Science સમાચાર (૬૭)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

(૧) આપણી આંખ ફર્યા કરે છે તો પણ આપણે સ્પષ્ટ, સુરેખ દૃશ્ય કેમ જોઈ શકીએ છીએ?

પહેલાં તો અહીં જુઓ કે આપણી આંખ કેમ કામ કરે છે

અહીં સ્લો મોશનમાં દેખાડેલું છે, આપણી આંખ તો આના કરતાં બહુ ઝડપથી ફરતી હોય છે, એ એક જગ્યાએ સ્થિર નથી રહેતી. જે કોઈ વસ્તુ પ્રકાશનું પરાવર્તન કરે તેને જ આપણે જોઈ શકીએ.એ વસ્તુ સીધીસપાટ નથી હોતી. એની રચના જટિલ હોય છે. આંખ જ્યાં પહોંચે તેટલા જ ભાગનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. એ આંખની પાછળ પરદા (રેટીના) પર અથડાય ત્યારે આપણને દેખાય છે. આ પરદો એટલે ડોળાની અંદર બે-તૃતીયાંશ ભાગમાં છવાયેલી જ્ઞાનતંતુની પેશીઓ. અહીં આપણે જે દૃશ્ય જોતા હોઈએ તે અલગ અલગ ઘટકમાં રંગ, આકાર, દિશા વગેરેને જુએ છે. આ આખા ચિત્રનું સમગ્રપણે મગજ સુધી વહન કરવું હોય તો હાથીની સૂંઢ જેટલા વ્યાસવાળી વ્યવસ્થા હોવી જોઈએ! પણ એક ઑપ્તિક નર્વ આ કામ કરે છે. એ બધા સંકેતોને મગજમાં મોકલી દે છે. મગજ એને ફરી એકઠા કરીને વિઝ્યુઅલ કોર્ટેક્સમાં મૂકે છે, ત્યારે એ આખું દૃશ્ય બની જાય છે!

પરંતુ બધું ધૂંધળું કેમ નથી દેખાતું? એનું કારણ એ કે કોઈ વસ્તુમાં આગળપડતો ભાગ હોય તે જોવામાં બીજા આછા કે ઓછા ધ્યાનમાં આવે તેના પર ધ્યાન નથી જતું. આવું દૂરની વસ્તુઓમાં બને છે. દાખલા તરીકે, એક કપ દૂર પડ્યો હોય તે દેખાય પણ એની ડિઝાઇન પર આપણું ધ્યાન ન જાય એટલે મગજમાં પણ એ નોંધાય નહીં. એ જ કપને પાસેથી જોતાં ડિઝાઇન પર પણ ધ્યાન કેન્દ્રિત થાય અને મગજ એ પણ ઝીલી લે. આનું કારણ આપણી આંખ કેટલું એકીસાથે ગ્રહણ કરી શકે છે તેના પર રહે છે.

—————-

સંદર્ભઃ https://www.smithsonianmag.com/science-nature/our-eyes-are-always-darting-around-s-not-how-we-see-world-180972414/#HkL8T3D7f5GqDGBc.99

ટ્વિટર પર સ્મિથસોનિયનઃ @SmithsonianMag

૦૦૦

(૨) પિત્તાશયના કૅન્સરનો ઇલાજ દરેક દરદી માટે જુદો હશે!

વિકસિત દેશોમાં મુખ્યત્વે ફેફસાં, સ્તન, મોટા આંતરડા અને પ્રોસ્ટેટનાં કૅન્સર વધારે જોવા મળે છે, પરંતુ પિત્તાશયનું કૅન્સર મોટા ભાગે ‘ભારતીય કૅન્સર’ છે અને ઉત્તર ભારતમાં એ વધારે જોવા મળે છે. એ બહુ વકરે તો બચવાની તકો ૧૫ ટકા કરતાં પણ ઓછી હોય છે.

હવે મુંબઈના ટાટા મેમોરિયલ સેંટરના Advanced Centre for Treatment, Research and Education in Cancer (ACTREC)ના અમિત દત્તના નેતૃત્વ હેઠળની એક સંશોધક એક ટીમે શોધ્યું છે કે આ કૅન્સર માટે જવાબદાર બે જીન-પરિવર્તનોને દવા દ્વારા રોકી શકાય છે.સામાન્ય રીતે એના ઉપાય તરીકે સર્જરી અને કીમોથેરપીનો જ આશરો રહે છે, પણ અમિત દત્ત અને એમની ટીમે દેખાડ્યું છે કે દવાથી પણ આ કૅન્સરને રોકી શકાય. અમિત દત્ત કહે છે કે દરેક દરદીના કૅન્સરનું જીન બંધારણ પ્રમાણે નિદાન કર્યા પછી જેમ ડાયાબિટીસની ગોળી લે તેમ આ કૅન્સરની ગોળી લઈ શકાશે.

એમણે શરૂઆતની અવસ્થામાં પિત્તાશયના કૅન્સરની ગાંઠોના નમૂના લીધા અને એમાં ફેરફારો નોંધ્યા. એમણે જોયું કે EGFR (ઍપિડર્મલ ગ્રોથ ફૅક્ટર રિસેપ્ટર એટલે કે કરોડરજ્જુવાળા જીવોમાં ત્વચાની છેક ઉપરના પડની વૃદ્ધિના પરિબળોને પ્રોત્સાહિત કરતા ઘટકો) સાથે સંકળાયેલા કેટલાયે જીનમાં પરિવર્તન થઈ જાય છે. કોશોની વૃદ્ધિમાં EGFR Pathway ( સંદેશવાહક ન્યૂરોનની જાળ) બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના જીન્સ બરાબર કામ ન કરે કે વધારે પડતા સક્રિય થઈ જાય તો કોશ્પો અતિ ઝડપે વિકસવા લાગે છે.

સંશોધક ટીમે જોયું કે ERBB2 જીન બહુ સક્રિય થઈ જાય છે. એને કાબૂમાં લઈ શકાય તો કૅંસરવાળા કોશો મરવા લાગે છે. પરંતુ એની સાથે KRAS જીન પણ સક્રિય થઈ જાય તો કૅન્સરની ગાંઠ દવાની પરવા કરતી નથી અને વધ્યે જ જાય છે. હવે સમજાયું છે કે જે દરદીમાં KRAS માં પરિવર્તન ન થયું હોય તેનો ઇલાજ દવાથી થઈ શકે છે.

આમ પિત્તાશયના કૅન્સરની વધારે સારી સમજણ મળતાં એને રોકવાની દિશામાં મહત્ત્વનું કામ થયું છે.

————-

સંદર્ભઃhttps://indiabioscience.org/news/2019/towards-personalized-therapy-for-indian-gallbladder-cancer-patients

સંદર્ભઃ (જાણકારો માટે) : https://onlinelibrary.wiley.com/doi/full/10.1002/ijc.31916

આ પણ જૂઓઃ http://clincancerres.aacrjournals.org/content/12/18/5268

૦૦૦

(3) ભરતી, ઓટ અને સમુદ્રની અંદર ધરતીકંપ

સમુદ્રમાં ટેક્ટોનિક પ્લેટ પાસે પર્વતીય હારમાળા હોય છે. ટેક્ટોનિક પ્લેટ બે ભૂખંડોને કારણે બને છે.બન્ને વચ્ચે જગ્યા હોય છે અને એ સરકતા રહે છે. એક ભૂખંડ બીજાની સરખામણીએ થોડો ઊંચો હોય છે.ભરતી આવે ત્યારે એ દબાઈને નીચે સરકે છે અને ક્યારેક અથડાઈ જાય છે. હમણાં સુધી વૈજ્ઞાનિકો એક વાત સમજી શક્યા હતા કે ભરતી આવે ત્યારે ભૂખંડ નીચે જાય અને ધરતીકંપ થાય. પરંતુ એમણે જોયું કે ઓટ આવે છે ત્યારે પણ ધરતીકંપ થાય છે.

આ વાત સમજવા માટે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર શોલ્ઝે પ્રશાંત મહાસાગરમાં યૂઆં દ’ ફૂચા પર્વતીય હારમાળાના ઍક્સિઅલ જ્વાળામુખીનો અભ્યાસ કર્યો. એ પછી એમણે તારણ કાઢ્યું કે ઓટ આવે છે ત્યારે ઉપર તરતા ભૂખંડ પર દબાણ ઓછું થઈ જાય એટલે એણે ઉપર તરફ સરકવું જોઈએ. પરંતુ જ્વાળામુખીમાં એક આખો ખંડ મેગ્માનો હોય છે જે એની સપાટીની નીચે હોય છે. મેગ્મા નરમ હોય છે. ઓટને કારણે ઉપરથી પાણીનું દબાણ ઓછું હોય છે એટલે આ મેગ્મા વિસ્તાર પામે છે. એ ફૂલે છે અને આસપાસના ખડકોને ધક્કો આપે છે. આમ ભરતી હોય કે ઓટ, સમુદ્રની નીચેના ભૂખંડો ધરતીકંપનો ભોગ બને જ છે.

—————-

સંદર્ભઃ https://blogs.ei.columbia.edu/2019/06/07/tides-trigger-earthquakes/

૦૦૦

(૪) ગ્લોબલ વૉર્મિંગને કારણે સાઇબીરિયા આ સદીના અંત સુધીમાં રહેવા લાયક બની જશે?

રશિયાનો આ સાઇબિરિયા પ્રદેશ છે. એ ઍશિયન રશિયા છે કારણ કે એ યૂરાલ પર્વતની પૂર્વે આવેલો છે. અહીં કાયમ બરફ રહે છે. આ વિસ્તાર ૧ કરોડ ૩૦ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે કે રશિયાનો ૭૭ ટકા ભૂભાગ એ જ છે પણ અહીં દેશની માત્ર ૨૭ ટકા વસ્તી રહે છે. અહીં હંમેશાં બરફ રહે છે પણ હવે ગ્લોબલ વૉર્મિંગની અસર અહીં દેખાવા લાગી છે. હવે અહીં બરગ અને ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે.. ભરશિયાળામાં અહીં ઊષ્ણતામાન ૩.૪ ડિગ્રીથી માંડીને ૯.૧ ડિગ્રી જેટલું વધારે નોંધાયું. ગરમીમાં પણ ૧.૯થી માંડીને ૫.૭ ડિગ્રીનો વધારો થયો છે. વરસાદ ૬૦ મિમીથી વધીને ૧૪૦ મિમી થયો.. આ પરિણામો પરથી વૈજ્ઞાનિકોએ આબોહવાની આગાહી કરી. એમનું કહેવું છે કે ૨૦૮૦ સુધીમાં બરફનું આવરણ ૬૫થી ૪૦ ટકા જેટલું ઓછું થઈ જશે. વધારાના ૧૫ ટકા પ્રદેશમાં માનવ વસાહત માટે અનુકૂળ ઠંડી-ગરમી હશે.

——————

સંદર્ભઃ https://ioppublishing.org/news/could-climate-change-make-siberia-more-habitable/

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *