સાયન્સ ફેર : આગથી બચાવતી લેટેસ્ટ ટેકનોલોજિઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

મેનો દિવસ સુરત શહેર માટે ‘કાળો દિવસ’ કહેવાશે. એ દિવસે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે અનેક ઘરના દીવડા ઓલવી નાખ્યા. દુનિયાના લગભગ તમામ શહેરોનાં ઇતિહાસમાં આવી ભયંકર આગ અને તારાજી-જાનહાનિના પ્રકરણો છે. અને નિષ્ણાંતો કહે છે કે દુર્ઘટનાઓ સંપૂર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ જાન-માલનું નુકસાન ન્યૂનતમ સ્તરે રહે એ માટેનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જરૂર વિકસાવી શકાય. અને એ માટે સાયન્સ અને ટેકનોલોજિની સમજ અને યોગ્ય ઉપયોગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જોઈએ આગથી બચવા માટેની કેટલીક લેટેસ્ટ ટેકનોલોજિ, જે નજીકના ભવિષ્યમાં વાસ્તવિક સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે.

સાઉન્ડ વેવ દ્વારા અગ્નિશમન:

અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સીટીનાં બે છાત્રોએ પાણી કે કેમિકલ્સને બદલે માત્ર અવાજની મદદથી આગ ઓલવી બતાવી છે! આગ ઓલવવા માટે વપરાતા હેરફેર કરી શકાય એવા ઇક્વિપમેન્ટને ‘ફાયર એકસ્ટિન્ગવિશર’ કહે છે. આ છાત્રોએ પાણી કે કેમિકલને બદલે ‘અવાજ’નો ઉપયોગ કરતું એકસ્ટિન્ગવિશર બનાવ્યું છે, જેની કાર્યપધ્ધતિ બહુ સાદી છતાં રસપ્રદ છે. આ એકસ્ટિન્ગવિશર હવામાં સાઉન્ડ વેવ્સ છોડે છે. આ સાઉન્ડ વેવ્સ જ્યાં આગ લાગી હોય, એની આસપાસની થોડી જગ્યામાં રહેલા ઓક્સિજનને દૂર ધકેલે છે. આગને બળતા રહેવા માટે ઓક્સિજન ન મળે તો એ આપોઆપ ઓલવાઈ જ જાય! જો આ વાત પહેલી નજરે તરંગી તુક્કા જેવી લાગતી હોય તો એક વાત જાણી લો કે આ પ્રકારના ફાયર એકસ્ટિન્ગવિશરનું વર્કિંગ મોડેલ તૈયાર છે અને થોડા જ સમયમાં માત્ર ૬૦૦ ડોલરની કિંમતે માર્કેટમાં વેચાવા આવી જશે! હા, આ પ્રકારનું એકસ્ટિન્ગવિશર મોટી આગ માટે નકામું. પરંતુ ઘરમાં, ખાસ કરીને કિચનમાં લાગતી નાની-મોટી આગ બુઝાવવા માટે એ ચોક્કસ કામ લાગશે.

વોટર મીસ્ટ સિસ્ટમ :

મીસ્ટ (mist) એટલે ઝાકળ. આપણે ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે પબ્લિક પ્લેસિસમાં કે હોટેલ્સના કમરાઓમાં સ્મોક ડિટેક્ટર લગાડેલા હોય છે. જયારે આગ લાગે ત્યારે સ્મોક ડિટેક્ટરનાં સેન્સર્સ તરત જ છતમાં બેસાડેલા ફૂવારા-સ્પ્રીંકલર વાટે પાણીનો છંટકાવ કરે છે. છતમાંથી ધોધમાર વરસાદની જેમ વછૂટેલું પાણી કમરામાં લાગેલી આગને ઓલવી નાખે છે. જો કે આ પ્રોસેસ પણ કાયમ સફળ થતો નથી. ક્યારેક આગને કારણે તાપમાન અતિશય વધી જાય છે, જે વધારાનું નુકસાન પહોંચાડે છે. ‘વોટર મીસ્ટ સિસ્ટમ’ પાણીને બદલે ઝાકળ છોડે છે. ઝાકળ એટલે પાણીની નાની-નાની બૂંદોનો સમૂહ. પાણીનું ટીપું જેમ નાનું તેમ સ્પ્રીંકલર વડે છોડાતા પાણીના કુલ જથ્થા સામે પાણીની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. (સામાન્ય બુદ્ધિ કામે લગાડતા આ બાબત આરામથી સમજાઈ જશે) હવે પાણીની જેટલી સપાટી આગની પ્રચંડ ગરમીના સંપર્કમાં આવે તે સીધી વરાળ બની જાય. વરાળ આગની જ્વાળાઓની ગરમીને શોષી લેતી હોય છે. આથી જો સ્પ્રીંકલર વાટે પાણીનાં મોટા ટીપાંને બદલે સૂક્ષ્મ ટીપાં-ઝાકળનો છંટકાવ કરવામાં આવે તો વધુ પ્રમાણમાં વરાળ બને, એટલે કે આગની જ્વાળાઓની ગરમી વધુ પ્રમાણમાં શોષાઈ જાય, પરિણામે આગ ઝડપથી ઠંડી પડીને અંતે શમી જાય! નિષ્ણાંતો માને છે કે વોટર મીસ્ટ સિસ્ટમ ફાયર ફાઈટિંગ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે.

આ સિવાય ESFR સિસ્ટમ (Early Suppression Fast Response Fire Sprinkler Systems) પણ અસરકારક મનાય છે, જેમાં સ્પ્રીંકલરનાં વોટરજેટ દ્વારા એક મીનીટમાં સેંકડો ગેલન પાણી એકસાથે ઠાલવીને મોટી આગને ઝડપથી શમાવી શકે. પરંતુ એમાં પાણીના બહુ મોટા જથ્થાની જરૂર પડે. આ સિસ્ટમ હેવી ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી ગણાય.

વોઇસ બેઝ્ડ ઇવેક્યુએશન એલાર્મ્સ :

આગજનીની ઘટના બને ત્યારે આગ ઓલવવા કરતા પણ વધારે જરૂરી બાબત છે આગના સ્થળેથી લોકોને સલામત સ્થળે ખસેડવા, ઇવેક્યુએટ કરવા. સુરતમાં જે જાનહાની થઈ, એનું મુખ્ય કારણ એ જ હતું કે બાળકોને સમયસર બહાર નહિ કાઢી શકાયા! કેટલાય બાળકો બહાર નીકળવાની જગ્યા ન મળવાને કારણે જીવતા ભૂંજાયા! આવી દુર્ઘટના ન બને એ માટે ઇન્ટીગ્રેટેડ વોઇસ બેઝ્ડ ઇવેક્યુએશન સિસ્ટમ દરેક બિલ્ડીંગમાં હોવી જોઈએ. બિલ્ડીંગના કોઈ એક હિસ્સામાં આગ લાગે ત્યારે આ સ્માર્ટ સિસ્ટમ બિલ્ડીંગનાં તમામ ભાગોમાં આગની માહિતી આપતો વોઇસ મેસેજ રીલીઝ કરે છે. દરેક રૂમમાં લગાડેલા સ્પીકર દ્વારા આ મેસેજ સંભળાય છે. બિલ્ડીંગમાં ચોક્કસ કયા સ્થળે આગ લાગી છે, અને કયા સ્થળેથી સુરક્ષિત બહાર નીકળી શકાશે, એ વિશેની તમામ માહિતી ઉપકરણમાં અગાઉથી ફીડ કરાયેલા ફાયર સેફ્ટી પ્લાનને આધારે પ્રસારિત કરવામાં આવે છે. ઘણી વાર બિલ્ડીંગના એક ખૂણામાં લાગેલી આગ વિષે બધાને ખબર પડે એ પહેલા જ આગ વ્યાપકપણે ફેલાઈ ચુકી હોય છે, અને એવા સંજોગોમાં કોઈ એસ્કેપ રુટ બચતો નથી. પરંતુ આ પ્રકારનું ઉપકરણ આગોતરી માહિતી આપતું હોવાથી ખાસ્સું ઉપયોગી સાબિત થશે.

ઘણી વાર માતા-પિતા બંને જોબ કરતા હોય અને બાળકો ઘરે એકલા ઊંઘતા હોય તો દુર્ઘટનાનું જોખમ વધી જાય છે. એ સમયે ફાયર એલાર્મ વાગે તો પણ ઊંઘમાંથી ઉઠેલા બાળકનું મગજ ત્વરિત રિસ્પોન્સ નથી આપી શકતું. પરન્તુ નિષ્ણાંતોનાં કહેવા મુજબ આવા સમયે જો માતા કે પિતાનો જાણીતો અવાજ બાળકને કમાંડ આપે તો બાળક તરત એને અનુસરે છે. આથી SignalONE નામની કંપનીએ એક એવો ફાયર એલાર્મ બનાવ્યો, જેમાં આગની ચેતવણી આપતો હોય એવો માતા-પિતાનો અવાજ પહેલેથી રેકોર્ડ કરીને ફીડ કરી દેવાનો હોય છે. જ્યારે ઘરમાં આગ લાગે ત્યારે મોટા અવાજે એલાર્મ બીપીંગની સાથે જ પેરન્ટ્સની ચેતવણી પણ સંભળાય છે. આથી ઊંઘમાંથી ઉઠેલું બાળક તરત જ એ મેસેજમાં મળેલા આદેશ મુજબ સલામત રીતે ઘરમાંથી બહાર નીકળી શકે છે.

આશા રાખીએ કે આ ટેકનોલોજિ નજીકના ભવિષ્યમાં ભારતમાં ય આવી પહોંચે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *