વ્યવસાય પ્રમાણે વેશ – નફામાં કરાવે પ્રવેશ

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

“ ઊભા રહો, ઊભા રહો હીરજીભાઇ ! એક વાત તમને કેદુની પુછું પુછું કરુ છું” બાજુના ગામ ગુંદાળાના પાદરે અમારા મુરબ્બી અને આગેવાન ખેડૂત ભાઇશ્રી હરિભાઇ પટેલે અમારી જીપ ઊભી રખાવી.

“અરે, પૂછો પૂછો હરિભાઇ શી વાત છે ?”

“અમે ઘણાબધા ખેડૂતો અવાર નવાર ભેળા બેઠા હોઇએ ત્યારે ઘણીવાર તમારી પોતાની અને તમારી ખેતીની વાત ઊખળે છે. એમાં ટીપાં પદ્ધત્તિની, અળસિયાંના ઉછેરની, આંબળાંનાં ઝાડવાંની અને તમે દહ વરહથી શરૂ કરેલી વિલાયતી ખાતર અને ઝેરીલી દવા વગરની સજીવ ખેતીની વાતો નીકળતી હોય છે. એ બધી લાંબી વાતો તો ક્યારેક નિરાંતે કરશું. પણ આજ તો તમે બેય માણહ સાથે છો, અને બીજું કોઇ ગાડીમાં નથી, એટલે એક પ્રશ્ન મનમાં કૂદકા માર્યા કરતો હોય છે. પૂછીનાખું આજ ?”

“ તે પૂછોને ! એનેય કૂદાકૂદ કરતો મટાડી, હેઠો બેસાડી દઈએ હરિભાઇ !”

હરિભાઇ હસતાં હસતાં બોલ્યા કે “પહેલી વાત તો જાણે એ, કે જ્યારે જોઇએ ત્યારે તમે બન્ને જણા સાથે ને સાથે જ હો છો…..”

“ તે એમાં તમને કાંઇ વાંધા જેવું લાગ્યું ? અમે કાંઇ ચોરીછૂપીથી કે ભાગીને ભેળાં નથી રહેવા માંડેલાં ! દોઢસો જણા તમારા જેવા જાનમાં હતાં અને એટલાં સગા ભેળા થયાં હતાં માંડવે. બધાની હાજરીમાં, અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્નબંધનથી બંધાઇ, સુખદુ:ખમાં સાથે રહીશું એવી પ્રતિજ્ઞા લીધી છે. તમને એનાથી બારો કોઇ વર્તન-વ્યવહાર દેખાય છે ? તમે તો વડિલ ગણાઓ, તમને તો વઢવાનીયે છૂટ હોય ! અમારું કોઇ પગલું અણઘટતું લાગતું હોય તો કહી નાખો.” મેં હસતાં હસતાં કહ્યું.

“ ના, ના, હીરજીભાઇ ! ઈ તો હસવાની વાત છે. મૂળ પ્રશ્ન તો તમારા બેય માણહનાં કપડાં જોતાં અજાણ્યાને તો એમ જ લાગે કે આતો કાયમ બસ મોટરમાં જ ફરનારાં માણસો હશો ! ખેડૂ માણહ ન લાગો ! પણ અમેતો તમને બેયને વાડીમાં કામ કરતાંય ભાળ્યાં છે. ઇ વખતે તમારા વેશ સાવ બદલાઇ જાય છે અને બધાં કામ તમારામાં એવા ભળી જાય છે, ને તયેં બસ એમ જ લાગે કે ખરા ખેડ્યના માણહ તો તમે જ છો ! આ અમારા બેનની વાત કરું તો બગીચામાં બોરાં વીણતી વખતે એમને અમે આખી બાંયનું પહેરણ પહેરેલ ભાળ્યા હતા, ખરી વાત છેને ગોદાવરી બેન ? તમારો આવો વેહબદલો એટલે અમારે શું સમજવું ? તમને ગાડીમાં ફરનારા સમજવા કે ખેડ્ય કરનારા ?”

અમારો એક-બીજાનો પ્રથમ વાર્તાલાપ તો હસીમજાકનો ગણાય. પણ એમનો બીજો પ્રશ્ન “પહેરવેશ” બાબતનો દરેક ધંધાર્થી માટે ધંધામાં બરકત લાવવા સારુ કારણભૂત બની રહે તેવો લાગ્યો, તેથી એની થોડીક વિગતે વાત કરીએ.

યાદ કરો ! પહેલાના વખતમાં આપણી સામે કોઇ અજાણ્યા જણ નીકળે ત્યારે એ જણ ક્યા મલકના અને કઇ જ્ઞાતિના છે તે વગર પૂછ્યે તેના પહેરવેશ પરથી પરખાઇ જતું હતું. એટલું જ નહીં પણ તે સારા કે માઠા-કેવા પ્રસંગે બહારગામ જઇ રહ્યા છે તેની જાણ પણ તેના પહેરવેશ પરથી થઇ જતી હતી ખરુંને ?

અને અત્યારે ? સબ સરખા ! પ્રદેશ,જ્ઞાતિની ક્યાં કરો છો-દૂરથી હાલી આવતી અજાણી વ્યક્તિ છોકરો છે કે છોકરી એ પણ નથી કળી શકાતું ! પણ એ વાત જવા દઇએ. આપણી વાત કરીએ. આપણે તો વ્યવસાય કરનારના માટે તેના ધંધામાં પહેરવેશની કોઇ ભૂમિકા ખરીકે નહીં ? એના વિષે જ વિચારીએ.

મને જ પુછ્યું છે તેથી મારી જ વાત કરું. હજુ હમણાં ગયા સોમવારે જ જવા નીકળ્યો હતો અગત્યના કામ સબબ જિલ્લામથકે .પણ “ થોડો સમય છે તો લાવને વાડીમાં આંટો મારીને પછી નીકળું” એવું વિચારી,જરા ઉતાવળે હાલી બધું નીરખી રહ્યો હતો.એમાં સિમાડાવાળા ઉછરતા કપાસના પ્લોટમાં છુટું પાણી વહી જતું ભળાયું. ત્યાં નજીક જઇને જોયું તો શિયાળિયાએ ટપકની લેટરલ લાઇન કરડી ખાધેલી ભાળી. જીવ ન રહ્યો. નીચો નમ્યો અને માંડ્યો સરખું કરવા. પણ….પણ બન્ને પગ ભીની-કીચકાણ વાળી જમીનમાં એટલા ઓચિંતાના ખુંચી ગયા કે પડતો પડતો માંડ બચ્યો ! લેટરલને ગમેતેમ કરી સાંધી તો ખરી પણ બૂટ અને બન્ને પગ ગારાથી લથબથ ! પહેરેલા સફેદ પેંટના બન્ને પાંયચા નીચેથી ચાર-છ આંગળ રગડાપાણીમાં જબોળાઇ ગયેલા ! હવે ? જવા નીકળ્યો છું બહારગામ એક ઓફીસ-કામે અને કપડા ગયા બગડી ! થઇ કહેવાયને જોયા જેવી !

જો કે કપડા એ માણસની સાચી ઓળખ નથી. છતાં ગંદા કે ફાટેલા કપડાં પહેરી જાહેર કે સભ્ય સમાજમાં જઇને જાડી બુધ્ધિ હોવાનો પરિચય ન અપાય. મારે ફરી ઘેર જઇ કપડાં બદલવા પડ્યા

કામ પ્રમાણે કપડાં =

જેમ કાર્ય પ્રમાણે સાધન અલગ, તેમ વ્યવસાય પ્રમાણે વેશ પણ તેને અનુકૂળ ગોઠવવો પડે. પોષાક તરીકે ચોરણી, ખમીસ અને પાઘડી હવેના યુવાન ખેડૂતને પસંદ ન પડતાં હોય તો ભલેને ધોતી,ઝભ્ભો ને ટોપી પહેરે ! કે ભલે પેંટ,શર્ટ પહેરી ઉઘાડે માથે ફરે ! પણ ખેતી કામના સમયે એ કામમાં ફાવે તેવો વેશ એણે ધારણ કરવો જ પડે. નહીંતો પહેરવેશ કામમાં અગવડરૂપ જ બને. થોડા દાખલા જોઇએ.

[1] કામની ગુણવત્તા જાળવવા= ડૉકટર ઓપરેશન શરૂ કરતા પહેલાં તેનો સ્વચ્છ કોટ, મોઢે માસ્ક,માથે ટોપી અને હાથમાં મોજાં વગેરે પહેરી લે છે.તેની પાછળ ઓપરેશનનું ઝીણવટવાળું કામ કરવામાં વાળ કે કપડા નડતર રૂપ ન થાય, કે કોઇ જીવાણું-બેકટેરિયાની માઠી અસર દર્દી પર ન થઇ જાય તેની સાવચેતી રખાતી હોય છે. સમજાયતો ખેતર-વાડીમાં થતી કોઇ પણ ક્રિયા ડૉકટરના ઓપરેશન થિયેટરથી જરાએ ઉતરતી ક્રિયા નથી. કેટલાક કામો જ એવા હોય છે કે જેમાં કામને અનૂરૂપ કપડાં ન પહેરાયાં હોય તો કામની ગુણવત્તાને અને તેની ઝડપને હાની પહોંચતી હોય છે.

જૂઓને, બહેનો બેઠી બેઠી જીરુનાં ક્યારા નીંદતી હોય અને તેની પાછળ સાડીનો છૂટ્ટો પથારો ઢસડાતો હોય તો પાછળ ઝપટે ચડ્યા એટલા જીરાના છોડવાનો સોથ બોલતો આવે કે નહીં ? ત્યાં સાડીને સરખી લપેટી લેવી પડે કે નહીં ?

વાવણિયો ચલાવતા હોઇએ અને લેંઘાનો પાંયચો કે કાછડીનો છૂટો છેડો વારેઘડિયે દન્તાળના પાછલા ઠેબામાં ભરાતો જાય તો વાવણી કરનારનું ધ્યાન એ બાજુ ફંટાઇ જવાનું અને મુખ્ય કામ જે બિયારણની વ્યવસ્થિત વાવણી કરવાનું છે તેમાં મૂઠખાલા કે ઘાટું-પારવું થવાની પૂરી ભીતિ ઊભી થવાની. ખળામાં લાકડાની ત્રણ ટાંગાવાળી ઘોડી કે ગોળ ટીપણાં પર ઊભારહી, વાવલવાનું કામ થતું હોય ત્યારે, પવન ભરાય તેવા કપડા પહેર્યા હોય તો ઓચિંતાના આવેલા પવનનો આંચકો-વંટોળિયો ઘોડી પરથી હેઠાયે પાડી નાખે ! હાથમાંનો સુંડલોયે છૂટી જાય અને આખો ઢગલો કચરો-કચરો થઇ જાય તે વધારામાં.

તરવાની હરિફાઇમાં ઉતરેલાને ટીવીમાં તો નિરખ્યા જ હશેને ! શરીરને ચપોચપ અને એ પણ બહુજ ઓછા કપડા પહેર્યાં હોય છે એમણે.એજ રીતે કૂવામાં ઉતરતી વખતે ધોતી-ઝભ્ભો નહીં, ચડ્ડી,બનિયન અને માથાબાંધણું જ સલામતી બક્ષે. અને જો છાણ-વાસીદું કરતી વેળાએ લબડતા-ફફડતા કપડા પહેર્યા હોય તો નક્કી છાણ-મૂતર વાળા થયે જ રહે ! .

બહેનોને જેમ રસોઇ કરતી કે પીરસતી વખતે લાંબા-છૂટ્ટા વાળ નડે, એમ લગભગ બધાં જ ખેતીકામોમાં અને કપાસ વિણતી વખતે તો ખાસ માથા પર કપડું ન બાંધ્યું હોય તો વાળ વારંવાર આંખો આડે પથરાયા કરે અને સાંઠી-ઠાલિયા સાથે ભરાઇ-ખેંચાઇને કપાસમાં ચોટી જઇ પ્લાસ્ટિકના તાંતણાની જેમ જ તેની ગુણવત્તા બગાડે. અળસિયાંના બેડમાં જતી વખતે બૂટ-ચંપલ પહેરી ન રખાય. નહિતર અળસિયાંનો કચ્ચરઘાણ નીકળી જાય ! ઝાડ પર ચડતી વેળાએ બૂટ સહિત ચડવા જઇએ તો પટકી જ પડાય. એ વખતે પહેરેલું પેંટ જો અતિ સાંકડું-નેરોકટ હોય તો તેની સિલાઇ વછૂટી જાય અને ભોંઠપમાં નાખી દે ભાઇ !

[2] શરીરના રક્ષણ માટે = વિચાર કરો ! બેન્સો ઉપર લાકડું વહેરતો જણ તેના પહેરેલા કપડા ઉપર પેટથી ગોઠણ સુધી ચામડાનો મોટો ટુકડો શા માટે લપેટતો હશે ? કારણ કે બેન્સો મશીન તરફ લાકડાને બળ કરીને ધકેલતા ક્યારેક શરીરને ઇજા ન થઇ જાય.શરીરના રક્ષણ માટે મજબૂત આવરણ રૂપનું આ બખ્તર છે. આપણા વય વટાવેલા ખેડૂતોને જરા પુછજો ! પહેલા જ્યારે કોસ કે રહેંટથી જ કૂવામાંથી પાણી બહાર ખેંચાતું ત્યારે, કોસ ચલાવનારને કાથીના બરછટ જાડા વરત પર વારંવાર બેસવાનું બનતું. વરતના ઘસારાથી કપડાં ન ફાટી જાય તે અર્થે પહેરેલા કપડાંની ઊપર પાછળ બેઠકના ભાગે રહે તેમ કેડથી નીચે લટકતો એક ચામડાનો અરધા ટુવાલ જેવડો ટૂકડો “ગાંડિયું” બાંધવું પડતું. બેન્સાવાળાને આગળ તો કોસિયાને પાછળ ઘસારો લાગે છે.

સિમેંટ-રેતીનો માલ બનાવનારો પગમાં રબ્બરના મોટા ગમબૂટ ન પહેરે તો સિમેંટથી પગની ખોળો ઉતરી જાય. એજ રીતે વાડી-ખેતરમાં અહુર-સવાર ઝાળા-ઝાંખરાં વાળા શેઢા-પાળે કે અડાબીડ મોલાતોમાં ફરવાનું થાય ત્યારે ગમબૂટ પહેર્યા હોય તો કાંટા અને ઝેરી જીવજંતુંથી બચી શકાય છે. એમ ઊભા પાકમાં જંતુનાશક દવા છાંટનારે માસ્ક,મોજા અને ચશ્મા પહેરવા જરૂરી જ ગણાય.

ધોમ ધખતા તાપમાં જવાનું થાય ત્યારે માથે ટોપી કે ફાળિયું ન ફાવતું હોય તો માથે રૂમાલિયો તો બાંધી શકાયને ? આ વીજળીની અનિયમિતતામાં પિયતનું કામ રાત્રે પણ કરવાનું બનતું હોય છે. એમાંય જો શિયાળાની કડકડતી ઠંડી હોય અને લાંબો ગરમકોટ પહેર્યો હોય તો ઠંડીથી ઠૂઠવાતા જરૂર બચી જવાય.

ઘઉં,જીરૂ કે બાજરાની ધાર કરી માલ ઘણો ઘેર લઇ જવો છે પણ પવન જ વાયો નહીં ! હવે ? રાતની રાત ખળે રાખ્યા વિના છૂટકો નહીં અને રેઢો મૂક્યોયે પાલવે નહીં. ઘરધણીએ પોતે વાહુ જવાનું થાય એ વખતે શરીરને ચોટી રહે તેવા કપડાં,પગમાં બૂટ,હાથમાં લાકડી અને બેટરી રાખવા પડે. કહ્યું છેને ! “ચેતતો નર સદા સુખી, ગરત ગાંઠ્યે અને વિદ્યા પાઠે !” ખળે માલ ચોરવા ચોર ક્યારે આવે એનું નક્કી થોડું છે ? ઓચિંતાનું ક્યારે એની પાછળ પડવું પડે-કંઇ કહેવાય નહીં ! એટલે બૂટતો પહેરેલા જ રખાય.બેટરી અને લાકડી પડખામાં દબાવેલી –હાથવગી રહે અને આંખો પણ જાગતા જોલે જ મિંચાય.

ખેતર-વાડી કે ગૌશાળાના કામો સિવાય ગામ-પરગામ કે શહેર-સમાજમાં જઇએ ત્યારે મનફાવે તેવો પોષાક પહેરીએ. પણ કામ વખતે કામ એવા આપણા વેશ-રૂપ ન હોય તો બાવાના બેય બગડશે ! ન કામમાં ભલીવાર ભળાય કે ન નિરાંતવે હૈયે કામનો આનંદ મળે ! આપણા તમામ કામો જ આનંદ આપનારાં બની રહેવા જોઇએ.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *