





કૅપ્ટન નરેન્દ્ર ફણસે
ભુજમાં મારા સાથી ડેપ્યુટી કમાન્ડન્ટ અરવિંદ વૈષ્ણવ નામના ગઢવાલી અફસર હતા. અમારા કમાન્ડન્ટ રીટાયર થયા બાદ તેમનો ચાર્જ અરવિંદ પાસે હતો. અતિ લોકપ્રિય એવા આ અફસરને ભુજમાં હજી પણ ઓળખતા હોય તેવા ઘણા લોકો છે. દર વર્ષે અમારી બટાલિયનનું ઈન્સ્પેક્શન થાય. મિલીટરીના ઈન્સ્પેક્શન એટલી ઝીણવટથી થતા હોય છે, કે નાની સરખી ઉણપ નીકળે તો તેનો ઉલ્લેખ રીપોર્ટમાં નોંધાય.
જુની વાત છે: ૧૯૬૯માં બનાસકાંઠા-પાકિસ્તાન સરહદ પર આવેલી મારી એક પ્લૅટુનની ચોકીમાં જવાનોની બૅરૅકમાં ચકલીનો માળો હતો. સાફ સફાઈ કરતી વખતે તે કાઢી નાખવો જોઈતો હતો, પણ તેમાં બે દિવસ પહેલાં જન્મેલા બચ્ચાં હતાં. જવાનોને દયા આવી તેથી તેમણે એ માળો કાઢ્યો નહિ. જવાનોનાં રહેઠાણ પણ હૉસ્પિટલના વૉર્ડની જેમ સ્વચ્છ હોવા જોઈએ તેથી બ્રિગેડીયરે આ ‘કચરા’ની વિપરીત નોંધ લીધી. ઈન્સ્પેક્શનમાં વિપરીત નોંધ થાય તો તેની અસર કમાન્ડીંગ અૉફિસર (સી.ઓ)ના પ્રમોશન પર પડે. અમારા સી.ઓ.એ તે પ્લૅટુનને રણમાં પચાસ કિલોમીટર પગપાળા માર્ચ કરવાનું ‘ઈનામ’ આપ્યું હતું! સ્વચ્છતા અને આરોગ્યના પાલનમાં થયેલી કોઈ ક્ષતિ માફ કરવામાં આવતી નથી. આ વખતે પણ ઈન્સ્પેક્શન એ જ બ્રિગેડીયર કરવાના હતા, તેથી અરવિંદે આગળની ચોકીઓ તેમના ઈન્સ્પેક્શન માટે તૈયાર છે કે નહિ તે જાતે જોવાની જવાબદારી લીધી. હું બટાલિયન હેડક્વાર્ટરની તૈયારી જોવા પાછળ રહ્યો.
મોડી રાતે અરવિંદ પાછા આવ્યા ત્યારે હું ઓફિસમાં જ હતો. તેમણે જે વાત કહી તે સાંભળી હું અવાક્ થઈ ગયો.
એક દિવસમાં ચાર ચોકીઓનું નિરીક્ષણ કરવાનું હતું તેથી અરવિંદ સવારના ચાર વાગ્યે ભુજથી નીકળી ગયા હતા. અગ્રિમ ચોકીના રસ્તે આવેલી હવાલદારની દેરી પર પાછા વળતાં રોકાઈશું એવી ધારણા કરી તે રોકાયા નહિ. ચોકીનું નીરિક્ષણ કરીને તેઓ પૂર્વ દિશામાં આવેલ ચોકી પર જવા નીકળ્યા, પણ ઉતાવળમાં તેમને યાદ ન રહ્યું કે દેરીએ રોકાવાનું બાકી રહી ગયું હતું.
કચ્છના રણમાં જ્યાં ખારો પાટ કે રેતીના ઢુવા (sand dunes) નથી હોતાં ત્યાં જમીન સાવ સપાટ – જાણે આસ્ફાલ્ટની સડક ન હોય! અરવિંદ પોતે પૂરપાટ જીપ ચલાવી રહ્યા હતા – લગભગ ૬૦ કિલોમીટરની ઝડપે. અચાનક શું થયું, તેમની જીપ અદ્ધર ઉંચકાઈ ગઈ અને ગુલાંટ ખાઈને ઉંધી પડી ગઈ. ચારે પૈડાં આકાશ તરફ હતાં અને હવામાં ફરી રહ્યા હતા. હેબતાઈ ગયેલા અરવિંદે સૌ પ્રથમ જોયું કે પોતાના અને સાથી સૈનિકોના હાથ-પગ સાબૂત હતા. ગાડીની ચાવી ફેરવી એંજીન બંધ કર્યું અને ઘસડાઈને બહાર નીકળ્યા. જીપમાં પ્રવાસ કરનારાઓને સાવ સામાન્ય ઈજા થઈ હતી. મહા મહેનતે બધાએ મળી જીપ સવળી કરી. જમીન સમતળ જ હતી. ચીલા પર કોઈ પ્રકારનો અવરોધ નહોતો. બપોરનો ધોમ ધખતો હતો. આવામાં મૃગજળની અસર તીવ્રતાથી વર્તાતી હતી. દૂરથી જીપ મોટા ટ્રક જેવી ભાસે, અને હરણ ઉંટ જેવડા લાગે. અરવિંદે દક્ષિણ દિશામાં જોયું તો હવાલદારની દેરી ઉંચા દેવાલય જેવી દેખાતી હતી – જાણે તેમને આહ્વાન આપી રહી હતી.
“નરેન્દ્ર, આને અંધ:શ્રદ્ધા, વહેમ જે કહેવું હોય તે કહો પણ મને જે અનુભવ આવ્યો તેને હું કોઈ પ્રકારે સમજી શક્યો નથી. હું પોતે એવા પરિવારમાં જન્મ્યો છું જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નહોતુ. હું બચપણથી મારા કાકા – જેઓ દિલ્લીના વિખ્યાત ન્યુરોસર્જન છે, તેમને ત્યાં મોટો થયો. મેં દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાનની ડીગ્રી મેળવી છે. લશ્કરી સેવા દરમિયાન દુર્ગમ પ્રદેશમાં પણ રહી આવ્યો છું, પણ આવો અનુભવ કદી નથી આવ્યો. તમે આને શું માનશો? ચમત્કાર? રૂઢ થયેલી માન્યતાનો પરચો? કે કેવળ અકસ્માત? જ્યાં આ બનાવ બન્યો, તેનું મેં નિરીક્ષણ કર્યું હતું. ત્યાં કોઈ ખાડા ટેકરા નથી. જે ચીલા પર હું જીપ ચલાવી રહ્યો હતો તે સખત અને સપાટ હતો. તેમાં મારી જીપને ઉંધી થઈ જવાનું શું કારણ હોઈ શકે?”
હું અરવિંદની સાથે નહોતો તેમ છતાં તેમની વાત પર અવિશ્વાસ કરવા જેવું કોઈ કારણ મારી પાસે નહોતું. અરવિંદ વૈષ્ણવ આગળ જતાં બ્રિગેડિયરના હોદ્દા પર પહોંચીને નિવૃત્ત થયા અને હાલ દિલ્લીમાં રહે છે.
*********
કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું: captnarendra@gmail.com
નમસ્તે કેપ્ટનસાહેબ, આપની કચ્છની આખ્યાયિકા વાંચવાની મજા આવી. ઘણી એવી વસ્તુઓ બનતી હોય છે જેને સમજાવી શકાતી નથી માત્ર અનુભવી શકાય છે. પણ એક વાત નક્કી છે કે આવી ઘટનાઓ રાત્રે,અંધારાંમાં, એકલા હોઇએ ત્યારે, કોઇ જંગલ કે એવા પુરાણા ખંડેર કે વાવકુવા જેવી જગ્યાએ બને ત્યારે એની તીવ્રતા વધી જાય છે. દિવસ ને રાતમાં આટલો ફરક છે.
મહેરબાની કરી ને આવી અંધશ્રદ્ધા ની વાત ન કરતા , આપણો દેશ આવી વાતો મા પછાત રહી ગયો છે . ખરેખર તો આની પાછળ નું વૈજ્ઞાનિક કારણ શોધવા ની કોશિશ કરવી જોઇયે .
મને તો આ જીપ ઉ ધી થવા પાછળ બેલેંસિંગ નું જ માત્ર ને માત્ર કારણ લાગે છે , અમુક પ્રકાર ના વાહનો નો બેઝ પહોળો ન હોય તો આમ બંને એમાં કાઇ નવું નથી .
બાકી તો Hallucination પણ કારણભૂત હોઇ શકે .
આવી અવૈજ્ઞાનિક વાતો મહેરબાની કરી ને ન ફેલાવશો