના સંગીત રચના ની કક્ષા ઉંચી તો હતીજ પણ તેનો રસાસ્વાદ આ લેખ દ્વારા થયો.’મન રે તું કાહે ના ધીર ધરે’ માં રફીસાહેબ નો અવાજ કેટલો ધીર ગંભીર છે જેટલા સાહિર સાહેબ ના શબ્દો ઊંડાણ ભર્યા છે . રોશન સાહેબે તેમની પહાડી તર્જ થી એક ઉત્કૃષ્ટ ગીત આપણને આપ્યું છે.
  આભાર રાગ પહાડી,આભાર રોશનજી અને આભાર થાવરાણીભાઈ !

  • Bhagwan thavrani
   July 7, 2019 at 7:42 pm

   આપના નિયમિત અને અચૂક પ્રતિભાવનો રાજીપો.
   આ જ તો બળ છે લેખણ ચલાવતા રહેવા માટે !
   આપ સમ ભાવકોનો સદૈવ જય હો !

 5. mahesh joshi
  July 9, 2019 at 6:45 pm

  “રાગ ની રચના તો અગત્ય ની છે જ પણે તેની રજૂઆત થી કેટલો બધો ફેર પડી શકે છે તે થાવરાનીભાઈ ની શ્રેણી થી ખબર પડે છે. રોશન ના સંગીત રચના ની કક્ષા ઉંચી તો હતીજ પણ તેનો રસાસ્વાદ આ લેખ દ્વારા થયો”
  one and all who read this series shall agree with observation of sri Samirbhai. Bhagwanbhai has mastered the art of presenting articles on which he has authority, which we all experience. He not only makes subject informative but interesting also by incorporating related stories/other information like mentioning “Return Of Paradise” one of many in this article. Enjoyed article on both these Pahadi songs.Compliments and Thanks.

  • Bhagwan thavrani
   July 10, 2019 at 6:36 pm

   Thanks a lot Maheshbhai for your regular responses !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *