સમાજ દર્શનનો વિવેક : આપણી લોકશાહી અને મતદાન: એક દૃષ્ટિકોણ

Facebooktwitterredditpinterestlinkedinmail

કિશોરચંદ્ર ઠાકર

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ આપણા દેશનાં શાસન માટે પ્રમુખ પદ્ધતિની લોકશાહી અંગે ચર્ચા કરવાનું સૂચન એક વખત કરેલું. કેટલાક લોકોને એ પસંદ પણ પડેલું. પરંતુ એ ચર્ચા લાંબી ચાલેલી નહિ. એવો અભિપ્રાય જ સ્વીકૃત રહ્યો કે દેશમાં પ્રદેશ, ભાષા, ધર્મ અને જ્ઞાતિ જેવી વિવિધતા જોતાં સંસદીય લોકશાહી જ યોગ્ય છે.

1977માં શ્રીમતી ઇંદિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી અને કોંગ્રેસની સામે જનતા પક્ષ રચાયો. એ વખતે શ્રીમતી ગાંધી જનતા પક્ષને સવાલ કરતાં કે તમારો વડા પ્રધાન પદનો ઉમેદવાર કોણ છે? આ જ પ્રમાણે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષના નેતાઓ મહાગઠબંધનના નેતાઓને તેમના વડા પ્રધાન પદના ઉમેદવાર અંગે પૂછતા. રાજ્યોમાં પણ જ્યારે એક પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી હોય ત્યારે સામા પક્ષના નેતાઓને આ પ્રશ્ન પૂછીને રાજકીય લાભ લેવાના પ્રયત્નો થતા આવ્યા છે. આ પ્રકારના રાજકારણમાં સુવિધાપૂર્વક ભૂલી જવામાં આવે છે કે આપણી લોકશાહી સંસદીય પ્રકારની છે, નહિ કે પ્રમુખ પદ્ધતિની. પ્રચારની અસર તળે આપણે નાગરિકો પણ પ્રમુખ પદ્ધતિની જેમ જ મતદાન કરતા હોઈએ છીએ. અહીં આપણા રાજ્યબંધારણની લોકસભા અને વિધાનસભાની -ખાસ કરીને લોકસભાની- ચૂંટણીમાં મતદાન કરવા બાબતે આપણી પાસે શી અપેક્ષા હોઈ શકે તે અંગે કેટલીક વિગતોને આધારે એક દૃષ્ટિકોણ રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેશના વહીવટ માટે રાજકીય પક્ષોનું અસ્તિત્વ અભિપ્રેત ઉપરાંત અનિવાર્ય લાગતું હોવા છતાં છેક 1985 સુધી આપણા બંધારણે રાજકીય પક્ષ બાબતે મૌન સેવ્યું હતું. 1985માં પક્ષપલટા વિરોધી ધારો આવતા બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જરૂરી બન્યો, છતાં તેનો ઉલ્લેખ પરિશિષ્ટ 10 ના સ્વરૂપમાં જ કરવામાં આવ્યો. આમ કરવા માટેનો બંધારણનો આશય સમજતાં પહેલાં રાજકીય પક્ષ બાબતે જુદી જુદી વ્યાખ્યા જાણી લઈએ.

પરિશિષ્ટ 10ના સ્વરૂપમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ કરવા છતાં બંધારણમાં કે તેની અંતર્ગત કોઈ કાયદામાં રાજકીય પક્ષની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. ચૂંટણી કમિશન 1951ના લોક પ્રતિનિધિત્વ ધારામાં રાજકીય પક્ષોને તેમની નોંધણી કરાવવાની સૂચના આપતાં કહે છે કે ”ભારતના નાગરિકોનું સંગઠન જે પોતાને રાજકીય પક્ષ માને છે તે પોતાની નોંધણી કરાવવા માટે અરજી કરી શકે છે.” એટલે કે ચૂંટણી પંચ રાજકીય પક્ષને માત્ર નાગરિકોનું સંગઠન જ માને છે

‘ધી ન્યુ એ‌ન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા’ રાજકીય પક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે, ”કોઈ પણ રાજ્ય વ્યવસ્થા હેઠળ સત્તા પ્રાપ્ત કરવા અને તેનો ઉપયોગ કરવા માટે રચાયેલું જૂથ.”

આથી એ સ્પષ્ટ થાય છે કે આપણા બંધારણની દૃષ્ટિએ રાજકીય પક્ષ પાસે કોઈ રાજકીય વિચારસરણી કે નીતિ વિષયક કાર્યક્રમ હોવો જરૂરી નથી.

ચૂંટણી પંચ જ્યારે ચૂંટણીની જાહેરાત કરે છે ત્યારે તેના જાહેરનામા મારફત દેશની જનતાને અનુરોધ કરે છે કે “તમે તમારા પ્રતિનિધિઓ નક્કી કરો(ચૂંટીને મોકલો)” અહીં લોકોને સરકાર રચવા માટે કહેવામાં આવ્યું નથી. આપણે જાણીએ છીએ તે મુજબ સરકાર રચવાની જવાબદારી ચુંટાયેલા પ્રતિનિધિઓ પર નાખવામાં આવી છે.

ઉમેદવારી પત્રનું સ્વરૂપ જોઈએ તો, જે તે વિસ્તારના મતદારો કોઈ એક વ્યક્તિના નામની દરખાસ્ત કરીને કહે છે કે “અમે આ કે તે વ્યક્તિને અમારા પ્રતિનિધિ તરીકે મોકલવા માગીએ છીએ”. ઉમેદવારની સહી એ તો તેની સંમતિ માત્ર છે. આમ મૂળભૂત રીતે લોકોને પોતાના પ્રતિનિધિ નક્કી કરવા માટે રાજકીય પક્ષ અનિવાર્ય નથી. આદર્શ સ્થિતિ પ્રમાણે તો ઉમેદવારની પોતાની ચુંટાવાની તમન્ના કરતાં લોકોની પોતાના પ્રતિનિધિ મોકલવાની જરૂરિયાત જ વધારે હોવી જોઈએ. બિલકુલ સાદા શબ્દોમાં કહીએ તો પ્રજાએ પોતાના વિસ્તારના સૌથી યોગ્ય પ્રતિનિધિને નક્કી કરીને મોકલવા શક્ય તેટલા વધારે પ્રયત્નો કરવા જોઈએ.

પરંતુ એવું જોવા મળ્યું છે કે જાગૃતિના અભાવે મત આપતી વખતે આપણે ઉમેદવારની લાયકાતને બદલે રાજકીય પક્ષને અને વિશેષ કરીને તેના નેતાને જ મહત્ત્વ આપતા હોઈએ છીએ. જે રાજકીય પક્ષનો પ્રચાર ઓછો હોય તેના ઉમેદવારનાં નામની સુધ્ધાં શિક્ષિત (જેમાં સ્નાતક, અનુસ્નાતક કે પી.એચ.ડી થયેલા પણ અપવાદ નથી) મતદારોને પણ ખબર હોતી નથી. રાજકીય પક્ષો પણ પોતાના નેતાના નામે ચુંટણી લડતા હોય છે. પોતાના પસંદગીના પક્ષને મત આપનારા ક્યારેક તો તેના ઉમેદવારનું નામ પણ જાણતા નથી! વળી નેતા પણ એવો પ્રચાર કરતા કહે છે કે તમે ઉમેદવાર સામે નહિ પરંતુ મને જોઈને જ મત આપજો!! અને આપણે કરીએ છીએ પણ એમ જ ને? પરિણામ એ આવ્યું છે કે જેમની સામે ગુનાઓ (જેમાં કેટલાક તો ખૂન જેવા ગંભીર ગુનાઓ પણ છે) નોંધાયા છે તેવા 43 ટકા(કુલ 543માંથી 233) લોકોને આપણે છેલ્લી લોકસભામાં ચૂંટીને મોકલ્યા છે! આ આંકડાથી આપણે ચોંકી ન ઉઠીએ તો દેશમાં લોકશાહીનું કોઈ ભવિષ્ય નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી

એથી નાગરિકોએ પોતાની જવાબદારી પોતાના પ્રતિનિધિની તેના ચારિત્ર્ય સહિતની યોગ્યતા જાણવા માટે કે‌ન્દ્રિત કરવી જોઈએ. અહીં સવાલ થશે કે “તો પછી કોઇ ચોક્કસ વિચારસરણી ધરાવતી સરકારને ચૂંટવાની જવાબદારી નાગરિકની નથી?” આના જવાબમાં સામો પ્રશ્ન પૂછી શકાય કે “જેમને આપણે ચૂંટીને મોકલીએ છીએ તેમની કોઇ ચોક્કસ રાજકીય વિચારસરણી છે ખરી?” વારે વારે થતા પક્ષપલટાઓ આનો જવાબ ‘ના’ માં આપે છે.

બીજી બાબત એ પણ છે કે રાજકીય પક્ષો ટિકિટ આપતી વખતે ઉમેદવારની વિચારસરણીને ધ્યાનમાં લેવાને બદલે તેની જીતવાની સંભાવના પર જ વધારે ભાર મૂકતા હોય છે. આથી નેતાની પોતાની વિચારસરણી અને ચૂંટાયેલા સભ્યોની વિચારસરણીનો મેળ ખાતો નથી. પરિણામે નેતાની દાનત અને ઇચ્છા ગમે તેટલા હોય પરંતુ ચુંટાયેલા સભ્યોનાં હિત તેની સાથે ટકરાવાને લીધે કાર્યક્રમોનો અમલ થઈ શકતો નથી

આ બાબતનું નિવારણ મતદારો દ્વારા ઉમેદવારને તેની વિચારસરણી સહિત જાણીને મોકલવામાં છે. પરંતુ આપણે તેમ કરતા નથી અને રાજકીય પક્ષ જેમને પણ ટિકિટ આપે છે તેમને જેવાને તેવા સ્વીકારી લઈએ છીએ, પરિણામે સરકાર પોતે સફળ થઈ શકતી નથી, ઉપરાંત જેમના પર ગુનાઓ નોંધાયા હોય તેવા લોકો વિપુલ સંખ્યામાં છેક લોક્સભા સુધી પહોંચી જાય છે.

આપણી ફરજ યોગ્ય ઉમેદવાર અંગેની પૂરેપુરી માહિતી મેળવીને જાણવા પુરતી સીમિત નથી. એથી આગળ જઈને યોગ્ય ઉમેદવારને શોધી લાવવાની છે. આ માટે મતદાર મંડળોનો ખ્યાલ રજૂ થયેલો છે. એ કેટલો અને કેવી રીતે કાર્યા‌ન્વિત અને ઉપયોગી થઈ શકે તે નિષ્ણાતોની ચર્ચાનો વિષય હોઈ શકે છે.

અહીં રાજકારણમાં કે દેશના વહીવટમાં રાજકીય પક્ષના વજૂદને સરિયામ નકારી કાઢવાનો આશય નથી. 19મી સદી સુધીમાં તો દુનિયાભરમાં રાજકીય પક્ષોનો વિકાસ થઈ જ ચૂક્યો હતો અને તેમણે રાજ્ય કે સમાજનાં પરિવર્તનોમાં સકારાત્મક ભૂમિકા ભજવેલી પણ છે. આપણા દેશમાં પણ આઝાદી પહેલાં રાજકીય પક્ષો હતા જ અને આઝાદીની લડાઈમાં તેમણે મોટો ફાળો પણ આપેલો છે. પરંતુ મુદ્દાની વાત મતદાન કરતી વખતે ઉમેદવારની લાયકાત અને ચારિત્ર્યને જરૂરી મહત્ત્વ – કોઇ રાજકીય પક્ષ કે તેના નેતા કરતા ઘણું વધારે ‌‌-‌ આપવાની છે. જો આપણે એ પ્રમાણે કરતા થઈશું તો રાજકીય પક્ષોએ પણ તેને મહત્ત્વ આપવું જ પડશે.

આપણે સૌ કહીએ તો છીએ જ કે લોકશાહીની સફળતાનો આધાર પ્રજાની જાગૃતિ પર છે. પરંતુ આપણે ઉમેદવારને જાણવા જેવી સામાન્ય બાબતે બેદરકાર રહીને જાગૃતિનું પહેલું જ પગથિયું ચૂકી જઈએ છીએ.

દેશના બધા જ લોકો પાસે આ પ્રકારની જાગૃતિની અપેક્ષા રાખવી કદાચ વધુ પડતી લાગતી હોય, પરંતુ જે લોકો પોતાને જાગૃત માને છે અને સોશિયલ મિડિયામાં કે અન્યત્ર રાજકીય ચર્ચાઓ કરતા હોય છે તેમની પાસે તો આ અપેક્ષા ઓછામાં ઓછી છે. તેમની જાગૃતિની અસર સામાન્ય માણસ પર વહેલી કે મોડી થયા વગર રહેશે નહિ.


નોંધ 1

આ લેખમાંની કેટલીક વિગતો ‘HOW INDIA VOTES, ELECTION LAWS , PRACTICE AND PROCEDURE’ (લેખકો વી એસ રમા દેવી ભૂ.પૂ. ગવર્નર કર્ણાટક અને એસ કે મેંદીરત્તા, ચૂંટણી પંચના ભૂ.પૂ. સલાહકાર)માંથી લેવામાં આવી છે

2 જેમના પર ગુનો નોંધાયો છે તેવા લોકસભાના સભ્યોની સંખ્યાની વિગત સભ્યોએ પોતાના ઉમેદવારી પત્રમાં કરેલી એફિડેવિટના આધારે ‘એસોશિયેસન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એ‌ન્ડ ન્યુ ઇલેક્શન વોચ’ દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાંથી લેવામાં આવેલી છે જે 27મી મે 2019ના ઈંડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલી છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

2 comments for “સમાજ દર્શનનો વિવેક : આપણી લોકશાહી અને મતદાન: એક દૃષ્ટિકોણ

 1. Dilip shukla
  July 2, 2019 at 4:30 pm

  સરસ માહિતી આપતો લેખ .વ્યકિત ને જાતી અને ધર્મ ના આધારે પક્ષ ઉમેદવાર તરીકે રજૂ કરે છે. જોરે આ વખતે એક

  જ ઉમેદવાર હતો.

 2. નિરંજન બૂચ
  July 6, 2019 at 12:32 am

  દુખ એ વાત નું છે કે ઉમેદવાર ની યોગ્ય માહિતી મળતી નથી કે પછી આપણે માંગતા નથી ને તેથી ગમેતેવા આલ્યા માલીયા ચુટાઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *