શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૨૪ મું – બેવડો હુમલો – મણીનું પડવું – શિવાજીનું પાછું હટવું

Facebooktwitterredditpinterestlinkedinmail

શિવાજીની સુરતની લૂટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ

દુમાલ આગળ સઘળી સેના લડવાને પાછી તૈયાર થઈ હતી. કંઈક નવરોઝના કાનમાં જણાવી સુરલાલ પોતાની સેનાને છૂટી પાડી બીજી બાજુએ વળ્યો. એટલામાં સાંઝ પડવા આવી ને બંને સેનાને વિશ્રામ લેવાની વધારે જરૂર પડી. સિપાઈઓ, હવે તો સઘળી રીતે આખા દિવસના થાક ને અવ્યવસ્થાને લીધે શક્તિહીન અને આરામની ઇચ્છા રાખનારા થયા હતા. શહેરનું લશ્કર લેાથપોથ થયું ને તેથી નવાબે તરત વિશ્રામ લેવો અગત્યનો ધાર્યો ને તેમાં તેણે ડહાપણ વાપર્યું હતું. શહેરમાંથી અનાજ પાણી લાવી ત્યાં જ સૌને ભોજન માટે ઠરાવ્યું અને દૂરદૂર ચોકી પહેરો બેસાડી દીધા હતા. આ પ્રમાણે વિશ્રાંતિ લીધાનું કામ શિવાજીએ પણ કબૂલ કીધું હતું. મણી અને મોતીએ પહેરાપર રહીને કેટલીક રીતે સઘળા સિપાઈઓને તાજુબ કીધા હતા. તેમની હાજરી આવી વેળાએ ઘણી જરૂરની હતી, ને તેનાથી જે અસર થઈ તે કહી શકાય તે કરતાં પણ વધારે છે. સુરલાલનું લશ્કર છૂટું પડ્યું પણ તેણે નવરોઝ સાથે જૂદો જ સંકેત કીધેા હતો, ને પ્રારબ્ધયોગે તે સંકેત ઘણો ઉપયોગી થઈ પડ્યો, એમ પછાડીથી સૌને લાગ્યું. કાલીપરજના લશ્કર પછાડી તેનું છૂટું પડેલું લશ્કર જઈને ખડું રહ્યું ને વખત આવ્યો ત્યારે તેના જુવાનસિંગને પોતાના હાથમાં લઈ તેણે ઘણું અદ્ભુત કામ કીધું, જે જવાબદારીને પોતે માથે લીધી હતી તે ઘણી મોટી હતી, ને તેથી પોતપોતાની મોહમય નિદ્રાને પણ નસાડી મૂકી, સાવધ રહીને પોતાનું બળ વાપર્યું હતું.

હાલ સૌ સિપાઈઓ સજ્જ થયા વગર ગમે તેમ નીરાંતથી આડા- અવળા પડ્યા હતા. માત્ર થોડાક સરદારો જ જાગતા હતા, પણ શિવાજીની સેના ચપળ હતી. મધરાતના બે વાગ્યા, ને શહેરનાં મોટાં મોટાં ઘડિયાળો ઘણણણ કરતો અવાજ કીધો. સઘળે શાંતિ હતી, એકપણ શબ્દ સંભળાતો નહોતો. પણ તેટલામાં કંઈ ધીમી ધીમી હીલચાલ સામેના લશ્કરમાં ચાલુ થઈ, ને કાન દઈને સાંભળતાં – બહુ બારીકીથી તપાસતાં મોતીને માલમ પડ્યું કે, સામું લશ્કર ઉપડવાની તૈયારીપર છે. એકદમ તેણે જઈને નવરોઝને ખબર કરીને તે પહેરાપરની જગ્યાએ આવીને તપાસવા લાગ્યો, તો ખરે તેમ જ હતું. હવે ગફલત કામની નથી એમ જાણી એકદમ તે તૈયાર થયો ને પોતાના સઘળા માણસોને પણ તાકીદે તૈયાર કીધા. કંઈ પણ અવાજ વગર એક પળમાં સૌ સેના સજ્જ થઈ ઉભી. એક ક્ષણ કરતાં પણ થોડા વખતમાં નવરોઝ, મોતી, મણી મોખરે ચાલવા લાગ્યાં. છ નાના વિભાગ કરીને સૌ પોતપોતાની ટુકડીના સરદાર થઈ જૂદા પડી, દરવાજાની બાજુએ ખસી, ખાઈમાં ઉતરી ગયા ને દરવાજા ખુલ્લા મૂક્યા. મરેઠી સેના શહેર તરફ આવવાને ઉતાવળી ધસી, ને નાગરિક લશ્કર શહેરમાં ખસી ગયેલું હોય એમ માલમ પડ્યું. દરવાજા ઉઘાડા હતા એટલે તેમાં ત્રણ ન્હાની ટુકડી પેઠી. અંદરના ભાગમાં જઈને સૌ ખડા રહ્યા. મરેઠાઓ આવ્યા ને દરવાજા નજીક લશ્કરને ન જોયું કે સાનંદાશ્ચર્ય પામ્યા. ધાર્યું કે બળ નહિ હોવાથી શહેરના નસીબ પર સૌને મૂકીને લશ્કર નાસી ગયું હશે. તેએા ધીમે પગલે અંદર ઘુસ્યા. જેવા મરેઠાઓ અંદર પેઠા કે ખાઈમાં ઉતરી પડેલી શહેરી સેના “હર હર મહાદેવ” એવી લાંબી કીકીયારી પાડી તેનાપર તૂટી પડી અને જે મરેઠાઓ ઘોરકર્મ કરવાને પોતાનો પ્રંપચ ખેલવા મધરાતના ઘુસ્યા હતા, તેઓપર એક સામટો હલ્લેા કીધો, બંને બાજુએથી ‘મારો મારો ને કાપો કાપો’નો પોકાર થઈ રહ્યો. શહેરના અને મરેઠાઓના સરદારો એ મધ્ય ભાગમાં જંગ ચલાવ્યું, પણ સુરલાલની મોટી સેનાએ તેમને કાલીપરજ સાથે આવી પછાડીથી ઘેરી લીધા, તેથી તેઓનું કંઈ પણ વળ્યું નહિ ને સૌ ઘણા ગભરાઈ ગયા ઓચિંતા ને વળી બંને પાસના મારાથી મરેઠી સેના ગભરાઈ ગઈ, ને પ્રથમ તો લશ્કરની ઘણી અવ્યવસ્થા થઈ, તેથી કોઇ પણ રીતિની ધારણા પાર પડી નહિ. મરેઠાએાએ પ્રથમ એવી જ ગણત્રી કરેલી હતી કે, જતાં સાથે જ શહેરી લશ્કરને ઉંઘમાં ઘાસ પેઠે કાપી નાંખીશું. પણ તેમની ધારણા વ્યર્થ જવાથી હવે તેમને વધારે સોસવું પડ્યું; કેમકે બે બાજુના હલ્લાથી તેમને નીકળવાનો આરો નહોતો. શિવાજીએ ખૂબ જોશમાં આવી લશ્કરમાં ઝંપલાવ્યું અને તેની સામા નવરોઝ થયો. માલુસરે તો મોતી ને મણી તરફ વધીને તેમને પોતાની સામા તરવારનો સ્વાદ ચખાડવા ગયો. નવાબની રીતિ એક બુદ્ધિમાન સરદારના જેવી હતી, તેથી તે સધળે બરાબર વ્યવસ્થા રાખતો હતો ને સૌને પોકાર કરીને ખૂબ શૂર ચઢાવતો હતો. તેણે સમયસૂચકતા ને ડહાપણ એવી તે સરસ રીતે વાપર્યાં કે સૌ કોઈ ચકિત થતું હતું.

દેખાવ હવે બદલાઈ ગયો હતો, ને ઘણો ભયંકર લાગતો હતો. જોસભેર લડાઈચાલીને મરેઠાઓનાં માણસો અવ્યવસ્થાને લીધે ટપોટપ પડવા લાગ્યાં. હરિપ્રસાદ વચોવચ આવ્યો ને તેને જોતાં જ આ જ કપટી ને કાવત્રાંખેાર છે, એમ ધારીને વીરનારી મણી તેની સામા ધસીને પોતાના હાથમાનો ભાલો તેના ઘોડાને ભોંક્યો, પણ તેટલામાં હરિપ્રસાદે તરવારથી તેના ઘોડાને સખ્ત ઝટકો મારી કાપી નાંખ્યો, ને એને લેવાને ઘોડાપરથી કૂદી પડ્યો, ને જેવો ધસીને એની સામા જાય છે તેવો જ સુરલાલે આવીને તેના માથાપર ઘા કીધો ને તે પડ્યો. આ દેશદ્રોહી નાગર બચ્ચાને તેના કર્મ પ્રમાણે વાસ્તવિક શિક્ષા થઇ. જો તેણે શિવાજીને મદદ ન કીધી હોત તો આટલે સૂધી સુરતની ખરાબ દશા થાત નહિ. માલુસરે ને મોતી બેગમ સામસામાં સમશેર ધૂમાવતાં હતાં, પણ આ સ્ત્રીની ચતુરાઈ જોઇને તે દંગ થઇ ગયો હતો, ને તેટલામાં તેની આસપાસ પુષ્કળ મુસલમાન પઠાણો વીંટળાઈ ગયા તેથી તે પાછો હટ્યો. તેટલામાં પાછું ફરી જોતાં દૂર તેણે મણીને જોઇ ને તેને પોતાના ઘોડાપર લાવીને બેસાડવાના હેતુથી લોખંડની દીવાલ જેવી મજબુત ટુકડીને સાથે લઇ તે પોતાના સુંદર ઘોડાને દશ દશ ફૂટની છલંગ મરાવતો પઠાણોની ટુકડી વટાવી ગયો. પોતાની મુરાદ બર લાવવાને જે બાજુએ ધસ્યો ત્યાં ઘણું ભય જેવું નહિ હોવાથી તેને પોતાનો શિકાર પકડતાં વાર લાગી નહિ. બીજા ઘોડાપર મણી બેઠી હતી, ને તેની આસપાસ સાધારણ સિપાઈ સિવાય બીજા સારા સારા સરદારો નહિ હતા, એટલે માલુસરેને ત્યાં આવતાં વધારે સગવડ થઈ. માલુસરેને ધસતો, ને જોશભેર આવતો જોઈને, મણી પ્રથમ ચમકી ને તેવામાં તેનું અડધું જોર કમી થયું, પણ તે ગભરાઈ પાછી હટી નહિ. માલુસરેને આવતાં જ તેણે જવાબ દીધો કે, “મને એકલી જાણીને જિતવાની આશા થોડી જ રાખજે, ભાલાથી તારો છેડો લાવીશ.” એમ બેાલતાં સાથ તે સામા હિંમતથી ગઇ, પણ જ્યાં માલુસરેએ પોતાની તરવારને ફટકો માર્યો કે તેનો ઘોડો પડ્યો, ને બીજે ઘાએ તે બેશુદ્ધ થઈ પડી. તેની આસપાસના સિપાઈઓ પાછા હટ્યા ને થોડાક વધેલાઓ ઝબે થયા. આ નાસભાગથી માલુસરેને ઘણું સહેલું થઈ પડ્યું, તેણે મણીને ઉપાડવાનો વિચાર કીધો ને ઘોડાપરથી ઉતર્યો ને પાસે જઈને પોતાના ઘોડાપર વિભ્રાંત થયેલી મણીને ઉંચકવાનો વિચાર કરે છે, તેવામાં પછાડી ઘોડાનાં પગલાં સંભળાયાં, ને તે ચમક્યો; પાછો તૈયાર થયો ને ઘોડાપર ચઢવા ગયો, પણ હવે વખત થોડો હતો. પાઉંપ્યાદા જ યુદ્ધ કરવું તેને વાજબી લાગ્યું. બને સરદારો સામસામા થયા. એક કલાક સુધી બને વેરની ઝુમમાં ખૂબ લડ્યા ને ભારે ભાલા તો બંનેના ભાંગી ગયા હતા, પણ તરવારના ફટકા ફટાફટ પડતા તેથી ઘણો શોર મચી રહ્યો. બંને શક્તિહીન થયા, તે બંનેનું શૌર્ય ઓછું થઈ ગયું. જ્યારે બંને જણથી આ ફટકાઓ ઝીલાયા નહિ ત્યારે નરમ પડ્યા. સામો સરદાર કોઈ જ નહિ પણ નવાબ જ હતો ને નવાબ સાથે લડવું વ્યર્થ છે, એમ ધારી માલુસરે એકદમ વખત મળતાં ઘોડાપર ચઢી બેઠો. પણ તેટલામાં જે ઘા નવાબપર ઉગામવા ગયો, તેવો તે સચેતન થતી મણીને વાગ્યો ને એક ચીસ પાડતાં સાથે તે ભોંયપર પડી.

નવાબ ગભરાયો ને માલુસરે પણ ગભરાયો. પણ તે બનેથી કંઈ બની શકે તેવા ઉપાય નહોતો. નવાબ તો ક્ષણવાર થંભી રહ્યો, તેટલામાં માલુસરે નાસીને પોતાની સેનામાં ભરાયો. પણ આ વેળાએ તેના હાલ ઘણા ખરાબ હતા. શિવાજીનાં ઘણાં માણસો પડ્યાં હતાં, ને તે ઘેરાવામાંથી નીકળવાનો ઉપાય શોધતો હતો. મુસલમાન સારા સરદારો તેની આસપાસ ફરી વળેલા જ હતા, તેથી તે માત્ર તેમાંથી નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો. માલુસરે મણી સાથે યુદ્ધકૌશલ્ય ખેલવા ગયો હતો, તેમાં લાભ એ થયો કે મરેઠાની સૈન્યવ્યવસ્થા તૂટી. બે તરવારના ઘા શિવાજીને થયા હતા ને બીજાઓ થોડા કે ઘણા ઘવાયા હતા. ચોમેર ગભરાટ પથરાઈ ગયો હતો, ને શોરબકોરનો ને પડતા પ્રાણીઓની બૂમોનો પાર નહોતો, ચીસો પણ તેટલી જ નીકળતી હતી. તે ભયાનક ગંભીર અવાજ સાંભળીને સૌ ચકિત થયા તેટલામાં સૂર્યોદય થયો. શિવાજીએ ધાર્યું કે હવે બચવાનો રસ્તો માત્ર નાસવું એ જ છે.

પોબારા ગણી જવાને શિવાજીએ યત્ન કીધો, પણ પહોળાઈ ને લંબાઈથી લશ્કર એટલું તો ચોતરફ ફરી વળ્યું હતું કે, કયે માર્ગે નીકળવું તે નક્કી કરવાનું સૂઝ્યું નહિ. એક ક્ષણ નજર ફેરવી, તાનાજી તથા બીજાઓને પોતાનો સંકેત કહ્યો. સૌ એક સ્થળ તરફ ભેગા થવા મચ્યા, પણ શહેરી લશ્કરે તેમ થવા દીધું નહિ. રોકાયલા માર્ગમાંથી તેણે ધીમે ધીમે પાછા હટવા માંડ્યું, ને પચાસ માણસના ભેાગે તે દરવાજા બહાર પડ્યો. હવે તેણે ઘણા જોસમાં પોતાના માણસોને નાસવા માટે બ્યુગલ ફૂંકયું, ને કંઈ પણ વીસામો ખાધા વગર એકદમ દોડવાનો ઠરાવ કીધો. તેણે પોતાના ઘોડા ખાનદેશના રસ્તા તરફ દોડાવ્યા. વાઘની પેઠે છલંગ મારતું શહેરી લશ્કર તેની પૂંઠે પડ્યું, ને પાંચ મૈલ પછાડી દોડ કરતામાં બહુ માણસોને કાપી નાંખ્યા. દોડતું લશ્કર પોતાની પૂંઠે છે એમ ધારીને મરેઠી સેનાના માણસો જે નવસેામાંના માત્ર ચારસો રહ્યા હતા, તેઓ જેમ તેમ કરતા શિવાજી સાથે જઈ શક્યા. આ વખતે લશ્કરે જે બહાદુરી બતાવી હતી, તે સુરતના ઇતિહાસને હમેશાં શોભા આપે તેવી છે. શિવાજીને આ વેળાનો પરાજય એટલો તો સાલ્યો કે, તેના મનમાંથી તેનો કીનો કેટલાક દિવસ સૂધી ગયો નહિ, જ્યારે શિવાજી ઘણો દૂર નીકળી ગયો, ને હવે પૂંઠ પકડવી વ્યર્થ છે એમ સુરતના લશ્કરને લાગ્યું ત્યારે તેઓ પાછા વળ્યા. જય ! સુરતનો જય !!


ક્રમશઃ


‘શિવાજીની સુરતની લૂંટ’ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *