વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૭) : સ્કૂલ ચલેં હમ…

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: બીરેન કોઠારી

ઊનાળુ વેકેશન આઈન્‍સ્ટાઈનના સાપેક્ષવાદને સમજવા માટેનું કદાચ શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓને લાગે કે તે બહુ ઝડપથી પૂરું થઈ ગયું, જ્યારે વાલીઓને લાગે કે કેમે કરીને એ પૂરું કેમ થતું નથી! આ વેકેશન પૂરું થતાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે. બે-અઢી મહિનાની શાંતિ પછી સ્ટેશનરી કે શાળાને લગતી અન્ય ચીજોના વેપારીઓને ત્યાં થતી ગિરદી, શૈક્ષણિક ઉપયોગની ચીજોના વધી ગયેલા ભાવ, સ્કૂલ વાનની શરૂ થતી અવરજવર, શરૂ શરૂમાં રહેતો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ, શાળાના આરંભે પોતે વેકેશન શી રીતે ગાળ્યું તેની ખાટીમીઠી વાતો…આ બધું ધીમે ધીમે થાળે પડતું જાય છે.

ગઈ કડીમાં ઊનાળુ વેકેશનને લગતાં કાર્ટૂનો જોયા પછી આ કડીમાં જોઈએ શાળાના આરંભિક દિવસોને લગતાં કાર્ટૂન. વેકેશન પૂરું થવા આવે કે થાય અને શાળાનો આરંભ થાય ત્યારે કેવી કેવી પરિસ્થિતિઓ સર્જાય છે? એક ઝલક લઈએ.

**** **** ****

દરેક માવતર ઈચ્છે છે કે પોતાનું સંતાન વેકેશનમાં રખડી ખાવાને બદલે થોડુંઘણું વાંચન કરે. આ કાર્ટૂનમાં અખબાર વાંચી રહેલા પિતાજી દીકરાને તેણે કરેલા વાંચન બાબતે પૂછી રહ્યા છે. દીકરાએ કશું વાંચ્યું તો નથી, પણ તે કહે છે, ‘હું થોડા વખતથી ગણિત કરી રહ્યો છું.’ દીકરો હકીકતમાં એ ગણતરી કરી રહ્યો છે કે વેકેશન પૂરું થવામાં, એટલે કે જલસાનો આ લાંબો સમય સમાપ્ત થવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા છે.

આ કાર્ટૂન ડેવ ગ્રેનલ્યુન્ડ/Dave Granlund નું બનાવેલું છે.

****

ઉઘડતી શાળાએ તેને લગતી વિવિધ ચીજો માટેનું ‘સેલ’ નીકળે એ સ્વાભાવિક છે. બીલ ડે/Bill Day ના આ કાર્ટૂનમાં ગઈ કાલની અને આજની પરિસ્થિતિની સરખામણી કરવામાં આવી છે. મઝાની વાત એ છે કે ગઈ કાલની ચીજોમાંની એક પણ ચીજ આજે દેખાતી નથી.

****

અમેરિકન કાર્ટૂનિસ્ટ જોએલ પૅટ/Joel Pett દ્વારા જુદી સ્થિતિ દર્શાવાઈ છે. શાળાકીય સામગ્રીના વિભાગમાં એક તરફ શૈક્ષણિક સામગ્રી મૂકાયેલી છે. બીજી તરફ સ્વરક્ષણનાં સાધનો પણ વેચાવા મૂકાયેલાં જોવા મળે છે. અમેરિકાની કેટલીક શાળામાં બનતી રહેલી આડેધડ ગોળીબારની દુર્ઘટનાઓ તરફ તે નિર્દેશ કરે છે.

****

અમેરિકન કાર્ટૂનિસ્ટ ક્રીસ બ્રીટ/Chris Britt આ કાર્ટૂનમાં એક માતાનું સ્વપ્ન બતાવે છે. બાળસેના શાળાએ જતી થાય ત્યારે પોતે નિરાંતનો શ્વાસ લઈ શકશે એવું સપનું તે જોઈ રહી છે. તે નિદ્રામાં મલકાઈ રહી છે એ જોઈને આશ્ચર્યચકિત થયેલાં બાળકો પૂછે છે, ‘મને નવાઈ લાગે છે કે મમ્મી શેનું સપનું જોઈ રહી છે?’

માતા શાથી આમ વિચારીને રાહત અનુભવી રહી છે? તેની આસપાસ બાળકોએ કરેલું રમણભમણ જોવાથી માતાની સ્થિતિ સમજાઈ જશે.

****

વેકેશનના સમાપન પછી શાળા શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને વર્ગમાં આવકારતું લખાણ શિક્ષિકા બૉર્ડ પર લખે છે. પણ બાળકો એ વાંચીને મૂંઝાય છે. પછી શિક્ષિકાને ખ્યાલ આવે છે કે આ બાળકોએ પોતાનું વેકેશન ટેક્સ્ટિંગ (ફોન દ્વારા મોકલેલા લઘુસંદેશા) કરીને જ ગાળ્યું હશે. આથી તેઓ લઘુસંદેશાની ભાષામાં એ જ લખાણ લખે છે, અને બાળકોના ચહેરા પર તેને ઊકેલી શકવાનો ભાવ ચમકી ઉઠે છે.

****

‘મેં ઊનાળુ વેકેશન શી રીતે ગાળ્યું?’ શાળા ખૂલતાં જ વિદ્યાર્થીઓને આ વિષય પર લખી આવવા માટેની સૂચના આપવામાં આવે છે. પણ ઉઘડતી શાળાએ આ બધું લખવાનો કેવો કંટાળો આવે? અમેરિકન કાર્ટૂનિસ્ટ બ્રુસ પ્લેન્‍ટે/Bruce Plante ના આ કાર્ટૂનમાં શિક્ષિકા આ વિષય પરનું વિદ્યાર્થીનું લખાણ ટૂંકું હોવાનું જણાવે છે. વિદ્યાર્થી પણ એ જ વાત કરે છે. અલબત્ત, તેનો ભાવાર્થ એમ છે કે વેકેશન જ ટૂંકું હતું, તો લખાણ પણ એ મુજબનું જ હોય ને!

બ્રૂસ પ્લેન્‍ટનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.planteink.com/ પર માણી શકાશે.

****

હવે બાળકો પુસ્તકોને ભૂલી જશે એવો ભય સેવાય છે. અહીં પૂર્વપ્રાથમિકમાં આવેલાં બે બાળકોના હાથમાં પુસ્તક બતાવવામાં આવ્યું છે. એક જણ બીજાને પૂછે છે: ‘આને ચાલુ શી રીતે કરવાનું?’ હાથમાં જાતભાતના વીજાણુ ઉપકરણો હવે સાવ નાનાં બાળકો રમતાં થઈ ગયાં છે. સ્વાભાવિક છે કે તેઓ એમ જ માનતા હોય કે બધી લંબચોરસ વસ્તુને ‘ઑન’ કરીને જ વાપરવાની હોય.

આ કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ માઈક કીફ/Mike Keefeનું બનાવેલું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.intoon.com/cartoons.cfm પર જોઈ શકાશે.

****

શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ પોતાની પીઠે બૅક પૅક/Back Pack લગાવીને શાળાએ જાય છે. પણ તેની શાળાની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં કરતાં વાલીની કમર બેવડી વળી જાય છે, એમ એડ ફીશર/Ed Fischer ના આ કાર્ટૂનમાં દર્શાવાયું છે.

****

પોતાના સંતાનની, ઘરની અને નોકરીની જવાબદારીઓ ઉઠાવતાં ઉઠાવતાં પિતા ત્રસ્ત થઈ જાય છે. વેકેશન પછી શાળાએ જતાં મોં ચડાવતા બાળકને પિતા કહે છે, ‘બેટા, ઈશ્વરનો આભાર માન કે તારે પાછા જવા માટે શાળા તો છે….’ (મારે તો એ પણ નથી. હું ક્યાં જાઉં?) ડેવ ગ્રેનલ્યુન્‍ડ/Dave Granlundના આ કાર્ટૂનમાં પિતા અને પુત્ર બન્નેનાં મોં ઊતરેલા બતાવ્યા છે, છતાં તેનું કારણ અલગ અલગ હોવાનું જણાઈ આવે છે.

****

‘અમારા જમાનામાં….’ શબ્દપ્રયોગ એવો છે કે દરેક વયસ્ક વ્યક્તિ પોતાનાથી નાની વ્યક્તિ સાથેની વાતમાં વાપરતી રહે. એક જમાનો હતો કે કોઈકનું મૃત્યુ થાય કે એવું કોઈ યોગ્ય કારણ હોય તો જ શાળામાં રજા પડતી. જ્યારે હવે? પિતા પોતાના પુત્રને કહે છે, ‘તમારે કેટલું સારું? મેટલ ડિટેક્ટરની મરમ્મત માટે અમને કદી રજા નહોતી મળતી. અલબત્ત, અહીં શાળાઓમાં વધી ગયેલી હિંસા અને તેને લઈને ફરજિયાત બની રહેલાં સલામતિનાં પગલાં પ્રત્યે આડકતરો નિર્દેશ કરવામાં આવ્યો છે.

માર્ટી બુસેલા/Marty Bucellaનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.martybucella.com/ પર જોઈ શકાશે.

****

રખે માનતા કે વેકેશન પછી શાળાએ જવાની સમસ્યા કેવળ પૃથ્વી પરનાં બાળકોની પૂરતી જ મર્યાદિત છે. પરગ્રહવાસીઓનાં બાળકોને પણ એ સમસ્યા નડે છે. આવો એક પરગ્રહવાસી તેના બાળકને કહે છે, ‘આપણા ઘરને સી.આઈ.એ. ઓળખી કાઢ્યું હોય એની મને પરવા નથી. તારે શાળાએ જવું જ પડશે.’ પરગ્રહ પરની શાળા સહેજ જુદી છે, પણ ત્યાંના વિદ્યાર્થીને શાળાએ ઊંચકીને લઈ જવો પડતો બૅકપેક સરખો જ છે.

આ કાર્ટૂન ડૉન લેન્ડગ્રેન/Don Landgren દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://donlandgren.com/index.html પર માણી શકાશે.

****

આજે આપણે ભલે આપણાં સંતાનોને કહેતાં હોઈએ કે અમે તો શાળાએ હોંશે હોંશે જતા હતા. પણ જરા થોભીને, સ્મૃતિ પર વધુ જોર આપીને અને હૈયે હાથ મૂકીને વિચારી જોજો કે શું ખરેખર એમ જ હતું?


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

3 comments for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૭) : સ્કૂલ ચલેં હમ…

 1. Niranjan Korde
  June 18, 2019 at 8:01 am

  શ્રી બીરેનભાઈ,
  લેખ ખૂબ સુંદર છે. આજના સમયને તાદ્રશ્ય લાગુ પડે છે. જે લોકો ૬૦ વર્ષ થી મોટા છે તેમને નાનપણના દિવસો યાદ આવી જાય ત્યારે લાગે છે કે આજની શિક્ષણ પદ્ધતિ જાણે બાળકો નું બાળપણ તેમના થી દુર થતું જાય છે.
  નિરંજન કોર્ડ.

 2. Samir
  June 18, 2019 at 1:51 pm

  ખુબ સુંદર લેખ અને તે પણ પુરતી રમુજ સાથે .
  ધન્યવાદ,બિરેનભાઈ !

 3. June 19, 2019 at 10:44 am

  પ્રતિભાવ બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *