ફિર દેખો યારોં : ઊપગ્રહ છોડવો સિદ્ધિ છે, પૂર્વગ્રહ છોડવો સાધના

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘એ હૃદયરોગથી મૃત્યુ પામ્યો ત્યારે ખબર પડી કે એને હૃદય હતું.’ આને ટુચકો ગણીએ, એક લીટીની વાર્તા ગણીએ કે બીજું જે ગણવું હોય એ ગણીએ, છે સાવ ચવાઈ ગયેલું. અર્થફેરે સૌ પોતપોતાની રીતે કહેતા હોય છે. ચવાઈ ગયેલું હોવાથી એને સાંભળવાની ચોટ જતી રહે એમ બને, પણ તેની વાસ્તવિકતા કે ગંભીરતામાં કશો ફરક પડતો નથી. એ બદલાતી નથી. કારણ? કારણ એટલું જ કે આ એક પ્રતીક માત્ર છે. વાસ્તવમાં આને પણ ટક્કર મારે એવી સત્યઘટનાઓ રોજબરોજના જીવનમાં જોવા મળે છે, અને આપણને સૌને એ એટલી બધી કોઠે પડી ગયેલી છે કે એ તરફ આપણું ધ્યાન સુદ્ધાં જતું નથી.

પંજાબના પતિયાળા જિલ્લાની વાત છે. આ જિલ્લાના નાભા તાલુકાનું ગોવિંદપુરા ગામ જુદા કારણોસર સમાચારોમાં ચમક્યું. અત્યાર સુધી અહીં દલિતોની સ્મશાનભૂમિ અલાયદી હતી. તેને બદલે આ વિસ્તારના લોકસભાના સભ્યની સ્થાનિક વિસ્તારના વિકાસ માટેની રૂપિયા ત્રણ લાખની ગ્રાન્‍ટનો સદુપયોગ કરવામાં આવ્યો. દલિતોનું અલાયદું સ્મશાન બંધ કરીને તેને બગીચામાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને પેલી રકમને સાર્વજનિક સ્મશાનગૃહની ફરતે દિવાલ, ઉપર છાપરાં તેમ જ અંદર શૌચાલય બનાવવા માટે ખર્ચવામાં આવી. આ સમાચાર અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયા છે. સ્મશાનની બહાર લગાવેલી તકતીમાં શીખ ગુરુ ગોવિંદસિંહની પંક્તિ કોતરાવવામાં આવી છે, જે કહે છે: ‘માનસ કી જાત સભૈ એકૈ પાહિચાનબો’ (માનવને કેવળ એક જાત તરીકે જ જાણો). આ ઉપરાંત સૂચના લખેલી છે: ‘સારિયાં જાતિયાં તે ધરમાં દે લોગ ઈસ્સ સ્વરગધામ વિચ સંસ્કાર કર સકદે હાં’ (આ સ્વર્ગધામમાં તમામ જાતિ અને ધર્મના લોકો અંતિમ સંસ્કાર કરી શકે છે.) આ સમાચાર વાંચીને આનંદ અવશ્ય થાય, પણ એ આનંદ લેખની શરૂઆતમાં જણાવેલા ટુચકામાં થાય એવો છે.

વતનથી દૂર રંગૂનની જેલમાં મૃત્યુને વરેલા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરને એવો અફસોસ હતો કે તેમને દફન થવા માટે વતનમાં બે ગજ જમીન સુદ્ધાં ન મળી. તેઓ બાદશાહ હતા, ઉપરાંત શાયર પણ ખરા, એટલે તેમની આ પીડા ઈતિહાસમાં અમર બની ગઈ. પણ ખરેખરી વક્રતા કોને કહેવી? વતનમાં જ હોવા છતાં, વતનમાં અંતિમ સંસ્કાર માટે સરખી જગ્યા ન મળે એને શું કહેવું? આ તો અંતિમ સંસ્કારની, એટલે કે મૃત્યુ પછીની વાત થઈ. જીવતેજીવ જે દોજખનો સામનો, માત્ર ને માત્ર અમુક જાતિમાં જન્મ લીધો હોવાને કારણે કરવો પડે છે એ પ્રસાર માધ્યમોમાં પણ ત્યારે જ ચમકે છે, જ્યારે એનો અતિરેક થાય, અથવા કોઈકનું મૃત્યુ થાય, જે ખરેખર તો અપમૃત્યુ હોય. ઈતિહાસમાં તો એ ક્યાંથી સ્થાન પામે?

ગોવિંદપુરા વિસ્તારના લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ડૉ. ધરમવીર ગાંધીએ પતિયાળા જિલ્લામાં આ પહેલ કરી છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 144 ગામોમાં સફળતાપૂર્વક આનો અમલ કરાવ્યો છે. તેમના પ્રયત્નો હજી ચાલુ જ છે. અલબત્ત, તેમની મદદ શરતી છે. જે ગામના લોકો દલિતોના અલાયદા સ્મશાનને બંધ કરીને સૌના માટેનું સાર્વજનિક સ્મશાન બનાવે તેને જ ગ્રાન્ટની રકમ મળે. શીખ ધર્મમાં નાતજાત કે ઉંચનીચના ભેદભાવની નાબૂદી માટે ધર્મગુરુઓએ ‘લંગર’ જેવી ઉત્તમ વ્યવસ્થા અમલી કરી હતી, જેમાં સૌ કોઈ એક જ રસોડે જમે. આમ છતાં, તેમાં ઉંચનીચના ભેદભાવ ઘૂસી શકતા હોય, તો જે વર્તમાન ધર્મગુરુઓ જાતિવાદ કે એવા અન્ય કોઈ પણ વાદની ખુલ્લેઆમ તરફેણ કરતા હોય એમના સંપ્રદાયમાં શી આશા રાખવી? તેમને સ્વના કલ્યાણમાં રસ છે, ‘સર્વ’ના કલ્યાણમાં નહીં. દલિતો લગ્ન વખતે ઘોડે ચડે અને વરઘોડો ગામમાં ફેરવે ત્યારે તેમની પર થતા હુમલાઓની ઘટના એકલદોકલ નથી, તેમ વરસો જૂની પણ નથી. હરામ બરાબર છે કે આવી ઘટનાઓ વખતે એક પણ ધર્મગુરુએ તેની વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચાર્યો હોય તો! રાજકીય નેતાઓને પોતાની મતબૅન્‍કની ફિકર હોય છે, એમ ધર્મગુરુઓને પોતાની ભક્તબૅન્કની ફિકર હોય છે. જે દેશના ધર્મગુરુઓ દેશના કાયદાકાનૂનને માન ન આપતા હોય, એક નાગરિક તરીકેની કોઈ પણ ફરજો અદા ન કરતા હોય, અને છતાં એવાઓના સંપ્રદાયમાં લોકોનાં ટોળેટોળાં ઉમટતાં રહે ત્યારે ધર્મગુરુઓને વખોડીને બેસી રહેવાનો શો અર્થ?

ગોવિંદપુર જિલ્લામાં આટલું પણ થઈ શક્યું એની પાછળનું મુખ્ય કારણ લોકોના માનસમાં થયેલું પરિવર્તન છે કે ત્રણ લાખની મળતી ગ્રાન્‍ટ એ શોધવાની પણ જરૂર નથી. જો કે, આજના હળાહળ હકારાત્મકતાના યુગમાં જે થયું, જેટલું થયું, જેના દ્વારા થયું કે જે રીતે થયું એનું આશ્વાસન જરાય ઓછું નથી. બંધારણને નમન કરતા, બંધારણે છાશવારે ટાંકતા નેતાઓને જોઈ સાંભળીને આપણે તેમની નિષ્ઠા બદલ વારી જઈએ છીએ. પણ એ જ નેતાઓ નાતજાતનાં સમીકરણો માંડે, તેની પૂરેપૂરી ફસલ પોતાના લાભમાં લણે, ટૂંકમાં કહીએ તો બંધારણે નમન કર્યા પછી તેને તડકે મૂકે ત્યારે આપણે તેમને વિચક્ષણ રાજપુરુષની કક્ષામાં મૂકી દેતાં પણ ખચકાતાં નથી. એ જ રીતે પોતાના પર શાસકોની કૃપાદૃષ્ટિ પડે, પડતી રહે અને નાનામોટા માનઅકરામ પોતાને પ્રાપ્ત થાય એવા ક્ષુલ્લક સ્વાર્થ કાજે શાસ્ત્રોને કે તાકતા ટાંકતા વાંચ્છુકોને પણ આપણે સહેલાઈથી ચિંતક યા વિચારકની શ્રેણીમાં મૂકી દઈએ છીએ.

હકારાત્મકતાએ અત્યારે રીતસર હાહાકાર મચાવ્યો છે. નજર સામે ખાલી દેખાતા પ્યાલાને ‘હવાથી ભરેલો’ માનવાનું શીખવતા ગુરુઓ એકેએક ક્ષેત્રમાં નીકળી પડ્યા છે. આમ છતાં, ગોવિંદપુર જિલ્લાનાં ગામોમાં આવી રહેલું આ પરિવર્તન એક આવકાર્ય ઘટના અવશ્ય છે. એકવીસમી સદીના બીજા દાયકાની સમાપ્તિના આરે આપણો દેશ અવકાશમાં ફરતા ઉપગ્રહોને તાકીને નીચે પાડી શકે એવી સિદ્ધિ મેળવતો થાય, તેની સરખામણીએ આટલું પરિવર્તન કંઈ સિદ્ધિની કક્ષામાં આવે? પણ ચાલો, હકારાત્મકતા રાખીએ અને આશાવાદ સેવીએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૬-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *