કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧૨ – વહ કૌન થી? ભાગ ૩

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

ત્રણેક મહિનાનો સમય વીત્યો. અરવિંદને વાર્ષિક રજા પર જવાનું થયું અને બટાલિયનનો ચાર્જ મારી પાસે આવ્યો. 

એક દિવસ મને રીપોર્ટ મળ્યો કે એક રહસ્યમયી સ્ત્રી ટપકેશ્વરીના વગડામાંથી મહિનામાં કોઈક વાર રાતના બાર-એક વાગ્યાના સુમારે બટાલિયનના વિસ્તારમાં આવે છે અને અમારી દસ પથારીવાળી હૉસ્પિટલના કૉરીડોરમાંથી નીકળી હાલમાં ખાલી પડેલા સિંગલ અૉફિસરના બાશામાં જઈ કેરા રોડની પાર વગડામાં જાય છે. આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે. મેં અમારા કમ્પાઉન્ડરને બોલાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે બે વર્ષ પર તે અહીં પોસ્ટીંગ પર આવ્યો ત્યારથી આ સિલસીલો ચાલુ છે. તેણે ચાર્જ લીધો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે આ એક ભૂત છે અને તેને રોકવાનો પ્રયત્ન કરશે તો તે જરુર મોતને નિમંત્રણ આપવા જેવું છે. તે આવ્યો ત્યારથી મહિનાના અમુક દિવસોએ આ યુવાન બહેન મધરાતના હૉસ્પિટલની કૉરીડોરમાંથી નીકળતાં દેખાય છે. જ્યારે તે આવે છે, તેમની આંખો એક દિશામાં સ્થિર રહે છે. આસપાસ કોઈ ઉભું હોય તો તેની તેમને તમા નથી હોતી અને ધીરે ધીરે હાથમાં પોટલું લઈ વગડા તરફ નીકળી જાય છે.

મેં કંપાઉન્ડરને સૂચના આપી કે હવે ક્યારે આ બહેન દેખાય તો મને તેની જાણ કરે.  કેટલાક દિવસ બાદ રાત્રે બાર વાગ્યાના સુમારે હૉસ્પીટલના ડ્યુટી કમ્પાઉન્ડરનો ફોન આવ્યો: સાહેબ, જલદી આવો તો તમે આ બહેનને જોઈ શકશો.”

હું દૂર રહેતો હતો તેથી હૉસ્પિટલ પહોંચવામાં મોડું થયું તેથી આ રહસ્યમયી મહિલાને હું જોઈ ન શક્યો, પણ હૉસ્પિટલમાં હાજર હતા તે પાંચ પેશન્ટ, કમ્પાઉન્ડર અને બે હથિયારબંધ સન્ત્રી – બધાએ ભારપૂર્વક કહ્યું કે આ બહેન તેમની સાવ નજીકથી નીકળી ગયા હતા. તેમની વાત ખોટી હતી તેવું હું ન કહી શકું. કોઈ સૈનિક પોતાના ઉપરી અધિકારી આગળ કદી અસત્ય કથન કદી ન કરે. મેં દરેકની જુદી જુદી પૃચ્છા કરી અને દરેકે કરેલું આ બહેનનું વર્ણન નાનામાં નાની વિગત સુધી એક સરખું હતું.

કેટલાક મહિના બાદ મારી ભુજથી બદલી થઈ. ત્યાર બાદ સાંભળ્યું કે ભુજનો વિસ્તાર ઘણો વધી ગયો. જ્યાં વગડું હતું ત્યાં વસ્તી થઈ ગઈ છે. ૧૯૬૭થી ભટકતાં આ બહેન હજી પણ કોઈને દેખાય છે કે કેમ તે જાણવાનો કોઈ માર્ગ નથી. જ્યાં સુધી  કોઈ આની પ્રત્યક્ષ તપાસ કરી નિવેડો ન લાવે ત્યાં સુધી મારા માટે તો આ રહસ્ય જ રહેશે.

આ વાતને આજે પચીસે’ક વર્ષ થઈ ગયા છતાં પેલાં બહેન વિશેનું કુતૂહલ જરાય ઓછું થયું નથી. હજી જાણવા તત્પર છું કે તેઓ હજી દેખાય છે કે કેમ!


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧૨ – વહ કૌન થી? ભાગ ૩

  1. નિરંજન બૂચ
    July 6, 2019 at 12:45 am

    ઓ ભગવાન તમને બીજું કાઇ દેખાતું જ નથી , બીજું કાઇ લખતા આવડતું જ નથી , બસ જ્યારે જુવો ત્યારે ભૂત પ્રેત ની જ વાત

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.