ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ૩ – સંઘર્ષનો નવો માર્ગ :: પ્રકરણ ૧ :: ૧૮૫૮થી ૧૮૮૫ – કોંગ્રેસના પુરોગામીઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

રાણીના જાહેરનામા પછી હિન્દુસ્તાન સીધી રીતે બ્રિટન સરકાર હસ્તક આવી ગયું. આ પહેલાં કેટલાયે લોકોના ભોગ લેવાયા. આદિવાસીઓ, સામાન્ય ગ્રામજનો, જાગીરદારો, રાજાઓ, હિન્દુઓ અને મુસલમાનોએ પોતાનું બધું સર્વસ્વ હોમી દીધું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી. લડાઈનાં જૂનાં સાધનો નકામાં થઈ ગયાં હતાં. તે ઉપરાંત, જૂની રાજાશાહીને સ્થાને અંગ્રેજી ભણેલો વર્ગ આગળ આવવા લાગ્યો હતો. અંગ્રેજી શિક્ષણને કારણે મધ્યમ વર્ગ પશ્ચિમી વિચારોથી પણ પરિચિત થઈ ગયો હતો. હવેની લડાઈમાં તલવારો અને બંદૂકો કે તોપોનું કામ નહોતું, બુદ્ધિની લડાઈ હતી. લોકોની ભાષા, રહેણીકરણી વગેરે બધું બદલાઈ ગયું હતું. આ જમાનાનું એક પણ તત્ત્વ ૧૮૫૭ની યાદ અપાવે તેવું નહોતું, પ્લાસી પછી ઊઠેલો વિદ્રોહનો હુંકાર અવિરત – પરંતુ સમય સાથે નવા રૂપે – વિકસવા લાગ્યો હતો.

ઈસ્ટ ઇંડિયા ઍસોસિએશન

ભારતનો અવાજ બ્રિટનમાં પહોંચાડવાની જરૂર સૌથી પહેલાં દાદાભાઈ નવરોજીને સમજાઈ. દાદાભાઈ ૧૮૫૫માં લંડન ગયા ત્યારે એમણે જોયું કે બ્રિટનવાસીઓમાં ભારત વિશે જાણકારીનો ઘોર અભાવ છે. ભારતની સ્થિતિ કેવી છે તે બ્રિટનની જનતાને સમજાવવાની જરૂર હતી. આથી એમણે ૧૮૬૬ની ૧ જાન્યુઆરીએ ઈસ્ટ ઇંડિયા ઍસોસિએશનની શરૂઆત કરી. એમાં બ્રિટિશ નાગરિકો પણ સભ્ય હતા. બે વર્ષમાં એની સભ્ય સંખ્યા ૬૦૦ થઈ અને ૧૮૭૮ સુધીમાં એના એક હજાર સભ્ય હતા. ઍસોસિએશન સરકારી કામકાજમાં હિન્દીઓને પણ સ્થાન આપવાની માગણી કરતું હતું. સંસ્થાએ ‘એશિયાટિક રીવ્યૂ’ નામનું મૅગેઝિન પણ શરૂ કર્યું જે આજે પણ જુદા નામે ચાલે છે.

દાદાભાઈ તે પછી પણ ભારતની જનતાનો અવાજ રજૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતા રહ્યા. ૧૮૯૧માં એ બ્રિટનની આમ સભામાં સભ્ય તરીકે ચુંટાયા ત્યારે પણ એમણે ભારતનો પક્ષ રાખવાની કોશિશ કરી. એમણે છ મુદા દ્વારા બ્રિટને શી રીતે ભારતને લૂંટ્યું છે તે દેખાડ્યું. એમણે કહ્યું કે બ્રિટન ભારતમાંથી જે કંઈ લઈ જાય છે તેના બદલામાં કંઈ આપતું પણ નથી.

  • પહેલો મુદ્દોઃ ભારતનો વહીવટ સ્થાનિકના ચુંટાયેલા લોકોને બદલે વિદેશી સરકારના હાથમાં છે, એટલે આ શોષણ શક્ય બને છે.
  • બીજો મુદ્દોઃ ભારતમાં બહારથી લોકો આવીને વસતા નથી એટલે શ્રમ અને મૂડીનો પ્રવાહ રુંધાઈ ગયો છે. આ બન્ને ઘટકો વિના અર્થતંત્રનો વિકાસ ન થઈ શકે.
  • ત્રીજો મુદ્દોઃ બ્રિટનના સૈન્ય અને ભારતના વહીવટ માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો ખર્ચ ભારતમાંથી વસૂલ કરવામાં આવે છે.
  • ચોથો મુદ્દોઃ ઇંગ્લૅન્ડ અને એના આમૂલ માળખાના વિકાસ માટેનો ખર્ચ ભારતમાંથી થતી આવકમાંથી કરવામાં આવે છે.
  • પાંચમો મુદ્દોઃ મુક્ત વેપારને નામે ભારતમાંથી સંસાધનો લઈ જવાય છે પણ કામ ભારતીયોને નહીં, વિદેશીઓને મળે છે. સારા પગારવાળાં પદો પર પણ ભારતીયોને લેવાતા નથી.
  • છઠ્ઠો મુદ્દોઃ બધાં જ ઉચ્ચ પદો વિદેશીઓના હાથમાં હોવાથી એમની કમાણી ઇંગ્લેંડ ચાલી જાય છે.

૧૯૦૧માં દાદાભાઈએ પોતાનું પુસ્તક ‘Poverty and Un-British Rule in India પ્રકાશિત કર્યું તેમાં બ્રિટનની લૂંટની નીતિને Vampirism (લોહી ચૂસતા ચામાચીડિયાની નીતિ) નામ આપ્યું. એમણે પુસ્તકમાં આ મુદાઓનો વિસ્તાર કરીને આંકડાઓ દ્વારા સાબીત કર્યું કે બ્રિટને ભારતમાંથી ઓછામાં ઓછા ૨0-કરોડ પૌંડની લૂંટ કરી છે.

દાદાભાઈ નવરોજીએ બ્રિટન સામે તર્કબદ્ધ કેસ તૈયાર કરીને આઝાદીના આંદોલનની નવા જમાનાને અનુરૂપ મશાલ પ્રગટાવી.

ઇંડિયન ઍસોસિએશન

સુરેન્દ્ર નાથ બૅનરજી આઈ. સી. એસ. માટે લંડન ગયા હતા. ત્યાં પહેલાં તો એમણી જન્મતારીખ વિશે વિવાદ ઊભો થયો અને એ પાસ થયા હોવા છતાં પરિણામ જાહેર ન કરાયું. તે પછી એ કેસ લડ્યા અને જીત્યા. આઈ.. સી. એસ થઈને આવ્યા તે પછી સિલ્હટમાં એમની નીમણૂક થઈ પણ ૧૮૭૪માં કંઈક વહીવટી સામાન્ય ભૂલને કારણે એમને નોકરી છોડવી પડી. તે પછી એમણે મૅટ્રોપોલિટન કૉલેજ (હવે વિદ્યાસાગર કૉલેજ) માં અધ્યાપન કાર્ય સ્વીકાર્યું. આ ક્ષેત્રમાં આવવાનું એક રીતે સારું થયું કેમ કે એ અહીં યુવાનોના સીધા સંપર્કમાં આવ્યા અને દેશ વિશેના પોતાના વિચારોનો એમણે જોરશોરથી પ્રચાર કર્યો.

આ સમયમાં એમને શિક્ષિત મધ્યમવર્ગની સમસ્યાઓનો નિવેડો લાવવાની જરૂર દેખાઈ. એમની સુરેન્દ્ર નાથ બૅનરજી એમની આત્મકથામાં લખે છે કે ક્રિસ્તો દાસ પાલ બ્રિટિશ ઇંડિયન ઍસોસિએશન ચલાવતા જ હતા પણ એ મુખ્યત્વે જમીનદારોની સંસ્થા હતી અને એના કાર્યક્રમમાં રાજકીય આંદોલન જેવું કંઈ નહોતું. આ પહેલાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ‘બેંગૉલ ઍસોસિએશન’ને નામે એક સંસ્થા બનાવવા માગતા હતા પણ એમાં સફળ નહોતા થયા. સુરેન્દ્ર નાથ સમક્ષ આ નામનું સૂચન આવ્યું પણ એમનો વિચાર હતો કે ઍસોસિએશનને માત્ર બંગાળ પૂરતું મર્યાદિત ન રાખવું. એ સમગ્ર ભારત માટે હોવું જોઈએ.

પુત્રનું મૃત્યુ અને ઇંડિયન ઍસોસિએશનનું ઉદ્ઘાટન

૧૮૭૬ની ૨૬મી જુલાઈએ એમણે ઇંડિયન ઍસોસિએશનની સ્થાપના કરી. અહીં સર સુરેન્દ્ર નાથના જીવનની એક કરુણ ઘટના બની. એ જ દિવસે એમના પુત્રનું અવસાન થઈ ગયું. આમ છતાં એમણે પત્ની સાથે વિચારવિમર્શ કરીને ઉદ્‍ઘાટનમાં ભાગ લીધો કારણ કે એમને શંકા હતી કે ઍસોસિએશનની સ્થાપના વખતે અમુક મુશ્કેલીઓ આવે તેમ છે.

ઇંડિયન ઍસોસિએશનના ચાર મુખ્ય ઉદ્દેશ હતાઃ દેશમાં જાહેર મત માટે સૌનો એક મંચ ઊભો કરવો; એકસમાન રાજકીય હિતો માટે દેશની તમામ જાતિઓને સંગઠિત કરવી; હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મૈત્રીભાવ વધારવો; અને વિરાટ પ્રજાકીય આંદોલનોમાં સામાન્ય જનતાને સામેલ કરવી.

આઈ. સી. એસ.માં બેસવા માટે વય મર્યાદા ૨૧થી ઘટાડીને ૧૯ કરી દેવાઈ હતી. ભારતના યુવાનોને એનાથી નુકસાન થાય તેમ હતું આથી ઍસોસિએશને આ નિયમ સામે આંદોલન શરૂ કર્યું. સુરેન્દ્ર નાથ આખા દેશમાં ફરીને આગેવાનોને મળ્યા. તે પછી ઇંગ્લૅન્ડમાં એક પ્રતિનિધિને મોકલીને રજુઆત કરવામાં આવી. અંતે એમને આ આંદોલનમાં સફળતા મળી. સર સુરેન્દ્ર નાથ ‘બેંગાલી’ અખબારના માલિક અનેતંત્રી બન્યા તે પછી એમણે એક જજની અંગત ટીકા કરી અને એને અપાત્ર ગણાવ્યો. એના માટે એમની સામે બદનક્ષીનો કેસ થયો અને એમને બે મહિના જેલ પણ ભોગવવી પડી. સજા સામે કલકત્તાના વેપારીઓએ હડતાળ પાડી અને દુકાનો બંધ રાખી. સજાના વિરોધમાં સભા યોજાઈ તેમાં એટલી ભીડ એકઠી થઈ કે સભા ખુલ્લા રસ્તે બજારમાં કરવી પડી. સુરેન્દ્ર નાથ લખે છે કે ખુલ્લા મેદાનમાં સભા કરવાની શરૂઆત એ વખતથી થઈ.

૧૮૮૩ના ડિસેમ્બરની ૨૮મીથી ૩૦મી, ત્રણ દિવસ માટે ઇંડિયન ઍસોસિએશનનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું. એમાં આખા દેશમાંથી સોએક પ્રતિનિધિઓ હાજર રહ્યા. બીજું અધિવેશન ૧૮૮૫માં કલકતામાં ૨૪, ૨૫, ૨૬મી ડિસેમ્બરે મળ્યું.

૧૮૮૫ના એ જ દિવસોમાં મુંબઈમાં ઍલન ઑક્ટેવિયન હ્યૂમ અને એમના કેટલાક સાથીદારો સર સુરેન્દ્ર નાથ બૅનરજીના ઇંડિયન ઍસોસિએશનની જેમ સંગઠિત થવા માટે મુંબઈમાં એકઠા થયા. સંગઠન એટલે ઇંડિયન નેશનલ કોંગ્રેસ.

૦૦૦

સંદર્ભઃ

(૧) https://www.inc.in/en/in-focus/dadabhai-naoroji-education-family-fact-and-history

(૨) A Nation in Making, by Sir Surendranath Bannerjea (Second Impression) 1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *