





સુરેશ જાની
ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક ની વાત કરી અને તરત અતિશયોક્તિ યાદ આવી ગઈ. કવિ આત્મા એના પ્રિય પાત્રની સરખામણી બીજી કોઈ ચીજ સાથે કરતાં કરતાં એટલો તો ભાવાવેશમાં આવી જાય છે કે, એ સીમા ઓળંગી અતિરેક કરી બેસે છે! જ્યારે કવિના અંતરમનનો આ જુવાળ આપણને સ્પર્શે છે, ત્યારે આપણને પણ એ ભાવાવેશના પ્રદેશમાં ખેંચી જાય છે – ભલે ને એ વાત અવાસ્તવિક હોય, અતિશયોક્તિ હોય!
તો ચાલો… ગુજરાતી કાવ્ય જગતમાં અતિશયોક્તિઓ ગોતીએ –
૧) આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
– ‘આદિલ’ મન્સુરી
૨) કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જિંદગીમાં અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યુ કેમ છો?
એને આખી કહાણી સુણાવી દીધી.
– બરકત વિરાણી’ બેફામ’
૩) એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
-અનિલ જોશી
૪) તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.
– ગની દહીંવાલા
૫) કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
-અમૃત ‘ઘાયલ’
૬) ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા
આપી આપીને સજન ટેકો આપો,
-વિનોદ જોશી
૭) એક સાથે ચમન ખીલી ઉઠે છે;
જ્યારે ગુન-ગુન સરીખું ગાય સસલી.
ચંદ્ર પણ શૂન્યવત જોતો રહે છે;
છાપરે બે ઘડી દેખાય સસલી.
– યોગેન્દુ જોશી
૮) આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
– હરીન્દ્ર દવે
૯) રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા
– મનોજ ખંડેરિયા
૧૦) હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને
જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
-રમેશ પારેખ
ચાલો આપણે પણ અતિશયોક્તિઓ કરીએ કે ગોતીએ !
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
હે લેખક ને કવિમિત્રો, હવે તો ચંદ્રને છોડો. આ ઓલા નીલ આર્મસ્તોંગ નેએના સહયાત્રીઓએ શોધી કાઢ્યુ કે ચંદ્ર ઉપર ધુળ ને ઢેફા જ છે. ખાડા ટેકરા છે. ત્યા ચંદન જેવી શીતળતા નથી પણ હીમ જેવી કાતિલ ઠંડી ને બીજી બાજુ આગ જેવી ગરમી છે. હા, કોઇના ખીલથી ખરડાયેલા ને ડાઘાડુઘીથી છવાયેલા ચહેરાને ચંદ્રની ઉપમા આપી શકાય. પણ એતો આધુનિક ગાળ કહેવાય. એટલે તમારે તમારા પ્રિય પાત્રને શણગારવા,રીઝવવા કે ખીજવવા કોઇ નવો ગ્રહ શોધવો પડશે. કારણ પૃથ્વી પર તો માનુનીઓને ચંદ્રની સાચી ઓળખ મળી ગઇ છે. એટલે હવે કોઇ સુંદર સ્ત્રીને ચંદ્રમુખી કે ચાંદની કહેતા પહેલા વિચારજો!!!!!!!!