જુલાઈ, ૨૦૧૯થી શરૂ થતી નવી શ્રેણી ચેલેન્‍જ.edu

–  બીરેન કોઠારી

‘આજ કલ કી પઢાઈ મેં ક્યા રખ્ખા હૈ?’ આ સંવાદ છે તો છેક 1948માં રજૂઆત પામેલી રાજ કપૂર નિર્મિત-દિગ્દર્શીત ફિલ્મ ‘આગ’નો, પણ આજેય તે પ્રસ્તુત બની રહ્યો છે. વાત શિક્ષણની, શિક્ષણના માહાત્મ્યની, શિક્ષણપદ્ધતિની કે શિક્ષણનીતિની હોય ત્યારે ઘણી બધી ચર્ચાઓ, સેમિનારો, ચિંતન થતું રહે છે. દુનિયાભરના વિદ્વાનો, વિશેષજ્ઞોનાં અવતરણો, તારણો અને શાણપણ ડહોળાતું રહે છે. આ બધું થયા પછી પણ ‘આજ કલ કી પઢાઈ મેં…’ની સ્થિતિમાં કશો ફરક પડતો નથી. દર વર્ષે વધુ ને વધુ વિદ્યાર્થીઓ બહાર પડતા રહે છે, તેઓ વાલી બને છે અને આ જ સંવાદને દોહરાવતા જાય છે. તો શું આ સમસ્યા શાશ્વત રહેવાની? તેનો કોઈ ઊકેલ ખરો?

આ સમસ્યા વિશે નહીં, પણ તેના ઊકેલ વિશે કહી શકાય કે તે બીજું કોઈક લાવે, એને બદલે પોતે જ મચી પડવું અને પોતાના સ્તરે શક્ય એટલું કામ કરવું. ‘તોત્તોચાન’માં જણાવી છે એવી કે એ.એસ.નીલની ‘સમરહીલ’ જેવી બિનપરંપરાગત શાળા અણુમતીમાં હોય છે. એટલે પરંપરાગત શિક્ષણપદ્ધતિમાં ઉપલા સ્તરે જે કામ થાય એ ખરું, પણ શાળાના સ્તરે ખરેખર શું થઈ શકે એમ છે, અને એ કેવી શ્રેષ્ઠ રીતે થઈ શકે એમ છે એ વિચારવું રહ્યું.

આવું વિચારનારા, વિચારીને અમલ કરનારા, અને અમલ કર્યા પછી પણ સતત એનું વિશ્લેષણ કરનારા જૂજ લોકોમાં રણછોડભાઈ શાહનું નામ સન્માનીય છે. હવે સાડા ત્રણ દાયકા પૂરા કરવાને આરે છે એવી ભરૂચની ‘ઍમિટી શાળા’ના તેઓ સ્થાપક-સંચાલક છે. તેમના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ તેમને ‘આર.એમ.શાહ સર’ તરીકે ઓળખે છે. મરમી વાચક હોવાની સાથોસાથ તેઓ અચ્છા લેખક પણ ખરા. વીસેક પુસ્તકો તેમના નામે બોલે છે. શિક્ષણ ઉપરાંત સંવેદનાત્મક શબ્દચિત્રો પણ તેમણે આલેખ્યાં છે.

શિક્ષણ વિશે તેઓ મૌલિક વિચારો ધરાવે છે, એટલું જ નહીં, પોતાની શાળામાં અનેકવિધ બાબતોનો તેમણે સફળતાપૂર્વક અમલ કરેલો છે. આથી તેમના વિચારોમાં સિદ્ધાંત અને વ્યવહારુતા બેયનો સમન્‍વય જોવા મળે છે. તેમની શાળાની પ્રત્યક્ષ મુલાકાતે અનુભવ્યું છે કે કેવળ વિદ્યાર્થી જ નહીં, શિક્ષક, સંચાલક, સેવક, વાલી સહુ કોઈની શિખવાની પ્રક્રિયા અહીં સતત ચાલતી રહે છે.

વાચકો માટે આનંદની વાત છે કે રણછોડભાઈ હવે ‘વેબગુર્જરી’ સાથે સંકળાઈ રહ્યા છે. તેમના આગમનથી ‘વેબગુર્જરી’ના સશક્ત લેખકોમાં, તેમજ તેના વિષયવૈવિધ્યમાં પણ ઉમેરો થાય છે એ વિશેષ આનંદની વાત છે. આગામી માસથી દર બીજા શુક્રવારે તેમનું લખાણ ચેલેન્‍જ.edu શીર્ષક અંતર્ગત પ્રકાશિત થશે. આ લખાણ કેવળ શિક્ષણલક્ષી ન બની રહેતાં સમાજલક્ષી પણ બની રહેશે, જેમાં શિક્ષણની સાથેસાથે સમાજની વાત પણ ઊજાગર થતી રહેશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “જુલાઈ, ૨૦૧૯થી શરૂ થતી નવી શ્રેણી ચેલેન્‍જ.edu

  1. Gajanan Raval
    June 22, 2019 at 7:49 pm

    This is really a positive approach to do something worthwhile in the field of education… Hearty congrats and best wishes…

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.