ફિર દેખો યારોં : નવી શિક્ષણનીતિ ઘડાઈ રહી હોય ત્યારે….

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘આજની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે શિક્ષણની પદ્ધતિઓ બાળકોને નુકસાન કરનારી છે. આજના શિક્ષણનું માપ પરીક્ષાઓ, ઈનામો અને હરીફાઈથી કાઢવામાં આવે છે. આજનાં શિક્ષણનાં પરિણામો વેરઝેર, મારામારી, અશાંતિ અને અવ્યવસ્થામાં આવે છે.’

વર્તમાન શિક્ષણપ્રણાલિ વિશે આ કોઈ હાલના લેખક-ચિંતક કે શિક્ષણવિદ્‍ના ઉદ્‍ગારો નથી. આ લખાણ સ્વાતંત્ર્ય પૂર્વે, 1942માં પ્રકાશિત ગિજુભાઈ બધેકાએ લખેલા પુસ્તક ‘દિવાસ્વપ્ન’ની હરભાઈ ત્રિવેદીએ લખેલી પ્રસ્તાવનામાંથી લેવાયેલું છે. આ બન્ને શિક્ષણવિદ્‍ની ઓળખ ગુજરાતને આપવાની હોય નહીં, એટલું માતબર તેમનું પ્રદાન છે. હરભાઈનું આ લખાણ અને ગિજુભાઈનું પુસ્તક આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને લખાયાં હોય એમ કેમ લાગે છે? સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પણ સાત સાત દાયકા વીત્યા. આમ છતાં, લગભગ દરેક પેઢીને એમ લાગતું આવ્યું છે કે પોતે જે શિક્ષણ લીધું એ ઉત્તમ હતું, અને એ પછીનાં વરસોમાં શિક્ષણ સાવ ખાડે ગયું છે. અંગ્રેજી શાસન હતું ત્યારે દોષી ઠેરવવા માટે અંગ્રેજી શિક્ષણનીતિ અને તેના જનક મેકોલે હાથવગા હતા, પણ અંગ્રેજોની વિદાયને આટલાં વરસ વીત્યા પછી આપણા દેશની જરૂરિયાતને અનુરૂપ શિક્ષણનીતિ ઘડવાની દિશામાં આપણે કશાં નક્કર કદમ ભર્યાં કે કેમ? એ દિશામાં કોઈ જ પગલાં લેવાયાં નથી એ તો ન કહી શકાય. કેમ કે, શાળાકીય શિક્ષણે વિકાસ ઘણો કર્યો છે એની ના નહીં. તેનું મૂલ્ય વધ્યું કે નહીં એ તો કોણ જાણે, પણ કિંમત અવશ્ય વધી ગઈ છે. હવે ઘણી બધી શાળાઓની ફી કૉલેજના ઉચ્ચ શિક્ષણની ફી કરતાં વધુ હોય એ સામાન્ય બાબત છે. એથી વધુ સામાન્ય બાબત એ છે કે આટલી ઊંચી ફી ચૂકવવામાં ઘણા બધા વાલીઓનો વિરોધ નથી, બલ્કે તેઓ તેનો ગર્વ અનુભવે છે.

હરભાઈએ પ્રસ્તાવનામાં આગળ લખ્યું છે: ‘આપણી ગમે તેટલી સુંદર આશાઓ હોવા છતાં પ્રાથમિક શાળાના ખુદ શિક્ષકમાં જ્યાં સુધી સ્વભાવફેર કરી નાખવામાં આવે નહીં, ત્યાં સુધી આપણા અખતરાઓ ને પ્રયોગો કરવાનું સાચું સામર્થ્ય સાંપડવાનું નથી. આપણો આજનો પ્રાથમિક શાળાનો શિક્ષક અજ્ઞાત છે, ભાડૂતી છે, પૈસાનો લોભી છે, જાતમાં અવિશ્વાસ રાખનારો છે.’ આજે ટ્યુશનની, ટ્યુશન ક્લાસની બોલબાલા છે, અને તે સર્વસ્વીકૃત પણ બની ચૂક્યા છે. કહેવા પૂરતું તો એ દૂષણ ગણાય છે, પણ એના વિના કોઈને ચાલતું નથી. નવાઈની વાત એ છે કે આવકવેરા ખાતાની ઝપટે ટ્યુશન ક્લાસ ચડે છે, અને સુરતની બહુમાળી ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બને તેને પગલે પણ ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મૂકાય છે. આ બન્ને વાસ્તવિકતાઓમાંથી બીજાં અનેક તારણો નીકળી શકે છે, પણ આપણી શિક્ષણ નીતિ અને શાળાઓની નિષ્ફળતાને એ અવશ્ય રેખાંકિત કરે છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વખત ઘડવામાં આવી છે. સહુ પ્રથમ વાર 1968માં, અને ત્યાર પછી 1986માં, જેને 1992માં સુધારવામાં આવી. પહેલી વાર વડાપ્રધાન તરીકે ઈન્‍દીરા ગાંધીનો કાર્યકાળ હતો, અને બીજી વાર રાજીવ ગાંધી તેમ જ પી.વી.નરસિંહરાવનો. ‘નેશનલ એજ્યુકેશન પૉલિસી’ (એન.ઈ.પી.) તરીકે ઓળખાતો આ ઉપક્રમ માનવ સંસાધન મંત્રાલયનો હોય છે. રાજ્ય સરકાર તેને અનુસરે એ અપેક્ષિત હોય છે, પણ તેના માટે તેઓ બાધિત હોતા નથી. એનો અર્થ એ કે તેનો અમલ સ્વૈચ્છિક હોય છે. ત્રીજી વારની શિક્ષણનીતિ ઘડવા માટે 2014માં ‘ઈસરો’ના વડા કે.કસ્તૂરીરંગનના વડપણ હેઠળ 2014માં એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા પોતાની ભલામણો આખરે માનવ સંસાધન મંત્રાલયને સુપ્રત કરવામાં આવી છે. હવે આ નીતિને જાહેર ચર્ચા માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેથી નિષ્ણાતો પોતાના અભિપ્રાય તેમ જ સૂચન આપી શકે. વિવિધ રાજ્ય સરકારોના અભિપ્રાય પણ મંગાવવામાં આવશે, તેની પર ચર્ચા થશે, અને પછી તે સંસદમાં રજૂ થશે.

આ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને છેક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની અનેક ભલામણો કરવામાં આવી છે. અભ્યાસક્રમની સાથેસાથે શિક્ષણપદ્ધતિની તરાહના પરિવર્તનની વાત છે, બૉર્ડની પરીક્ષાઓના ઢાંચામાં ફેરફાર સૂચવાયા છે, તો વિવિધ કૌશલ્યો વિકસાવવા પર પણ ભાર મૂકાયો છે. આ ઉપરાંત અનેક અનેક બાબતોને આવરી લેવામાં આવી છે. હકીકત એવી છે કે અગાઉની બન્ને શિક્ષણનીતિઓ કોંગ્રેસ પક્ષના શાસનકાળ દરમિયાન ઘડાઈ. ભારતીય જનતા પક્ષના શાસનકાળમાં આ તક સૌ પ્રથમ વાર આવી છે.

અત્યાર સુધી મોટે ભાગે એમ જ બનતું આવ્યું છે કે પોતપોતાના શાસનકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને શાસક પક્ષ પોતાને મનગમતાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવડાવે. શાસકોને ઈતિહાસના પાઠ્યપુસ્તકો પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે. તાજેતરનો જ દાખલો લઈએ તો રાજસ્થાનની અશોક ગેહલોતના મુખ્યમંત્રી પદવાળી કોંગ્રેસ પક્ષની સરકારે રાજ્યસ્તરીય પાઠ્યપુસ્તકોમાં કરેલા ફેરફાર અનેક અખબારોમાં ચમક્યા છે. બારમા ધોરણના ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં તેમની સરકારે કરાવેલા અનેક પૈકીના કેટલાક ફેરફાર અનુસાર ‘વીર સાવરકર’ના નામ આગળથી ‘વીર’ કાઢીને ‘વિનાયક દામોદર સાવરકર’ કરી દેવામાં આવ્યું છે. આ જ ધોરણના પોલિટીકલ સાયન્‍સના પાઠ્યપુસ્તકમાં અગાઉ વિમુદ્રીકરણનો ઉલ્લેખ ‘કાલે ધન કી સફાઈ અભિયાન’ તરીકે હતો, જેને સાવ ગાયબ કરી દેવામાં આવ્યો છે. દસમા ધોરણના સમાજવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ફેરફાર કરીને લખવામાં આવ્યું છે કે હલ્દીઘાટીનું યુદ્ધ રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ધર્મના મુદ્દે લડાયું નહોતું, પણ રાજકીય સત્તા માટેનું હતું. અગાઉ જણાવ્યા મુજબ મહારાણા પ્રતાપને મારીને તેમના રજવાડાને પચાવી પાડવામાં અકબર નિષ્ફળ રહ્યો હતો. મેવાડના સૈન્યનો પીછો મોગલ લશ્કર કરી શક્યું નહીં, અને ડરનું માર્યું થથરતું રહ્યું. આવાં બીજા અનેક ઉદાહરણો છે. અહીં એ પણ દીવા જેવું સ્પષ્ટ છે કે જે લખાણના સ્થાને આ નવું લખાણ મૂકાયું એ મૂળ લખાણ અગાઉનાં ભારતીય જનતા પક્ષનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધીયાના શાસનકાળ દરમિયાન મૂકાયાં હશે.

કોણ જાણે કેમ, પણ પોતાના શાસનકાળમાં પ્રજાલક્ષી કામો કરીને ઈતિહાસ રચવાને બદલે ઈતિહાસના પાઠ્યપુસ્તકો સાથે ચેડાં કરવામાં રાજકીય પક્ષોને શો આનંદ આવતો હશે? આ સ્થિતિ હોય તો વોટ્સએપ, રાજકિય ઓથ હેઠળ ચાલતાં અખબાર યા ન્યૂઝ ચેનલ અને પાઠ્યપુસ્તકો વચ્ચે શો ફરક રહે?

તેમનું અંતિમ ધ્યેય આ જ હોય તો ગમે તે પક્ષ હોય અને ગમે એવી શિક્ષણનીતિ હોય, તો ભાવિ નાગરિકો વર્તમાન અને ભૂતકાળના નાગરિકોની જેમ પોતે મેળવેલું શિક્ષણ ઉત્તમ હોવાનું ઠાલું ગૌરવ લઈ શકવાના વૈભવથી પણ વંચિત રહી જશે


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૬-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *