





– બીરેન કોઠારી
‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ જેવો રૂઢિપ્રયોગ પારકા લગ્નમાં ઊછળકૂદ કરતા, ગજા બહારનો ખર્ચ કરીને લાંબા થઈ જતા લોકો માટે કરવામાં આવે છે. ઊછળકૂદ અમુક અંશે વાજબી ગણીને ચલાવી લેવામાં આવે, પણ લગ્નમાં મૂળ ઉમેદવાર કરતાં બમણો હરખ રાખનારા અબ્દુલ્લાઓની કમી નથી. આ રૂઢિપ્રયોગ કોઈ છૂટાછવાયા ‘અબ્દુલ્લા’ને ધ્યાનમાં રાખીને ચલણી બનાવાયો હશે, પણ હવે આવી આખી પ્રજાતિ અસ્તિત્ત્વમાં આવી ચૂકી છે.
ઉત્તરાખંડના ઔલીમાં ગયા સપ્તાહે યોજાયેલા એક ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભની વિગતો વિવિધ અખબારોમાં ચમકી. હિંદુઓના અતિ પવિત્ર ગણાતા ચાર ધામ પૈકીના બદ્રીનાથના રસ્તે આવેલા જોશીમઠથી માંડ 16 કિ.મી.ના મોટરમાર્ગે, અથવા ચારેક કિ.મી.ના કેબલકાર માર્ગે ઔલી જઈ શકાય છે. આશરે નવ હજાર ફીટની ઊંચાઈએ આવેલું ઔલી શિયાળામાં ત્યાં જામી જતા બરફને કારણે શિયાળુ રમતો માટે પ્રખ્યાત છે. એ સિવાય આટલી ઊંચાઈએ ત્યાં આવેલાં લીલાછમ ઘાસવાળાં ઢોળાવો અને અમુક સપાટ જગ્યા, તથા બિલકુલ સામે જ, કોઈ સ્ટુડિયોમાં લગાડેલા બૅકડ્રોપ જેવા જણાતા નંદાદેવી સહિત બીજા અનેક હિમાચ્છાદિત શિખરો અદ્ભુત દૃશ્યાવલિ રચે છે.
દક્ષિણ આફ્રિકાસ્થિત, ભારતીય મૂળના વગદાર ધનપતિઓ અતુલ અને અજય ગુપ્તાના બે દીકરાઓનો લગ્નપ્રસંગ આવા સ્થળે યોજવામાં આવ્યો. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંઘ રાવત, બાબા રામદેવ સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગની અનેક ટોચની હસ્તીઓ આ પ્રસંગે હાજર રહેવાની હતી. બસો કરોડના ખર્ચે યોજાયેલા આ મહાજલસા પછી ઉત્તરાખંડની વડી અદાલતે ગુપ્તા બંધુઓને ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટને ત્રણ કરોડ રૂપિયા અનામત પેટે મૂકવા જણાવ્યું, જેથી પ્રસંગ પત્યા પછી સ્થળની સફાઈ થઈ શકે.
ઔલી જેવા સ્થળની સફાઈ માટે સામાન્ય રીતે ચારેક સફાઈ કામદારો પૂરતા છે. વડી અદાલતે રાજ્ય સરકારને પણ પર્યાવરણની રીતે નાજુક કહી શકાય એવા સ્થળે લગ્ન યોજવાની પરવાનગી આપવા બદલ ઠપકો આપ્યો છે અને પ્લાસ્ટિક, થર્મોકોલના પ્યાલા, ડિશો વગેરેના ઉપયોગ પર પ્રતિબંધનું પાલન કરવા જણાવ્યું છે. ઔલી જેવું અદ્ભુત સ્થળ છે, અને ગુપ્તા બંધુઓ જેવા વિવાદાસ્પદ ધનપતિઓ છે એટલે આ મામલો છાપે ચમક્યો છે.
પણ શું કેવળ આવા ધનપતિઓને ત્યાંના લગ્નજલસાઓમાં જ આ હદનો ભયાનક વેડફાટ થાય છે અને પ્રદૂષણ ફેલાય છે? બીજે બધે યોજાતા લગ્નોમાં હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ હદે વકર્યો છે એ આપણા ધ્યાનમાં છે. એટલું ખરું કે આવા પ્રસંગના સ્થળે, ભોજન સમારંભમાં કચરો યોગ્ય જગ્યાએ ફેંકવામાં આવે એની વ્યવસ્થા મોટે ભાગે રાખવામાં આવે છે. આયોજકોને એ પણ ખબર હોય છે કે ઘણા બધા જમનારાઓને કચરો ક્યાં ફેંકવો એનું ભાન નહીં હોય. આથી તેઓ લીલાછમ પાર્ટીપ્લૉટમાં ઠેરઠેર ઘાસ પર ફેંકાયેલો કચરો વીણવા માટે અલાયદા માણસો રાખે છે. જો કે, સૌથી અગત્યનો સવાલ એ છે કે જે કચરો યોગ્ય રીતે કાળા રંગની કોથળીઓમાં એકઠો કરવામાં આવે છે તેનો નિકાલ કરવા માટેની શી પદ્ધતિ છે. મોટે ભાગે આ પ્રકારનો ઘન કચરો છેવટે લેન્ડફીલ તરીકે ઓળખાતા, ખાસ ફાળવવામાં આવેલા ખુલ્લી જમીનના વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે. બસ, વાત પૂરી. લગ્નમાં હાજરી આપવા જતા સહુ કોઈ લોકો વિચારી જુએ કે આવા એક સામાન્ય પ્રસંગે પણ પ્લાસ્ટિકનો કેટલો કચરો પેદા થાય છે. હવે ચલણી બનેલા બહુવિધ વાનગીઓ ધરાવતી બુફે જમણની પદ્ધતિમાં પ્લાસ્ટિકની પ્લેટો, પ્યાલાઓ, ચમચીઓ અઢળક પ્રમાણમાં વપરાય છે. ગમે એટલા મોંઘા ભાવની ડિશ હોય, સૌથી વરવું દૃશ્ય પાણીના કાઉન્ટર પાસે જોવા મળશે. પ્લાસ્ટિક સુવિધાયુક્ત જરૂર છે, પણ તેની સામે તેની અનિવાર્યતા અને પર્યાવરણને થતું અક્ષમ્ય નુકસાન એટલું બધું હોય છે કે એ સુવિધાનો સરવાળે અર્થ સરતો નથી. આ મામલે પ્રશાસન બહુ બહુ તો દંડની કે વ્યવસ્થાખર્ચની જોગવાઈ કરી શકે, પણ એટલું પૂરતું નથી. કેમ કે, નાણાં આ સમસ્યાનો ઉકેલ નથી. તંત્ર પાસે સામાન્ય રીતે કોઈ નક્કર આયોજન ભાગ્યે જ જોવા મળે છે. પહેલાં એક સ્થળે લેન્ડફીલ બનાવીને ત્યાં કચરાના ઢગ ખડકવા અને જે તે વિસ્તાર સહિત આસપાસના વિસ્તારને પૂરતું નુકસાન પહોંચાડવું, ત્યાર પછી એ જગ્યાનો કસ પૂરેપૂરો નીકળી જાય એટલે બીજી જગ્યા શોધવી, અને દોજખ બનાવી દેવાયેલી જૂની જગ્યા પર બગીચા બનાવીને પર્યાવરણ જાળવ્યાનો સંતોષ લેવો! આવી એક સામાન્ય કાર્યપદ્ધતિ જોવા મળે છે.
આ બધું એટલી સરસ રીતે ગોઠવાઈ ગયેલું હોય છે કે સામાન્ય નાગરિકને કદી એવો અહેસાસ થતો જ નથી કે પર્યાવરણનો ખો કાઢવામાં ક્યાંક ને ક્યાંક પોતે પણ પ્રત્યક્ષ રીતે જવાબદાર બની રહે છે. તેને એમ જ લાગે છે કે ગુપ્તા બંધુઓ જેવા ધનપતિઓ ધનના જોરે આમ કરે છે, કાં સત્તાવાળાઓની નિષ્ક્રિયતાને લઈને એમ થાય છે. પોતાને ઘેર પ્રસંગ આવે ત્યારે બીજી બધી અગ્રતાઓ એટલી બધી હોય છે કે પર્યાવરણને નષ્ટ કરવામાં પોતે નિષ્ઠાપૂર્વક પ્રદાન કરી રહ્યા હોવાનો અહેસાસ સુદ્ધાં તેને થતો નથી. કેવળ કાયદો બનાવી દેવાથી પર્યાવરણનો વિનાશ અટકી જતો હોત તો જોઈતું શું હતું? અમુકતમુક દંડની રકમથી જે વિનાશ થયો છે તે સમોસૂતરો થઈ શકવાનો નથી. ‘બેગાની શાદી’માં હાજરી આપીને ‘દીવાના’ બનતા ‘અબ્દુલ્લા’ઓનું ‘દીવાનાપન’ પોતાના પૂરતું સીમિત રહેતું હોય ત્યાં સુધી ઠીક છે, પણ પર્યાવરણનો સામૂહિક વિનાશ નોંતરવામાં કારણભૂત બની રહે ત્યારે સહેજ થોભીને વિચારવા જેવું છે. આનો ઊપાય શો એ આંગળી મૂકીને કહેવું મુશ્કેલ છે. પણ તેની ગંભીરતાનો ખ્યાલ રાખીએ તો ઉપાય કે વિકલ્પ અવશ્ય સૂઝશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૬-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)