એક વાક્યના બોર્ડની શોધ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મધુકર કોર્ડે

પૃથ્વી પર માનવીએ બોલવાની શરૂઆત કરી તે ‘બોલી’ થઈ અને જેમ જેમ તેના પર સંસ્કાર ઘડાતા ગયા, સર્વમાન્ય થતી ગઈ ત્યારે તેને આપણે ‘ભાષા’ કહી. ભાષા કેવળ શ્રુતિ – સ્મૃતિ ન રહે અને તે સંજ્ઞા અને બોલીના વર્ણ દ્વારા વાંચી શકાય તે માટે ચિત્રગુપ્તે આપણને લિપી આપી. આ લિપીના આવિષ્કાર ને કારણે આપણે માનવજાતિની હજારો વર્ષ જુની સંસ્કૃતિને જાણી શક્યા છીએ અને લેખન દ્વારા તેને જીવંત રાખી શક્યા છીએ.

લેખનનો મહિમા એવો છે કે તેના આવિષ્કાર વગર વક્તાઓ કેવળ તેમના જીવનકાળ પૂરતા જીવંત રહ્યા હોત. લેખનની શોધને કારણે વક્તાઓના વક્તવ્ય અને માનવજાતિની વિદ્વત્તા અનંત કાળ માટે જીવંત રહી શકી છે. લેખન વગર ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટીંગ્ઝ પર બ્રિટનની પાર્લમેન્ટમાં મહાભિયોગ ચલાવનાર એડમંડ બર્ક કે ફ્રાન્સની ક્રાન્તિમાં અગત્યનો ભાગ ભજવનાર રૉબ્સપિયર જેવા વક્તાઓ કદાચ ભુલાઈ ગયા હોત. વાણી મનુષ્ય માટે મનના ભાવ, લાગણી અને વિચારો ની આદાન પ્રદાન માટેનું અનિવાર્ય સાધન છે. વાણી મનુષ્યના સંપૂર્ણ વ્યક્તિત્વને મૂર્તિમંત કરે છે. મનમાં ચાલતા ભાવનું પ્રગટ્ય વાણીથી બોલાયેલા શબ્દોને કારણે સાંભળનાર વ્યક્તિ સહેલાઈથી સમજી શકે છે. એ જ રીતે જેટલું મહત્વ બોલાયેલા શબ્દનું છે એટલી જ મહત્તા વાણીના લેખિત સ્વરૂપ – લિપિ ને છે. જ્યાં વાણીની સીમા આવે છે ત્યાં લેખનની દુનિયાની સરહદ શરુ થાય છે.

આમ જોવા જઈએ તો દિવાળીના તહેવારમાં ઘરઆંગણામાં દોરાયેલી સુંદર રંગબેરંગી ચિત્રની રંગોળી સાથે “ભલે પધાર્યા” લખીએ ત્યારે તે જોઈ આપણા ઘર આંગણે આવનાર સ્નેહીઓના હૃદયમાં સુંદર અનુભૂતી થતી હોય છે. ઘણી વાર લગ્ન કે એવા જ શુભપ્રસંગે યજમાનની વ્યસ્તતાને કારણે તેમના આત્મિય જન સાથે તેમની પ્રત્યક્ષ વાત ન થઈ શકે ત્યારે તેમને આપણા તરફથી મળેલ સુંદર વ્યક્તિગત શુભેચ્છા સંદેશ વાંચનાર પર ઊંડી અસર કરી જાય છે. પરદેશમાં રહેતા એક સંબંધીને તેમના સ્વજને સ્વહસ્તે લખેલો પત્ર મળ્ચો ત્યારે તે વાંચી તેમના મન પર એવી તો ઊંડી અસર થઈ, તેમણે ફોન કરીને કહ્યું, “આજકાલના વૉટ્સઍપના જમાનામાં દરરોજ સવારે મળતા ‘સુપ્રભાત’ અને ‘સુવિચાર’ના સેંકડો સંદેશાઓ વાંચ્યા વગર જ delete કરવામાં આખી સવાર નષ્ટ થતી હોય છે; આવામાં તમારો સ્વહસ્તે લખેલ પત્રમાં નાનકડો સંદેશ વાંચીને તમને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ થયો.”

આપણા દેશમાં નાનકડી ભેટ સાથે અપાતા બે કે ત્રણ શબ્દોના સંદેશ કેટલા ઊંડાણભર્યા સ્નેહના દ્યોતક હોય છે! ઉદાહરણ તરીકે બંગાળમાં નવવધુને અપાતા થાળ પર કોતરેલો સંદેશ “સુખે થાકો” – સુખી રહો! મહારાષ્ટ્રમાં નવ-પ્રસૂતાને તથા તેના નવજાત શિશુને અપાતી ભેટ પર“પ્ર. સુખી અસો” – પ્રસૂતા સુખી રહો! આપણા પોતાના જ ગુજરાતમાં દરવાજા પરના પાથરણા કે તોરણ પર લખાયેલ “ભલે પધાર્યા” જોઈ આગંતુકના મનમાં અંદર આવતાં પહેલાં જ આવકાર મળ્યાનો આનંદ પ્રાપ્ત થતો હોય છે!

***

મનુષ્યને તેના જીવનમાં સારા નરસા પ્રસંગે બીજાના આધારની ચોક્કસ જરૂર પડે છે. મોટી બીમારીના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, ત્યારે મિત્રો અને સંબંધીઓનો  પ્રત્યક્ષ સથવારો મોટો આધાર આપતા હોય છે. આજે ૨૧ મી સદીમાં ભારતના મોટા શહેરોમાં તબિબી સેવાઓ વિદેશ જેવી જ મળી શકે છે. શહેરના કોઈ પણ ખૂણેથી હોસ્પિટલના એમર્જન્સી રૂમ સુધી લઈ જતી વાતાનુકુલિત એમ્બ્યુલન્સ સેવા જ્યારે આપણને બહુમાળી હોસ્પિટલના પરિસરમાં લઈ જાય છે, ત્યારે સૌ પ્રથમ મોટા નિયોન લાઈટથી પ્રકાશતા ભવ્ય બોર્ડ, મુખ્ય દીવાલ પર જે મહાનુભાવે તેનું ઉદઘાટન કર્યું હોય તેમના નામની તકતી, અંદર પ્રવેશ કરતાં જ દરેક વિભાગના પાટિયાંજોવા મળે છે : મોટી બીમારીની સારવારની માહિતી; જુદા જુદા વિભાગોમાં વપરાતા અદ્યતન સાધનોની માહિતી;  નિષ્ણાત ડોક્ટરોના મોટા અક્ષરે લખેલા નામ તથા તેમની ડિગ્રીઓનું સંપૂર્ણ વર્ણન કરતા બોર્ડ; હોસ્પિટલના નિયમોનું પાટિયું, હોસ્પિટલની જ દવાના સ્ટોર તરફ જવાના રસ્તાનું બોર્ડ, હોસ્પિટલની કેન્ટીનનું બોર્ડ, અને હા, હોસ્પિટલમાં પ્રવેશ કરતાં પહેલાં જ દેખાતું અતિ મહત્વનું બોર્ડ, જેનું દર્શન સૌથી પહેલાં કરવું પડે છે : હોસ્પિટલના કેશિયરનું બોર્ડ. પહેલાં પૈસા જમા કરાવો તો જ તમારા દર્દીને દાખલો મળે. આમ પ્રાણ બચાવવા જો નસીબ અને પૈસા બંને હોય તો તે દર્દી ઘરે હેમ-ખેમ જાય છે.

રોજના લાખો, કરોડો કમાતી હોસ્પિટલો બાબતે હવે પ્રશ્ન એ આવે છે કે અનેક બોર્ડથી સુશોભિત હોસ્પીટલમાં એક અતિ મહત્વના વાક્યનું બોર્ડ ક્યાંય જોવા મળતું નથી. આ વાક્ય એવું છે જે કેવળ અને કેવળ હોસ્પિટલમાં જ મૂકી શકાય. સુંદર પુષ્પ-ગુચ્છના ચિત્ર સાથે એક વાક્યનું પાટિયું. જો તે દર્દીના પલંગ સામે મૂક્યું હોય અને તેના પર દર્દી ની નજર તેના ઉપર પડે તો ગમે તેવી માંદગીમાં તેના મનને શાંતી સાથે અસાધારણ સહારો આપી જાય. દર્દીને જલ્દીથી સાજા થવાની ઊર્મિ નો સંચાર થઈ શકે છે. અરે, મરણ પથારીએ પડેલ હોય તેનામાં પણ જીવવાની જિજિવિષા જાગી શકે છે. આ એવું પાટિયું છે જે જોતાં દર્દીના કુટુંબીઓ પણ તેમના પર પડતા શારીરિક, માનસિક અને આર્થિક દબાણમાંથી હળવાશ અનુભવી શકે છે. આ એવું વાક્ય છે જેમાં ઘણી ઉર્જા અને સદ્ભાવના સમાયેલી છે. આ છે કેવળ ત્રણ શબ્દોનું બોર્ડ છે :

“GET WELL SOON”!

ક્યારે જોવા મળશે આવું પાટિયું?


લેખક વિશે નોંધ:

શ્રી. નિરંજન કોર્ડે નિવૃત્ત ઈજનેર છે. ગુજરાતમાં હાઇવે બાંધકામ નો ૩૬ વર્ષ નો અનુભવ ધરાવે છે. અમદાવાદના BRTSના નિર્માણમાં સેવા આપવા ઉપરાંત પરદા પાછળ રહીને બિનવારસી શબોનો અગ્નિસંસ્કાર, નેત્રદાન વિ. જેવા સમાજસેવાના કાર્યમાં અથાગ યોગદાન આપી રહ્યા છે.

તેમનો સમ્પર્ક: niranjan.korde@gmail.com

18 comments for “એક વાક્યના બોર્ડની શોધ

 1. June 16, 2019 at 12:41 am

  નિરન્જનભાઈ, સુન્દર લેખ. અભિનન્દન.

  • Niranjan Korde
   June 16, 2019 at 9:47 am

   વંદનિય વલી ભાઈ,
   આપનો ખુબ ખુબ આભાર. ભૂતકાળમાં મેં નાના નાના લેખ લખવાનો પ્રયત્ન કરેલ પણ તેને મેં સંગ્રહ કરીને રાખેલ નથી.
   ખેર, મારા આ પ્રથમ લેખ ને પ્રતિસાદ આપે આપેલ છે તેનો આનંદ છે. વેબગર્જરી નો આભારી છું.
   આપનો
   નિરંજન કોર્ડ.

  • R. P. PRADHAN
   June 16, 2019 at 11:25 am

   बहुज सुंदर लेख…

   • Niranjan Korde
    June 17, 2019 at 9:07 am

    શ્રી પ્રધાન સાહેબ
    આપનો ખુબ ખુબ આભાર.

  • હિતેન્દ્ર શાહ
   June 16, 2019 at 7:52 pm

   સ્નેહી નિરંજનભાઈ,
   ખુબજ સુન્દર લેખ છે. સારા શબ્દો સાંભળ્યા બાદ વરસો સુધી યાદ રહી જય છે. તેમ સારુ લખાણ પણ હ્ર્દય પટલ પર ચિરંજીવી બની ને વ્યક્તિ ની સાથે જીવી પણ જાય છે અને જીવાડી પણ જાય છે.
   ખૂબ ગમ્યું.
   લખતા રહો અને વં ચાવ વ તા રહો.
   જય ગુજરાત. જય ગુજરાતી

   • Niranjan Korde
    June 17, 2019 at 9:09 am

    શ્રી હિતેન્દ્રભાઈ
    આપ તો કલા સાહિત્યના પ્રેમી છો અને આપના પ્રતિભાવ એટલેજ મહત્વના છે. આપ ના પ્રતિસાદ માટે આભાર

 2. Vilas Mohorikar
  June 16, 2019 at 12:24 pm

  નિરંજનભાઈ, સુન્દર લેખ. અભિનન્દન

  • Niranjan Korde
   June 17, 2019 at 9:13 am

   શ્રી વિલાસ ભાઈ આપનો વિશેષ આભાર એટલેજ મહત્વનો છે કે આપ ગુજરાતી ભાષાથી વિશેષ પરિચિત ન હોવા છતાં મારો લેખ વાંચી લાગણી પ્રગટ કરી છે. આપનો આભાર.

 3. June 16, 2019 at 1:43 pm

  લેખ વાંચ્યા પછી મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે કોઈ ડૉકટર કે હોસ્પિટલ મેનેજમેન્ટ ને આવું એક વાક્યનું બોર્ડ મુકવાનો સુંદર વિચાર કેમ નહીં આવ્યો હોય ? આજકાલના અતિ પ્રોફેશનલ એવા ઘણા ડૉક્ટર્સ તો પોતે ભાવશૂન્ય રહીને દર્દીના સગા વહાલાઓને ભયભીત કરી મુકતા હોય છે પણ મારા નાનપણમાં મે એવા ડૉક્ટર્સ જરૂર જોયા છે જેમના દવાખાના માં Get well soon નું બોર્ડ તો ન હતું પણ એમના ચહેરા પર Get well soon ના સ્પષ્ટ ભાવ દર્દી અને દર્દીના સગા વહાલા જોઈ અનુભવી શકતા. હશે. આ લેખ આ એક વાક્યનું બોર્ડ મુકવાનું પ્રેરણા સ્ત્રોત બને એજ શુભેચ્છા.

  • Niranjan Korde
   June 17, 2019 at 9:19 am

   શ્રી વૈદ્ય સાહેબ
   લખાણ કરવાની પ્રેરણા તો આપના જેવા લોકોથી જ તો મળે છે.
   આપના બ્લોગ ખૂબ સુંદર હોય છે. સોશિયલ મીડિયા પર આપ ખૂબ સટીક લખતા હો છો. વેબગુર્જરી પર આપના લેખ આપશો તો અન્ય વાચકો ને માણવા મળશે તેની ખાતરી છે.
   લેખ બદલ આપના પ્રતિભાવ માટે આભાર.

  • Ashish Pradhan
   June 17, 2019 at 12:08 pm

   શ્રી કોરડે સાહેબ…
   નમસ્કાર…

   આપનો લેખ વાંચ્યો. નાનો પણ અર્થસભર. ખુબજ માર્મિક અને તર્કપૂર્ણ..જ્યાં વાણી ની સીમા આવે છે ત્યાં લેખન ની સરહદ શરૂ થાય છે.. આને કડવું સત્ય ગણવું જ રહ્યું. આપ નો હોસ્પિટલ માં ગેટ વેલ સુન નું બોર્ડ શોધવા નો નિષ્ફળ પ્રયાસ આપને આવું ધારદાર લેખન લખવા મજબૂર કરી ગયું હોય તેમ આપના લેખન માં ઝલકતી વેદના પરથી લાગી રહ્યું છે…ચોક્કસ પણે જયારે આપણે કોઈ કોર્પોરેટ હોસ્પિટલ ની મુલાકાત ક-મને લેતા હોય ત્યારે આપણી વેદના ને વાણી દ્વારા વ્યક્ત તો નથી કરી શકાતી પણ એક 10 રૂપિયા ની પેન આવા હોસ્પિટલો ના લાખ્ખો રૂપિયા ના બીલો માં રહેલી વેદનાને વાચા આપવાનો પ્રયાસ જરૂર કરી શકે છે જે આપે ખૂબ સુંદર રીતે અહીં સમજાવ્યું છે..

   આપની કલમ સમાજ ને સમયાંતરે લાલ અને લીલી બત્તી બતાવતી રહે એવા લેખન કાર્ય આપ આગળ પણ ચાલુ રાખવા વિનંતી…

   જય હિન્દ…

   • Niranjan Korde
    June 19, 2019 at 8:03 am

    શ્રી આશીશભાઈ,
    આપે પ્રગટ કરેલ વિચારો ખેરખર વિચાર માંગી લે તેવા છે. આપે આપના વ્યસ્ત દિનચર્યા માં પણ સમય આપીને મારો લેખ વાંચ્યો અને પ્રતિસાદ આપવા બદલ ધન્યવાદ.
    વેબગુર્જરી ઉત્તમ પ્રકારનું સાહિત્ય પીરસે (નવનીત ડાયજેસ્ટ ની યાદ અપાવી જાય છે) છે તો દરેક જણે સમય ફાળવીને માણવું જોઈએ.
    આપનો
    નિરંજન કોર્ડ.

 4. Chandrakant Mandge
  June 16, 2019 at 9:23 pm

  શ્રી નિરંજનભાઈ,ખુબજ સુંદર અને પ્રેરણાસ્પદ લેખ. દરેક હોસ્પિટલ વાળાએ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ.

  • Niranjan Korde
   June 17, 2019 at 9:24 am

   શ્રી ચન્દ્રકાન્ત ભાઈ
   આપના દ્વારા પ્રગટ કરેલ ભાવના બદલ આભાર.

 5. Naren Phanse
  June 21, 2019 at 11:37 pm

  ભાઈ નિરંજન, પ્રતિભાવ આપવામાં વિલંબ થયો છે પણ હિન્દી કહેવત મુજબ દેર આયે પર દુરુસ્ત આયે એ ન્યાયે આજે લખવા બેઠો. આપના લેખનો મધ્યવર્તી વિચાર કેટલો ઉદાત્ત છે તે આપને મળેલા પત્રો પરથી જોઈ શકાય છે! આપના લેખનની સરળ શૈલી ખુબ ગમી. વેબ ગુર્જરીના આવતા અંકોમાં આપના લેખો વાંચવા મળે એવી આશા છે.
  – નરેન મામા

 6. Niranjan Korde
  June 22, 2019 at 9:12 am

  વંદનિય નરેન મામા
  આપના પ્રતિભાવ માટે આભાર.

 7. બકુલ શાહ
  December 24, 2020 at 12:39 pm

  નિરંજનભાઈ તમારો લેખ વાંચ્યો. ખૂબ જ પાયા ની વાત તમે ઉજાગર કરી છે. કહેવાતા social media nu સૌથી મોટું આપણા એકબીજા ના સંબંધો ને થયું છે. જે ઉષ્ણતા અને આત્મીયતા કાગળ થી કે મોં થી બોલાયા શબ્દો માં મળતી હતી તે હવે ક્યાંય અનુભવાતી નથી.કારણ હવે એક જાત ની “સમય ની કમી” ના બહાના હેઠળ મોકલાયેલા સંદેશ જ ક્યાંય આપણા મન કે આત્મા ને સ્પર્શ કારતક નથી. પણ બધા કરે છે એટલે………..
  અને જે દિવસે હોસ્પિટલ ના આવા પાટિયા જોવા મળશે તે જ દિવસ થી દર્દીઓ અને ડોકટરો નો એક બીજા પ્રત્યે ભાવ જુદો જ જોવા. મળશે તે ચોક્કસ.

  • Niranjan Korde
   December 25, 2020 at 1:07 pm

   શ્રી બકુલભાઈ,
   આપના પ્રતિભાવ માટે ધન્યવાદ. આપની વાત સાથે હું સંમત છું. હા, હવે આત્મીયતા, લાગણી, સંવેદના, મમત્વ, સદભાવના, જેવા શબ્દો કેવળ શબ્દકોશમાં રહી ગયા છે. અને હા, શબ્દકોશ તો કોઈ જુનાપુરણા ગ્રંથાલયમાં કોઈ એક કબાટમાં જોવા મળે તો આપણે નસીબદાર જ.
   ટુંકમાં માણસો આજે રોબોટ બની ને રહી ગયા છે જ્યાં કેવળ યાંત્રિક જીવન રહી ગયું છે. ખેર, આપણે નવી જીવનશૈલી થી જીવવાનું શીખવું પડશે.
   આપનો
   નિરંજનભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *