






ફિર વહી ચાંદ વહી હમ /\તારોં કી ઝુબાં પર હૈ /\આજા આજા રાત ઢલી, જાન ચલી
– ભગવાન થાવરાણી
અસલ દુનિયા અમારી એ રહી જૂઓ પહાડી પર
તળેટીમાં અહીં નકરી નપાવટતા ને નાટક છે …
રાગ પહાડીમાં આમ તો હજારોની સંખ્યામાં ગીતો છે. એમાંથી કેટલાક લોકપ્રિય હોવા છતાં આપણા કાને અથડાઈ-અથડાઈને એટલા ચવાઈ ગયા છે કે એમના વિષે ચર્ચા કરવી એ પિષ્ટપેષણ-સમ લાગે. (રવિનું ‘ નીલકમલ ‘નું ‘ તુજકો પુકારે મેરા પ્યાર ‘ અથવા રોશનનું ‘ તાજમહલ ‘ નું ‘ જો વાદા કિયા વો ‘ પહાડી જ છે અને અતિ-લોકપ્રિય પણ પરંતુ એ બન્ને આ કક્ષામાં આવે !) અહીં અલગ-અલગ સંગીતકારોની જે પહાડી બંદિશોનું જે ચયન કર્યું છે એ કદાચ ગુણવત્તા કે લોકપ્રિયતાની નજરે એમની શ્રેષ્ઠ કૃતિઓ ન પણ હોય. કોઈ અવૈજ્ઞાનિક અને ભાવુક માણસ માટે આવી તટસ્થતા જાળવવી એ બહુ અઘરું છે.
અગાઉના હપતાઓમાં સંગીતકાર મદનમોહન અને ગાયક હેમંતકુમાર તરફના પક્ષપાતની વાત કરી ગયા. ગીતોના ફિલ્માંકનની બાબતમાં પણ એ તરફદારી ઉજાગર થઈ જતી હશે. ગીત મનપસંદ હોય અને પાછું એનું ચિત્રીકરણ જો દિલીપકુમાર, બલરાજ સહાની, મોતીલાલ કે દેવ આનંદ પર અથવા વહીદા, વૈજયંતિ, ગીતા બાલી અને ખાસ તો નૂતન પર થયું હોય તો થઈ રહ્યું ! થોડાક માર્ક મનોમન ઉમેરાઈ જ જાય ! એક બીજું પરિમાણ પણ. કોઈ ગીત અત્યંત વિખ્યાત, લોકપ્રિય અને ચૌરેને ચૌટે પોંખાયેલું હોય એ કરતાં જો પ્રમાણમાં ઉપેક્ષિત, ઉવેખાયેલું, અવગણાયેલું અને સાવ અજાણતાં કોરાણે મુકાઈ ગયેલું હોય તો એને આપ-સમ સુજ્ઞજનો સમક્ષ લાવવાની લલકમાં આવો પક્ષપાત આપમેળે થઈ જાય ! ક્ષમા.
આજના સી. રામચંદ્ર રચિત બન્ને ગીતોમાંથી પ્રથમમાં આવી તરફદારીની સંભાવના છે. બહુ ઝાઝા રસિકોને આ ગીત પર વારી જતાં જોયાં-સાંભળ્યાં નથી. મજાની વાત એ પણ કે જન્મજાત સંગીત અને સવિશેષ ફિલ્મ-સંગીતમાં આળોટ્યા છતાં આ અને આવા અનેક ઉત્તમ ગીતોનો પરિચય છેક જીવનના ઉત્તરાર્ધમાં થયો ( અને થઈ રહ્યો છે ) ! કદાચ સતત કાને પડતા રહેતા લોકપ્રિય ગીતોના જુવાળ હેઠળ આવા નાજુક ગીતો કચડાઈ જતા હશે, ઓઝલ રહી જતા હશે !
સી. રામચંદ્ર ઉપરાંત ચિતલકર અને અણ્ણાસાહેબના નામે પણ જાણીતા આપણા આજના સંગીતકારની સો ઉપરાંત ફિલ્મો આવી. આજના પહાડી ગીતોની બે ફિલ્મો ‘ બારિશ ‘ અને ‘ નૌશેરવાન-એ-આદિલ ‘ ૧૯૫૭માં આવી ત્યાં સુધીમાં તો એ ૭૫ ફિલ્મોમાં સંગીત આપી કારકિર્દીના ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂક્યા હતા ! આખી જિંદગી ( દરેક અર્થમાં ! ) એ લગભગ લતા-મય રહ્યા. પહાડી ઉપરાંત આજના બન્ને ગીતોની સમાનતા એ કે બન્ને યુગલગીતો છે, બન્ને પ્રેમગીતો છે, બન્નેમાં મદહોશી અને ચકચૂરતા છે, બન્નેમાં રાત-ચાંદ-સિતારાની વાત છે અને બન્નેમાં લતા છે !
પહેલાં ‘ બારિશ ‘ ના ગીતની વાત. રાજેન્દ્ર કૃષ્ણ રચિત એના શબ્દો :
फिर वही चाँद वही हम वही तन्हाई है
आज फिर दिल ने मुहब्बत की क़सम खाई हैदूर दुनिया से कहीं भीगी हुई रातों में
दो मुहब्बत भरे दिल गुम हैं हँसीं बातों में
दिल में जो बात है आँखों में चली आई है ..ये समुंदर का किनारा ये ख़ामोशी का समा
ये एक ख़्वाब मुहब्बत का है इस वक्त जवाँ
ना कोई डर है ज़माने का न रुसवाई हैआज फिर दिल ने मुहब्बत की क़सम खाई है ..
ગીતનો મુખડો વાંચીને તલત મહેમૂદનું જહાંઆરા’ નું વિખ્યાત ગીત તુરંત ન સાંભરે તો જ નવાઈ! રાજેન્દ્ર કૃષ્ણે આ ગીતના મુખડામાં ‘ ચાંદ ‘ ની જગ્યાએ ‘ શામ ‘ અને ‘ હમ ‘ ની જગ્યાએ ‘ ગ઼મ ‘ મૂકી અને છંદને યથાવત્ રાખી એક ગમગીન બંદિશની રચના કરી જે તલતના ચાહકો માટે એક નજરાણા સમાન કૃતિ છે.
‘ બારિશ ‘ ફિલ્મની વાત કરીએ. બ્લેક એંડ વ્હાઈટ ફોટોગ્રાફીના હિંદી ફિલ્મોના ચુનંદા કસબી એવા કે. એચ. કાપડિયાએ આ ફિલ્મની ફોટોગ્રાફી ઉપરાંત નિર્માણ પણ કર્યું હતું. દિગ્દર્શક હતા શંકર મુખર્જી અને એમની આ પહેલી ફિલ્મ. એમણે પછીથી પણ દેવ આનંદનો સંગાથ ચાલુ રાખી કેટલીક ફિલ્મો બનાવી. એમની વિશેષ ઓળખાણ એ કે એ જ્ઞાન મુખર્જીના નાના ભાઈ હતા જેમણે એક જમાનાની હિંદુસ્તાનની સૌથી સફળ ફિલ્મ ‘ કિસ્મત ‘ ( ૧૯૪૩ ) બનાવી હતી.
‘ બારિશ ‘ એક સરેરાશ ફિલ્મ છે પણ એનું સૌથી મોટું જમા પાસું છે નૂતન અને કંઈક અંશે દેવ આનંદ અને વિશેષ તો એ બન્ને વચ્ચેની કેમીસ્ટ્રી. આ જોડીની આ પ્રથમ ફિલ્મ અને એ પછીની ફિલ્મો ‘ પેઈંગ ગેસ્ટ ‘, ‘ મંઝિલ ‘ અને ‘ તેરે ઘર કે સામને ‘ માં પણ આ સુમેળ સોળે કળાએ ખીલ્યો.
ફિલ્મની વાર્તા ૧૯૫૪ની હોલીવુડ ફિલ્મ ON THE WATERFRONT ( માર્લન બ્રાંડો ) પ્રેરિત છે. કબૂતરોનો શોખીન અને આવારા દેવ આનંદના મોટા ભાઈ નાના પલશીકરનું ખૂન થાય છે અને દેવને ખબર પડે છે કે અંધારી આલમનો બાદશાહ બોસ – જગદીશ શેઠી એ માટે જિમ્મેદાર છે. દરમિયાન, બોસ માટે કામ કરતો દેવનો મિત્ર અનવર હુસેન એને પોતાને ગામ રવાના કરે છે, પોતાના બીમાર પિતા અને મા અને બહેન નૂતનની ખબર કાઢવા. દેવની નજર સમક્ષ મિત્રના પિતાનું મૃત્યુ થાય છે અને કરુણાવશ દેવ મિત્રની માતા અને બહેનને શહેર પોતાની સાથે લેતો આવે છે અને પોતાના ભાંગ્યા-તૂટ્યા ઘરમાં આશ્રય આપે છે. શરુઆતી ઝઘડા અને નોંકઝોંક બાદ દેવ નૂતન વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે. બન્ને સમયાંતરે ગંધર્વ લગ્ન પણ કરી લે છે. ભાઈના ખૂનીની ભાળ મેળવવા દેવ બોસની ખફગી વહોરી લે છે અને બોસ એનું પણ કાટલું કાઢી નાંખવામાં ‘સફળ ‘ થાય છે. બોસની જાણ બહાર બચી ગયેલો દેવ છદ્મવેશે બોસની ગેંગમાં શામેલ થઈ જાય છે અને પત્ની નૂતનને ખાનગીમાં મળી પોતે જીવિત અને સુરક્ષિત હોવાની જાણ કરે છે. બન્ને દરરોજ નિશ્ચિત સમયે ખાનગીમાં મળવાનું નક્કી કરે છે.
આવી એક મિલન-યામિની. દેવ નૂતનને મળવા લપાતો-છુપાતો પહોંચે છે. મોડું કર્યાની જૂઠમૂઠ નારાજગી જતાવ્યા બાદ નૂતન દેવની પરેશાની સમજી, માની જાય છે. દેવ એના માટે ફૂલ લાવ્યો છે. નૂતનના મનમોહક સ્મિતથી સમગ્ર પરદો ખીલી ઊઠે છે. નૂતન એ ફૂલ પોતાની ઝુલ્ફોમાં લગાડી આપવાનું મધુરું ઇજન આપે છે. ( કેવી રુપકડી અને નાજુક હતી એ દિવસોમાં પ્રેમની અભિવ્યક્તિની રસમો ! ) દર્શક મનોમન એ ફૂલની સૌરભથી બાગ-બાગ થઈ ઊઠે છે. હળવી વાંસળીના સુરોથી પહાડીનો ઉદય થાય છે. નૂતન પાછી ફરી પોતાના હસું-હસું ચેહરાના અજવાસનો રાશિ રેલાવે છે. મેંડોલીનના સથવારે દેવના બાહુપાશમાં નૂતન. લતાનો સ્વર :
ફરી એ જ ચંદ્રમા, એ જ આપણે બન્ને અને એ જ એકાંત. આજ ફરી હૃદય એ જ ઉત્કટતાથી પ્રેમના નામ પર કુરબાન થઈ જવાના શપથ લે છે. આપણને કાંતની અમર કૃતિ ‘ સાગર અને શશિ ‘ યાદ આવે :
આજ મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હ્રદયમાં હર્ષ જામે
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
સાથે મુઝફ્ફર વારસી પણ :
मुहब्बत ! आँसुओं के घाट ले चल
बहुत दिन से ये दिल मैला पड़ा है ..
અંતરાના પુનરાવર્તનમાં ચિતલકર જોડાય છે.
કિનારો પામવા ધસમસતી દરિયાની લહેરો અને સમૂહ વાયલીનના સમાંતર મોજાઓ. મેંડોલીનના સંક્ષિપ્ત સુરો અને દેવ / ચિતલકર :
દુનિયાથી આઘેરા આ નીતરતી રાત વચાળે માત્ર આપણે બે જ અહીં આ કિનારે.
નૂતન દેવના ખભે હાથ મૂકી એના પગ પાસે બેસી જાય છે. બે પ્રેમથી લથબથ હૈયાં નિજની ગાંડી-ઘેલી વાતોમાં દુનિયાની કોઈ પરવા વિના મશગૂલ છે. બન્ને કલાકારોનું બેનમૂન સામંજસ્ય જોઈ આપણને આવી કેટલીક અમર બેલડીઓ રાજ-નરગીસ, દિલીપ-મધુબાલા, અશોકકુમાર – નલિની જયવંત અને રાજેન્દ્રકુમાર – મીનાકુમારીનું સ્મરણ થઈ આવે.
ચહેરા પર ઝિલમિલાતા પડછાયા સાથે નૂતન. દિલમાં જે ઉછળે છે એ બધી જ વાતો અત્યારે જાણે હોઠો અને ચહેરા પર શબ્દો અને ભાવનાઓ દ્વારા ધસમસી આવી છે. પુન: અંતરાનું સહિયારું ઉચ્ચારણ અને નૂતન દેવની છાતી પર માથું ઢાળી દે છે.
આંતર-સંગીતમાં વાંસળી, મોજા અને દૂર ડોકાતો ચંદ્ર. દેવ નૂતનના ખભે હાથ મૂકે છે. આ દરિયા કિનારો અને આ નીરવ શાંતિનો માહોલ. નૂતન હળવા આલાપથી પ્રત્યુત્તર વાળી દેવવાળી પંક્તિ દોહરાવે છે. એનો ચહેરો પ્રેમની કાંતિથી દેદીપ્યમાન છે. બન્ને વારાફરતી અંતરાની ઉત્તર પંક્તિ દોહરાવે છે. આપણા સહિયારા સ્વપ્નની પરિણતિનો એક ( શરારતી ) વિચાર અત્યારે હોઠો પર આવું- આવું થઈ રહ્યો છે. આ નિર્ભીક સમયે ન જમાનાની પરવા છે ન બદનામીની.
ચંદ્રની સાક્ષીએ બન્ને એકબીજાને વળગીને પાછા ફરે છે. મુખડો દોહરાવતાં બન્ને દરિયાની રેતમાં લેટે છે. નૂતન તરસી નજરોથી દેવને નિહાળતી રહે છે. વાયલીનની તેજ લહેરખી અને ગીત સાથે દર્શકનું સ્વપ્ન વિરમે છે.
ફિલ્મ અપેક્ષાનુસાર ‘ સત્યના વિજય ‘ અને પ્રેમીઓના આખરી મિલન સંગે સમાપ્ત થાય છે. ફિલ્મનું નામ ‘ બારિશ ‘ હોવા છતાં વરસાદનો એક છાંટો પણ આખી ફિલ્મમાં ક્યાંય વરસતો નથી ! દેવ આનંદ અન્વયે નવાઈની વાત એ કે સમગ્ર ફિલ્મના કેટલાય દ્રષ્યોમાં એ ખુલ્લા શર્ટ અને ઉઘાડી છાતીએ દેખા દે છે જે સામાન્યત: એના ‘ નિયમો ‘ વિરુદ્ધ છે. ફિલ્મમાં આ ઉપરાંત અન્ય સાત ગીતો છે જેમાં લતા-ચિતલકરનું ‘ કહતે હૈં પ્યાર કિસકો પંછી ઝરા બતા દે ‘ નોંધપાત્ર છે. એક ખૂબસૂરત ગઝલ ‘ યે આરઝૂ થી કભી હમ બહાર દેખેંગે ‘ લતાના કંઠમાં છે પણ કમનસીબે ફિલ્મમાં લેવાયેલ નથી.
એ જ ૧૯૫૭ ની ફિલ્મ ‘ નૌશેરવાન-એ-આદિલ ‘ અને એ ફિલ્મના આજના પહાડી ગીત પર આવીએ. ફિલ્મનું અસલ નામ, ફિલ્મના સર્જક અને મુખ્ય અભિનેતા સોહરાબ મોદીના શાહી અંદાઝમાં ‘ ફર્ઝ ઔર મુહબ્બત ઉર્ફ નૌશેરવાન-એ-આદિલ ‘ હતું. ઈરાનના જગપ્રસિદ્ધ ઈંસાફપ્રિય સમ્રાટ નૌશેરવાનના કિસ્સાઓ સાથે વણી લીધેલી એમના શહઝાદા અને એક સામાન્ય સ્ત્રીની પ્રેમકથાની આ ફિલ્મ એકંદરે અસરકારક છે એટલું જ નહીં, સોહરાબ મોદી-મિનર્વા મુવીટોનની ફિલ્મોમાં જોવા મળતી ભારોભાર નાટકીયતા પણ અહીં નિવારી શકાઈ છે. સી.રામચંદ્રનું સંગીત તો કાબિલે-તારીફ છે જ, પરવેઝ શમ્સી નામક સાવ જ નવા ગીતકારના ગીતોમાં પણ નરી કવિતા ભરી છે. (એમની આ એકમાત્ર ફિલ્મ). એક અજબ વાત (જે કદાચ સકારણ હોય !) એ કે ફિલ્મમાં સોહરાબ મોદી, રાજકુમાર અને માલા સિંહા ઉપરાંત એ જમાનાની મલ્લિકા-એ-હુસ્ન લેખાતી નસીમ બાનુ અગત્યની ભૂમિકામાં હોવા છતાં ફિલ્મના ક્રેડીટ ટાઈટલ્સમાં એમનું ક્યાંય નામ નથી, બલ્કે મુખ્ય ચાર-પાંચ કલાકારોના નામ દર્શાવી બાકીના માટે ‘ AND 1000’S OTHERS ‘ લખી વાત આટોપી લેવાઈ છે !
ખેર ! આજના ખૂબસૂરત પહાડી (રફી – લતા) ગીતના શબ્દો :
तारों की ज़ुबां पर है मुहब्बत की कहानी
ऐ चाँद मुबारक हो तुझे रात सुहानीकहते हैं जिसे चाँदनी है नूर- ए- मुहब्बत
तारों से सुनहरी है हमेशा तेरी क़िस्मत
जा – जा के पलट आती है फिर तेरी जवानी
ऐ चाँद मुबारक हो तुझे रात सुहानी ..छाया हुआ दुनिया पे मुहब्बत का असर है
कहते हैं जिसे चाँद मेरा दाग-ए-जिगर है
तारों से कहा करता है ये दिल की कहानी
ऐ चाँद मुबारक हो तुझे रात सुहानी ..हम हों न हों दुनिया यूँ ही आबाद रहेगी
ये ठंडी हवा और ये फ़िज़ा याद रहेगी
रह जाएगी दुनिया में मुहब्बत की निशानी
ऐ चाँद मुबारक हो तुझे रात सुहानी ..
ફિલ્મમાં નૌશેરવાનના ઈંસાફના કેટલાક નાના-નાના કિસ્સાઓ છે પણ મુખ્ય વાત એ કે એમનો ખુદનો શહઝાદો રાજકુમાર ખ્રીસ્તી કન્યા માલા સિંહાના પ્રેમમાં પડે છે જે શહેરના છેવાડે રહેતા અને વિદ્રોહી વિચારોના કારણે પાગલ-સમ લેખાતા ખ્રીસ્તી હકીમ બિપિન ગુપ્તાની પુત્રી છે. બન્ને પ્રેમીઓ જમાનાની નજરથી દૂર ગુપચુપ મળવાનું ચાલુ કરે છે અને એમના મિલનનો એક વિશિષ્ટ શિરસ્તો છે. રાજકુમાર નાનકડી નૌકામાં સવાર થઈ મોડી રાત્રે હકીમના ઘર આગળ નૌકા લાંગરી મશાલથી સંકેત આપે અને માલા એ સંકેતને સામો સળગતી શમાના ઇશારાથી ઝીલી પ્રત્યુત્તર વાળે. આવી જ એક રાત. માલા વૃદ્ધ પિતાને સુવડાવી, નિદ્રાનું બહાનું કરી, ઘરમાં જ રહેલા ગિરજાઘરોમાં માથું ઝુકાવી કાંઠે વિહ્વળતાથી ઇંતેજાર-રત્ત રાજકુમાર ભણી વળે છે :
રાજકુમાર બેચેન છે. એ રાહ જોવડાવવા બદલ છણકો કરે છે અને માલા શાયરાના જવાબ વાળે છે, ‘ तुमको आता है प्यार पर ग़ुस्सा, मुझको ग़ुस्से पे प्यार आता है ‘. રાજકુમાર પીગળે છે (અગાઉના ‘ બારિશ ‘ વાળા ગીતનો જ માહોલ જાણે પણ ભૂમિકાઓ વિપરીત !) . ગિટારના તાલ સાથે વાયલીન્સ અને મેંડોલીન. નૌકાનો કુવાથંભ પકડીને ચંદ્રને સાક્ષી માની નીરખતી માલા. તારલાઓના હોઠે જાણે આપણા પ્રેમની કહાણી પ્રસ્ફૂટ થઈ રહી છે. હે ચંદ્ર ! તને આ સોહામણી રાત મુબારક હો ! લતાના કંઠે ગવાયેલા મુખડાને તુરંત લતા – રફી સાથે દોહરાવે છે. રાજકુમારને આવા પ્રેમગીતો આ અંદાજમાં ગાતો જોવા આપણી આંખો ટેવાયેલી નથી પણ અહીં એ ગ્રાહ્ય લાગે છે. બન્ને પ્રેમીઓ નૌકામાં સવાર થઈ દૂર નીસરે છે. માલા ઊભી છે. રાજકુમાર નૌકાને હલેસાંથી ઠેલે છે.
આપણે જેને ચાંદની કહીએ છીએ એ બીજું કંઈ નથી, એ પ્રેમનો ઝળહળ દીપ છે. માલા જવાબ વાળે છે. તારાઓના પ્રકાશ સમી તારી કિસ્મત પણ સદાય ઝળહળતી રહે ! રાજકુમાર. આ મોજાઓની આવન-જાવનની જેમ તારું યૌવન પણ જાણે ઉછાંછળું થયું છે.
હવે અંતરો ધુન બદલી મંદ્ર બને છે, એ જ પહાડીની મર્યાદામાં રહીને. સમગ્ર કાએનાત પર પ્રેમનું મદહોશ આવરણ છવાઈ રહ્યું છે પણ દિલબર ! જેને જગત ચંદ્ર કહે છે એ મારા જિગરને કોતરીને તરાશાયેલો એક જખમ છે. અહીં લતાના આલાપ સાથે રફી અંતરાની પ્રથમ પંક્તિ દોહરાવે છે અને આકાશમાં સિતારા એ આલાપને એકચિત્ત સાંભળી રહે છે. રફી એ જ કહીને અંતરો પૂર્ણ કરે છે કે આપણા પ્રેમનો સાક્ષી આ ચંદ્ર પણ તારાઓને પોતાના દિલની વાત કદાચ કાનમાં કહેતો હશે.
સમૂહ વાયલીન્સ તારા-મઢ્યા આસમાનને જાણે ઝૂલાવે છે. માલા આવીને રાજકુમારના પડખે બેસે છે. હવેના અંતરાની ધુન ફરી પહેલા અંતરા જેવી.
આપણે હોઈએ કે ન હોઈએ, દુનિયા આમ જ ચાલતી રહેશે ( યે ઝિંદગી કે મેલે દુનિયા મેં કમ ન હોંગે, અફસોસ હમ ન હોંગે ! ) આપણે મટી જઈશું પણ આ પવનની લહેરખીઓ અને આ દિલનવાઝ મોસમ તો આપણા પછી પણ રહેશે. બધું સમાપ્ત થશે, રહી જશે તો કેવળ પ્રેમ અને આપણા જેવા પ્રેમીઓની કહાણીઓ !
અંતરાના સહિયારા પુનરુચ્ચાર સાથે નૌકા ફરી આવીને માલાના ઘર આગળ થોભે છે.
ગીતના એક અંતરાનું ફરી પુનરાવર્તન થાય છે જ્યારે પિતા બિપિન ગુપ્તા પુત્રી અને એના પ્રેમીને પોતાના ઝરૂખેથી નિહાળે છે. આ પછી પણ આ ગીતની એક પંક્તિ અંતે આવે છે, જાણે એ ફિલ્મનું થીમ-સોંગ હોય એ રીતે !
ફિલ્મ એ પછી અણધાર્યો વળાંક લે છે અને ફિલ્મના પ્રારંભિક પ્રસંગની જેમ, નૌશેરવાનની અદાલતમાં એમના જ શહઝાદા રાજકુમાર પર માલા સિંહાને વિધર્મી હોવા છતાં ભોળવવાનો આરોપ મુકાય છે. બન્ને પ્રેમીઓના કરુણાંત સહિત ફિલ્મ સમાપ્ત થાય છે.
ફિલ્મમાં આ ઉપરાંત પણ એક ઉમદા અને વિખ્યાત લતા-રફી ગીત છે, ‘ ભૂલ જાએં સારે ગમ ડૂબ જાએં પ્યાર મેં ‘. આવું જ કર્ણપ્રિય ‘ ભીની ભીની હૈ મીઠી મીઠી હૈ કયું હવા ‘ પણ કોણ ભૂલી શકે ? વળી લતાનું એટલું જ સુંદર પણ ઓછું સંભળાતું ‘ મતલબ કી યે દુનિયા હૈ યહાં કૌન કિસીકા હોતા હૈ ‘ અને રફીની બેનમૂન ગઝલ ‘ યે હસરત થી કે ઇસ દુનિયા મેં બસ દો કામ કર જાતે ‘ પણ ખરી.
હા, એક અન્ય છેક જ અજાણ્યા પણ અસરકારક પહાડી ગીતનો ઉલ્લેખ અંતે કર્યા વિના નહીં ચાલે. ગીતના શબ્દો છે ‘ આજા આજા રાત ઢલી, જાન ચલી, બેખબર, હૈ કિધર મેરે દિલરુબા ‘
s
લતા અને સમૂહ સ્વરોમાં ગવાયેલા આ ગીતમાં કમાલ ત્યારે નીપજે છે જ્યારે લતા દ્વારા ઉચ્ચારાયેલી પંક્તિનો પ્રતિઘોષ એવી રીતે ઊઠે છે જાણે જળમાંથી વમળો ઊઠીને લતાના દૈવી કંઠને વધાવતા હોય !
ફિલ્મના ઉર્દૂ-પ્રચૂર અને ક્યારેક અત્યંત ક્લિષ્ટ લાગતા સંવાદો ( અને કથા – પટકથા ) શમ્સ લખનવી નામના વિદ્વાને લખ્યા છે જે ક્યારેક ન સમજાય તો પણ દમામદાર લાગે છે.
સી. રામચંદ્રના અન્ય કેટલાક પહાડી ગીતોની નોંધ લેવી ઘટે :
અરે જા રે હટ નટખટ ના ખોલ મેરા ઘૂંઘટ | નવરંગ | આશા – મહેન્દ્ર કપૂર |
ગગન ઝનઝના રહા પવન સનસના રહા | નાસ્તિક | લતા – હેમંત કુમાર |
ગયા અંધેરા હુઆ ઉજાલા ચમકા ચમકા સુબહ કા તારા | સુબહ કા તારા | લતા – તલત |
શામ ઢલે ખિડકી તલે તુમ સીટી બજાના છોડ દો | અલબેલા | લતા – ચિતલકર |
ગા રહી હૈ ઝિંદગી હર તરફ બહાર હૈ | આંચલ | આશા – મહેન્દ્ર કપૂર |
ફરી મળીશું સંગીતકાર રોશન નાગરથના પહાડી ગીતો સંગે –
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
ચિતલકર એમની મધુર ધુનો માટે ખ્યાતનામ હતા, એમને પહાડી જેવો રાગ મળે તો વધુ ખીલી ઊઠે. બીબીસી નાં એક ઇન્ટરવ્યૂમાં એમને બાગેશ્રી પ્રત્યે વિશેષ અનુરાગ હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે “બાગેશ્રિ પણ ગમે છે” એવાં કથનને પકડી રાખ્યું. પહાડીમાં એટલી સરસ રચનાઓ જોઈને એમની સાથે સંમત થવું પડે છે. નૌશેરવાન – એ – આદિલ માં એક સાથે આટલા ઉત્કૃષ્ટ ગીતો આપ્યાં એ એમની સિદ્ધિ છે.
આપની ટિપ્પણી વાંચતી વખતે હંમેશા એમ લાગ્યું છે કે કોઈ સાચા વિદ્વાન પ્રતિક્રિયા આપી રહ્યા છે !
આભાર નરેશભાઈ !
સાથે હશો તો આ સફર હવે પછી પણ આહલાદક અને વિશેષ તો પ્રોત્સાહક રહેશે મારા માટે…
પહાડી નો વ્યાપ કેટલો અદભુત છે. એક બાજુ પવન સનસના રહા(જોશ) અને બીજી બાજુ તારો કી ઝુબા પર હૈ(રોમાન્સ) અને સી. રામચંદ્ર ની દિલસ્પર્શી રચનાઓ . પછી શું કહેવું પડે ! મને તો એમ કે શિવરંજની/ યમન વી. રાગો માંજ વૈવિધ્ય હશે પણ પહાડીએ આંખ ખોલી નાખી !
આભાર ભગવાનભાઈ !
હાર્દિક આભાર ફરી-ફરીને, સમીરભાઈ !
લોકજીભે ઓછાં ચડેલાં ફિલ્મી ગીતોની ખૂબીઓને પ્રગટ કરવાનું અઘરું કામ આપે સરળતાથી કર્યું છે, ભગવાનભાઈ! અભિનંદન!
નૌશેરવાન-એ-આદિલના રફી-લતાના પહાડીમાં ઢાળેલ ડ્યુએટને વિગતો સાથે મૂકીને આપે સુંદર કામ કર્યું.
પહાડીની સી રામચંદ્રની અન્ય રચનાઓમાં ‘નવરંગ’નું અરે જારે હટ .. ખૂબ જ લોકપ્રિય થયું.
શ્રી નરેશભાઈએ ઉપર એક કોમેંટમાં લખેલ છે તે વાત પણ સાચી છે. સી રામચંદ્રે બીબીસી પરના પ્રખ્યાત ઇન્ટરવ્યુમાં તેમની સૌથી વધારે મનપસંદ રચનાઓ બાગેશ્રીમાં હોવાનું કહ્યું હતું… . કેટલીક છે ખરી, તેમાં મારી અંગત પસંદમાં ‘પરછાંઈ’માં તલતનું આ ગીત શિરમોર ગણાય.: ‘મોહબ્બત હી ન જો સમઝે વો ઝાલિમ પ્યાર ક્યા જાને’…
વાંચવા અને રસ લઈ રચનાત્મક ટીપ્પણી કરવા બદલ આભાર હરીશભાઈ !
સી રામચંદ્ર જીનિયસ હતા. કોઈક પ્રોગ્રામમાં એમણે ગાયેલી પોતાની રચના ‘ તુમ ક્યા જાનો તુમ્હારી યાદમે હમ કિતના રોએ ‘ મને લતા જેટલી જ અદભુત લાગે છે.
આભાર !
‘પહાડી’ રાગ પર આધારિત ગીતો ની હારમાળા નો એક વધુ ઉત્કૃષ્ટ લેખ !!! આ બધી ફિલ્મો અને ઓછા જાણીતા પણ ઉત્તમ કક્ષા ના ગીતો ના સમાવેશ વિશે આપની સાહિત્યિક ટિપ્પણી ઓ ખૂબ વાંચવી ગમી.. ઓછા જાણીતા પણ વિશિષ્ટ ગીતો વિશે ની ઓળખ આપને તો ઉત્તરાર્ધ માં થઈ તે સાચું પણ મારી જેવી વ્યક્તિ ને તો આ બધા ગીતો ની સાચી પ્રતીતિ આ લેખો થકી જ થઈ રહી છે… ધન્યવાદ અને અભિનંદન આટલી મહેનત લઇ સુંદર લેખમાળા માટે…થાવરાણી સાહેબ ….
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ !
આવા અનેક ઉત્તમ ગીતોનો પરિચય છેક જીવનના ઉત્તરાર્ધમાં થયો ( અને થઈ રહ્યો છે ) ! કદાચ સતત કાને પડતા રહેતા લોકપ્રિય ગીતોના જુવાળ હેઠળ આવા નાજુક ગીતો કચડાઈ જતા હશે, ઓઝલ રહી જતા હશે !
This is equally true for many Music Directors also , who after getting Established , in later part of their career have given beautiful and qualitative songs of their Liking which were not that popular. You are right , we hardly have seen/appreciated Rajkumar in Love songs. Compliments and Thanks
Thanks a lot Maheshbhai !