બાળવાર્તાઓ : ૮ : ચકા-ચકીની નવી વાર્તા

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

રોજ સવારે હસતી હસતી ઊઠતી સોના આજે સવારે જાગી ત્યારે મૂડમાં નહોતી. એણે પલંગ પર આજુબાજુ જોયું તો મમ્મી-પપ્પા દેખાયાં નહીં. એ બહારના રૂમમાં આવી. હીંચકા પર સૂતી, પણ મજા ન આવી. એ ઊભી થઈને રસોડામાં ગઈ. મમ્મી ત્યાં કામ કરતી હતી. સોનાને જોઈને મમ્મી પ્રેમથી બોલી: “વાહ, મારો સોના બેટો આજે વહેલો વહેલો ઊઠી ગયો!” સોનાએ જવાબ આપ્યો નહીં. એ મમ્મીની આસપાસ ફરવા લાગી. ફરી પાછી બહાર આવી. બેઠકમાં જઈ સોફા પર સૂતી.

સોનાના પપ્પા રોજ સવારે ચાલવા જાય. એ ચાલીને આવ્યા. સોનાને સોફા પર સૂતેલી જોઈ એ બોલ્યા: “ગુડ મોર્નિંગ, સોના! આજે તો તું વહેલી વહેલી ઊઠી ગઈને!” પપ્પા બૂટ ઉતારવા પગથિયાં પર બેઠા. સોના સોફા પરથી ઊભી થઈ, પપ્પાના ખોળામાં બેસી ગઈ. પપ્પાએ સોનાને વહાલ કર્યું, પછી પૂછ્યું: “તેં બ્રશ કર્યો?” સોનાએ માથું ધુણાવીને ના પાડી. પપ્પા બોલ્યા: “ચાલ, આપણે બ્રશ કરી લઈએ.”

સોનાએ કહ્યું: “ના, હું બ્રશ નહીં કરું.”

સોનાનો જવાબ સાંભળીને પપ્પાએ સોનાની મમ્મીને બૂમ પાડીને કહ્યું: “સોના માટે દૂધ લાવજે. એ આજે દૂધ પહેલાં પીશે, બ્રશ પછી કરશે.”

સોના તરત જ બોલી: “ના, આજે મારે દૂધ પણ નથી પીવું.”

મમ્મી દૂધના ગ્લાસ સાથે બહાર આવી અને બોલી: “આ તમારી લાડલીની ટેવ તમે જ બગાડો છો.” પછી સોના સામે જોઈને બોલી: “પણ પછી બ્રશ કરવો પડશે, હોંને?”

સોના દૂધ પીવા માટે પણ તૈયાર નહોતી. મમ્મીએ એને પરાણે પપ્પાના ખોળામાંથી ઊંચકી અને આંગણામાં બનાવેલા સિમેન્ટના બાંકડા પર બેઠી. મમ્મીએ દૂધનો ગ્લાસ જેવો સોનાના મોઢે માંડ્યો કે એણે મોઢું ફેરવી લીધું અને એ બોલી: “મારે દૂધ નથી પીવું.”

મમ્મીએ કહ્યું: “જો, હું તને ચકા-ચકીની વાર્તા કહું. એક હતો ચકો અને એક હતી ચકી…”

વાર્તાનું નામ પડે એટલે સોના ખિલખિલાટ કરતી કોઈ પણ વાત માનવા તૈયાર થઈ જાય, પણ આજે તો એણે મમ્મીની વાર્તામાં જરા પણ રસ લીધો નહીં. મમ્મીએ વાર્તા આગળ ચલાવી: “ચકી ઊડતી ઊડતી આવી. ચાંચમાં એક તણખલું લઈ ગઈ. ફરી ઊડતી આવી – બીજું તણખલું, ત્રીજું તણખલું…”

ત્યાં જ સોના બોલી ઊઠી: “હા, હા, મને ખબર છે – તારી ચકા-ચકીની એની એ વાર્તા. પછી ચકા-ચકીએ માળો બાંધ્યો. ચકો લાવ્યો દાળનો દાણો. ચકી લાવી ચોખાનો દાણો. બંનેએ ખીચડી બનાવી. ચકાને બહુ ભૂખ લાગી હતી. એ બધી ખીચડી ખાઈ ગયો. એટલે ચકા-ચકી વચ્ચે ઝઘડો થયો…એમ જ ને? રોજ આની આ વાર્તા સાંભળીને મને કંટાળો આવે છે. મારે આ વાર્તાય સાંભળવી નથી અને દૂધ પણ નથી પીવું.”

સોના મમ્મીના ખોળામાંથી ઊઠવા જતી હતી ત્યાં મમ્મીએ કહ્યું: “ના રે ના! આ ચકા-ચકી તો બહુ સારાં છે, ઝઘડો નથી કરતાં અને બંને ખૂબ જ પ્રેમથી રહે છે. આ તો સાવ નવી જ વાર્તા છે.”

“સાચે જ નવી વાર્તા છેને? તો જ હું દૂધ પીશ,” એટલું બોલી સોના ફરી મમ્મીના ખોળામાં બેસી ગઈ. એણે દૂધનો એક ઘૂંટડો પી લીધો.

મમ્મીએ વાર્તા શરૂ કરી.

એક ચકો હતો અને એક ચકી હતી. બંને વચ્ચે પાક્કી દોસ્તી હતી. તેઓ ગામના તળાવકિનારે આવેલા ઝાડ પર રહેતાં હતાં. રોજ સવારે બંને સાથે મળીને બધું કામ કરે. ચણવા જાય. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. ક્યારેય ઝઘડો કરતાં નહોતાં.

ઉનાળામાં તળાવ સુકાઈને કોરા મેદાન જેવું થઈ જતું. ત્યારે ચકો-ચકી રોજ તળાવમાં ફરવા જતાં. થોડી વાર સૂકી જમીન પર ઠેકડા લગાવતાં ચાલે. પછી થાકે એટલે થોડું ઊડી લે. વળી થાકે ત્યારે તળાવમાં ઊગેલાં નાનાંનાનાં છોડવાં પર બેસીને થાક ઉતારે. ફરી પાછાં ચાલે. એમ કરતાં કરતાં તળાવના સામા કિનારે પહોંચી જાય. ત્યાં પણ બધે ફરે. બહુ મજા કરે અને અંધારું થાય એ પહેલાં પોતાના માળામાં પાછાં આવી જાય. ચકીને તો તળાવમાં ફરવા જવાનો ભારે શોખ.

ચકી બહુ શાંત હતી. ચકો થોડો તોફાની હતો. ચકાને ઘણી વાર ચકીની મસ્તી કરવાનું મન થતું, પણ એનું શાંત મોઢું જોઈ એવું કરવાની એની હિંમત ચાલતી નહીં. પણ એક દિવસ ચકી એકધ્યાને એનું કામ કરતી હતી, ત્યાં ચકાને શું સૂઝ્યું તે એણે ચકીની પાછળ જઈ મોટા અવાજે ‘હાઉક’ કર્યું. એ સાંભળીને ચકી ડરી ગઈ. ચકાને બહુ મજા આવી. એ હસતો હસતો નાચવા લાગ્યો.

ચકીને ચકા પર બહુ ગુસ્સો આવ્યો. એણે ચકાને કહ્યું: “જા, હું તારી સાથે નથી બોલતી.”

ચકાએ ચકીને બહુ મનાવી, એની માફી પણ માગી, પણ ચકીની રીસ ઊતરી નહીં. એ ઊડીને બીજી ડાળી પર બેસી ગઈ. ચકો એની પાછળ પાછળ ગયો. એણે ચકીને કહ્યું: “ચાલ, આપણે તળાવમાં ફરવા જઈએ.” ચકીએ એની પણ સાફ ના પાડી દીધી.

ચકો બોલ્યો: “સારું તો, હું જાઉં છું ફરવા.” ચકીએ કશો જવાબ આપ્યો નહીં. ચકો એકલો એકલો તળાવમાં ફરવા ગયો.

એ તળાવમાં ફરતો ફરતો સામા કિનારે પહોંચી ગયો. એટલામાં તો ઓચિંતો ધોધમાર વરસાદ શરૂ થયો. ચકો એક ઝાડ પર બેસી ગયો. એણે વિચાર્યું, વરસાદ રહે તો હું જલદી પાછો માળામાં પહોંચી જાઉં. પણ વરસાદ બંધ થતો જ નહોતો. દૂર આવેલા ઊંચા પહાડ પરથી પણ તળાવમાં પાણી આવવા માંડ્યું. ચકાને થયું, તળાવમાં પાણી ભરાઈ રહ્યું છે. જો હું તળાવમાં થઈને પાછો જઈશ તો તો તણાઈ જઈશ. વળી, એ વરસતા વરસાદમાં આટલું બધું ઊડીને પણ જઈ શકે તેમ નહોતો. એને ચકીની પણ ચિંતા થવા લાગી.

આ બાજુ ચકીને પણ ચકાની ચિંતા થવા લાગી. વરસાદ આખી રાત ચાલુ રહ્યો. ચકીને ચકા વગર માળામાં ડર લાગતો હતો. એને પોતા પર ગુસ્સો આવ્યો. ચકાએ ‘હાઉક’ કર્યું એવી નાની વાતમાં એ રિસાઈ ગઈ તે સારું ન કર્યું. એ આખી રાત દુ:ખી થતી જાગતી રહી.

પાછલી રાતે વરસાદ બંધ થયો. ચકી સવાર પડવાની રાહ જોવા લાગી. જેવું અજવાળું થયું તે સાથે જ એ તળાવના સામા કિનારે ચકા પાસે જવા માળામાંથી બહાર નીકળી. જોયું તો તળાવમાં તો પાણી હતું. ચકી રોજની જેમ તળાવમાં ચાલીને જઈ શકે તેમ નહોતી. એ પાણીમાં તણાઈ જાય. એ સામા કિનારે પહોંચવા માટે આટલું બધું ઊડી શકે તેમ પણ નહોતી. એ વિચારવા લાગી કે હવે શું કરવું.

ત્યાં તો એને સરસ મજાનો વિચાર આવ્યો. બાજુમાં આવેલા એક ડેલામાં ઘાસની ગંજીઓ પડી હતી એ એને યાદ આવ્યું. ચકી ઊડીને તે ડેલામાં ગઈ. એણે ઘાસના ઢગલામાંથી એક પછી એક એમ ઘણાં બધાં તણખલાં ભેગાં કર્યાં અને તળાવકિનારે લાવી. પછી એ એક એક તણખલું ઉપાડી, એકબીજામાં ખોસી, એની ગૂંથણી કરવા લાગી. જોતજોતામાં તો એણે એમાંથી સરસ મજાનો તરાપો બનાવી લીધો.

ચકી તરાપાને જોઈ રાજી થતી મનમાં બોલી: “ડરતો નહીં, મારા ચકા, હું આવું છું તારી પાસે.” ચકી તરાપામાં બેસી તળાવ પાર કરવા લાગી. તરાપો પાણીમાં સ..ર..ર..ર.. સ..ર..ર..ર.. તરતો સામે કિનારે પહોંચી ગયો. ચકી તરાપામાંથી બહાર ઊતરી. એણે તરાપો ચાંચમાં પકડીને બહાર લીધો અને એક ઝાડની બખોલમાં મૂકી દીધો. પછી એ ચકાને શોધવા લાગી.

થોડી વાર પછી એની નજર બાજુના ઝાડની એક ડાળી પર બેઠેલા ચકા પર પડી. ચકો ચિંતામાં આંખો બંધ કરીને બેઠો હતો. ચકી ચકાને ખબર ન પડે એમ ધીરેથી એની પાછળ ગઈ અને મોટેથી બોલી: “હા..ઉક!”

ચકો ડરેલો તો હતો જ, ત્યાં ઓચિંતો ‘હાઉક’ અવાજ સાંભળી એ થડકી ગયો. એ એવો થડકી ગયો કે જો ચકીએ એને પકડી લીધો નહોત તો એ નીચે પડી ગયો હોત. એણે જોયું તો સામે એની ચકી. એને બહુ જ નવાઈ લાગી. એણે ચકીને પૂછ્યું: “તું અહીં કેવી રીતે પહોંચી?”

ચકીએ એને બધી વાત કરી અને કહ્યું: “ચાલ, તને તરાપો બતાવું.” બંને નીચે ઊતર્યાં. ઝાડની બખોલમાંથી તરાપો કાઢ્યો. તરાપો જોઈ ચકો ખુશ થઈ ગયો. એ ચકીને ભેટી પડ્યો અને બોલ્યો: “મને માફ કરી દે, ચકી, મારા કારણે તને બહુ તકલીફ પડી.”

ચકીએ કહ્યું: “માફી માગવાની રહેવા દે. તેં મને ‘હાઉક’ કરીને ડરાવી તો મેં પણ તને સામે ‘હાઉક’ કરીને ડરાવી દીધોને! એટલે આપણું સામસામે સાટું વળી ગયું.” ચકો અને ચકી હસી પડ્યાં. ચકીએ કહ્યું: “અંધારું થાય એ પહેલાં આપણે માળામાં પહોંચી જઈએ.” બંને તરાપામાં બેસી સામા કિનારે આવી ગયાં.

નવી વાર્તા સાંભળતાં સાંભળતાં સોનાએ બધું દૂધ પી લીધું હતું અને એ ખૂબ મૂડમાં આવી ગઈ હતી. એણે મમ્મીને કહ્યું: “મમ્મી, નવી વાર્તા બહુ સારી હતી. ચકી બહુ હોશિયાર હતી, નહીં? મજા આવી ગઈ. હવે હું આજે બધું બરાબર કરી લઈશ. મારો બ્રશ આપ.”

સોના બ્રશ લઈને બાથરૂમમાં દોડી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *