ચંદ્રશેખર પંડ્યા.
પ્રિય દોસ્તો, છેલ્લા બાવીસ હપ્તાથી વેબગુર્જરી પર ચાલી રહેલી પર્યાવરણ વિષયક આ શૃંખલામાં આજસુધીમાં આપણે પરિસ્થિતિ વિજ્ઞાન શું છે તેની પાયાની વિગતો જાણી અને ત્યારબાદ તેના વિવિધ ઘટકોથી માહિતગાર થયાં. સાંપ્રત સમયમાં કેવાં કારણોસર પર્યાવરણની સંભાળ રાખવાનું જરૂરી બની જાય છે અને જૈવિક વિવિધતા માનવ જાત માટે અને સૃષ્ટિને ટકાવી રાખવા માટે કેટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. સાથે સાથે ભારતના જંગલોનું વૈવિધ્ય અને તેમાં વસવાટ કરતા પ્રાણીઓ તેમ જ વનસ્પતિની અગત્યતા પણ જોઈ. પ્રસ્તુત શ્રેણીના આજના આ અંતિમ લેખમાં એક વૃક્ષ વિષે વિસ્તૃત વિગતોથી વાકેફ થઈશું.
ગાંડો બાવળ (Prosopis juliflora)
નામ જ સૂચવે છે કે આ વૃક્ષ લોકોમાં કેટલી હદે અપ્રિય છે! જેમ ગાંડા માણસને સમાજ સહજ પણે સ્વીકારતો નથી હોતો, ક્યારેક તો હડધૂત પણ કરે છે અને પોતાની આસપાસ કદીપણ ફરકે નહિ તેવાં પગલાં ભારે છે. આવું જ કેટલેક અંશે આ ‘કહેવાતા’ ગાંડા બાવળ નામના વૃક્ષનું રહેવા પામ્યું છે. દેખાવ બિલકુલ અનાકર્ષક, ધારદાર કાંટા અને બીજી અમુક ગેરસમજણોને કારણે ખરેખર તો આ ‘ડાહ્યા બાવળ’ ને ગાંડા બાવળનો અંચળો ઓઢાડી દેવામાં આવ્યો હોય તેવું લાગે.
ગાંડા બાવળનું મૂળ વતન તો છેક મધ્ય અમેરિકા અને મેક્સિકો અને કેરીબીયન ટાપુઓ પરંતુ આ વૃક્ષે આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા ઉપખંડોમાં અત્યંત સફળતાપૂર્વક અતિક્રમણ કર્યું છે અને સ્થાયી થયું છે. ગાંડા બાવળને પરદેશી બાવળ, કિકર અથવા વિલાયતી બાવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંદાજે ૧૫૦ વરસ પહેલા આ વૃક્ષને તેના મૂળ વતનથી ભારત દેશમાં લાવવામાં આવ્યું. તેનો મૂળ ઉદ્દેશ્ય મુખ્યત્વે ગ્રામીણ ઇલાકાઓમાં લોકોને લાકડા રૂપી ઉર્જાનું સાધન મળી રહે તેવો હતો. દુષ્કાળની પરિસ્થિતિ સામે ટકી જવાની આ વૃક્ષની અદભુત શક્તિ અને ખુબ જ ઝડપી વૃદ્ધિ એવાં બે જમા પાસાને કારણે તેને જે તે વખતે સરખી પરિસ્થિતિ ધરાવતા પ્રદેશોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અદ્વિતીય વૃક્ષની અન્ય પણ ઘણી ખાસિયતો હતી જેવી કે અત્યંત ખારાશ અને ખારયુક્ત જમીનમાં ઉગી શકવું, રણની રેતીના ઢુવાઓને આગળ વધતા રોકી શકવા, બિલકુલ સુકીભઠ્ઠ જમીનમાં પણ પનપવાની શક્તિ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કોલસો બનાવી શકાય તેવું કાષ્ટ, એકવાર કાપી નાખ્યા બાદ પણ આપોઆપ બમણા દરે વધવાની ક્ષમતા વિગેરે. ભારતમાં હિમાલય અને પુષ્કળ પ્રમાણમાં વાર્ષિક વરસાદ ધરાવતા રાજ્યો જેવાં કે ઉત્તરપુર્વીય અને કેરળ સિવાયના તમામ રાજ્યોમાં ગાંડા બાવળનું આધીપત્ય જોવામાં આવે છે.
ગાંડા બાવળ (પ્રોસોપીસ જુલીફ્લોરા) ની કેટલીક અન્ય પ્રજાતિઓ પણ થાય છે જેવી કે પ્રોસોપીસ આલ્બા, પ્રોસોપીસ પેલીડા, પ્રોસોપીસ ચીલેન્સીસ, પ્રોસોપીસ ગ્લાન્ડ્યુલોઝા, પ્રોસોપીસ નાયગ્રા વિગેરે જેને સંયુક્ત રૂપે ‘મેસક્વાઈટ’ તરીકે ઓળખવામાં આવે છે. મહાદ અંશે ગાંડો બાવળ ‘ક્ષુપ’ ગણાતી વનસ્પતિમાં આવે છે એટલે કે તેનું મૂળ થડિયું કયું તે જાણી શકાતું નથી. એક જ જગ્યાએથી એક કરતા વધારે થડીયાં જમીનમાંથી નીકળતા હોય તેવું લાગે. તેમ છતાં કોઈક સ્થળે તે મોટાં વૃક્ષ રૂપે પણ ઉગતું જોઈ શકાય.
વર્ષો પહેલાં કચ્છમાં દરિયો અને રણ આગળ ન વધે તે માટે ઉગાડાયેલો ગાંડો બાવળ આજે ઉપજાઉ જમીન માટે સમસ્યા બની ગયો છે. લોકો તેને કાપવા અને હટાવવા લાગ્યા છે, પરંતુ જો ગાંડા બાવળનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો તે રણ પ્રદેશની નજીકના, બેરોજગાર લોકો માટે આર્થિક ઉપાર્જનનો સારો સ્ત્રોત બની શકે તેમ છે. ગાંડા બાવળ નીચે કંઈ જ ઊગતું નથી એ માન્યતા આજથી ત્રીસેક વર્ષ પહેલાં કરાયેલા પ્રયોગોએ ખોટી સાબિત કરી હતી. આડેધડ ઉગનારા આ વૃક્ષમાંથી પશુઓ માટેનું ખાદ્ય બની શકે, માનવી માટે ઉત્તમ ઔષધ બની શકે, ખેતરના શેઢે વાડ કરી શકાય, ફર્નિચર, રમકડાં બની શકે. ગાંડા બાવળનો સૌથી મહત્ત્વનો ઉપયોગ તો તેમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. ગાંડા બાવળમાંથી બનાવેલા બિસ્કિટનો સ્વાદ તત્કાલીન રાજ્યપાલે પણ માણ્યો હતો. એક માન્યતા છે કે ગાંડા બાવળની નીચે કંઈ ઊગી શકતું નથી, પરંતુ કચ્છ ફોડર, ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટે આ માન્યતાને ખોટી સાબિત કરી હતી. એક પ્રયોગશીલ ખેડૂત કુલીનકાંતભાઈના ખેતર પર ૩૨ પ્લોટના શેઢા પાળા પર રક્ષણાત્મક વૃક્ષ- વાડ તરીકે એક જ લાઇનમાં ગાંડો બાવળ વાવ્યો હતો. શરૃઆતમાં નિયમિત રીતે તેની પ્રમાણસર કાપણી કરીને આ વાડને ઊંચી કરી હતી. વાડ સારા પ્રમાણમાં ઊંચી થયા પછી બે ફૂટનું અંતર છોડીને શાકભાજી, ઘઉં, બાજરો એમ અલગ-અલગ પ્રકારનું વાવેતર કર્યું હતું. તમામ સારી રીતે ઊગ્યું હતું. ગાંડા બાવળમાં નાઇટ્રોજન ફિક્સેશન વધુ પ્રમાણમાં થાય છે. તેનો ફાયદો તેની નજીક વવાયેલા પાકને થયો હતો. આમ ગાંડા બાવળની નીચે કંઈ ઊગી શકતું નથી, એ માન્યતા ખોટી સાબિત થઈ હતી.
ગાંડા બાવળની ફળીઓના ઉપયોગથી પશુ આહાર તો બને જ છે ઉપરાંત અનેક આયુર્વેદિક દવાઓ પણ બની શકે છે. પગ અને ઘૂંટણના દુઃખાવા પર તો અક્સીર સાબિત થાય છે. બિયાં કાઢીને ફળીમાંથી બનેલા પશુ આહારમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોવાથી પશુઓ માટે આ આહાર ફાયદાકારક છે. કચ્છ માંડવીની સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૮૭-૮૮માં જ્યારે ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે ગાંડા બાવળની ફળીમાંથી બીજ કાઢીને પશુઓ માટે ખાદ્ય બનાવવાનું શરૃ કરાયું હતું. ફળીમાંથી બનતો પાવડર ભરપૂર પ્રોટીનવાળો હોવાથી તેને બીજા ખાણદાણમાં ભેળવીને પશુઓને ખવડાવાતો. સંસ્થાએ આ યુનિટ ૧૯૯૦-૯૨ સુધી નિભાવ્યું હતું. પછી ફળી મળવાનું ઘટી જતાં યુનિટ બંધ કરવું પડ્યું હતું. જોકે આજે પણ આવા પ્લાન્ટ રાપર, અબડાસા તાલુકામાં ચાલે છે, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં. ફળીના પાવડરમાં ગ્લુકોઝનું પણ ખૂબ સારું પ્રમાણ હતું. તેના બિસ્કિટ પણ બનાવાયા હતા. તે સમયે અમારી સંસ્થાની મુલાકાતે આવેલા તત્કાલીન રાજ્યપાલ આર. કે. ત્રિવેદીને પણ આ બિસ્કિટ ખવડાવ્યા હતા. જ્યારે ગાંડો બાવળ મોટો થાય ત્યારે તેના લાકડાંમાં વચ્ચેનો ભાગ કાળા સીસમ જેવો બની જાય છે. આ લાકડું દેખાવ અને મજબૂતાઈમાં સીસમ જેવું જ હોય છે. કચ્છની એક સંસ્થા સૃજનના સહયોગથી આવા લાકડાંમાંથી ખુરશી, સોફા, સેટી જેવું ફર્નિચર બનાવાયું હતું. આ કામના કારીગરો ખૂબ ઓછા હોવાથી આ કામ મોટી સંખ્યામાં થઈ શકતું નથી. ગેસીફાયરમાંથી વીજળી ઉત્પન્ન કરતો એક પ્લાન્ટ ધોરડોમાં બનાવાયો હતો. આમ જો યોગ્ય ઉપયોગ કરી શકાય તો ગાંડો બાવળ ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે.
મિત્રો, છેલ્લાં લગભગ ૨૩ મહિનાથી આપને ‘વેબગુર્જરી’ ના માધ્યમથી મળીવાનો મોકો પ્રાપ્ત થતો આવ્યો છે. પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન અંતર્ગત ‘પરિસરનો પડકાર’ લેખમાળાનો આ અંતિમ મણકો રહેશે. આશા રાખું છું કે આ શ્રેણી વાચકને પસંદ આવી હશે. અંતમાં મારા કાવ્ય-પ્રેમથી પ્રેરાઈને ગાંડા બાવળ ઉપર લખેલી એક રચના વહેંચીને વિરમું છું.
એક તરુ પોકારી બળવો થઇ ગ્યું સામોસામ
શાને કારણ પાડો મારું ગાંડો બાવળ નામ ?કાંટાળુ હું એક નથી પણ અણમાનીતું લાગું
ખાતર,પાણી,ખેડ,ગળતીયું કદી ય ક્યાં હું માગું?
સરખો છાંયો આપું સૌને,રામ હોય કે શ્યામ…શાને કારણ પાડો
ઉર્જામાં છું અવ્વલ,હરિયાળીમાં પહેલો નંબર
ઢોર અને ઢાંખરને નીરણ,જથ્થો જેનો જબ્બર
કથળેલી ભૂમિનું વલ્કલ,ના કરશો બદનામ… શાને કારણ પાડો
ઉસરને પડકારું,રણની રેતીને લલકારું
સાગરકાંઠે ફાલું,બંજર ધરતી પણ ઉગારું
કલ્પવૃક્ષને કહી દો,”આ તો અઘરાં છે સૌ કામ” … શાને કારણ પાડો
ભલે કહો પરદેશી,’કીકર‘ કહીને પણ બોલાવો
‘પ્રોસોપીસ‘ ને ‘મેસકવાઈટ‘ સંભળાવીને લલચાવો
કાપો તેમ વધુ હું, હાજર છું હું ગામેગામ
શાને કારણ પાડો મારું ગાંડો બાવળ નામ ?સ્વરચિત- ચંદ્રશેખર પંડ્યા.
નોંધ: પ્રસ્તુત લેખમાં માહિતી અને ચિત્ર ઈન્ટરનેટ પરથી માત્ર અભ્યાસ અને જાગૃતિ ફેલાવવાના હેતુસર લેવામાં આવેલ છે. કોઈ પ્રકારનો વ્યવસાયિક ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી.
——————————————————————————————————————————
શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮






દક્ષિણ ગુજરાતનાં સુરત શહેર નજદિક આવેલ ડુમસ ગામે પણ અંગ્રેજોના સમયમાં ગાંડા બાવળ ઉગાડયા હતા અને તેના કાંટાથી સાચવવું પડતું. કારના ટાયર પણ પંચર થઈ જતાં. આજે તો નિલગીરીના વૃક્ષો છે.
કચ્છ જેવી મરૂ ભૂમિ માટે આ વૃક્ષ રોજગારની સારી તક ઉત્પન્ન કરી શકે પરંતુ તેના માટે એક અલાયદુ મંત્રાલય હોય તો કદાચ ઝડપી કામ થઈ શકે.
નમસ્તે ચદ્રંકાન્ત ભાઇ, આમ જુઓ તો કુદરતમાં કોઇ સુર્જન નકામુ નથી.માણસને કદાચ પોતાને અમુક ચીજ અડચણરુપ લાગે અથવા એનો ઉપયોગ કરતા ન આવડે. આંકડા ને અફીણના ડોડવા જેવી વસ્તુ પણ દવા તરીકે કામ લાગે. કુદરતના નિયમ પ્રમાણે જે તે વનસ્પતિ એના હવાપાણી પ્રમાણે ઉગે છે.લોકોનો ખોરાક ને ઓસડીયા બને છે. એ જ વસ્તુ એનાથી વિપરીત વાતાવરણમાં રહેતા લોકો હજમ ન પણ કરી શકે. રણમાં રહેતા લોકો ખજુરના રોટલા ખાઇ શકે. દરિયાકાંઠે રહેતા લોકો માછલી ખાઇ શકે. વાતાવરણ પ્રમાણે લોકો શાકાહારી કે માંસાહારી બને.