ટાઈટલ મ્યુઝીક : ૧૨ : સીતા ઔર ગીતા (૧૯૭૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

બેવડી ભૂમિકા એટલે સમાન ચહેરો અને વિરોધાભાસી વ્યક્તિત્ત્વ. એક જ કલાકારને આવાં વિરોધાભાસી પાત્રો થકી વૈવિધ્યસભર અભિનય કરવાની બહોળી તક મળી રહે એ આવી કથાઓનો મુખ્ય હેતુ હોય છે. સામાન્યપણે નાયકોને બેવડી કે ત્રેવડી ભૂમિકામાં દર્શાવતી અનેક ફિલ્મો આવી છે. એમ તો સંજીવકુમારે ‘નયા દિન નઈ રાત’ની નવ ભૂમિકામાં પોતાની અભિનયક્ષમતા દેખાડ્યા પછી કમલા હસને ‘દશાવતાર’માં દસ દસ ભૂમિકાઓ કરીને કાળો કેર વર્તાવ્યો હતો. આવી ફિલ્મોની યાદી અનેકગણી લંબાઈ શકે. તેની સરખામણીએ નાયિકાને બેવડી ભૂમિકામાં દર્શાવતી ફિલ્મોનું પ્રમાણ પાંખું છે એમ કહી શકાય. અને એમાં પણ યાદગાર કહી શકાય એવી ફિલ્મો સાવ જૂજ.
શ્રીદેવીની ‘ચાલબાઝ’ અને તેના પૂર્વજ જેવી હેમામાલિનીની ‘સીતા ઔર ગીતા’ હજી આજે પણ ઉત્કૃષ્ટ મનોરંજન આપતી ફિલ્મ ગણાય છે. અહીં એટલો ઉલ્લેખ જરૂરી છે કે ‘સાગર મુવીટોન’ની 1936 માં રજૂઆત પામેલી મહેબૂબ ખાન દિગ્દર્શીત ‘ડેક્કન ક્વીન’માં પણ નાયિકા અરુણાદેવીની બેવડી ભૂમિકા હતી. એક ભૂમિકામાં તેઓ માથાભારે યુવતી અને બીજી ભૂમિકામાં વીમાકંપનીમાં કામ કરતી સીધીસાદી યુવતી બને છે. આ ફિલ્મ સુરેન્‍દ્રની પહેલવહેલી ફિલ્મ હતી અને તેની વધુ રસપ્રદ વિગતો અલગથી આલેખી શકાય એવી છે.

અહીં વાત 1972માં રજૂઆત પામેલી રમેશ સિપ્પી દિગ્દર્શીત ‘સીતા ઔર ગીતા’ના ટાઈટલ મ્યુઝીકની કરવાની છે. મસાલા ફિલ્મ કેવી હોય એનો આ મસ્ત નમૂનો છે. ફિલ્મ ગમે એટલી વાર જોતાં કંટાળો ન આવે.

હેમામાલિની પંખા પર બેઠી હોય છે એવું આ ફિલ્મનું દૃશ્ય ત્યારે બહુ જાણીતું બનેલું. પોસ્ટરમાં પણ આ દૃશ્યનો ઉપયોગ કરવામાં આવેલો.

ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં હતાં. ‘જિન્‍દગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેલ‘, ‘હવા કે સાથ સાથ‘, ‘અભી તો હાથ મેં જામ હૈ‘, ‘કોઈ લડકી મુઝે કલ રાત સપને મેં મિલી‘, અને ‘હાં જી હાં, મૈંને શરાબ પી હૈ‘. ગીતો અસલ આર.ડી.શૈલીનાં છે અને આજે પણ તરોતાજા લાગે એવાં છે. રમેશ સિપ્પી દિગ્દર્શીત ફિલ્મમાં રાહુલ દેવ બર્મનનો સંગીતકાર તરીકે પ્રવેશ આ ફિલ્મ થકી થયો, જે આ ફિલ્મ ઉપરાંત આગળ જતાં ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’ અને ‘સાગર’ જેવી ફિલ્મોનાં યાદગાર ગીતસંગીત માટે કારણભૂત બની રહ્યો.

ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક 3.41 થી શરૂ થાય છે. એ અગાઉ એક દૃશ્યાવલિ છે, જેમાં જોડિયા દીકરીઓનો જન્મ અને બન્નેના અલગ થવાની વાત છે. આ ટ્રેકનો ઉઘાડ તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહથી થાય છે અને 4.05 થી તેમાં તાલ ઉમેરાય છે. એ સાથે પહેલાં ગિટાર અને પછી ટ્રમ્પેટ પર ‘હવા કે સાથ સાથ’ની ધૂન શરૂ થાય છે. અંતરાવાળો ભાગ ફરી તંતુવાદ્યસમૂહ પર વાગે છે. 5.01 થી ફરી તાલ બદલાય છે અને ‘કોઈ લડકી મુઝે કલ રાત સપને મેં મિલી’ની ધૂન આરંભાય છે. આ કયું વાદ્ય છે એ ખ્યાલ આવતો નથી, પણ સિન્‍થેસાઈઝર હોય એમ જણાય છે. 5.53 પર તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહ વડે આખી ટ્રેકનું બાકાયદા સમાપન થાય છે.

એક વાત એ ધ્યાન પર આવી કે આ ટ્રેકમાં સેક્સોફોનને બદલે ટ્રમ્પેટનો ઊપયોગ કરવામાં આવ્યો છે. અહીં આપેલી લીન્‍કમાં 3.41 થી 5.53 સુધી ‘સીતા ઔર ગીતા’નું ટાઈટલ મ્યુઝીક છે.


(નોંધ: તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *